મહારાષ્ટ્ર પર તોળાતું રાષ્ટ્રપતિ શાસનઃ ફડણવીસ રાજીનામું આપે તેવા સંકેતો

મુંબઈ તા. ૮ઃ ભાજપ અને શિવસેના વચ્ચે સમાધાન થાય તેવા કોઈ અણસાર દેખાતા નહીં હોવાથી હવે ફડણવીસ સરકાર રાજીનામું આપે, અને રાષ્ટ્રપતિ શાસન આવે, તેવા સંજોગો જણાય છે. આજે સાંજ સુધીમાં કોઈ વિકલ્પ નહીં મળે તો રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય રાજ્યપાલ કરી શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના ૧૩ મા દિવસે પણ રાજ્યમાં નવી સરકારની રચનાને લઈને અવઢવની સ્થિતિ છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે જો આજ સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજ સાંજ સુધી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય મંત્રીઓ પોતાની સરકારી ગાડીઓ અને અન્ય સુવિધા પરત આપી શકે છે.

બીજેપી ફક્ત આજે સાંજ સુધી રાહ જોશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બીજેપી અને શિવસેના વચ્ચે હાલ કોઈ જ ચર્ચા નથી થઈ રહી. આ જ કારણે કોઈ સમાધાન આવે તેવું દેખાતું નથી. બીજેપીના નેતાઓ રાજ્યપાલને મળ્યા. આ પહેલા ગઈકાલે બીજેપીના નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતાં. મુલાકાત પછી ભાજપા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે, લોકોએ ભાજપા-શિવસેનાની જોડાણને બહુમતિ આપી છે. સરકાર બનાવવામાં મોડું થઈ રહ્યું છે. અત્યાર સુધી સરકાર બની જવી જોઈતી હતી. અમે રાજ્યમાં કાયદાકીય વિકલ્પો અને રાજનીતિ સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યપાલને મળ્યા હતાં. અમે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરીશું. ઉદ્ધવ નિર્ણય લેશે.

આ દરમિયાન  માતોશ્રીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લે તે માન્ય રહેવાની વાત કરી છે. બેઠક પછી શિવસેના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે કહ્યું કે, 'અમે આગામી બે દિવસ સુધી હોટલમાં રહીશું. ઉદ્ધવ ઠાકરે જે સૂચના આપશે તેનું અમે પાલન કરીશું'. એનસીપીનો બીજેપી પર આક્ષેપ મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે ટ્વિટ કરીને બીજેપી (ભારતીય જનતા પાર્ટી) પર આક્ષેપ લગાવ્યા હતાં.

જયંત પાટિલે કહ્યું કે, 'જે નેતા રપ વર્ષ જુની સાથી પાર્ટીનું વચન પૂર્ણ નથી કરી શકતી તે લોકોનું શું ભલુ કરશે. 'હું આપેલા વચનનું પાલન કરૃ છું...' જેવા નિવેદનોથી પોતાનું બ્રાન્ડિંગ કરનારા મુખ્યમંત્રી રપ વર્ષ જુની સાથી શિવસેનાને આપેલું વચન પૂરૃં નથી કરી રહ્યા. આટલા જુના સાથીને આપેલું વચન પૂરૃં નથી કરતા ત્યારે મહારાષ્ટ્રની જનતાને આપેલા વચનો શું તેઓ પૂરા કરી શકશે?'

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો તે જનાદેશનું અપમાન હશે. મહારાષ્ટ્ર ઝુકતું નથી, અને દિલ્હી સમક્ષ તે ઝુકશે પણ નહીં. ભાજપ સાથે કોઈ જ રીતે વાતચીત થઈ નથી. અમે આજે રાજ્યપાલને મળશું નહીં, અમે રાજ્યપાલના નિર્ણયની પ્રતિક્ષા કરશું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભાજપ તેમનો સંપર્ક ત્યારે જ કરે કે જ્યારે તેઓ મુખ્યમંત્રી પદ શિવસેનાને આપવા માટે તૈયાર હોય. આ તમામ ઘટના વચ્ચે હવે સૌની નજર રાજ્યપાલ તરફ મંડાઈ છે.

બીજી બાજુ રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે તે અંગે આજે સસ્પેન્સનો અંત આવી શકે છે. ગઈકાલે રાજ્યપાલ બીએસ કોશ્યારીએ કાયદાકીય બાબતો અને બંધારણને લગતા મુદ્દા અંગેના મહાધિવક્તા આશુતોષ કુંભકોણી સાથે રાજભવનમાં ચર્ચા કરી હતી. ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની સ્થિતિને જોતા રાજ્યમાં સરકારની રચનાની સંભાવના ઓછી અને રાષ્ટ્રપતિ શાસનની શક્યતા વધારે જણાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit