મુડીઝે ભારતના આઉટલૂકને 'નેગેટીવ' જાહેર કર્યુંઃ દેવું વધશે

નવી દિલ્હી તા. ૮ઃ મુડીઝે ભારતના આઉટલૂકને સ્ટેબલમાંથી નેગેટીવ જાહેર કરતા દેશ મંદી તરફ ઢસડાઈ રહ્યો છે અને મોદી સરકાર અર્થવ્યવસ્થામાં નિષ્ફળ જઈ રહી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ એક વખત નકારાત્મક સમાચાર આવ્યા છે. રેટીંગ એજન્સી મુડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતનું રેટીંગ ઘટાડી દીધું છે. તેણે ભારત અંગે પોતાનો આઉટલૂક સ્ટેબલમાંથી ઘટાડીને નેગેટીવ કરી દીધું છે. મુડીઝનું કહેવું છે કે પહેલાના મુકાબલે ભારતીય અર્થવ્યવસ્થામાં જોખમ વધી ગયું છે. તેથી અમે રેટીંગ ઘટાડી દીધું છે. મુડીઝના આઉટલૂકથી એ બાબતનો અંદાજ મળે છે કે કોઈ દેશની સરકાર અને તેની નીતિઓ આર્થિક નબળાઈનો સામનો કરવામાં કેટલી અસરકારક છે. ક્રેડીટ રેટીંગ એજન્સી મુડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને આ એક મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.

મુડીઝે ભારતના દૃષ્ટિકોણને એટલે કે ભારતના આઉટલૂકને 'સ્ટેબલ' (સ્થિર) માંથી 'નેગેટીવ' (નકારાત્મક) માં તબદીલ કર્યું છે. આમ મુડીઝે ભારતના આઉટલૂકના રેટીંગના ડાઉન ગ્રેડ કરેલ છે. આ સાથે મુડીઝે કહ્યું છે કે ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા ભારતના ક્રેડીટ રેટીંગ આઉટલૂકને નકારાત્મકમાં મૂકી દેવામાં આવેલ છે, કારણ કે મંદી તરફ આ પહેલું પગલું છે. મુડીઝનું કહેવું છે કે આર્થિક મંદીને લઈને ચિંતાઓ લાંબા સમય સુધી રહેશે અને દેવું વધતું જશે.

મોદી સરકાર ર૦રપ સુધીમાં પ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે જીડીપી ગ્રોથ વધારવા પર ભાર આપે છે, તો બીજી તરફ વિશ્વભરની રેટીંગ એજન્સીઓ ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડી રહી છે. હજુ ગયા મહિને જ મુડીઝે ર૦૧૯-ર૦ માટે ગ્રોથ રેટ અનુમાન ઘટાડી પ.૮ ટકા કર્યું હતું. આ પહેલા અનુમાન ૬.ર ટકાનું હતું. મુડીઝે હવે ભારતનું અર્થતંત્ર સ્ટેબલમાંથી નેગેટીવ કરતા એ સ્પષ્ટ થાય છે કે દેશના આર્થિક વિકાસની ગાડી થંભી જવાની છે. મુડીઝ દ્વારા માર્ચ ર૦ર૦ સુધીમાં બજેટ ખાધ પણ ૩.૭ ટકા જીડીપીના રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.

જો કે, સરકારે તે ૩.૩ ટકા રહેશે તેવું જણાવ્યું છે. બીએએ-ર રેટીંગની પુષ્ટિ કરતા મુડીઝે જણાવ્યું છે કે ધીમી અર્થવ્યવસ્થાને લઈને જોખમ વધી રહ્યું છે. આર્થિક વિકાસ ભૂતકાળની તુલનામાં ભૌતિક રીતે ઓછો રહેશે. આર્થિક મંદીને લઈને ચિંતાઓ લાંબા  સમય સુધી રહેશે અને દેવું વધતું જશે. મુડીઝે ભારત માટે બીએએ-ર વિદેશી મુદ્રા અને સ્થાનિક મુદ્રા દીર્ઘકાલીન રેટીંગની પુષ્ટિ કરી છે. આ પહેલા પણ અનેક રેટીંગ એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થા અંગે પોતાના અનુમાન ઘટાડી દીધા છે. એપ્રિલથી જૂનના ગાળામાં ભારતમાં જીડીપીનો ગ્રોથ માત્ર પ ટકા રહ્યો છે જે ર૦૧૩ પછી સૌથી ઓછો છે. નબળી માંગ અને સરકારી ખર્ચ ઘટવાને કારણે અર્થવ્યવસ્થાની રફતાર વધતી નથી. એક વર્ષ પહેલા આ જ ગાળામાં જીડીપીનો ગ્રોથ ૮ ટકા હતો. ફીચ, ક્રિશીલ, રિઝર્વ બેંકે પણ ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે.

મૂડીઝ દ્વારા કરાયેલ આ તબદિલી પછી તેના પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે. વિપક્ષના પ્રવક્તાઓ અને કેટલાક વિશ્લેષકો આને મોદી સરકારની આર્થિક મોરચે સરિયામ નિષ્ફળતા ગણાવીને નાણામંત્રી નિર્મલા સીતારમણે ઊઠાવેલા કેટલાક કદમ ટૂંકા પડી રહ્યા હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit