વિવાદોમાં ઘેરાયેલી ઘડી ડીટર્જન્ટ કંપની સામે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત

ખંભાળિયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામે સ્થપાયેલી આર.એસ.પી.એલ. ઘડી કંપનીની વિરૃદ્ધ વ્યાપક વાંધાઓ તથા ફરિયાદો સાથે ગ્રામજનો તથા આગેવાનોએ ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાને મળીને ફરિયાદો રજૂ કરી હતી.

દેવભૂમિ જિલ્લાના મોટી આસોટા, ઝાકસિયા, હાબરડી ગામના લોકોએ ઘડી કંપની વિરૃદ્ધ આવેદનપત્ર પાઠવીને કંપની સામે વાંધાઓ રજૂ કર્યા હતાં. કંપનીને છાવરવા માટે મામલતદાર તંત્ર તથા પોલીસ તંત્ર પણ જોહુકમી આચરી રહ્યાના ગંભીર આક્ષેપો કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઘડી કંપની સામે ખેડૂતો તથા ગ્રામજનોનો રોષ દિન-પ્રતિદિન વધતો જાય છે તથા કુરંગા ગામના ખેડૂતોના રસ્તા તથા આંતરિક માર્ગના મુદ્દે વિવાદ-ફરિયાદો ચાલુ છે, ત્યારે વધુ પાંચ ગામોના લોકોએ ફરિયાદ કરી છે.

મીઠાના અગર માટે સરકાર દ્વારા આ કંપનીને ૧૧૪૮ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે જેમાં કંપની સોડાએશ ખોટ કરશે. આથી મોટી જમીન આ કંપનીને આપી દેવાતા ગ્રામજનો રોષે ભરાયા છે. ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીન મીઠાના અગરોને લીધે નાશ થઈ જાય તથા દરિયા કાંઠા નજીકના ચેરના જંગલો પણ જે ક્ષારને રોકે છે તે સાફ થઈ જાય, અહીં આઠેક હજાર વીઘા જમીનને મીઠું પાણી પૂરૃં પાડતો ડેમ પણ મીઠાના અગરથી કેમિકલ યુક્ત બને, નાશ પામે તથા પશુધનને તથા ખેડૂતોની જમીનને વ્યાપક નુક્સાન થાય તેવી ભીતિ સાથે ખેડૂતો-ગ્રામજનોએ જિલ્લા તંત્રને ફરિયાદ કરી છે.

ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં

ઘડી કંપનીને જમીન ફાળવતા તથા આ બાબતે પબ્લિક સુનવણી વગર નિર્ણયો લેવામાં આવ્યા હોય, તથા અભણ, ગરીબ ખેડૂતોને કલ્યાણપુર પોલીસ તંત્ર તથા રેવન્યુ તંત્ર વારંવાર ધમકીઓ આપીને પાંચ દિવસમાં નિર્ણય લેવા દબાણ કરતા હોય, વિશાળકાય કંપની ખેતી અને જમીનનું નિકંદન કાઢી નાખે તેમ હોય, ગ્રામજનો હવે લડી લેવાના મૂડમાં છે.

close
Ank Bandh
close
PPE Kit