લાલપુર તાલુકાના નાંદુરીના વૃદ્ધાએ ઝેર પી ને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

જામનગર તા. ૧૩ઃ લાલપુર તાલુકાના નાંદુરી ગામના વૃદ્ધાએ જમીન બાબતે ચાલતા ઝઘડામાં ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી પાસે ઝેરી દવા પી લઈ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્રએ સમયસર નિર્ણય નહીં લેતા તેમને આ પગલું ભરવાની ફરજ પડી હતી.

લાલપુર તાલુકાના નાંદુરી ગામના પુષ્પાબેન ગોવિંદભાઈ મુછડીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધાને વડીલોપાર્જિત જમીનનો કબજો હાલ અન્ય વ્યક્તિ પાસે છે. આ અંગે પુષ્પાબેનએ મામલતદાર, જિલ્લા કલેક્ટર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું.

આખરે તેમણે જિલ્લા કલેક્ટર કચેરી પાસે સોમવારે આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. આથી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તેમજ ફાયરબ્રીગેડ ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. પરંતુ પુષ્પાબેન રિક્ષા મારફત આવ્યા હતાં અને રિક્ષામાં જ ઝેરી દવા પીધા પછી નીચે ઉતર્યા હતાં. આ અંગેની જાણ થતા જ પોલીસ અને અન્ય ઉપસ્થિત તંત્રની દોડધામ મચી જવા પામી હતી. તરત જ તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ તેઓ ભયમુક્ત હોવાનું જાણવા મળે છે.

close
Nobat Subscription