જામજોધપુરના ચુરમાં સિક્યુરીટીના કોન્ટ્રાક્ટના મુદ્દે ત્રણની હત્યાનો પ્રયાસ

જામજોધપુર તા. ૨૦ઃ જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ઉભી થતી પવનચક્કીનો સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ મેળવવાના મુદ્દે ગઈકાલે તેની સાઈટ પર ધસી આવેલા દસ શખ્સોએ ત્રણ કર્મચારીઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો જેની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ઉભી થઈ રહેલી એક પવનચક્કીમાં સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ચુર ગામના જ સંજયસિંહ ગોવુભા જાડેજા વિગેરે તજવીજ શરૃ કરી હતી. આ કોન્ટ્રાક્ટ હાલમાં કિશોરસિંહ નામના આસામી પાસે છે. તેની પાસેથી કોન્ટ્રાક્ટ ખૂંચવવા કાર્યવાહી કરાતી હતી.

આ બાબતનો ખાર રાખી ગઈકાલે સવારે પવનચક્કીની સાઈટ પર સંજયસિંહ તથા ક્રિપાલસિંહ ચંદુભા, હિતુભા રઘુભા, પ્રદીપસિંહ પ્રવિણસિંહ, રામદેવસિંહ ખુમાનસિંહ, ભગીરથસિંહ દીગુભા, અનુપસિંહ ભીખુભા, નિર્મળસિંહ ભવાનસિંહ, ભુપતસિંહ નારૃભા તથા કૃષ્ણકુમાર રાયસંગ જાડેજા નામના દસ શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતાં.

આ શખ્સોએ સ્થળ પર હાજર જયદીપસિંહ, કિશોરસિંહ, પ્રહલાદસિંહ ધીરુભા પર તલવાર વડે હુમલો કરી આડેધડ ઘા ઝીંકયા હતાં. આ વેળાએ ત્યાં પડેલી જીજે-૧૩-એટી-૬૬૧૩ નંબરની જીપમાં પણ નુકસાની કરવામાં આવી હતી. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા પછી પ્રહલાદસિહે ફરિયાદ નોંધાવતા જામજોઘપુર પોલીસે આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ (બી), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription