રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગૌચર જમીન કૌભાંડ અંગે આજે સુનાવણી

રાજકોટ તા. ર૦ઃ આજે વીંછિયાની કોર્ટમાં રાજ્યના  કેબિનેટ મંત્રીના ગૌચર જમીન કૌભાંડ અંગેની સુનાવણી થવાની છે. જેમાં બન્ને પક્ષોના વકીલો દલીલો રજૂ કરશે.

કુંવરજી બાવળિયા ગત્ વર્ષે અચાનક જ ભાજપમાં જોડાઈ ગયા અને રાતોરાત કેબિનેટમંત્રી પણ બની ગયા. આ જ મંત્રી જ્યારે કોંગ્રેસમાં હતાં ત્યારે પોતાના ગામ પાસે અમરાપુરમાં આવેલી ગૌચરની જમીન પર નકલી સહી-સિક્કા કરી પોતાના નામે કરી લીધી હોવાની ફરિયાદ થઈ હતી. જે કેસમાં ભાજપે જ કુંવરજીને ભીંસમાં લઈ જેલવાસ કરાવ્યો હતો. હવે બાવળિયા ભાજપમાં ભળી ગયા તો સરકારને કુંવરજીભાઈનું જમીન કૌભાંડ કેવું દેખાય છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ કેસની આજથી વીંછિયા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં બન્ને પક્ષના વકીલો ધારદાર દલીલો અને ચાર સાક્ષી અને કુંવરજીભાઈને પણ સાંભળવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. કુંવરજીભાઈ વિરૃદ્ધ ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટના નામે કરી લીધી હતી. જે કેસમાં તેને ર૦૦૮ માં જેલવાસ ભોગવાનો વારો આવ્યો હતો. રાજકોટમાંથી જ જે તે સમયના તપાસ અધિકારી સુખદેવસિંહ ઝાલાએ તેને ઝડપી પાડ્યા હતાં.

જસદણ-વીંછિયા તાલુકાના અમરાપુર ગામના તત્કાલિન સરપંચ સવિતાબેન નાથાલાલ વાસાણીએ અગાઉ ૩ જુલાઈ, ર૦૦પ ના વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી એવા કુંવરજી બાવળિયાએ તત્કાલિન તલાટી-કમ-મંત્રી ભૂપતભાઈ ખાચરના મેળાપીપણામાં ર૧ ફેબ્રુઆરી, ર૦૦૪ ના તેમની (એટલે કે સરપંચ સવિતાબેનના નામે) બનાવટી સહી-સિક્કા કરીને અમરાપુર ગામની સર્વે નં. ૪૧૮ પૈકી ૧પ૪ એકર અને ૧૭ ગુંઠામાંથી ર૦ એકર ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટમાં સમાવી લીધી હતી.

ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બની ગયા તેને રાજકીય ડહાપણ ગણવામાં આવે છે, પરંતુ કેટલીક ચોંકાવનારી હકીકતો એવું સૂચવે છે કે જમીન કૌભાંડમાં એકવાર જેલમાં જઈ આવેલા બાવળિયા ૭ વર્ષની સજાથી બચવા ભાજપમાં જોડાયા છે અથવા તો જમીન કૌભાંડનું કાંડુ મરડીને ભાજપે બાવળિયાને પક્ષપલટો કરવાની ફરજ પાડી છે. બાવળિયા ભાજપમાં જોડયા પછી કેસ નબળો પાડી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવો ફરિયાદીઓ પણ આક્ષેપ કરે છે.

close
Nobat Subscription