| | |

'વન નેશન...વન પાર્ટી'નું સૂત્ર અપનાવીને કોંગ્રેસને ખતમ કરવાનો ભાજપનો ખેલઃ કોંગ્રેસ

નવી દિલ્હી તા. ૧૧ઃ કર્ણાટકના કોંગ્રેસ-જે.ડી.એસ.ના ધારાસભ્યોના રાજીનામાનું પ્રકરણ સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યું છે, ત્યારે ગોવામાં પણ કોંગ્રેસને તગડો ઝટકો લાગ્યો છે, અને દસ ધારાસભ્યોનું જુથ ભાજપ વિધાનસભા પક્ષમાં વિલીન થઈ ગયું છે. વિપક્ષો આને ભાજપની ચાલ ગણાવી રહ્યા છે, અને કોંગ્રેસના નેતા આને કોંગ્રેસને ખતમ કરી દેવાનો કારસો  ગણાવી રહ્યા છે.

કર્ણાટકના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને કર્ણાટક વિધાનસભાના સ્પીકરે તે નહીં સ્વીકારતા તેઓએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાએ કહ્યું છે કે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને નાણા અપાયા છે. દેશમાં ઈમરજન્સી કરતા પણ બદતર હાલત છે. તો બીજી તરફ ગોવામાં દસ કોંગ્રેસી ધારાસભ્યોનું ભાજપમાં વિલીનકરણ કરાવી દેવાતા દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

ગોવાના ૧પ ધારાસભ્યોમાંથી ૧૦ ધારાસભ્યોનું જુથ ભાજપમાં ભળી ગયું છે. પક્ષાંતર વિરોધી ધારા મુજબ આને વિધાનસભા પક્ષમાં ભાગલા પડ્યા છે, તેવું ગણાશે, તેથી આ ધારો લાગુ નહીં પડે. આમ ચાલાકીપૂર્વક કાનૂની છટકબારી શોધીને આ ધારાસભ્યોનું પક્ષાંતર કરાવાયું છે. ગોવાના ૪૦ સભ્યોના ગૃહમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે વધીને ર૭ ની થઈ ગઈ છે.

ગોવા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગિરીશ ચોડણકરે કહ્યું કે ભગવા પાર્ટીનું લક્ષ્ય દેશમાં પોતાનું એકચક્રી શાસન સ્થાપવાનું છે અને તે 'એક દેશ-એક પાર્ટી'ના સૂત્ર હેઠળ આ પ્રકારના કાવાદાવા કરીને વિપક્ષી સભ્યોને પક્ષાંતર કરાવી રહી છે. ગોવા કોંગ્રેસના ધારાસભ્યો કાં તો લાલચમાં આવીને અથવા તો બ્લેકમેલ થઈને ભાજપમાં જઈ રહ્યા છે. ભાજપ સત્તાનો દૂરૃપયોગ કરી રહ્યો છે.

ગોવામાં વર્ષ ર૦૧૭ માં ચૂંટણી થઈ ત્યારે વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ હતી, પરંતુ ભાજપે કાવાદાવા કરીને અને અન્ય નાના પક્ષો તથા અપક્ષના ટેકાથી સરકાર રચી હતી. હવે ગોવા વિધાનસભામાં કોંગ્રેસના માત્ર પાંચ ધારાસભ્યો જ રહી ગયા છે.

કોંગ્રેસ માટે આ મોટો ઝટકો એટલા માટે છે કે જે દસ ધારાસભ્યો ભાજપમાં ગયા છે, તેમાં ગોવા કોંગ્રેસના કદાવર નેતાઓ પણ સામેલ છે, જેના કારણે ગોવામાં કોંગ્રેસની બુનિયાદ જ હલી ગઈ છે. આ રીતે ગોવા વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધી ગયું છે, જ્યારે કોંગ્૮રેસનો રકાસ થયો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એવો દાવો કર્યો કે  જે કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે, તેઓ સ્વૈચ્છિક રીતે ભાજપમાં જોડાયા છે.

આમ ગોવાનો ઘટનાક્રમ કર્ણાટકથી અલગ છે. નાની વિધાનસભા હોવાથી પક્ષાંતર વિરોધી કાનૂનમાં રહેલી છટકબારીનો ઉપયોગ કરીને ૧પ માંથી ૧૦ ધારાસભ્યોના જુથે પક્ષાંતર કર્યું છે. આ કારણે ધારાસભ્યોએ ધારાસભ્ય પદ પરથી રાજીનામા આપવા નહીં પડે.

રાજકીય વિશ્લેષક રવિશકુમાર કર્ણાટકના ઘટનાક્રમના સંદર્ભે એ.ડી.આર.ના રિપોર્ટનો ઉલ્લેખ કરે છે અને વર્ષ ર૦૧૭-૧૮ અને ર૦૧૮-૧૯ માં રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી મળેલા ૯૮પ કરોડના ફાળામાંથી ૯૧પ કરોડ એકલા ભાજપને મળ્યા છે, તેથી એવું કહી શકાય કે કોર્પોરેટ ક્ષેત્રો અને ઉદ્યોગગૃહો દેશના યુવાનોને રોજગારી ભલે પૂરતા પ્રમાણમાં ન આપી શકતા હોય, પરંતુ રાજકીય પક્ષોને જંગી ફાળો જરૃર આપી રહ્યા છે!

એવો આક્ષેપ થઈ રહ્યો છેી કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોની જથ્થાબંધ ખરીદી શરૃ કરી દીધી છે અને નાણાની કોથળીઓ ખુલી મૂકી દીધી છે, તેથી કોંગ્રેસના નેતાઓ ભાજમાં જઈ રહ્યા છે. આ આક્ષેપના જવાબમાં ભાજપવાળા કહે છે કે, જે વહાણ ડૂબતું  હોય, તેમાં કોઈ રહેવા માંગતું હોતું નથી. કોંગ્રેસના ધારાસભ્યો તેમની સ્વૈચ્છાએ પાર્ટી છોડી રહ્યા છે તેમાં ભાજપ શું કરે?

નવાઈની વાત એ છે કે જ્યાં સુધી કોંગ્રેસમાં હોય, ત્યાં સુધી જે નેતાઓ પર ભાજપે આક્ષેપોની ઝડી વરસાવી હોય, તે ભાજપમાં આવે, એટલે 'શુદ્ધ' થઈ જાય છે, અને મોદીચાલીસાનું ગાન કરતા જ તેના પાપ ધોવાઈ જાય છે!

કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ તો હજુ મોટાભાગે અકબંધ રહ્યા છે, પરંતુ પ્રાદેશિક કક્ષાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા પદાધિકારીઓ જુથ રચીને કે વ્યક્તિગત રીતે પોતાનું પદ છોડીને પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તે જોતાં આ ખેલ કોંગ્રેસને પાયામાંથી જ ખતમ કરી દેવાનો જણાય છે.

એવી ચર્ચા પણ થઈ રહી છે કે પક્ષાંતર કરનારા ધારાસભ્યોને ખરેખર કોંગ્રેસ સાચવી શકી નથી, કે પછી તેઓ કોઈ પ્રલોભન હેઠળ પક્ષાંતર કરી રહ્યા છે? એવી વાતો થાય છે કે કોંગ્રેસના ધારાસભ્યો કરોડોમાં ખરીદાઈ રહ્યા છે, ત્યારે કથિત રીતે વેંચાઈ જનાર નેતાઓ સામે પણ સવાલો ઊઠે તે સ્વભાવિક છે. બીજી દૃષ્ટિએ ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, તેથી ભાજપની મૂળ પરિશ્રમી કેડર પર પણ તેનો વિપરીત પ્રભાવ પડ્યા વિના રહેવાનો નથી.

એવું કહેવાય છે કે, ઈમાનદાર કોંગ્રેસી નેતાઓને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને પક્ષાંતર કરાવાઈ રહ્યું છે. વિપક્ષના નેતાઓ લોકસભાની હત્યા થઈ રહી હોવાનું જણાવી રહ્યા છે. ધાકધમકી, બ્લેકમેઈલીંગ થઈ રહ્યું છે, ત્યારે રાજનાથસિંહ સંસદમાં આ આરોપોને ફગાવે છે, ત્યારે એ યાદ અપાવવું પડે કે કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવીને પેટાચૂંટણીમાં ચૂંટાયા પહેલા જ મંત્રી બનાવાઈ રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit