| | |

માતા-પિતા સાથે બાઈક પર જતી બાળકીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ

જામનગર તા. ૧૧ઃ કાલાવડ-રાજકોટ ધોરીમાર્ગ પર નીકાવા ગામ પાસે ગઈકાલે બપોરે એક મોટરે સામેથી આવતા બાઈકને હડફેટે લેતા કાલાવડના કોળી પરિવારની બાળકીનું માતા-પિતાની નજર સામે મુત્યુ નિપજ્યું છે જ્યારે એરપોર્ટ રોડ પર નિવૃત્ત આર્મીમેનને મોટરે ફંગોળી પગ ભાંગી નાખ્યો છે.

કાલાવડ શહેરના કુંભનાથપરા નજીકના વેલનાથ ચોકમાં રહેતા વિશાલભાઈ મનસુખભાઈ ગોહિલ તેમના પત્ની ગીતાબેન તથા પુત્રી રૃપાલી સાથે ગઈકાલે જીજે-૧૦-બીએચ-૯૧૮૪ નંબરના મોટરસાયકલમાં કાલાવડથી શાપર-વેરાવળ જવા માટે નીકળ્યા હતાં.

અંદાજે સાડા ત્રણેક વાગ્યે આ મોટરસાયકલ જ્યારે રાજકોટ ધોરીમાર્ગ ઉપર નીકાવા ગામ પાસે પહોંચ્યું ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે ધસી આવતી જીજે-૩-એલબી-૧૪૮૯ નંબરની મોટરે તે મોટરસાયકલને હડફેટે લેતા પતિ, પત્ની તથા પુત્રી કાળજબરી ચીસ સાથે રોડ પર ફંગોળાઈ ગયા હતાં. અકસ્માત સર્જી સ્થળ પરથી મોટર નાસી છુટી હતી. ત્યાં હાજર લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી તેમના પરિવારને જાણ કરી હતી. સારવારમાં લઈ જવામાં આવેલી બાળકી રૃપાલી વિશાલભાઈનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે પિતા વિશાલભાઈ તથા માતા ગીતાબેનને સારવાર આપવામાં આવી છે. આ અકસ્માત અંગે વિશાલભાઈના પિતા મનસુખભાઈ મોહનભાઈ ગોહિલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાસી છુટલી મોટરના સગડ દબાવ્યા છે.

જામનગરના ઓશવાળ-૪ વિસ્તારમાં રહેતા દીપકકુમાર ભીખારામ મેસવાણીયા નામના આર્મીના નિવૃત્ત કર્મચારી મંગળવારે સવારે એરપોર્ટ રોડ પરથી જીજે-૧૦-બીઈ-૧૦૫૬ નંબરના મોટરસાયકલમાં જતા હતાં ત્યારે જીજે-૩૭-ટી-૯૭૯૮ નંબરની મોટરે ઠોકર મારતા દીપકકુમારને ફ્રેક્ચર થયા છે. પોલીસે મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit