ગુજરાતમાં ભ્રષ્ટાચાર... ગુંડાગીરી... લુખ્ખાગીરી... છીંડે ચડ્યો તે ચોર...

ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેટલો ફાલ્યોફૂલ્યો છે, તેના દૃષ્ટાંતો તાજેતરના કેટલાક ઘટનાક્રમોમાંથી મળી રહે છે. કોઈ નાયબ મામલતદાર કક્ષાનો કર્મચારી કરોડોની મિલકત, લકઝરી કારનો કાફલો અને વૈભવી બંગલાઓનો માલિક હોય, ત્યાં ભ્રષ્ટાચારના માર્ગે થતી કમાણી કેટલી વિરાટ હશે, તેની કલ્પના થઈ શકે છે. ગુજરાતીમાં એક કહેવત છે "છીંડે ચડ્યો તે ચોર...!"

આ કહેવત મુજબ કરોડપતિ નાયબ મામલતદાર તો માત્ર આઈસબર્ગની ટોચ છે, બાકી ટોપ-ટુ બોટમ ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે, કાયદેસરના અને લોકોની રોજ-બરોજની જિંદગી સાથે સંકળાયેલા નાના-નાના કામો માટે પણ નિશ્ચિત રકમની લાંચ આપવી પડતી હોવાની સાર્વત્રિક રાવ ઉઠતી રહેતી હોય છે. જો કે, ભ્રષ્ટાચાર નિવારણ માટે કેટલાક પગલા લેવાયા અને કેટલીક સરકારી પ્રક્રિયાઓને પારદર્શક તથા ઓનલાઈન કરી દેવામાં આવી, છતાં પણ ભ્રષ્ટાચારી ગેંગો તેમાંથી પણ રસ્તો કાઢીને કાળી કમાણી કરવાના કારસા કરતી જ રહેતી હોય છે, અને તેના પ્રમાણે પણ એસીબી દ્વારા પકડાયેલા તાજેતરના કેટલાક મામલતદાર કક્ષાના લાંચિયાઓના સ્વરૃપમાં મચી રહ્યાં છે.

સરકારે રાજ્ય સરકારના તમામ વર્ગો - તમામ સંવર્ગના અધિકારી-કર્મચારીઓની સંપત્તિ તથા સાઈડ બિઝનેસની તપાસ કરાવવી જોઈએ, એટલું જ નહીં મર્યાદિત પગાર હોવા છતાં ઠાઠમાઠથી જિંદગી જીવતા અને વૈભવી કાર તથા બંગલાઓ ધરાવતા તમામ અધિકારી, કર્મચારીઓની સહિયારી તપાસ સમયાંતરે કરતા રહેવી જોઈએ. જેમાં પરિવારજનો કે લાગતા-વળગતા લોકોના નામે રાખેલી જમીનો કે સં૫ત્તિઓને પણ આવકની ગણતરીમાં લેવી જોઈએ.

એસીબી માત્ર ફરિયાદ આવે, ત્યારે જ છટકાં ગોઠવે તેના બદલે આ પ્રકારે કોઈ નવી પદ્ધતિથી "વોચ" રાખીને કડક કદમ ઉઠાવી શકે, તે માટે સરકારે જરૃર હોય તો સંબંધિત કાયદા પણ સુધારવા જોઈએ. દેખીતી રીતે જ ભ્રષ્ટાચારથી મદમસ્ત થયેલા સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ જ્યારે કોઈ રાજનેતાઓ સાથે ફરતા જોવા મળે, ત્યારે લોકોને શાસન પર પણ શંકાઓ ઉઠે તે સ્વાભાવિક છે. રૃપાણી સરકારે વાસ્તવમાં ભ્રષ્ટાચારથી મુક્ત શાસન વ્યવસ્થા આપવા માંગતી હોય તો બધી છટકબારીઓ બંધ કરીને માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ જવાબદાર હોદ્દાઓ પર કાર્યરત નેતાઓ (મંત્રીઓ) સહિત પર પણ 'વોચ' રાખવી જોઈએ.

સરકારી તંત્રમાં દરેક અધિકારી-કર્મચારીઓએ દર વર્ષે તેની પાસે રહેતી સ્થાવર-જંગમ મિલકતનું નિયત પત્રક ભરીને સરકારમાં આપવું પડતું હોય છે. આ બધા ફોર્મ્સ માત્ર ફાઈલોમાં મૂકી દેવાના બદલે જો તેની એસીબી દ્વારા તપાસ કરાવવામાં આવે, તો સંખ્યાબંધ 'અમીર' કર્મચારીઓ મળી આવશે, અને તે પૈકી ઘણાંની સંપત્તિ આવક કરતા અનેકગણી વધુ જણાશે. આવી અટકળ એટલા માટે કરવી પડે છે કે હવે કેટલાક કરોડપતિ કર્મચારીઓના કારનામા બહાર આવવા લાગ્યા છે.

ગુજરાતમાં પણ દેશના અન્ય કેટલાક રાજ્યોની કુખ્યાત થયેલી ગુંડાગીરી અને લુખ્ખાગીરીને પણ ટક્કર મારે તેવી સ્થિતિ હવે ઊભી થવા લાગી છે. ગુનાખોરીનું પ્રમાણ નોંધાઈ રહ્યું છે, તેના કરતા અનેકગણું વધુ હોવાનું પણ ચર્ચાય છે. ભ્રષ્ટાચાર, ગુંડાગીરી, લુખ્ખાગીરી સામે પ્રહાર કરવા મજબૂત ઈચ્છાશક્તિ અને પારદર્શિતા હોવી પણ જરૃરી છે.

મોટા મોટા તોડ થતા હોવાની આશંકા અને ભ્રષ્ટાચારના તોતીંગ ભરડાના કિસ્સાઓ બનવા લાગ્યા પછી સરકારે આરઆરસેલ તો બંધ કર્યું, પરંતુ તે 'માનસિકતા' હવે મોજુદ કે વિકલ્પે ઊભી થનારી નવી વ્યવસ્થામાં ટ્રાન્સફર થશે. હવે તો રાજનીતિનું અપરાધીકરણ થવા કરતાંયે વધુ અપરાધીઓનું રાજનીતિકરણ થવા લાગ્યું હોય તેમ જણાય છે!

close
Ank Bandh
close
PPE Kit