બગડેલા સંબંધ સુધારવા કોઈના મૃત્યુની રાહ જોવાની?

 

ત્રણ ભાઈઓ, બધા ૬૦ ની ઉપરની ઉંમરના, ત્રણેય વચ્ચે ઘણા વર્ષોથી અબોલા, અબોલાનું કારણ પણ બહુ મોટું નહીં, કંઈક નાની વાતમાં ખટરાગ થયો અને ત્રણેય વચ્ચે અબોલા. એકબીજાની સામે જોવાનું પણ ટાળે. એક જ શહેરમાં રહેતા હોવાથી ક્યાંક અચાનક ભેગા થઈ જાય તો પણ સામે ન જોવે, અને ઘરે જઈને ગુસ્સો કરે કે આજે ક્યાં આ મળી ગયો? વર્ષો થઈ ગયા, કુટુંબના ઘણા લોકોએ અબોલા તોડવાની કોશિશ કરી, પણ સફળતા ન મળી અને તેવામાં મોટાભાગની પત્ની ગુજરી ગઈ. અબોલા હોવા છતાં બન્ને નાના ભાઈઓ પત્ની-બાળકો સાથે મોટાભાઈની ક્રિયામાં ગયા. મોટાભાઈ બન્નેના ખભે માથુ મૂકીને રડી પડ્યા. ભાભીની ચિતા સાથે અણબનાવ-ગેરસમજ પણ ખાખ થઈ ગયા, અને પછીથી ત્રણેય કુટુંબ વચ્ચે અબોલા તૂટી ગયા. મોટાભાભીના મૃત્યુ પછી ત્રણેય ભાઈઓ વચ્ચે ઘરના વ્યવહાર ચાલુ થઈ ગયા.

એક દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા એટલે માતા-પિતાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો. એટલી હદ સુધી દીકરી પ્રત્યે ગુસ્સો કે દીકરીના ઘરે દીકરાનો જન્મ થયો અને તેના સાસરિયાએ આમંત્રણ આપ્યું તો પણ ન ગયા. દીકરી-જમાઈ માતા-પિતાને મનાવવા ઘરે આવ્યા, તો અપમાન કરીને કાઢી મૂક્યા. જાણે દીકરીના નામનું નાહી નાખ્યું હોય તેમ ઘરમાંથી તેની એક એક વસ્તુ બહાર ફેંકી દીધી. દીકરીએ ઘણા વર્ષો કોશિશ કરી, પણ મા-બાપ ન માન્યા, અને માતા-પિતાની નારાજગી મનમાં લઈને જીવતી દીકરી ૩પ વર્ષની ઉંમરે એક દિવસ અચાનક હાર્ટએટેકથી ગુજરી ગઈ. તેના ઘરનાએ તેના માતા-પિતાને જાણ કરી અને આટલા વર્ષોથી મનમાં રહેલો ગુસ્સો ઓગળી ગયો. મા-બાપ દોડી આવ્યા, પણ હવે શું? દીકરી તો ચાલી ગઈ, પણ ત્યારપછી તેના માતા-પિતાએ જમાઈ અને દીકરીના દીકરા સાથે સંબંધ સુધારી લીધા.

બે દોસ્ત... નાનપણથી જ એકબીજા માટે જાન આપે તેવા... મોટા થયા, લગ્ન થયા, બાળકો થયા પણ દોસ્તી એની એ જ... પણ અચાનક શું થયું કે બન્ને વચ્ચે ઝઘડો થયો, અને વાત એટલી વધી ગઈ કે, બન્નેએ એકબીજા સામે ન જોવાના, ન બોલવાના સોગંદ લીધા. બન્નેને એકબીજા પ્રત્યે એટલો ગુસ્સો કે ક્યાંક કાંઈ પ્રસંગો, કોઈ સ્થળે, એક મિત્ર હાજર હશે એવી ખબર પડે તો બીજો મિત્ર ન જાય. વરસો સુધી અબોલા... અન્ય કોમનમિત્રોએ બન્ને વચ્ચેના સંબંધ સુધારવાની કોશિશ કરી, પણ નિષ્ફળ... અને એક દિવસ એક મિત્રના દીકરાનો એક્સિડન્ટ થયો, હોસ્પિટલમાં દાખલ થયો, આ વાતની ખબર પડતા બીજો મિત્ર દોડી આવ્યો, નારાજગી-ઝઘડો ભૂલી ગયો, મિત્રના દીકરાને બચાવવા પોતાનું લોહી આપ્યું. ઓપરેશન માટે આર્થિક મદદ કરી અને બન્ને મિત્રો ઝઘડો ભૂલીને ફરીથી એક થયા.

ઉપરના ત્રણેય પ્રસંગમાં એક સમાનતા એ છે કે વર્ષોના અબોલા, મતભેદ કે મનભેદ જે અન્ય લોકોના પ્રયાસથી ન તૂટ્યા, તે અંગત વ્યક્તિના મૃત્યુથી તૂટી ગયા. ઝઘડા-મતભેદ દરેક સંબંધમાં થાય જ છે. કોઈપણ સંબંધ એવો નહીં હોય કે જ્યાં નાની-મોટી તકરાર ન થતી હોય, ભાઈ-ભાઈ વચ્ચે, ભાઈ-બેન વચ્ચે, દોસ્તો વચ્ચે, અરે... ક્યાંક તો માતા-પિતા અને સંતાનો વચ્ચે પણ ઝઘડા થાય છે, અબોલા થાય છે, પણ પછી થોડા સમયમાં એ ઝઘડા ભૂલાય જાય છે અને સંબંધો યથાવત્ થઈ જાય છે અને એ જ સારૃ છે. નાની-મોટી તકરાર પછી તેને લાંબી ખેંચવાનો અર્થ નથી, સ્વજનોથી દૂર રહી શકાય તેમ જ નથી. અબોલા બન્ને વ્યક્તિને દુઃખી કરે છે, જીવ બળતા હોય છે, ઉપર ઉપરથી ગુસ્સો બતાવતા હોય, પણ મનમાં તો ઊંડે ઊંડે તેના પ્રત્યે લાગણી હોય જ, અને આવો ગુસ્સો તોડવો જ યોગ્ય છે. અબોલા લાંબો સમય રહે તે યોગ્ય નથી.

ઉપરના ત્રણેય કિસ્સામાં વર્ષો સુધી એકબીજા સાથે જોડાયેલા, એક ઝઘડાથી વર્ષો સુધી દૂર રહ્યા અને કોઈ અંગત વ્યક્તિના મૃત્યુથી ફરીથી નજીક આવી ગયાની વાત છે. શું આપણે બગડેલા સંબંધ સુધારવા કોઈના મૃત્યુની રાહ જોવાની? મરનાર વ્યક્તિ તો મનમાં એ ખટકો લઈને જ ગઈને કે મારા સ્વજનો મારી સાથે બોલતા નથી. તેના મૃત્યુ પછી બધા વચ્ચે સમાધાન થઈ ગયું એ તેને ક્યાં ખબર પડવાની છે? દીકરીના લગ્નથી નારાજ માતા-પિતાએ તેના મૃત્યુ પછી જમાઈ અને તેના દીકરાને અપનાવી લીધા, પણ દીકરીના આટલા વર્ષોના દુઃખનું શું? પાછા સંબંધ  સુધારી લીધા પછી બધા એમ કહે કે, 'હવે તેના આત્માને શાંતિ મળશે, તે જ્યાં હશે ત્યાંથી આપણને સાથે જોઈને ખુશ થશે' પણ આ ખુશી આપણે તેને જીવતે જીવતા ન આપી શકીએ? સંબંધ સુધારવા મૃત્યુની રાહ જોવાની? મૃત્યુ પછી એ ક્યાં હશે? ક્યાંથી આપણને જોશે, ક્યાં તેના આત્માને શાંતિ મળશે એ આપણે ક્યાં જાણીએ છીએ? આપણે તો આવું કહીને આપણી ભૂલને છાવરીએ છીએ, શબ્દોથી આશ્વાસન લઈએ છીએ.

આપણી વિચારસરણી બહુ વિચિત્ર છે. કોઈ પર ગુસ્સો હોય એટલે સતત તેના માટે ખરાબ બોલતા હોઈએ, તેની સામે જોવાનું ટાળતા હોઈએ, પણ તેના મૃત્યુ પછી આપણો ગુસ્સો શાંત થઈ જાય છે અને તે વ્યક્તિ અચાનક આપણા માટે સારો થઈ જાય છે. આપણે તેની સાથે જોડાયેલા લોકો સાથે સંબંધ સુધારી લઈએ છીએ એવું કેમ?

એક ભાઈ, બહું ગરમ મગજના, નાની નાની વાતમાં બધા સાથે ઝઘડા કરે, પત્ની સાથે પણ વારંવાર ઝઘડે, તેમણી પત્ની બહુ સમજાવે, પણ તે ન સમજે, અને અચાનક પત્ની મૃત્યુ પામી, અચાનક તે ભાઈનું મન બદલાઈ ગયું, હવે તે કોઈ સાથે ઝઘડતા નથી, બધાને એમ જ કહે કે 'એ' મને બહુ સમજાવતી, હવે એ નથી તો હું તેની વાત માની લઉ છું. હવે કોઈ સાથે ઝઘડો નહીં કરૃ' આમાં તેમનો તો અન્ય સાથે સંબંધ સુધરી ગયો, તેમની તો બાકીની જિંદગી શાંતિથી જવાની, પણ તેમની પત્ની આખી જિંદગી તેમના મગજથી ડરી ડરીને જીવી, પત્નીની જિંદગી તો તેમને સમજાવવામાં જ ગઈ. હવે તેના મૃત્યુ પછી તે ભાઈ સુધરી ગયા, પણ પત્નીની તકલીફનું  શું? થોડા વહેલા સુધરી ગયા હોત તો પત્ની પાછલી જિંદગીના થોડા વર્ષો તો શાંતિથી જીવી શકી હોત!

આપણે હંમેશાં આવું જ કરશું? બગડેલા સંબંધ સુધારવા મોટા આઘાતની રાહ જોઈશું? વિચારો તો ખરા કે મરનાર વ્યક્તિ મનમાં કેટલું બધું લઈને જશે? જીવનનું ક્યાં કંઈ નક્કી છે? આપણે કેટલા વર્ષ જીવીશું એ ક્યાં ખબર છે? કદાચ અન્યને બદલે આપણે ચાલ્યા જઈએ તો આપણા બગડેલા સંબંધોની અસર આપણા કુટુંબ પર પણ પડશે જ ને... આપણા ગયા પછી તેમને કોણ સાથ આપશે? જીવનની મુસીબત એકલાએ જ ઉપાડવાની છે, પણ તે સહન કરવા સ્વજનોનો સાથ જરૃરી છે અને એ સાથ મેળવવા માટે બધા સાથે સારા સંબંધ હોવા જરૃરી છે. દુનિયામાંથી જતી વખતે આપણે કંઈ નથી લઈ જવાના, તો પછી મૃત્યુ પછી કોઈ આપણને કડવાશથી યાદ કરે, તેના બદલે પ્રેમથી, મીઠાસથી યાદ કરે એવું ન કરી શકીએ? આપણને યાદ કરતા કોઈના મનમાં ગુસ્સો આવે તેના બદલે કોઈ આપણને હસતા ચહેરે યાદ કરે એવું ન કરી શકીએ? દુનિયામાં પદ-પૈસા-પ્રતિષ્ઠા બધા કરતા વધારે મહત્ત્વના સંબંધો છે, લાગણી છે અને આ સંબંધોની દુનિયા બહુ અવળચંડી છે. બને ત્યાં સુધી સંબંધો બગડવા જ ન દો, અને બગડેલા હોય તો સુધારી લો, કોઈના મૃત્યુની રાહ ન જોવો... જીવતા જ તેમને ખુશી આપો... વિચારો... તમારે કોઈ સાથે અણબનાવ છે? તો ઊઠો... મોબાઈલ પકડો અને તે વ્યક્તિ માત્ર એક કોલ જેટલા જ તમારાથી દૂર છે, તેમને મનાવી લો... કોને ખબર ક્યો શ્વાસ આપણો કે તેમનો છેલ્લો હોય...

- દિપા સોની 

આપણી જિંદગી પર હક્ક કોનો? આપણે કે આપણી સાથે જોડાય તેનો? આપણે કોની સાથે દોસ્તી રાખવી, કોની સાથે વાત કરવી, કોની સાથે કેટલા સંબંધ રાખવા એ કોણ નક્કી કરશે? આપણે કે આવનાર નવી વ્યક્તિ? માન્યું કે લાગણી-પ્રેમ હોય ત્યાં હક્ક આપોઆપ આવી જતો હોય છે, પણ હક્ક મળે છે, આધિપત્ય નહીં. જિંદગીની અડધી સદી પૂરી થઈ હોય ત્યારે આવનાર નવી વ્યક્તિ કહે કે પાછલી જિંદગીના બધા સંબંધ તોડી નાખ કે ઓછા કરી નાખ એ વ્યાજબી છે? માન્યું કે નવી આવનાર વ્યક્તિ ખૂબ ચાહે છે, અઢળક પ્રેમ આપે છે, પણ તેનાથી પાછલા સંબંધો તોડી નાખવા એ ક્યાંનો ન્યાય?

થોડા ગુસ્સામાં, થોડી નારાજગી સાથે ૪૩ વર્ષની નયના (નામ બદલાવ્યું છે) પોતાની વાત કરે છે. કહે છે કે હું ૪૩ વર્ષની છું, એકલી છું, પતિ-બાળકો નથી, માતા-પિતા સાથે રહું છું, નોકરી કરૃ છું, સ્વતંત્ર જીવવું છું, નાની ઉંમરમાં પ્રેમમાં મોટો આઘાત મળ્યા પછી આટલા વર્ષો પ્રેમ વગર જીવી. પ્રેમમાં વિશ્વાસ ન હતો એવું નહતું, પણ કોઈનો ભરોસો કરતા ડરતી હતી. જીવનમાં બે દોસ્તો હતાં, પણ એકદમ શુદ્ધ દોસ્તી, જીવનની નાની-મોટી તકલીફોમાં દોસ્તીએ સાથ આપ્યો હતો. ૪૩ વર્ષની જિંદગીમાં ઘણી તકલીફો પડી હતી, દર વખતે દોસ્તોએ મુસીબતમાં મદદ કરી હતી. મદદ એટલે આર્થિક નહીં, માનસિક...

૪ર વર્ષ પૂરા થયા પછી મારી જિંદગીમાં એક વ્યક્તિએ પ્રવેશ કર્યો. તેનું નામ વિવેક (નામ બદલાવ્યું છે) વિવેકની ઉંમર પ૦ વર્ષની. એક પ્રોગ્રામમાં ભેગા થયા અને ફોન નંબરની આપલે પછી વાત-ચીતની રૃટીન ક્રિયા ચાલુ થઈ. દોસ્તીના દાવે શરૃ કરેલો સંબંધ અચાનક પ્રેમમાં પલટાઈ ગયો. મને ખુદને ખબર જ ન પડી કે આવું કેમ થયું? આટલા વર્ષોથી સજ્જડ બંધ કરેલા દિલના દરવાજા વિવેકના હળવા ટકોરાથી કેમ ખુલી ગયા, પણ પ્રેમ થઈ ગયો. મારા મન પ્રેમ એટલે લાગણી-પ્રેમનું આદાનપ્રદાન. હું વિવેકના જીવનમાં, તેના ઘરસંસારમાં ડખલ દેવા માંગતી ન હતી. વિવેક સાથે ઓળખાણ થઈ ત્યારે જ મેં, મારી જિંદગીની, જિંદગીની તકલીફો, દોસ્તો વિશે કહી દીધું હતું. એમ પણ કહ્યું હતું કે જો આ બે દોસ્ત મારી જિંદગીમાં ન હોત તો હું કદાચ તૂટી  ગઈ હોત, વિવેકને ત્યારે તેની અન્ય સાથેની દોસ્તીથી વાંધો નહતો.

તકલીફની શરૃઆત ત્યારે થઈ કે જ્યારે બન્ને વચ્ચે પ્રેમનો એકરાર થયો. હું હજી મુંઝવણમાં હતી. પ્રેમ કરતા ડરતી હતી, પણ વિવેકના સ્વભાવથી હું તેના પ્રત્યે ખેંચાઈ ગઈ. મેં વિવેક સાથે ચોખવટ કરી લીધી કે આપણા સંબંધથી તમારા ઘરમાં પ્રોબ્લેમ ન થવો જોઈએ. વિવેક તો બધું છોડીને મારી સાથે જોડાવા તૈયાર હતો, પણ મેં ના પાડી કે મારે તમારૃ ઘર તોડવું નથી. હું અને વિવેક મળતા, એકાંતમાં નહીં જાહેરમાં... હું મારી બધી વાત કરતી. મારી, મારી નોકરીના સ્થળની, ઘરની, દોસ્તોની બધી જ... અને તકલીફ ત્યારે જ શરૃ થઈ વિવેક અચાનક મારા પ્રત્યે પઝેસીવ થઈ ગયો. મારા અન્ય દોસ્તો સામે તેને વાંધો આવી ગયો. પ્રેમ અલગ છે, દોસ્તી અલગ છે, એવું મેં તેને સમજાવ્યું, પણ તે ન સમજ્યો. તેણે ચોખ્ખું તો ન કહ્યું, પણ તેની વાતોનો અર્થ એ જ હતો કે મારે મારા વર્ષો જુના દોસ્તોથી સંબંધ તોડી નાખવો, તેણે કહ્યું, 'હું તને બાંધતો નથી, તું ઊંચા આકાશમાં ઊડ, પણ એ આકાશ મારૃ હોવું જોઈએ'. વિવેકે કહ્યું કે દરેક ક્ષણે તારા મગજમાં, તારા મનમાં મારા જ વિચારો હોવા જોઈએ. અન્યના વિચાર પણ તારા મનમાં કેમ આવે? તારી ક્ષણેક્ષણ પર મારો હક્ક હોવો જોઈએ.

હું ડઘાઈ ગઈ. આ કેવો પ્રેમ? મેં તો એને ક્યારેય નથી કહ્યું કે તારા આટલા વર્ષોના સંબંધ તોડી  નાખ. તે તો મારી જિંદગીમાં ૪ર વર્ષ પછી આવ્યો. આટલા વર્ષોમાં નિસ્વાર્થભાવે જેણે મને સાથ આપ્યો છે તેમને હું શું કામ છોડું? પ્રેમમાં હક્ક હોય, આધિપત્ય ન હોય?

હવે હું શું કરૃ એ વિચારૃ છું?

નયનાની વાત સાંભળીને થયું કે આ પુરુષો આવા કેમ હોતા હશે? પોતાના પ્રિય પાત્રના જીવનમાં અન્ય કોઈ છે એ જાણીને તેમનો ઈગો કેમ હટ થઈ જતો હશે? ખરેખર તો તેમણે તેના જુના દોસ્તોનો આભાર માનવો જોઈએ કે તેમના કારણે તેમનું પ્રિય પાત્ર આટલી તકલીફ વચ્ચે પણ જીવનના આટલા વર્ષ જીવી શક્યા, પણ પુરુષોને જે જોઈએ તે સર્વાંગ જ જોઈએ. જે પોતાનું છે તેના પર બીજા કોઈનો જરા પણ હક્ક તે સહન નથી કરી શકતા. નયનાને શું સલાહ આપું તે સમજાતું નથી. નયનાની વાત સાચી જ છે, જીવનની દરેક મુશ્કેલીમાં સાથ આપનાર દોસ્તોને શું કામ છોડવા જોઈએ. વિવેકનો પ્રેમ મળે છે એ વાત સાચી, પણ પ્રેમમાં શરત ન હોય. નયનાએ કાંઈ વાત છૂપાવી હોય તો શંકા કરવી વ્યાજબી છે, પણ જ્યારે નયના પોતાની દરેક વાત કહે જ છે ત્યારે તેના દોસ્તો સામે ઈર્ષ્યા કરવી વ્યાજબી નથી, પણ આ પુરુષો આ વાત નથી સમજતા. પ્રેમ અને દોસ્તી વચ્ચે ફર્ક છે એ નથી સમજતા... એક વ્યક્તિના આવવાથી બાકીના તમામ સંબંધો ન છોડી શકાય, એ વાત તે નથી સમજતા અને આ માત્ર અભિમાન જ છે, પ્રેમ છે જ, પણ અભિમાન વધારે છે.દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ટેલેન્ટ છૂપાયેલો હોય છે. એ ટેલેન્ટને દુનિયા સમક્ષ લાવવા માટે જરૃર હોય છે માત્ર યોગ્ય માર્ગદર્શનની. વિદ્યાર્થીકાળમાં આ માર્ગદર્શન શિક્ષકો જ આપી શકે. દરેક શિક્ષકને તેના તમામ વિદ્યાર્થીઓની આવડતની જાણકારી હોય છે. યોગ્ય સમયે તે આવડતને માર્ગદર્શન આપીને હરિફાઈમાં વિદ્યાર્થીને પ્રથમ ક્રમ અપાવી શકે છે. આવા જ ડીકેવી સાયન્સ કોલેજના શિક્ષકો ડો. કે.એલ. જોષી અને ડો. કે.એલ. જાદવે પોતાની ટી.વાય.ની વિદ્યાર્થીનીઓ કુ. પાયલ મહીડા, કુ. રીંકલ પિત્રોડા અને કુ. સાક્ષી વિરાણીને માર્ગદર્શન આપ્યું અને આર.કે. યુનિ. રાજકોટમાં યોજાયેલ કોન ક્લેવ સેમિનારમાં પેપર ક્રોમેટોગ્રાફીની પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. હરિફાઈમાં ભાગ લેનારા જુદી જુદી કોલેજના કુલ રપ૦ વિદ્યાર્થીઓમાંથી ડીકેવી કોલેજની વિદ્યાર્થીનીઓનો પ્રથમ ક્રમ આવેલો છે.