નવાનગરના કુંવર ભૂચરમોરીના યુદ્ધનું અંતિમ પ્રકરણ શ્રાવણ વદ સાતમના લખાયેલંુ

વર્ષો સુધી નવાનગરના રાજમાં સાતમનો તહેવાર નહોતો ઉજવાયોઃ

ભારતના યુદ્ધોના ઈતિહાસમાં જેની ગણના થાય છે તેવા ક્ષત્રિયોના આસરા ધર્મની રક્ષા માટે  ખેલાયેલા યુદ્ધની આ પૂર્ણાહુતિ સાથે વીરગતિ અને સતીના સમર્પણની ગૌરવભરી સત્ય ઘટના જોડાયેલી છે.

ઈસ. ૧૫૯૨માં અમદાવાદના પદભ્રષ્ટ સૂબા મુઝફ્ફરે જામ રાજવીનો આશરો લેતા દિલ્હીની મોગલ સલ્તનતની સેના સાથે નવાનગરની સેનાને આશરા ધર્મ માટે ભૂચરમોરીના મેદાનમાં યુદ્ધ થયું હતુંં. નવાનગરના રાજવી જામ સતાજી (પ્રથમ) ના વડપણ હેઠળ સેના સેનાપતિ જેશાજી ચાંગલાણી તેમજ બહાદુર સરદાર ડાયોજી લાડક, મેરામણ ડુંગરાણી, ભાણજી દલ, નાગડાજી ચાંગલાણી, તોગાજી સોઢાની આગેવાનીમાં રાજપૂતોની સેનાએ શાહી સેનાને ભૂચરમોરીના મેદાન પાસે આંતરીને યુદ્ધ માંડી દીધું હતું.

બાદમાં દગો થતાં નવાનગરની સેનામાં ભંગાણ પડ્યું ત્યારે રાજાના પાટવી કુંવર જામ અજાજીએ યુદ્ધમાં ઝંપલાવી સૂબા કોકલતાશનો વધ કર્યો અને પોતે શ્રાવણ વદ સાતમના રોજ વીરગતિ પામ્યા હતાં. જે બાદ તેઓના રાણી સૂરજકુંવરબા ભૂચરમોરીના મેદાનમાં જ સતી થયા હતાં.

કુંવર અજાજીનો પાળિયો અને સતી થયેલા રાણીની ખાંભી આજની તારીખે મોજૂદ છે. તેમ સૌરાષ્ટ્ર કલ્ચર એન્ડ હેરીટેજ સંસ્થાના ભૂપતસિંહ ચૌહાણ જણાવે છે.

શ્રાવણ વદ સાતમના જ કુંવર અજાજી વીરગતિ પામ્યા હોવાથી નવાનગરમાં વર્ષો સુધી સાતમ ઉજવાઈ નહીં.

બાદમાં જામ રણમલજી (બીજા)ને ત્યાં બાપુભાનો શ્રાવણ વદ સાતમના જન્મ થતાં તે વખતે રાજમાતા આછુબાની વિનંતીથી પ્રજાએ સાતમ મનાવવાનું શરૃ કર્યાનું ઈતિહાસકાર હરકિસનભાઈ જોષીએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે.