તંત્રોમાં ૫ણ એનપીએ...? નિતીનભાઈ કો ગુસ્સા ક્યોં આતા હૈ...?

ગુજરાત સરકાર અને કેન્દ્રના મંત્રીમંડળમાં નીતિનભાઈ નામધારી બન્ને મંત્રીઓમાં ઘણી સમાનતાઓ છે. બન્ને નીતિનભાઈને કદાચ તેમની ક્ષમતા મુજબ પાર્ટીમાં મહત્ત્વ નહીં મળતું હોય, પરંતુ બન્નેની કાર્યશૈલી અને બેધડક પોતાની વાત રજૂ કરવાની આવડત ઘણી જ મળતી આવે છે. આ 'આવડત" તંત્રોની ખૂબી છે કે, ખામી છે, તે સંશોધનનો વિષય હોવા છતાં બન્નેના ઘણાં નિવેદનો ચર્ચાસ્પદ રહેતા હોય છે, તો મીડિયા - સોશ્યલ મીડિયામાં  પણ પ્રથમ હરોળ (હેડલાઈન્સ) માં રહેતા હોય છે. કેન્દ્રના નીતિનભાઈ ગડકરી કેન્દ્રિય માર્ગ પરિવહન વિભાગના મંત્રી છે, જ્યારે ગુજરાતના નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી છે અને આરોગ્ય તથા નાણાંખાતું સંભાળે છે. નીતિનભાઈ પટેલ પર જુતું ફેંકાયું, તે પછી પણ તેમણે મીડિયા સાથે જે સ્વસ્થતાથી વાતચીત ચાલુ રાખી હતી, તે પીઢ રાજકારણીની ક્ષમતા દર્શાવે છે, જ્યારે ઘણી વખત સચોટ રીતે અને આક્રોશ સાથે પોતાની વાત રજૂ કરતા હોય, ત્યારે તેમનું અલગ જ સ્વરૃપ જોવા મળતું હોય છે. વિધાનસભામાં થતી ચર્ચાઓ દરમિયાન ઘણી વખત તેઓ આક્રમક બનતા હોય છે, અને તે સમયે સવાલ ઉઠતો હોય છે કે "નીતિનભાઈ કો ગુસ્સા ક્યોં આતા હૈ...?"

કેન્દ્રના નીતિનભાઈ ગડકરીના નિવેદનો તો ઘણી વખત પોતાની જ સરકાર કે વિભાગ માટે બૂમરેંગ પુરવાર થતા હોય છે, અથવા ક્યારેક વાસ્તવિકતા રજૂ કરી દેતા સરકાર પણ વિમાસણમાં મૂકાઈ જતી હોય છે. બન્ને નીતિનભાઈ થોડા કમનસીબ પણ છે. કારણ કે, એક નીતિનભાઈ પટેલને ગુજરાતનું મુખ્યમંત્રી પદ મળે તેમ હતું, તેવી જ રીતે છેલ્લી ચૂંટણી પછી અને અધાડી સરકાર રચાયા પહેલા શિવસેનાએ નીતિનભાઈ ગડકરી મહારષ્ટ્રના મુખ્યમંત્રી બને, તો ભાજપ સાથે ગઠબંધનની તૈયારી બતાવી હતી. કદાચ બન્ને નીતિનભાઈને આ પદ "ઉપર" ન કોઈ અણગમા કે સર્વોચ્ચ કક્ષાની રણનીતિના કારણે મળ્યું ન હોતું.

ઘણી વખત નીતિનભાઈ ગડકરી પોતાના ડિપાર્ટમેન્ટની જ પોલ ખોલી નાંખતા હોય છે, અને તેમ વિપક્ષોને ઘણી વખત ભાજપ પર અથવા ભાજપ સાશિત કેન્દ્ર-રાજ્ય સરકારો પર પ્રહારો કરવાનો મુદ્દો પણ મળી જતો હોય છે. ગડકરીએ નેશનલ હાઈવે ઓથોરિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર, વિલંબનીતિ અને બેજવાબદારીપણાને લઈને આ ઓથોરિટીના અધિકારીઓને જ જાહેરમાં તતડાવી નાંખ્યા હતાં.

તેમણે કહ્યું કે, વર્ષ-ર૦૦૮ માં મંજૂર થયેલા પ્રોજેક્ટ માટે વર્ષ-ર૦૧૧ માં ટેન્ડર નીકળ્યા સામે છેક હવે વર્ષ-૨૦૨૦માં સંપન્ન થયો. આ દરમિયાન બે કેન્દ્ર સરકારો બદલી ગઈ અને ઓથોરિટીના આઠ ચેરમેન બદલી ગયા. આ માટે જવાબદાર નકામા, ભ્રષ્ટ અને લાપરવાહ અધિકારીઓને બહારનો રસ્તો દેખાડવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે આ પ્રકારની 'નોન પરફોર્મીંગ એસેટ્સ'ને તગેડી મૂકવાનો સમય આવી ગયો છે, કારણકે આ પ્રકારના લોકો પરિયોજનાઓમાં અડચણો ઊભી કરતા રહે છે અને યોજનાઓ પૂર્ણ થવામાં વિલંબ થતો હોય છે. આ પ્રકારના 'અ'ક્ષમ અધિકારીઓના કેસો આ ઓથોરિટીના સત્તાધીશો સમિતિઓ સમક્ષ મોકલે છે, તેના બદલે આવા અધિકારીઓને સીધા જ ડિસમીસ કરવા જોઈએ.

ગડકરીએ એવા શબ્દો વાપર્યા કે આ પ્રકારના ઘણા અધિકારીઓ ગોકળગાયની ગતિથી અત્યંત ધીમું કામ કરાવતા હોય છે, અને આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રકારના અધિકારીઓને પણ પ્રમોશન મળતું રહેતું હોય છે.

નીતિનભાઈ ગડકરી પોતે ડાયનેમિક વિચારો ધરાવે છે, પરંતુ તેને જે ખાતું મળ્યું છે, તે ખાઉધરૃં અને વિલંબ-ભ્રષ્ટાચાર તથા બેદરકારીથી ખદબદતુ ખાતું ગણાય છે. આ કારણે નીતિનભાઈ માટે ધાર્યું કામ થતું નથી. બીજી તરફ મોદી સરકારે માર્ગ અને મકાન વિભાગની કેટલીક જંગી ગ્રાન્ટ અટકાવી દીધી હોવાથી પણ ઘણા પ્રોજેક્ટો અટકી પડ્યા હતા અને ક્રમશઃ ચાલુ થયા હતા, તેવી પણ ચર્ચા છે. ભારતીય જનતા પક્ષ પાસે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ અને કેન્દ્રમાં વડાપ્રધાન પદ માટે સક્ષમ ગણાતા આ બંને નિતીનભાઈ ને કદાચ તેમના નિવેદનો કે ક્યારેક ક્યારેક સાચુ બોલી નાંખવાની ટેવ જ રાજકીય રીતે આગળ વધવા દેતી નહીં હોય. આ કારણે મનોમન રહેતો ઘુંઘવાટ કે કચવાટ જ ગુસ્સાના સ્વરૃપમાં ફૂટી નીકળતો હોય તેવું બની શકે છે. જો કે, ગડકરીને છેલ્લે એવું કહીને વાત વાળી લીધી કે વર્તમાન સરકારના સમયનો આ જ ઓથોરિટીએ એક લાખ કરોડના દિલ્હી અને મુંબઈના એક્સપ્રેસ વે ના કામો ત્રણ વર્ષમાં પૂરો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કે, તેમાં પણ તેમણે ટકોર તો કરી જ લીધી હતી.

અધિકારીઓ પર આકરા થતા નીતિનભાઈ આ જ હકીકત કેબિનેટમાં રજુ નહીં કરી શકતા હોય? શું નેશનલ હાઈ-વે ઓથોરિટી એટલી સ્વાયત છે કે તેના પર કેન્દ્રીય માર્ગ-મકાન મંત્રીનો કોઈ અંકુશ જ ન હોય? કે પછી કોઈની આંખની શરમ નડે છે, અથવા 'ઉપર'નો ઈશારો આડો આવે છે? જો માર્ગ-મકાન વિભાગ હેઠળ કાર્યરત નેશનલ હાઈવે ઓથોરિટીમાં નકામા, ભ્રષ્ટ અને લાપરવાહ અધિકારીઓ હોય, તો વર્ષ-૨૦૧૪થી અત્યાર સુધી કેન્દ્ર સરકારે તેમની સામે કેમ પગલા લીધા નથી? તેવા સવાલો ઉઠે છે.