ભારતીય સેના હુમલો કરશે તેવા ડરથી કમાન્ડર અભિનંદનને છોડ્યાઃ સેનાધ્યક્ષ ધ્રુજતા હતાં

પાકિસ્તાનની સંસદમાં જ ઈમરાન સરકારની ખુલી પોલઃ વિપક્ષના સાંસદે કર્યો ઘટસ્ફોટઃ

પાકિસ્તાનની સંસદમાં પાક.ના એક દિગ્ગજ નેતાએ જ પાકિસ્તાન સરકારની પોલ ખોલી નાંખી હતી અને ભારતની એરસ્ટ્રાઈક અંગેની ચર્ચા કરતી વેળાએ તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે પાક. સરકારે ભારતના (સૈન્ય) હુમલાના ડરથી જ ભારતીય પાયલોટ કમાન્ડર અભિનંદનને છોડવો પડ્યો હતો. આ નિર્ણય લેવાયો, તે સમયે મળેલી બેઠક દરમિયાન પાક.ના સેનાધ્યક્ષ સ્વયં ધ્રુજી રહ્યા હતાં અને પરસેવે રેબઝેબ થયા હતાં. આ બેઠકમાં જ તે સમયના વિદેશમંત્રીએ પણ અભિનંદનને છોડી મૂક્યાની મજબૂરી પ્રગટ કરી હતી. આ ઘટસ્ફોટથી પાક. સરકાર અને પાક.ના સેનાધ્યક્ષની વાસ્તવિક્તા પાકિસ્તાનની સંસદના માધ્યમથી જ દુનિયાની સામે આવી ગઈ છે.

ગઈકાલે પાકિસ્તાનની સંસદ એટલે કે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં મુસ્લિમ લીગ (પીએમએલ-એન) નેતા અયાજ સાદિકે કહ્યું હતું કે, 'પાક.ના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ અગત્યની મિટિંગમાં એવું કહ્યું હતું કે, જો આપણે વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડીએ તો ભારત રાત્રે નવ વાગ્યા સુધીમાં પાક. પર હુમલો કરશે. પાક. મીડિયાના માધ્યમથી આ અહેવાલો વહેતા થયા પછી આંતરરાષ્ટ્રીય મીડિયા, ભારતીય મીડિયા અને સોશ્યલ મીડિયામાં પણ આ સમાચારો ટ્રેન્ડ કરી રહ્યા છે.'

ઈમરાન સરકાર પર આકરા પ્રહારો કરતા અયાજ સાદિકે કહ્યું કે, આ મુદ્દે વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ એક તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં વિપક્ષના નેતાઓને પણ બોલાવાયા હતાં. આ બેઠકમાં પી.પી.પી., પીએમએલ-એન અને પાકિસ્તાનના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવા ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ તથા નેતાઓને સામેલ કરાયા હતાં.

અયાજ સાદિકે એ બેઠકનું વિસ્તૃત વિવલણ કરતા સંસદમાં કહ્યું કે, 'મને યાદ છે કે એ મિટિંગ દરમિયાન બાજવા રૃમમાં આવ્યા, ત્યારે તેમના પગ (ટાંટિયા) ધ્રુજી રહ્યા હતાં અને તેઓ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતાં. તેઓના માથા પર પણ પરસેવો વળી ગયો હતો. આ મિટિંગમાં વડાપ્રધાન ઈમરાનખાને હાજરી આપી નહોતી અને આ માટે કહેવામાં આવતા તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. કદાચ ઈમરાનખાન તે સમયે મિટિંગમાં હાજર રહી શકે તેવી સ્થિતિમાં નહોતા, કારણ કે તેમની સરકારને જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.'

અયાજ સાદિક વિદેશમંત્રીએ આ મિટિંગ દરમિયાન સેનાધ્યક્ષને આજીજી કરી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે કુરૈશીએ બાજવાને કહ્યું કે, 'અલ્લાહના વાસ્તે અભિનંદનને જવા દેવા જોઈએ, નહીંતર ભારત રાત્રે નવ વાગ્યા સુધીમાં પાકિસ્તાન પર હુમલો કરી દેશે'.

તે સમયે વિપક્ષોએ પાક. સરકારને અભિનંદનના પ્રકરણ સહિત સમર્થન આપ્યું, પરંતુ હવે પાક. સરકારની નીતિઓને સમર્થન આપી શકાય તેમ નહીં હોવાનું જણાવતા સરકાર અને સેનાધ્યક્ષ ચિંતાજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હોવાનું પણ કહેવાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ફેબ્રુઆરી-ર૦૧૯ માં બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાક.ના યુદ્ધ વિમાનોએ ભારતીય હવાઈ સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરતા મિગ-ર૧ વિમાન સામે ભારતીય વાયુ સેનાના કમાન્ડર અભિનંદને પાક.ના એફ-૧૬ યુદ્ધ વિમાનને તોડી પાડ્યું હતું. આ ટક્કર દરમિયાન તેમનું વિમાન પાક. સરહદમાં તૂટી પડ્યું હતું, અને કમાન્ડર અભિનંદન પાક. સરહદમાં પહોંચી ગયા હતાં. પાકિસ્તાનની સેનાએ તેઓને કેદમાં લીધા હતાં, પરંતુ અભિનંદનને પાકિસ્તાને પછીથી છોડી મૂકવા પડ્યા હતાં અને પહેલી માર્ચે અટારી સરહદેથી અભિનંદનને માનભેર ભારતીય સેનાને સુપ્રત કરવામાં આવ્યા હતાં. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારે ચર્ચા જગાવી હતી અને ભારતનું મસ્તક ઊંચુ રહે, તેવી ગૌરવપ્રદ આ ઘટના હતી.

જે-તે સમયે અભિનંદન ભારતને પરત સોંપવા માટે પાક. પર અમેરિકાએ દબાણ કર્યું હતું. તેવો માહોલ ઊભો કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પરોક્ષ રીતે ભારત-પાક. વચ્ચે તંગદિલી હળવી કરવાનો યશ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાક. સંસદમાં અયાજ સાદિકના નિવેદન પછી ટ્રમ્પની પોલ પણ ખુલી ગઈ છે, કારણ કે હવે એ પૂરવાર થઈ ગયું કે પાકિસ્તાને તે સમયે અમેરિકા કે કોઈ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ નહીં, પરંતુ ભારતીય સેનાના ડરથી થર થર ધ્રુજતા સેનાધ્યક્ષ બાજવા અને ભારતીય હુમલાના ભયથી ફફડી રહેલા ત્યાંના વિદેશમંત્રી કુરૈશી દ્વારા જ અભિનંદનને માનભેર પરત સોંપવાનો નિર્ણય લીધો હતો. આ મિટિંગમાં ઈમરાન ખાન હાજર નહોતા, પરંતુ તેની પાસે સેનાધ્યક્ષના નિર્ણયને અનુસરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, તેથી સંસદમાં 'સદ્ભાવના'થી આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત ઈમરાન ખાને કરવી પડી હતી, પણ વાસ્તવમાં ભારતીય સેનાથી પાક. સેના ડરી ગઈ હતી.