રજતપટની રોનક

ભારતીય વેબસિરિઝે ધૂમ મચાવી

ભારતમાં વેબ સ્પેસમાં સારો ગ્રોથમાં જોવા મળ્યો છે પણ ૨૦૨૦ના વર્ષમાં ઓટીટી પ્લેટફોર્મે ખુબ મોટુ પરિવર્તન લાવી દીધું. શુટીંગમાં ઘણી મર્યાદાઓ હોવાને કારણે પ્રોડકશન ઓછુ થયું પણ કોરોનાને કારણે ઘરમાં જ વધુ રહેવાનું પસંદ કરનારા દર્શકોએ કન્ટેન્ટને માણ્યું. કઈ વેબસિરિઝે આ વર્ષે ધૂમ મચાવી તેના પર નજર કરીએ.

૧. સ્કેમ ૧૯૯૨

હર્ષદ મહેતાના જીવન પર બનેલી આ સિરિઝે ભારતીય વેબ કન્ટેન્ટ પાસેથી અપેક્ષાઓ વધારી દીધી. અને હર્ષદ મહેતા તરીકે પ્રતિક ગાંધીની ભૂમિકાવાળી આ સિરિઝની અસર લાંબા સમય સુધી જોવા મળશે. જયાં હિંસા અને ક્રાઈમની બોલબાલા હતી ત્યાં આ સિરિઝે સાબિત કરી દીધુ કે કન્ટેન્ટ સારી હોય તો લોકો સુધી પહોંચવા હલકા વિષયોની પસંદગી જરૃરી નથી. ૧૯૯૨માં થયેલા હર્ષદ મહેતાના સિકયોરીટી સ્કેમ પર આધારિત આ સિરિઝ શેર બજારની અલગ દુનિયામાં લઈ જાય છે. તેનું થીમ મ્યુઝિક, શેરબજારની ટેકનિકલ આંટીઘૂંટીનું સરળીકરણ, પ્રતિક ગાંધી અને બીજા કલાકારોની મહેનત બધુ જ દર્શકોને સ્પર્શી ગયું અને તેના ખૂબ વખાણ થયા.

૨ – આર્યા

આ સિરિઝમાં સુસ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળી અને પહેલા એપિસોડથી જ તેણે દર્શકો પર પકડ જમાવી લીધી. સુસ્મિતા સેનની સ્ક્રીન પ્રેઝેન્સ, બીજા પાત્રો અને હીન્દી ફિલ્મ મ્યુઝિકનો સુંદર ઉપયોગે આ સિરિઝને દર્શકોની ફેવરીટ બનાવી દીધી.

૩- સ્પેશ્યલ ઓપ્સ

નીરજ પાંડે નિર્મિત સ્પેશ્યલ ઓપ્સે પણ ધીરે-ધીરે દર્શકો પર સારી પકડ જમાવી. હિંમતના રોલમાં કે કે મેનન એકદમ ફીટ લાગ્યા અને દર્શકોનું ધ્યાન ખેંચ્યું. આતંકવાદીઓ અને મેનનની ટીમ વચ્ચે રમાતા ઉંદર બિલ્લીના ખેલે આપણને ઈસ્તામ્બુલ, દુબઈ, કાશ્મીર, બાકુ, જોર્ડન અને પાકિસ્તાનની સેર કરાવી. બીજા કલાકારોએ પણ પોતાની મહેનતથી પાત્રોને જીવંત કર્યા.

૪ – પાતાલ લોક

જયદીપ અહલાવતની ક્રાઈમ ડ્રામા પાતાલ લોકે પણ દર્શકો પર સારી પકડ જમાવી. પાતાલ લોકની સારી રીતે લખાયેલી વાર્તા છે જેને દર્શકોને જકડી રાખ્યા. અવિનાશ અરૃન અને પ્રોસિત રોયે આ સિરિઝને ડિરેકટ કરી છે. પાતાલ લોક ભલે જૂનો લાગતો શબ્દ હોય પણ વાર્તા સાથે એકદમ મેચ થાય છે. નર્કની ડાર્કનેસનો તેમા અનુભવ થાય છે.

ઘણાં કલાકારો અહીં દર્શકોનું ધ્યાન ખેંચી શકયા છે. જેમાં નીરજ કાબી, અભિષેક બેનર્જી, ગુલપનાંગ, સ્વસ્તિકા મુખર્જીનો પણ સમાવેશ થાય છે.

૫ – બંદીશ બેન્ડીટ્સ

ક્રાઈમ ડ્રામા વેબ સિરિઝના જમાનામાં, બંદીશ બેન્ડીટ્સ દર્શકો માટે સારી સરપ્રાઈઝ લઈને આવી. આ સિરિઝ દર્શકોને કલાસિકલ મ્યુઝિકની અલગ જ દુનિયામાં લઈ ગઈ. સંગીત આ વાર્તાનો મુખ્ય અને મજબૂત સ્તંભ રહ્યો. શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, અતુલ કુલર્ણી અને નસરૃદ્દીન શાહનો અદભૂત અભિનય જોવા મળ્યો. અને તેમાંય સોનામાં સુગંધ જેવુ શંકર અહેસાન લોયનું સંગીત ૨૦૨૦ની મ્યુઝિકલ ટ્રીટ કહી શકાય.

૬ – એ સિમ્પલ મર્ડર

એક ડાર્ક કોમેડી હોવા છતાં આ સિરિઝે દર્શકોને તાજગીનો અનુભવ કરાવ્યો. મહોમ્મદ ઝીશાન અય્યુબ, સુશાંત સિંઘ, અમિત સિયાલ, પ્રિયા આનંદ જેવા કલાકારોએ સિરિયસ કન્ટેન્ટને ન્યાય આપ્યો. એક સિમ્પલ મર્ડરને પણ એટલી સરસ રીતે આલેખવામાં આવ્યું કે કોઈપણ દર્શક તેની માર્વેલસ રાઈટિંગ અને પરફોર્મન્સિસનું ફેન થઈ જાય.

૭ – ફ્લેશ

વધુ એક ક્રાઈમ ડ્રામા સિરિઝ જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું. પારંપરિક દ્રષ્ટિકોણવાળી આ વર્તામાં એક સારો પોલીસ ઓફિસર ગુના સામે સારી ફાઈટ આપે છે. સ્વરા ભાસ્કર મુખ્ય ભૂમિકામાં છવાયેલી રહી. અને દર્શકોએ એક સારી સ્ટોરીને માણી.

૮ – પંચાયત

હટ કે સબ્જેકટવાળી આ સિરિઝ પણ ઘણી લોકપ્રિય રહી અને એક વાત સમજી શકાઈ કે સાદગી લોકોને વધુ પસંદ આવે છે. સરળ રજૂઆત દર્શકોનું ધ્યાન આકર્ષે છે.

પંચાયતની સૌથી સારી વાત હતી તેનું સ્ટ્રોંગ કાસ્ટીંગ. નીના ગુપ્તા, રઘુવીર યાદવ અને ચંદન રોય જેવા જૂના કલાકારો પણ તેમાં જોવા મળ્યા. લોકડાઉન દરમિયાન આ શોના કન્ટેન્ટે દર્શકોને હૂંફ આપી.

૯ – ધ ગોન ગેમ

ધ ગોન ગેમનું ફિલ્માંકન લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યો અને તેના નિર્માતા તેમજ અભિનેતાઓનો તે એક અદભૂત પ્રયત્ન કહી શકાય. શોમાં ટેકનોલોજીનો જે ઉપયોગ થયો તે બીજા શો કરતા વધુ સારૃ હતો. સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં આ સિરિઝ એકસ્ટ્રાઓર્ડીનરી નથી રહી પણ તેની સ્ક્રીન લોકોને અલગ દુનિયામાં લઈ જાય છે.

૧૦ – અસૂર

અસૂર માયથોલોજિકલ ફિકસન અને થ્રિલરનું મિશ્રણ છે જે તેની લાર્જર ધેન લાઈફ થિયરીઝમાં દેખાય છે પણ તેની ગ્રાન્ડનેસ સારી રીતે બતાવવામાં આવી નથી. સિઝનના અંત સુધીમાં તે દર્શકોને જકડી રાખી શકી નથી.