ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સાત દાયકા પછી ચૂંટણી યોજવા પાછળ ચીનનું ભેજું?

પીઓકે ઉપરાંત જે પ્રદેશ મૂળ કાશ્મીર સ્ટેટમાં હતાં તેને પાકે છેક હવે પોતાના પ્રદેશો ગણ્યા!

'યુગો યોગો સે નારા હૈ... કાશ્મીર હમારા હૈ...'નું સૂત્ર આપણે બાળપણથી જ સાંભળતા રહીએ છીએ. હવે કલમ-૩૭૦ નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દખ તો ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો જ બની ગયા છે, અને કાશ્મીરનો મુદ્દો જ હવે બદલાઈ ગયો છે. હવે ભારત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાન જ્યારે જ્યારે કાશ્મીરનો મુદ્દો ઊઠાવે ત્યારે ત્યારે પાક. અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે ભારતને પરત આપવાની ચિમકી આપે છે. આ કારણે જ પાક.ના વિપક્ષી નેતા બિલાવલ ભૂટ્ટોએ કહ્યું હતું કે, શ્રીનગર (એટલે કે કાશ્મીર) લેવાની વાત હવે ભૂલી જવાની, હવે તો મુઝફ્ફરાબાદ (એટલે કે પીઓકે) બચાવવાની ફિકર ઈમરાન ખાને કરવી જોઈએ.

પી.ઓ.કે. સિવાયના બીજા બે પ્રાન્ત પણ ભારતના છે!

પાકિસ્તાનના કબજામાં જે પીઓકેનો પ્રદેશ છે, તે ઉપરાંત બીજા બે પ્રાન્ત પર પણ ભારતનો જ હક્ક છે. આ વિસ્તારોને ગિલગિટ અને બાલ્ટિસ્તાન કહે છે. હકીકતે એક અંગ્રેજ અફસરની અવળચંડાઈના કારણે આ પ્રદેશો પાકિસ્તાનને મળી ગયા હતાં. આ પ્રદેશો મૂળમાં કાશ્મીરના મહારાજાના જ હતાં અને બ્રિટીશ સરકારે ભારતને આઝાદી મળી તેના ૧૦૧ વર્ષ પહેલા કાશ્મીરના મહારાજા પાસેથી લીઝ પર લીધા હતાં. રશિયા સામે સંરક્ષણ માટે ઢાલ ઊભી કરવા લીઝ પર લીધેલી આ જમીન પર અંગ્રેજોએ ગિલગિટ સ્કાઉટ નામની સૈન્ય ટૂકડી પણ તૈનાત કરી હતી. વર્ષ ૧૯૪૭ માં જ્યારે ભારત-પાક.ને આઝાદી મળી ત્યારે કાશ્મીરના મહારાજાએ આ પ્રદેશો મહત્ત્વનું કાશ્મીર ભારતીય સંઘ સાથે જોડવાની સંધિ કરી હતી, તેથી આ બન્ને પ્રાન્ત પણ ભારતના જ ગણાય. આઝાદી પછી આ પ્રદેશો ભારતને સોંપવાની બાબતમાં તે સમયના ગિલગિટ વિસ્તારમાં તૈનાત અંગ્રેજ અફસરની અવળચંડાઈના કારણે આ બન્ને પ્રદેશો પાકિસ્તાનને વગર માંગ્યે મળી ગયા હોવાનું કહેવાય છે. એવું મનાય છે કે અંગ્રેજ અફસર મેજર વિલિયમ બ્રાઉને આ પ્રદેશોને ભારતમાં ભેળવવાના બદલે કાશ્મીરના મહારાજાએ આ પ્રદેશો માટે નિમેલા રાજ્યપાલને કેદ કરીને આ બન્ને પ્રદેશો પાકિસ્તાનને વર્ષ ૧૯૪૮ માં સોંપી દીધા હતાં. ત્યારથી અનધિકૃત અને અનૈતિક રીતે પાકિસ્તાન આ પ્રદેશો પર પોતાનો દાવો કરતું રહ્યું, પરંતુ આ પ્રદેશોમાં વસવાટ કરતા લોકો પ્રત્યે કોઈ લગાવ જ હતો નહીં, વળી આ પ્રદેશોની પ્રજા પણ ભારત સાથે રહેવા માંગતી હતી. તેથી આ લોકોની સ્થિતિ દાયકાઓ સુધી અદ્ધરતાલ રહી અને પાક.ના શાસકો પણ આ પ્રદેશોને ક્યારેય 'પોતાના' ગણીને ત્યાંના લોકોને પાકિસ્તાની ગણી જ શક્યા નથી.

સાત દાયકા પછી ચૂંટણી કેમ જાહેર કરવી પડી?

હવે સાત દાયકાથી વધુ સમય વીતી ગયા પછી પાકિસ્તાને અચાનક આ બન્ને વિસ્તારોને પાકિસ્તાનના પ્રદેશ એટલે કે આપણી ભાષામાં રાજ્ય (સ્ટેટ) જાહેર કર્યા છે, અને ત્યાં ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. હવે નવેમ્બરમાં આ બન્ને પ્રદેશોમાં ચૂંટણીઓ યોજાશે, તેવું જાહેર થયું છે.

આ પ્રદેશો ૧૯૪૮ થી પાક.ના તાબા હેઠળ હોવા છતાં પાક. એ તેનો ક્યારેય વિકાસ પણ કર્યો નહીં, અને ભારતને પણ સોંપ્યા નહીં, અને છેક હવે આ પ્રદેશોમાં સ્થાનિક અને પ્રાદેશિક ચૂંટણી યોજીને પાકિસ્તાન ત્યાંના મુખ્યમંત્રી નિમીને મંત્રીમંડળની રચના કરવા માંગે છે, તેથી સવાલ એ ઊભો થાય કે આટલા વર્ષે આ વિસ્તારો પ્રત્યે પાક.ને પ્રેમ કેમ જાગ્યો? આટલા વર્ષે ચૂંટણીઓ કેમ યોજવી પડી છે?

ચીનનો ચંચુપાતઃ ચીનના હિતો

હકીકતે ભારતે કલમ-૩૭૦ નાબૂદ કર્યા પછી હવે પીઓકે પરત મેળવવાનો દાવો ભારત કરી રહ્યું છે, અને પાકિસ્તાને ભૂતકાળમાં ચીનને ગેરકાનૂની રીતે બક્ષિસમાં આપી દીધેલા અક્ષય ચીન પરત મેળવવા અંગે પણ ચર્ચા શરૃ થઈ છે. આ કારણે ચીને ચંચુપાત કર્યો છે. ચીન-પાકિસ્તાનના સંયુક્ત પ્રોજેક્ટ ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ગિલગિટ-બાલ્ટિસ્તાનમાંથી જ પસાર થાય છે, અને આ પ્રોજેક્ટમાં ચીને કરોડો ડોલરનું મૂડી રોકાણ કર્યું છે. આથી ચીન પોતાના હિતો જાળવવા આ બન્ને પ્રદેશોને વૈધાનિક રીતે પાકિસ્તાનના ગણાવવા ત્યાં ચૂંટણીઓ કરાવવા માંગે છે, કારણ કે ત્યાં ચૂંટણીઓ થઈ જાય એટલે આ પ્રદેશો પાકિસ્તાનના જ છે, તેવો જનમત પણ લેવાઈ જાય, તેમ ચીન માને છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનની જનતા ઈચ્છે છે મુક્તિ

ગિલગિટ-બાલ્ટિસ્તાનની જનતા પાક.ના સૌતેલા વ્યવહાર અને ભેદભાવથી ત્રસ્ત છે. ત્રાસી ગયેલી પ્રજા ભારત સાથે ભળી જવા ઈચ્છતી હોવાના અહેવાલો અવારનવાર આવતા હોય છે, પરંતુ પાક. સેનાના અત્યાચારના કારણે જ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાની ચળવળ કરનાર અઝમદ મિર્ઝા અત્યારે સ્વિટઝર્લેન્ડમાં આશ્રય લઈ રહ્યા છે, જ્યારે સંખ્યાબંધ ચળવળકારોને પાકિસ્તાનની સેનાએ જેલમાં ધકેલી દીધા છે. દાયકાઓથી જેલમાં સબડતા ગિલગિટ-બાલ્ટિસ્તાનના ક્રાંતિકારીઓ કે બલુચિસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે વિશ્વની માનવાધિકાર ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ ચૂપ છે, અને ભારત-પાક.માં માનવાધિકારોનો ઠેકો લઈને બેઠેલા દંભીઓ પણ ચૂપ છે!

ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુદ્દે ત્રિપાંખિયો વિરોધ

પાકિસ્તાને ગિલગિટ અને બાલ્ટિસ્તાનને પૂર્ણ પ્રદેશો તો જાહેર કરી દીધા પણ ચીનની ચમચાગીરી તથા પડદા પાછળથી પાક.ના સેનાધ્યક્ષ બાજવાની સલાહો (કે આદેશો!) માનવાનું ઈમરાન ખાનને રાજકીય રીતે ભારે પડી રહ્યું છે, કારણ કે આ મુદ્દે હવે ત્રિપાંખિયો વિરોધ શરૃ થતા ઈમરાન ખાન ઘેરાઈ ગયા છે. ભારતે ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો હિસ્સો હોવાથી ત્યાં ચૂંટણી યોજવા તથા આ વસ્તારને પાકિસ્તાનનો હિસ્સો ગણાવવાનો જબરદસ્ત વિરોધ કર્યો છે. બીજી તરફ ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં આઝાદીની ચળવળ તેજ બની છે અને પાકિસ્તાનનો ક્રૂર પંજો અને ચીનની જોહુકમીથી કંટાળેલી ત્યાંની જનતા ભારત સાથે ભળી જવા થનગની રહી છે. ત્રીજી તરફ પાક.ના વિપક્ષો આ મુદ્દે ઈમરાન ખાનનો વિરોધ કરી રહ્યા છે અને પોતાના હિતો સાધવાના પ્રયાસો કરી રહ્યા છે.

અખંડ ભારત-આઝાદ ભારત

જ્યારે અખંડ ભારતની વાત આવે, તયારે તેમાં ભારત અને અડોશ-પડોશના ઘણાં દેશોનો સમાવેશ થઈ જાય, પરંતુ જ્યારે આઝાદ ભારતની વાત આવે, ત્યારે પ્રારંભથી જ ગુંચવાયેલા કેટલાક પ્રશ્નો, વિવાદો અને વિટંબણાઓ પણ સામે આવી જાય. ભારતનો નક્શો ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પાક. અધિકૃત કાશ્મીરને સમાવીને પણ પૂર્ણ ગણાય કે નહીં, તે પણ એક સવાલ છે, કારણ કે ચીન-ભારત વચ્ચેની સરહદો સળગે છે, જ્યારે નેપાળ પણ હવે ચીનના ચાળે ચડીને કેટલાક ભારતીય પ્રદેશો પર દાવો કરવા લાગ્યું છે. એક માત્ર બાંગ્લાદેશ સાથે સીમા વિવાદ સમાપ્ત થઈ ગયો છે, અને શ્રીલંકા-મ્યાનમારની વાત જ હવે જુની થઈ ગઈ છે. આઝાદ ભારતનો નક્શો પરિપૂર્ણ કરવા હજુ ઘણું કરવાનું બાકી છે.