લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડના આરોપ સાથે દેશભરના કેમિસ્ટો ધૂંઆપૂંઆ

ઓનલાઈન દવાઓના વેંચાણના મામલે છેડાયો જંગ... સરકાર મૌન?

દેશમાં કોરોનાકાળમાં દર્દીને ઓનલાઈન તપાસીને અને જરૃરી રિપોર્ટ કરાવીને પ્રિસ્ક્રિપ્શનના આધારે ઓનલાઈન દવાઓના વેંચાણની થોડી છૂટછાટ મળી, પરંતુ હવે આ ક્ષેત્રે મોટી કંપનીઓએ ઝંપલાવતા ઈ-ફાર્મસી અને કેમિસ્ટો વચ્ચે કાનૂની જંગ ખેલાય, તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે. ઈ-ફાર્મસીની પદ્ધતિના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

કોરોનાકાળમાં લોકો ઘરમાંથી બહાર નીકળવાના બદલે નાની મોટી બીમારીઓની સારવાર ડોક્ટરનું ઓનલાઈન માર્ગદર્શન મેળવીને ઘેર બેઠા લઈ શકે, તેવા હેતુથી કદાચ આ પ્રકારની સારવાર પદ્ધતિને માન્ય રાખવામાં આવી હશે, પરંતુ હવે ઈ-ફાર્મસીના ક્ષેત્રે કેટલીક મોટી મોટી કંપનીઓએ ઝંપલાવતા દેશભરના કેમિસ્ટોમાં આક્રોશ ફેલાયો છે, અને હવે આ મુદ્દે કાનૂની જંગ ખેલાશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

કેમિસ્ટોએ આક્ષેપ કર્યો છે કે ઈ-ફાર્મસીના કારણે સ્થાનિક દવાની દુકાનોનો ધંધો ચોપટ થઈ જશે. એટલે જ નહીં, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ભયંકર ખીલવાડ થશે. દર્દીને પ્રત્યક્ષ તપાસ્યા વગર જ કરાતી સારવારને કાયમી ધોરણે લાગુ કરી શકાય નહીં. કોરોનાના સંક્રમણને અટકાવવા ઓનલાઈન દવાઓ મંગાવવાની છૂટ માત્ર નજીકના સ્થળો માટે જ અપાઈ હતી અને તે પણ કેમિસ્ટોના સંગઠનોને લક્ષ્યમાં રાખીતે તથા જાહેર આરોગ્યના જતન માટે મર્યાદિત હેતુઓ અને ટૂંકા સમય માટે હોવાનો દાવો કરાયો હતો, પરંતુ હવે આ ક્ષેત્રે મોટા માથાઓએ ઝંપલાવતા કેમિસ્ટોના ધંધા પર જ તરાપ પડશે, તેમ જણાઈ છે.

દેશમાં અંદાજે સાડાઆઠ લાખ કેમિસ્ટો છે, જેમની સામે ઈ-ફાર્મસીનો ખતરો ઊભો થયો છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટના મંતવ્ય મુજબ ઈ-ફાર્મસી ગેરકાયદે છે, જેને મંજુરી આપવી એ ખતરનાક પૂરવાર થઈ શકે છે તેના અહેવાલો છે.

આ મુદ્દે દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે, અને હવે આ વિવાદ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. એસોસિએશન આ મુદ્દે હવે અદાલતોના દ્વાર ખખડાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

ઈ-ફાર્મસીના ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કેટલીક જાયન્ટ  કંપનીઓએ ઝંપલાવતા કેમિસ્ટોનો ધંધો છીનવાઈ જાય અને સ્થાનિક દુકાનદારો-મેડિકલ સ્ટોરવાળા બરબાદ થઈ જાય તેવી ભીતિ વ્યક્ત કરીને ઈ-ફાર્મસીનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસોસિએશને ઓનલાઈન દવાઓ વેંચતી ઈ-ફાર્મસીની કોઈ કંપનીને આ ધંધો ગેરકાયદે હોવાની જાણ કરી હોવાનું પણ ચર્ચાય છે. એસોસિએશનનું કહેવું એવું છે કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ ઈ-ફાર્મસીને આવરી લેવાઈ નથી, અને આ ધંધો ગેરકાયદેસર છે.આ વિવાદ આમ તો ઘણા સમયથી ચાલે છે, પરંતુ કોરોનાની સ્થિતિમાં કેટલાક શરતી અને મર્યાદિત છૂટછાટ મળ્યા પછી આ વિવાદ વધુ વકર્યો છે. એકાદ મહિના પહેલા જ્યારે કર્ણાટકમાં ઓનલાઈન ફાર્મસીની શરૃઆત થઈ ત્યારે લોકોનું બહું ધ્યાન ખેંચાયું નહોતું. પરંતુ ધીમે ધીમે આખા દેશમાં ઈ-ફાર્મસીનો વ્યાપ વધારવાથી ચક્રો ગતિમાન થતા જ તેની સામે વિરોધનો વંટોળ ઊઠવાનું શરૃ થયું છે. ઓનલાઈન દવાઓ ઉપરાંત મેડિકલ સાધન-સામગ્રીનો પણ ઈ-બિઝનેસ શરૃ થઈ જતાં દેશભરના સ્થાનિક દુકાનદારોમાં તેનો વિરોધ વધુ તિવ્ર બન્યો છે.

ભારતમાં ડોક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રાઈબ થયેલી દવાઓના ઓનલાઈન વેંચાણનો કોઈ કાનૂની આધાર નથી, તેઓ દાવો થઈ રહ્યો છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટના એસો.ના મંતવ્ય મુજબ દવાઓની હોમ ડિલિવરી આ પ્રકારે થઈ શકે જ નહીં. કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા કેટલીક છૂટછાટ માત્ર નજીકના સ્થળો પૂરતી જ આપવામાં આવી છે, પરંતુ તેના ઓઠા હેઠળ અને છૂટછાટોનો દૂરૃપયોગ કરીને દેશભરમાં ઈ-ફાર્મસી અથવા દવાઓના ઓનલાઈન વેંચાણનું નેટવર્ક ઊભું થતા કેમિસ્ટો-સ્થાનિક દુકાનદારો ધૂંઆપૂંઆ થયા છે, અને હવે કાનૂની લડત અપાશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

દવાઓના ઓનલાઈન વેંચાણ માટે ત્રણ-ચાર જાયન્ટ કંપનીઓએ ઝંપલાવ્યું હોવાથી સ્થાનિક દુકાનદારો સામે અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે અને હવે આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે, જો કે આ અંગે હજુ સુધી સરકાર સંલગ્ન સરકારી એજન્સી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું હોવાનું જાણમાં નથી. આ મુદ્દે હસ્તક્ષેપ કરીને ઉભય પક્ષોના હિતો જળવાય તેવો માર્ગ શાસકોએ કાઢવો જોઈએ, પરંતુ અત્યારે તો સરકાર મૌન જણાય છે. આ મુદ્દે જો વચલો રસ્તો નહીં નીકળે તો કાનૂની જંગ નિશ્ચિત જણાય છે.