મેરેજ સર્ટીફીકેટ-બેસ્ટ સર્ટીફીકેટ

'તમારા જીવનની સૌથી હાસ્યાસ્પદ ક્ષણ કઈ?'

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે મને મારી કોલેજની છેલ્લી પરીક્ષા યાદ આવી ગઈ, કે જ્યારે મને પરીક્ષામાં શું લખવું, તેની કશી સમજ નહોતી 'સીધો બેસ, પાછળવારો તારૃં પેપર જોવે છે?'

હું ચમક્યો, ઘડીભર મારૃં લગભગ કોરૃં રહેલું પેપર જોયું, અને પછી સુપરવાઈઝરે કહ્યા મુજબ મેં પણ પાછળ જોયું. અલબત્ત મને પાછળના વિદ્યાર્થી કરતા તેના પેપરમાં વધુ રસ હતો. એટલે મેં તે વિદ્યાર્થીના બદલે તેના પેપરમાં નજર નાખી, મને ન આવડતા પ્રશ્નોના જવાબ તેમાંથી જોઈ લીધા, અને મેં કહ્યું, 'થેંક યુ સર, હવેથી હું ધ્યાન રાખીશ!'

પછી તો તે દિવસે બિલકુલ સીધો બેઠો, હા વચ્ચે-વચ્ચે થોડુંક પાછળ જોઈ લેતો, મને  ન આવડતા પ્રશ્નના જવાબ જોઈ લેતો, એ રીતે જ પરીક્ષા પૂરી કરી. અને મેં ટૂંક સમયમાં જ મારી બેચલરની ડીગ્રી મેળવી.

પરીક્ષાખંડમાં વિદ્યાર્થી-સુપરવાઈઝરનો સંબંધ ચોર-પોલીસ જેવો જ હોય છે. પોલીસ ગમે તેટલી સતર્ક હોય, તે ગમે તેવા આધુનિક સાધનો વસાવ્યા હોય, સીસીટીવી કેમેરા લગાવ્યા હોય, છતાં પણ ચોર ચોરી કરી જ લેતા હોય છે. પરીક્ષાતંત્રની ગમે તેટલી તૈયારી હોય, સુપરવાઈઝર ગમે તેટલો નિષ્ઠાવાન અને ચબરાક હોય, પરંતુ વિદ્યાર્થીઓ અવનવી રીતે ચોરી કરી જ લેતા હોય છે.

અમારે પણ પરીક્ષામાં આવો જ એક કડક સુપરવાઈઝર આવી ગયેલો, કોઈને હલવા જ ન દે. મારો મિત્ર લાલો એકદમ અકળાઈ ગયેલો. તેવામાં છેલ્લી અડધી કલાકની વોર્નિંગ આપતો બેલ વાગ્યો અને સુપરવાઈઝરે પૂછ્યું, 'છેલ્લી અડધી કલાક... કોઈને કશું જોઈએ છે?'

જવાબમાં લાલાએ હાથ ઊંચો કર્યો એટલે સુપરવાઈઝરે  પૂછ્યું, 'યસ બ્રધર, શું જોઈએ છે? સપ્લી આપું?'

જવાબમાં લાલાએ કહ્યું, 'સર, મારે સપ્લી નહીં, ગાઈડ જોઈએ છે...આપશો...?!!'

આપણે જ્યારે આપણી સ્કૂલ લાઈફ પૂરી કરીએ છીએ ત્યારે આપણને પહેલું વ્યવસ્થિત સર્ટીફીકેટ મળે છે, સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ અને પછી તો આપણી મહેનત પ્રમાણે અલગ-અલગ સર્ટીફીકેટ મળતા રહે છે, જેવા કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ વગેરે વગેરે.

આ બધા સર્ટીફીકેટમાં સૌથી શિરમોર સર્ટીફીકેટ છે, 'મેરેજ સર્ટીફીકેટ, કે જેના પછી અન્ય કોઈ સર્ટીફીકેટની જરૃર રહેતી જ નથી!

મેરેજ સર્ટીફીકેટ મળતા જ માણસની લાઈફ બદલાઈ જાય છે. ગઈકાલ સુધી બિંદાસ ફરતો માણસ, અચાનક  લગ્નની બેડીમાં જકડાઈને પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે છે. લગ્ન થયાના થોડા દિવસ-બાદ, પત્નીએ લાડથી તેના પતિને કહ્યું, 'ડાર્લિંગ, હું સંતાઈ જાવ છું, તેમ મને  શોધજો... જો તમે મને શોધી લીધી તો આપણે બંને  શોપિંગમાં જઈશું!'

આ વાતને આજે બે દિવસ થયા છે, પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.

લગ્નના થોડા દિવસ બાદ પતિ મહાશય, પોતાના મિત્રો સમક્ષ બડાશ હાંકી રહ્યા હતા કે 'ઘરમાં આપણો વટ એટલે વટ...ઘરમાં આગલા દિવસનું રાંધેલું પણ મને પૂછીને જ નાખી દે કે, 'મારે ખાવું છે કે ફેંકી દઉં?'

લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ પત્નિએ સારા સમાચાર આપતા કહ્યું, 'સાંભળો છો? ખૂબ જ જલદી આપણે બેમાંથી ત્રણ થવાના છીએ..'

'અરે વાહ...! ચાલ આપણે ડોક્ટરને બતાવી આવીએ..'

'ના..ના.. એવું નથી. આ તો આવતીકાલે તમારા સાસુ આવી રહ્યા છે...!'