નગરના યુવાન જય શુક્લની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં અમ્પાયર તરીકે નિમણૂક

ઉમ્ર મેં સબસે મૈં છોટા હૂં ભલે, માને જાએંગે મેરે સબ ફૈસલે

ક્રિકેટના આરંભિક કાળથી જ જામનગરનો ક્રિકેટ સાથે અતૂટ નાતો રહ્યો છે. જામરણજીતસિંહજીથી લઈ રવિન્દ્ર જાડેજા સુધી ખ્યાતનામ ક્રિકેટરોએ ક્રિકેટ વિશ્વમાં જામનગરનું નામ ઝળહળતું રાખ્યું છે, પરંતુ હવે ક્રિકેટ મેચોમાં નગરનું 'નિર્ણાયક' યોગદાન પણ જોવા મળશે. નગરના રર વર્ષિય જય રાકેશભાઈ શુક્લએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સૌથી નાની વયે અમ્યપાર તરીકે નિમણૂક મેળવી અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. જય શુક્લ અને તેના પિતા રાકેશભાઈ શુક્લએ 'નોબત' કાર્યાલયની મુલાકાત લઈ પત્રકાર આદિત્ય સાથે સંવાદ કર્યો હતો.

બી.ઈ. ઈલેક્ટ્રીકલ સુધીનો અભ્યાસ કરનાર જય બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ગહન રૃચિ ધરાવે છે. આ દરમિયાન વર્ષ ર૦૧૯ માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિએશનમાં અમ્પાયરની જરૃર હોવાની જાહેર ખબર તેના ધ્યાનમાં આવે છે. જેના અનુસંધાને તે રાજકોટ નજીક ખંઢેરી સ્ટેડિયમમાં ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લઈ ઈન્ગરનેશનલ લેવલના અમ્પાયર અમિષ સાહેબા પાસેથી અમ્પાયરીંગનું જ્ઞાન મેળવે છે. ત્યારપછી લેખિત પરીક્ષા તથા વાઈવા પ્રેક્ટિકલમાં ઉત્તીર્ણ થાય છે. પસંદગી પામેલા ૧૪ ઉમેદવારો પૈકી જય સૌથી નાની વયનો અમ્પાયર બને છે.

અમ્પાયર તરીકે નિમણૂક પામ્યા પછી જય અન્ડર ૧૯ તથા અન્ડર ૧૬ ના ૪-૪ મેચ તથા અન્ડર ૧૩ ના ૩ મેચ અને અન્ડર ૧૪ ના ૧ મેચમાં અમ્પયાર તરીકે સેવા આપી ચૂક્યો છે.

મોટાભાગે યુવાનો ક્રિકેટર બનવા માંગતા હોય છે, પરંતુ અમ્પાયર બનવાનું કેમ નક્કી કર્યું એ સવાલના જવાબમાં જય કહે છે કે, તે કોઈપણ રીતે ક્રિકેટ સાથે જોડાયેલ રહેવા ઈચ્છતો હતો. ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવા ગળાકાપ હરિફાઈનો સામનો કરવો પડે છે, પરંતુ અમ્પયારીંગ ક્ષેત્રમાં યુવાઓની રૃચિ ઓછી જોવા મળતા આ ક્ષેત્રમાં કારકિર્દીની ઉજળી તકો છે. નિરીક્ષણ શક્તિ સારી હોવાથી જયે અમ્પાયર તરીકે કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું.

જય કહે છે કે, અમ્પાયર બનવા માટે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) દ્વારા ક્રિકેટની લો બુક પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ક્રિકેટના નિયમો નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ બુકના અભ્યાસ દ્વારા જ તે અમ્પાયર બનવાની કસોટીમાં પાર થયાનું જણાવે છે. ઉપરાંત અમ્પયાર બનવા માટેની લેખિત પરીક્ષા તથા વાયવા બન્ને અંગ્રેજી ભાષામાં જ લેવાતી હોવાથી અમ્પયાર બનવા ઈચ્છુક લોકોને અંગ્રેજી ભાષા પર પ્રભૂત્વ મેળવવાની પણ સલાહ આપે છે.

જય હવે બીસીસીઆઈમાં અમ્પાયર તરીકે સિલેક્ટ થવા માટે પણ તૈયારી કરી રહ્યો છે. જો આ પરીક્ષા તે આગામી પાંચ-સાત વર્ષમાં પણ પાસ કરી લેશે તો પણ બીસીસીઆઈના સૌથી યુવા અમ્પયાર બનવાનો રેકોર્ડ જય પોતાના નામે કરી લેશે, કારણ કે અત્યાર સુધીના બીસીસીઆઈના સૌથી યુવા અમ્પાયર ૩પ વર્ષિય રહ્યા છે. જય આ રેકોર્ડ તોડશે એવી પ્રબળ સંભાવના છે. એ પછી જય રણજી ટ્રોફી અને અન્ય ડોમેસ્ટિક મેચોમાં અમ્પાયરીંગ કરી નગરનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળહતું કરશે.

જયના પિતા રાકેશભાઈ 'જુનિયર જેઠાલાલ' તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા છે. જય પણ ક્રિએટીવ ક્ષેત્રમાં કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ તેનું મુખ્ય લક્ષ્ય તો અમ્પાયર તરીકે કારકિર્દી બનાવવાનું જ છે. તેનું આ લક્ષ્ય પૂરૃં થાય અને જામનગરને ક્રિકેટ ક્ષેત્રે નવી ઓળખ મળે તેવી શુભેચ્છા સાથે વિરમીએ...