જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી ઉપર વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલનું નિર્માણ પૂર્ણતાના આરે

અજાયબી સમાન આપુલ ભારતની નવી ઓળખ બનશેઃ

દેશના ટ્રાન્સપોર્ટર તરીકેનું બિરૃદ ધરાવતા ભારતના રેલવે તંત્રએ પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાતી કાશ્મીર ખીણને વ્યાપક ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડવાનો એક મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ રાષ્ટ્રીય પ્રોજેક્ટના ત્રણ તબક્કા પૂરા થઈ ગયા છે અને કાર્યરત પણ થઈ ગયા છે. ૧૧૧ કિ.મી.નું કતરા-બનિહાલ સેક્શન એટલે કે આખરી તબક્કાની અત્યંત કપરી કામગીરી હાલમાં ચાલી રહી છે. આ અનોખા ચિનાબ બ્રીજને આ વિસ્તારમાં આકાર લેતા એક મેગા સ્ટ્રકચર તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુના રેસી જિલ્લાથી ૧૧૦ કિ.મી.ના અંતરે આવેલ જમ્મુ અને કાશ્મીરનો આ બ્રીજ ઈજનેરીની અદ્ભુત અજાયબી સમાન છે અને તેનું બાંધકામ કાશ્મીરના લોક ગીતોમાં જેને મૂન રિવર (ચંદ્ર નદી) તરીકે ઓળખવામાં આવે છે તે અદ્ભુત 'ચેનાબ નદી' ઉપર બંધાઈ રહ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ ઊડી ચેનાબ નદીની આરપાર આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નદી પર પુલ બનાવવા ખૂબ જ આવશ્યક છે. આ જંગી પ્રોજેક્ટ માટે કતરા છેડે બક્કલ સાનુકૂળ સ્થળ છે અને શ્રીનગર છેે કૌરીને મેગા સ્ટ્રકચરના બાંધકામ માટે પસંદ કરવામાં આવ્યું છે. આ પુલ ચિનાબ નદીના નિચાણવાળા ભાગમાં બનાવેલા હાલના સલાલ હાઈડ્રો પાવર ડેમની નજીક આવેલો છે. ચેનાબ બ્રીજ જ્યારે પૂર્ણ થશે ત્યારે તે પૃથ્વી પરનો સૌથી ઊંચો રેલવે બ્રીજ ગણાશે. તે નદીના પટથી ૩પ૯ મીટરની ભારે ઊંચાઈ પર નિર્માણ પામી રહ્યો છે. આ પુલની તુલના કરવી હોય તો તે એફીલ ટાવર (૩ર૪ મીટર) કરતા ૩પ મીટર ઊંચો છે અને કુતુંબ મિનારની ઊંચાઈ કરતા તેની ઊંચાઈ પાંચ ગણી વધારે છે.

આ યુએસબીઆરએલ પ્રોજેક્ટ એ હિમાલયમાંથી પસાર થતી રેલવે લાઈન છે. હિમાલયમાં યુવા પર્વતમાળાઓ છે. ખૂબ જ જટિલ પ્રકારની છે અને ભારે વળાંકો ધરાવતી હોવાથી બ્રીજ બાંધવાનું કામ ખૂબ જ કપરૃ ગણાય છે.

ભારતમાં આ પ્રકારનો પુલ ક્યાંય બંધાયો હોવાનું જોવા મળ્યું નહીં હોવાથી આ પ્રકારનું જંગી માળખું ઊભું કરવા માટે કે તેની ડિઝાઈન તૈયાર કરવા માટે કોઈ સંદર્ભ કોડ પ્રાપ્ત થતો નથી. છેવટે આ પુલનું માળખું દુનિયામાં આવેલા આવા સમાન પ્રકારના પ્રોજેક્ટ્સના અનુભવને આધારે તથા કેટલા પ્રસિદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો તેમજ કન્સ્ટ્રક્શન એજન્સીઓના અભિપ્રાયો લઈને તૈયાર કરવામાં આવ્યું છે. આઈઆઈટી રૃડકી અને આઈઆઈટી દિલ્હી જેવી દેશની ટોચની સંસ્થાઓ સાથે પરામર્શ કરીને સ્થળ આધારીત વિસ્તૃત સેસ્મિક (ભૂકંપલક્ષી) વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે પછી બ્રીજનું મોડલ અને જરૃરી માપદંડ નક્કી કરી બ્રીજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) સાથે પરામર્શ કરીને આતંકવાદનો સામનો કરી શકાય તેવા પાસા એમાં ઉમેરવામાં અવ્યા છે. પર્વતોના ઢોળાવો મુખ્ય કમાના પાયાને ટેકો પૂરો પાડે છે અને આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ટેકનોલોજિકલ પરામર્શ કરીને પહાડના ઢોળાવોને કમાનનો પાયો રચવા માટે સ્થિરતા આપવામાં આવી છે.

આ પુલની લંબાઈ ૧૩૧પ મીટર છે. ૧૭ પાટા જોડીને આ બ્રીજ તૈયાર કરવામાં આવશે. નદી ઉપરની તેની મુખ્ય કમાન ૪૬૭ મીટરની લંબાઈ ધરાવે છે. જે કોઈપણ બ્રોડગેજ લાઈન ઉપર તૈયાર કરવામાં આવતો સૌથી મોટો વિસ્તાર છે. ભારતે સૌ પ્રથમ વખત આ બ્રીજમાં કોંક્રીટ ભરેલી પોલાદની કમાનોનો મુખ્ય આર્ચ બ્રીજમાં ઉપયોગ કર્યો છે. આના કારણે આ પુલને વધુ ઊંચાઈએ નડતરરૃપ બનતા પરિબળો સામે રક્ષણ પ્રાપ્ત થશે.

મુખ્ય કમાન ગોઠવવાની કામગીરી એક મોટા પડકાર સમાન છે. આ કામગીરીમાં જંગી સ્ટ્રક્ચર (૩ર મેટ્રિક ટન સુધીના) નું શ્રીનગર છેડેથી વિશ્વની સૌથી લાંબી કેબલ ક્રેઈન વ્યવસ્થા મારફતે વહન કરવું પડે તેમ છે. આ ઉપરાંત ખીણના બન્ને છેડે થાંભલા ઊભા કરવાની વ્યવસ્થા કરવાની છે. ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ભારે પવનનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં કમાનના આકારને અંસર થઈ શકે તેમ છે, કારણ કે કમાનો ઊંચા-નીચા વિસ્તારમાં સ્થાપિત કરવાની છે. મુખ્ય કમાન ઊભી કરવાની ૭૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.

રેલવે લાઈન થાંભલાઓને આધારે તૈયાર કરેલી ડેક અને મધ્યસ્થ કમાન ઉપર બિછાવવામાં આવશે. એની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે તે કલાકના ૧૦૦ કિ.મી.ના ઝડપે દોડતી ટ્રેનનો પ,૦૦૦ ટનનો કુલ લોડ સહન કરી શકે. આ ડેકની તપાસ માટે સાઈડ ગેલેરીઓ તૈયાર કરવામાં આવી છે. પવનની ગતિને માપવા માટે સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

યુએસબીઆરએલ બ્રોડગેજ લાઈન પ્રોજેક્ટના કારણે જમ્મુ અને કાશ્મીરના લોકો માટે એક નવા યુગનો પ્રારંભ થશે અને તેના પરિણામે માનવો અને સામગ્રીના પરિવહન માટે તમામ મોસમમાં નવા દ્વાર ખૂલી જશે. ચેનાબ બ્રીજનું બાંધકામ પૂર્ણ થયા પછી તે કાર્યરત થશે ત્યારે સ્થાનિક લોકો તેમજ નજીકના ગામોમાં વસવાટ કરતા લોકો માટે રોજગારીના નવા દ્વાર ખૂલશે. રેલવે તંત્રએ આ પ્રોજેક્ટને જોડતા એપ્રોચ રોડ બાંધ્યા હોવાના કારણે સામાન્ય રીતે દુર્ગમ ગણાતા આ વિસ્તારમાં વિકાસનો એક નવો પ્રવાહ શરૃ થયો છે. આ રેલવે લાઈનને કારણે આ વિસ્તારના આર્થિક વિકાસને તો વેગ મળશે જ, પણ સાથે સાથે પરિવહન અને પ્રવાસનમાં વધારો થવાની ગણતરી છે. આ પુલના એકંદર વિકાસની કામગીરી રેલવેએ હાથ ધરી હોવાના કારણે લોકોના સ્થળાંતર અને અજંપા જેવી કેટલીક સામાજિક સમસ્યાઓ આ વિસ્તારમાં ઊભી થઈ છે, પરંતુ તેના ઉપાયો જલદી શોધી લેવાશે તેવો વિશ્વાસ છે.

દરેક વિષમ સ્થિતિને જીરવી લે તેવો સોલિડ બ્રીજ

બ્રીજ એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે કે, તે ૭ રિક્ટર સ્કેલ અને તેથી વધુ તિવ્રતાના ભૂકંપ સામે પણ ટકી શકે તેમ છે. તે કલાકના ર૬૬ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન સામે અને માઈનસ ર૦ અંશ સેન્ટીગ્રેડ જેવી થિજવી નાંખે તેવી ઠંડી સામે પણ ટક્કર લઈ શકશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit