કોરોના વાઈરસ અંગે વૈજ્ઞાનિક જાણકારી તથા સાવચેતી રાખવા અંગેની સૂચનાઓ

યે કોવિડ...કોવિડ...ક્યા હૈ ?

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ જેને તબીબી વિજ્ઞાનની ભાષામાં 'કોવિડ-૧૯' તરીકે ઓળખવામાં આવે છે તેનો કહેર ફેલાયો છે. કોરોના વાઈરસથી સુરક્ષિત રહેવા અને તેનો ફેલાવો અટકાવવા પ્રારંભિક તબક્કાથી જ સરકાર દ્વારા દેશવાસીઓને સાવચેતી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે, પણ આ કોવિડ-૧૯ કોરોના વાઈરસ શું છે તે અંગે જોહન્સ હોપકીન્સ યુનિવર્સિટીએ વિસ્તૃત જાણકારી પ્રકાશિત કરી છે.

૦     આ વાઈરસની સૌથી કઠિન સમસ્યા એ છે કે તે જીવંત જીવ નથી. તેથી તેને મારી શકાતું નથી. આ સુક્ષ્મ વાઈરસ પ્રોટીન મોલેક્યુલ છે અને તેની ફરતે ચરબીનું પડ (કવર) છે. તેની ચરબીનું પડ તોડી તેનું વિઘટન કરવામાં આવે તે જ આ રાક્ષસનો અંત છે.

૦     આ પ્રોટીન મોલેક્યુલ ઉષ્ણતામાન, ભેજ અને તે કોના પર ચોંટે છે તેના પર તેના સક્રિયપણાનો આધાર રહેલો છે.

૦     આ પ્રોટીન મોલેક્યુલ (વાઈરસ) ને તેની ફરતે આવેલું ચરબીનું પડ જ સુરક્ષિત કરે છે.

૦     આ કારણોસર ચરબીનું પડ તોડી પ્રોટીન મોલેક્યુલનું વિઘટન કરી તેને નિષ્ક્રિય કરવા માટે અસરકારક ઉપાયો સૂચવાયા છે.

૦     ચરબીને ડીસોલ્વ કરવા માટે વિજ્ઞાનમાં સાબુ-ડીટરજન્ટ શ્રેષ્ઠ ઉપાય છે. તેના ફીણ ચરબીના પડને ઓગાળીને તોડી નાખે છે. એટલે જ હાથને સાબુ અથવા ડીટરજન્ટથી કમસે કમ ર૦ સેકન્ડ સુધી ઘસીને તેના ફીણ સાથે ધોવાની સૂચના આપવામાં આવે છે. ચરબીનું પડ તૂટી જવાથી આ ખતરનાક પ્રોટીન મોલેક્યુલ પણ વિઘટીત થઈને છૂટું પડી નિષ્ક્રિય થઈ જાય છે.

૦     ઉષ્ણાતમાનઃ ગરમી પણ ચરબીને ઓગાળે છે. તેથી હાથ, કપડાં અને અન્ય ચીજવસ્તુઓ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

૦     આલ્કોહોલ અથવા આલ્કોહોલ સાથેનું કોઈપણ મિશ્રણ પણ ચરબીને મોટી માત્રામાં ઘટાડી શકે છે અને તે સીધા આ પ્રોટીન મોલેક્યુલ પર આક્રમણ કરી અંદરથી તેને તોડી નાંખે છે.

૦     પેરોડસાઈડથી પ્રોટીન ઓગળી જાય છે પણ તેનાથી ત્વચાને નુક્સાન પહોંચે છે. આ વાઈરસ કોઈ બેક્ટેરિયા જેવા જીવંત નથી. તેથી કોઈ એન્ટીબાયોટિક્સથી તેને મારી શકાતું નથી, પણ તેને દરેક વસ્તુમાંથી વિખેરી નાંખવું જ ઉપાય છે.

૦     આ વાઈરસ બાહ્ય ઠંડી તથા અંધારામાં તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્થિર રહે છે. તેથી ભેજમુક્ત વાતાવરણ, સૂકું વાતાવરણ, ગરમ અને પ્રકાશમય વાતારવણ તેનું વિઘટન ઝડપથી કરે છે.

૦     આ વાઈરસ તંદુરસ્ત ત્વચામાં પ્રવેશ કરી શકતો નથી.

૦     જ્યાં મર્યાદિત જગ્યા છે ત્યાં વાઈરસની સાંદ્રતા-તિવ્રતા વધુ હોય શકે છે. ખુલ્લા અથવા કુદરતી રીતે હવાની અવર-જવરમાં તેનું પ્રમાણ ઓછું હોય છે.

૦     ખોરાક, તાળા-ચાવી, ઘરના નોબ્સ (નકૂચા), દરેક સ્વીચ, રીમોટ કંટ્રોલ, સેલ ફોન, ઘડિયાળ, કોમ્પ્યુટર, ટીવી વગેરે ચીજવસ્તુઓ કે જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે તેનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવા અત્યંત જરૃરી છે. નખમાં આ વાઈરસ સંતાઈ જાય છે, તેથી નખ ટૂંકા-કાપેલા જ રાખવા તેમજ હાથને ધોયા પછી તદ્ન કોરા-સૂકા કરી નાંખવા પણ જરૃરી છે.

૦     આ પ્રોટીન મોલેક્યુલની સક્રિયતા અંગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જેમાં ફેબ્રિક કે છીદ્રાયુ કાપડમાં ત્રણ કલાક, તાંબુ ઉપર ચાર કલાક (કારણે કે કોપર એન્ટી સેપ્ટીક છે), લાકડુ (તેમાં પણ તેની સક્રિયતા ૪ કલાક જેવી છે), કાર્ડ બોર્ડ પર ર૪ કલાક, મેટલ પર ૪ર કલાક અને પ્લાસ્ટિક પર તેની સક્રિયતા ૭ર કલાક જેવી છે, પણ જો આ ચીજવસ્તુઓ પરથી તેને હલાવીને કે ફેધર ડસ્ટરનો ઉપયોગ કરો તો હવામાં તે ત્રણ કલાક સુધી તરતા રહે છે. જે નાકમાં પ્રવેશ કરી શકે છે. એટલે જ નાક-મોઢા પર સાદા માસ્કથી લઈને ખાસ પ્રકારના માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવે છે.

૦     વસ્ત્રોના કાપડ છીદ્રાયુ હોય તેમાં રહેલા વાઈરસને તેમાં જ રહેવા દેવા માટે કપડાં કે અન્ય કાપડને ઝાટકવા નહીં. પરિણામે તે હવામાં-અર્થાત્ છીદ્રોમાં જ ત્રણ-ચાર કલાક રહીને નિષ્ક્રિય થઈ જાય છે.

આમ ઉપરોક્ત વિગતોથી એટલું ચોક્કસ ફલિત થાય છે કે કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા શ્રેષ્ઠ ઉપાય ઘરમાં જ રહેવાનો છે. અને તે માટે જ લોકડાઉન, કર્ફયુ જેવા પગલાં લેવાય રહ્યા છે.

સરકાર દ્વારા મીડિયાના માધ્યમથી, જાહેર ખબરના માધ્યમથી, સ્થાનિક તંત્રો, સામાજિક સંસ્થાઓ દ્વારા કોરોનાથી બચવા માટે જે પગલાં લેવા માટે, જે સાવચેતી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે તેનો જો ચૂસ્તપણે અમલ કરવામાં આપણ સફળ થઈએ તો આ પ્રોટીન મોલેક્યુલનો રાક્ષસ આપણને કોઈ નુક્સાન પહોંચાડી શકે નહીં.

આ સાદી સમજણ આપતી જાણકારી પણ સુરક્ષિત રહેવા માટે ઉપયોગી બની રહેશે.

close
Nobat Subscription