Advertisement
Author: નોબત સમાચાર

હવે 'ટેરિફ મિસાઈલ'નો પ્રહાર... રશિયન ઓઈલ ટ્રેડ અને 'એએ' વચ્ચેની કડી કઈ ? રાહુલે ખોલ્યુ રહસ્ય...

                                                                                                                                                                                                      

અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર સર્વાધિક ૫૦ટકા ટેરિફ લગાવીને એ સ્પષ્ટ કહી દીધું છે કે હવે અમેરિકા ભારતનું દોસ્ત તો નથી રહ્યું, પરંતુ રશિયા કરતા પણ વધુ અપ્રિય થઈ ગયું છે. એક તરફ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર ટેરિફનો બોમ્બ નહીં, પણ મિસાઈલ છોડી છે, તો બીજી તરફ ખુદ અમેરિકા રશિયા સાથે વેપાર કરે છે, તેથી એ ખુલ્લી દાદાગીરી જ છે કે અમેરિકા ભારત પર ટેરિફ વધારવા માટે રશિયાનું બહાનુ કાઢે છે. હકીકતે તો ભારત પર આટલો બધો ટેરિફ લાદવા પાછળ ભારત અને અમેરિકા વચ્ચે નહીં, પણ નેતૃત્વ વચ્ચેની કોઈ અદૃશ્ય મડાગાંઠ જવાબદાર હોઈ શકે છે, અથવા ટ્રમ્પના કોઈ વ્યક્તિગત હિતો અમેરિકાને ભારતથી દૂર અને પાકિસ્તાનની નજીક ખેંચી જતા હોય, તેવું પણ બની શકે છે. ટૂંકમાં, ટ્રમ્પે એ પુરવાર કરી દીધું છે કે તેેઓ હવે વિશ્વના સૌથી અવિશ્વનિય અને અહંકારી શાસક બની ગયા છે. ટ્રમ્પની તુમાખીનો જવાબ ભારતે ભલે આપ્યો હોય, પરંતુ ટ્રમ્પના ટેરિફનો ૨૭મી ઓગષ્ટથી અમલ થયા પછીના પરિણામો ભારતના એમ.એસ.એમ.ઈ. સહિતના વ્યાપાર ઉદ્યોગને જે માઠી અસરો પહોંચાડશે, તેની રિકવરીનો કોઈ રોડ-મેપ હજુ વિચારાયો હોય તેમ જણાતું નથી. જો કે, આ ટેરિફમાંથી કેટલી ચીજવસ્તુઓને મૂક્તિ આપી છે, અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યા પછી આ ટેરિફમાં કેટલો ફેરફાર થાય છે, તે જોવાનું રહે છે, જેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...

ટ્રમ્પની ટેરિફ મિસાઈલ પછી ભારતમાં વિપક્ષો મોદી પર તૂટી પડ્યા છે અને સવાલોની ઝડી વરસાવી દીધી છે, એટલું જ નહીં, વ્યંગાત્મક કોમેન્ટો પણ થઈ રહી છે. હાઉડી મોદી, અબ કી બાર ટ્રમ્પ સરકાર અને ભારતીય અમેરિકનોના ભૂતકાળના સહિયારા કાર્યક્રમોને યાદ કરાવીને મજાક પણ ઉડાળાઈ રહી છે. બીજી તરફ ટ્રમ્પને તો તેની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિતના ગણમાન્ય વરિષ્ઠો ભારત સાથે સંબંધ નહીં બગાડવાની સલાહ આપી રહ્યા છે, અને આખી દુનિયા પર ટેરિફ વધાર્યા પછીની અસરો હેઠળ અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળશે, કેટલીક વસ્તુઓની અછત સર્જાશે અને અર્થતંત્ર ખાડે જશે, તેવી ભવિષ્યવાણીઓ પણ થવા લાગી છે. ટ્રમ્પને પણ ટેરિફ અને ટ્રેડનું  વળગેલ ભૂત બરબાદ કરી દેશે અને ઘરઆંગણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે, તેવા વિશ્લેષણો વૈશ્વિક કક્ષાએ પણ થવા લાગ્યા છે.

આ તરફ અજિત ડોભાલનો રશિયા પ્રવાસ અને પીએમ મોદીનો સૂચિત ચીન પ્રવાસ કંઈક નવાજુની ના એંધાણ દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સમીકરણો બદલાય, તેવા સંકેતો છે.

રાષ્ટ્રીય રાજનીતિ કરતા યે આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ ગહન, વ્યુહાત્મક અને ખતરનાક પણ હોય છે. ઘણી વખત બહારથી દેખાતું હોય, તેવું હોતું નથી. ટ્રમ્પ ટેરિફની વાતો ઘણાં સમયથી ચાલી રહી છે, અને હવે ટ્રમ્પે ૫૦ટકા  ટેરિફ લાદ્યા પછી ભારતે તેેને તર્ક વિહિન ગણાવીને અન્યાયકર્તા ગણાવ્યો છે, અને ભારત પોતે નક્કી કરશે કે કોની સાથે વેપાર કરશે, તથા ૧૪૦ કરોડ લોકોનું હિત જળવાય, તેવા નિર્ણયો લેવાશે, તેવો જવાબ આપ્યો છે, જેની સાથે સાથે એક છુપુ રહસ્ય પણ બહાર આવી ગયું છે, તેની કદાચ બહુ ઓછી નોંધ લેવાઈ છે, અથવા તેના પર કોઈનું બહુ જ ધ્યાન ગયું નથી, પરંતુ તે પોઈન્ટ એવો છે કે, જે પુરવાર કરી દે છે કે ઉપરથી દેખાતું હોય, તેવું જ બધંુ હકીકતમાં હોય, તેવું આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ હોતું નથી. ઘણી વખત ગૂપ્ત રણનીતિઓ અલગ પણ હોય છે.

અમેરિકાએ પહેલા જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા કે શસ્ત્રોનો વેપાર કરતા દેશોને તદ્દન પ્રારંભમાં ચિમકી આપી હતી કે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો મૂકાશે; તે સમયે કેટલાક દેશોએ રશિયા સાથેનો વેપાર ઘટાડયો, પરંતુ ભારતે "વટ થી" રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું, ત્યારે "વાહવાહી" થઈ હતી અને તે સમયે "શાંતિદૂત" જેવી ઉપમાઓ પણ અપાઈ હતી, પરંતુ હવે ખબર પડી કે એ તો વૈશ્વિક સપ્લાઈ ચેઈન ખોરવાઈ ન જાય, તે માટેની ગૂપ્ત રણનીતિ જ હતી... તે સમયે ભારતે અમેરિકાની મૂક સંમતિ હોવાથી જ રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે સમય બદલાયો છે, અને ટ્રમ્પને એવું લાગે છે કે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ મેળવીને ભારત મોંઘા ભાવે વેચીને વેપલો કરીને નફો કમાઈ રહ્યું છે, અને તેથી જ ટ્રમ્પે ટેરિફ વધાર્યો હોય તેમ જણાય છે. પરંતુ જે-તે સમયે તો અમેરિકા સામે ભારત ઝુક્યું નહીં અને આંખમાં આંખ પરોવીને વાત કરી હોવાના દાવા થયા હતા.

જે હોય તે ખરૃં, અત્યારે વાસ્તવિકતા એ છે કે ભારત ટોપ-ફાઈવ ઈકોનોમી બન્યું છે, અને ભારતની આર્થિક પ્રગતિની ગતિ જોતા અમેરિકાને અદેખાઈ થઈ હોય કે, અસુરક્ષાની ભાવના ઊભી થઈ હોય, કે પછી ટ્રમ્પ ફેઈમ પાકિસ્તાનની ક્રિપ્ટો કરન્સી કંપનીના હિતો સંકળાયા હોય, તેવું બની શકે. અમેરિકા જેવી મહાસત્તા ભારતને દુશ્મન ગણે તો તે પણ એક સિદ્ધિ જ ગણાય ને ?

જો કે, રાહુલ ગાંધીની થિયરી કાંઈક અલગ જ છે. વિપક્ષના નેતાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પર ૫૦ટકા ટેરિફ લાદવાનું ટ્રમ્પનું કદમ ઈકોનોમિકલ બ્લેકમેઈલીંગ જ છે. અમેરિકા આ રીતે ભારતને અમેરિકાની શરતો પર ટ્રેડ ડીલ કરવા ધમકાવી રહ્યું છે. ભારતને પોતાના રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને પોલિસી ઘડવાનો અધિકાર છે, જેમાં મહાસત્તા પણ ચંચુપાત કરી શકે નહીં.

રાહુલ ગાંધીએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મૌન રહેવાનો આરોપ લગાવતા કહ્યું છે કે મોદી ટ્રમ્પ સામે ઊભા રહી શકે તેમ નથી, કે જવાબ આપી શકે તેમ નથી, કારણ કે અમેરિકામાં અદાણી સામે તપાસ ચાલી રહી છે, અને તપાસ રશિયા, ભારત અને અદાણી (એએ) સાથે મોદીને સાંકળે છે, તેથી મોદીના હાથ બંધાયેલા છે, વિગેરે...હવે જોઈએ, આના કેવા કેટલા પ્રત્યાઘાતો પડે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh