Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જમાનો હતો જ્યારે એક ગામથી બીજા ગામ ખરીદી કરવા જવું પડતું. રૂપિયાનું હજુ એટલું મહત્ત્વ નહોતું વધ્યું એટલે વિનિમય પ્રથા અમલમાં હતી. મેં તો સાંભળેલું છે કે ચુનિયાના પરદાદા એક બકરીના બદલામાં પત્ની લાવેલા! ચુનિયાના પરદાદા ખૂશ હતા કેમ કે ઢીક મારતી, ખૂબ ખાતી, સતત રાડો પાડતી બકરી આપીને સુશીલ પત્ની લાવ્યા. મેં એ પણ સાંભળેલું છે કે કર્મની થીયરી પ્રમાણે જેવું વાવો તેવું બકરી પધરાવી દીધાનું સુખ કે આનંદ ટૂંક સમયમાં વિસરાઈ ગયો પસ્તાવો પણ થયો હતો. જો કે સામેવાળા છેવટ સુધી એમ જ કહેતા હતા કે આ પ્રેમનો સોદો છે, વિનિમય પ્રથાનો ભાગ નથી! આ વિનિમય પ્રથા ચાલુ રાખવા માટે એકબીજાના સરનામાની આપ લે થતી. કાં લખીને અથવા અભણ હોય તો યાદ રાખીને ગાડુ રોડવતા પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો તેમ તેમ માણસની પ્રકૃત્તિ બદલાતી ગઈ. સતત કામ કરતો માણસ આળસવૃત્તિ તરફ ઢળતો ગયો. વૈજ્ઞાનિકો ભલે કહે જરૂરિયાત એ શોધખોળની માતા છે.
મારૂ તો દૃઢપણે માનવું છે કે સંશોધન પાછળ જો કંઈ કારણભૂત હોય તો એ માણસની આળસવૃત્તિ અને કંટાળો જ હોય છે. ગે્રહામ બેલે ટેલિફોનની શોધ કરી પણ મારુ માનવું છે કે એ માટેનું કારણ તેમનું સાસરાપક્ષ જ હશે. બે-ચાર દિવસે નાની નાની વાત કરવા માટે સહકુટુંબ સાસરિયાઓ ધામા નાખતા હોય તો બચારો આવો રસ્તો ન કાઢે તો શું કરે? આવી તો ઘણી શોધો થઈ છે. જેમ કે કપડા ધોવાવાળી બાઈ વારે ઘડિયે રજાઓ પાળે અને આજુબાજુની ગોસીપ સાંભળવા ન મળે તો કેટલી અકળામણ થાય એટલે વોશિંગ મશીનની શોધ થઈ એનાથી કામવાળીને રજા નથી મળી પરંતુ તેને જેટલો સમય મળે એટલો સમય આડોશી પાડોશીની ગોસીપ કરવા માટે વધારે સમય મળે!!! આજનો વિષય શોધ સંશોધન નથી પણ એકબીજાને મળવા માટે સરળ રસ્તો અને ભાઈ/બહેન શું કરે છે તેની જાણકારી મેળવવાનો સરળ રસ્તો એટલે વિઝિટીંગ કાર્ડ છે.
ઘણાં સમયથી વિઝિટીંગ કાર્ડ ચાલતું હશે પણ મને યાદ છે કે વર્ષો પહેલા એક ભજનિકે પોતાનું કાર્ડ છપાવ્યું હતું અને પહેલું કાર્ડ તેમણે તેના તબલચીને આપેલું. મને આજે પણ એ દૃશ્ય યાદ છે કે તબલચી તબલાની થાપો ચૂકી જતો હતો કેમ કે આ એક નવા ગેઝેટની શોધથી એ અભિભૂત થઈ ગયેલો. કાર્યક્રમ પૂરો થયા પછી તેનો પહેલો સવાલ હતો કે આ શું છે? ભજનિકે વિગતવાર સમજાવ્યો કે તેનો કોઈએ સંપર્ક કરવો હોય તો ફોન નંબર અને સરનામું લખેલું છે અને ઉમેર્યુ કે એક કાર્ડની કિંમત ૯૦ પૈસા છે. ત્યારે પાછી ૯૦ પૈસાની કિંમત પણ હતી કેમ કે આખા પ્રોગ્રામની કિંમત ૨૦૦ રૂપિયા હતી. ભજનિકે તબલચીને સલાહ આપી કે એ પણ કાર્ડ છપાવી લે. તબલચીનો જવાબ હતો કે છપાવી તો લઉં પણ સામેવાળા પાસે ૯૦ પૈસા ખુલ્લા હોય કે નહીં અને પાછા ૧૦ પૈસાના સિક્કાઓની પણ તંગી છે તબલચીને ખબર પડી કે આ કાર્ડ મફતમાં આપવાનું હોય ત્યારે એનો વસવસો એ હતો કે ૧૦ રૂપિયાનું કુલ બજેટ તેનું હોય અને જો આ રીતે કાર્ડ વહેંચે તો પછી ઘેર શું લઈને જવાનું???
તમે રખે ને નહીં માનતા કે વિઝિટીંગ કાર્ડ લોકો માત્ર જાણકારી માટે જ લઈ જાય એવું નથી. મેં પણ એક જમાનામાં વિઝિટીંગ કાર્ડ છપાવેલા અને એ પણ પ્લાસ્ટીક કાર્ડ કેમ કે જાડા કાગળના હોય તો પણ કાર્ડ બગડી જ જાય છે એટલે લાંબો સમય સુધી ટકેલા રહે અને હું માનતો કે લોકો કાર્ડ જોઈને પણ પ્રોગ્રામ આપે. તમે નહીં માનો કે પ્લાસ્ટીક કાર્ડની ખબર પડ્યા પછી એકવાર મારા શૂટીંગમાં ચાર પાંચ બાળકો દોડતા આવ્યા અને મારી પાસે કાર્ડ માંગ્યુ. મેં એક કાર્ડ આપીને કહ્યું કે બધા મારો નંબર યાદ રાખી લેજો પણ બાળકોની જીદ્દને લીધે બધાને કાર્ડ આપવા પડ્યા. મનમાં ખુશી હતી કે આ કાર્ડ જરૂર બાળકોના મમ્મી પપ્પા સુધી પહોંચશે અને મને બે-ચાર નવા પ્રોગ્રામ મળશે પણ જેવું શૂટીંગ પત્યું અને હું બહાર નિકળ્યો ત્યારે ખબર પડી કે કાર્ડ તો મમ્મી-પપ્પાઓએ જ મંગાવ્યા હતા પણ પ્રોગ્રામ આપવા માટે નહીં, એ બધાએ બાળકોને ભેળ ખવડાવવી હતી અને ચમચીની વ્યવસ્થા નહોતી! જો કે ભૂલ મારી જ હતી મારે આ રીતે શૂટીંગમાંથી સીધુ બહાર ન નિકળાય કેમ કે મારો ભૂતકાળનો અનુભવ હતો કે મારી લખેલી બૂકના પેઇજમાં જ મેં શીંગ ખાધી હતી. મારા પ્લાસ્ટીક કાર્ડના ઉપયોગો વિશે તમને કહું તો તમને પણ દુઃખ થાય. અમારા સૌરાષ્ટ્રના લોકો પાન, ગુટકા, ફાકી સતત આરોગતા હોય અને પછી પાછા મારી પાસે કાર્ડ માંગે. મારી તો એ હાલત ખરાબ થાય કે એ સમયે એ લોકો મારી નજર સામે મારા જ કાર્ડથી લાલ સડેલા દાંત વચ્ચેથી સોપારી કાઢતા હોય!!!
ખાસ કરીને પ્રોગ્રામ પૂરો થાય પછી કાર્ડ માંગવા વાળાની સંખ્યા વધારે હોય એટલે તમારે નક્કી કરવાનું હોય કે કોણ સારૂ દેખાય છે, કોણ પ્રોગ્રામ આપી શકે એવું દેખાય છે, કોણ તમને ફેન ફોલોવીંગ અપાવી શકશે. હમણા જ એક કાર્યક્રમ પછી લોકો કાર્ડ માંગવા માટે લાઇનમાં હતા. એક સુંદર બહેન (કોઇકના) મને ક્યારના જોઈ રહ્યા હતા અને ખૂબ જ પ્રેમ ભર્યા શબ્દ સાથે તેમણે મારુ કાર્ડ માગયું અને ટકોર પણ કરી કે મારો પર્સનલ નંબર પણ તેમાં લખેલો છે. બહેને (કોઇકના) તરત જ પાછળ કંઈક લખ્યું અને મને પરત આપતા કહ્યું હું પણ ભજનિક છું અને હું પણ પ્રોગ્રામ આપુ છું એટલે જો ક્યારેય કામ પડે તો ચોક્કસ યાદ કરજો મને કાર્ડના આ ઉપયોગની ખબર સોગંદપૂ ર્વક પહેલીવાર ખબર પડી! મારો એક આઇડિયા લખી લો અને મારી પાસે પેટન્ટના રૂપિયા નથી બાકી પેટન્ટ કરાવી લેજો. મોટાભાગના લોકો કાર્ડને કચરાપેટીમાં નાખે અથવા ફાડીને રસ્તા પર ફેંકે. ભારતીય માનસિકતા મુજબ કોઈ પણ કાર્ડ છપાવો એટલે આગળ પાછળ માતાજીનો ફોટો છપાવી નાખો એટલે મજાલ છે કોઈની કે કાર્ડ ફેંકે કે કચરા ટોપલીમાં નાખે. મેં તો મારા અનુભવથી નોંધેલું છે કે જો કોઈ કોર્પોરેટ ઓફિસમાં જવું હોય તો તમે કોણ છો એ બતાવવા તમારે તમારૂ કાર્ડ આપવું પડે બાકી બૂટલેગરને ક્યાં કાર્ડની જરૂર હોય છે? તમારા બંધ પડેલા નંબરના પણ જો મીસ કોલ આવતા હોય તો બૂટલેગરને ગુજરાતમાં ૨૦૦ કોલનો મેસેજ ન આવેલ હોય તો મને કહેજો!!!
વિચારવાયુઃ જેનું કામ હોય તેને લોકો ગોતી જ લેતા હોય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial