Advertisement
Author: નોબત સમાચાર

અહીં આ જન્મે જે કાંઈ સારા ખોટા કામ કરો એનું ચૂકવણું અહીં જ કરવાનું છે...

                                                                                                                                                                                                      

ઈશ્વરે આપણને માનવ જન્મ આપ્યો ,અનેક લોકોએ  માનવ તરીકે જન્મ તો લઇ લીધો હોય છે પણ એમનામાં માનવતા કેટલી હદે છે એ જોવાનું રહે છે. આજના જમાનામાં માનવ, અન્ય  માનવ પર નજર રાખવા ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવે છે તેથી કાંઈ થઈ જાય તો નજર રહે. ઘટના ઘટે પછી કોણ હતું એ જોવા એ રેકોર્ડિંગ જોવાય. માનવે ઘણાં યુગો પછી આ કર્યું પણ ઈશ્વર તો પહેલેથી દરેક પર નજર રાખતા હોય છે અને માનવ કાંઈ અઘટિત કરે તો તરત એને પરચો આપે છે. એટલે ઈશ્વરના દરબારમાં ન્યાય આ જન્મે જ આપી દ્યે છે. તમે કંઈ ખોટું કરો છો, અન્યાય કરો છો, કોઈનું હ્ય્દય દુભાવો છો , અમાનવીય કોઈ પણ કૃત્ય કરો છો તો ઈશ્વર એનો બદલો આ જન્મે તમારા મૃત્યુ પહેલા જ આ જન્મ માં જ આપી દે છે. કોઈ એમ કહેતું હોય કે આ જન્મે તમે જે કરવું હોય એ કરી લ્યો ઈશ્વર આવતા જન્મે દેખાડશે. એવું નથી ઈશ્વર ઉધાર બાકી રાખતા જ નથી તરત જ ન્યાય. દાખલા જોયા જ છે. એ બાબતે લખવા બેસીએ તો ઘણું લખાય એટલા દાખલા જોયા છે.

કોઈ માનવી અત્યંત લાગણીશીલ છે, દરેક સાથે માનવીય વર્તન કરે તો બીજા કહે કે શું આટલી લાગણી બતાવવાની, એ માણસ એને યોગ્ય હોય જ નહિ, હવે એ માણસ કે જેની સામે તમે માનવતા દાખવી એ હ્ય્દયથી કેટલા આશીર્વાદ આપે? શિવ શંકર નું એવું જ હતું , અત્યંત લાગણીશીલ. એના ઘરે કોઈ કાંઈ આપવા આવે તો પ્રેમથી બોલાવે , પાણીનું પૂછે, પેલા આંગતુકને કેટલું સારું લાગે? આજના જમાનામાં હવે કોઈપણ વસ્તુ ઘરે બેઠા આવી જાય છે અને એ આપવા આવનાર પણ માનવ છે એ કોઈ પણ ઋતુ હોય આવે જ. એને પરિવાર માટે કમાવાની જરૂર છે એટલે એ આ કામ પણ કરે છે. એ ચોર લૂંટારા નથી, મહેનત કરે છે  , આવા કોઈ શિવ શંકરના આંગણે આવે તો એ પ્રેમથી વર્તે અને ઘરના બધાને કહે કે કોઈપણ વ્યક્તિ કાંઈ આપવા આવે તો પ્રેમથી વર્તો, એ માણસ છે. આ વસ્તુ એમની દીકરી નમ્રતા સમજતી હતી એ પિતા પર જ ગઈ હતી પણ શિવશંકર નો દીકરો સાહિલ  કહે કે શું આ વેવલાવેડા છે. એ આપણા લેવલનો માણસ છે? એને ઘરમાં બોલાવી સોફા પર બેસાડી  પાણી પીવડાવાય . શિવશંકર કહે કે તારો આ બાપ પણ જુવાની માં ગ્રેજ્યુએટ થયા પછી નોકરી નહોતી મળતી એટલે  સેમ્પલ માર્કેટિંગ કરતો હતો. એ સમયે કોઈ ઘેર ગયા હોઈએ અને ભલે નમ્રતા થી હજી વાત શરૂૂ કરીએ ત્યારે જાણે ભીખ માગવા આવ્યા હોઈએ નથી જોતું કહી એમ બારણું બંધ કરી દે. એ હૈયે વાગતું હતું. આપણને એમ થાય ભલેનાથી કામ પણ વાત તો સારી રીતે કરો? હોય છે અમુક માણસો એવા પણ એનો અર્થ એ નથી કે  બધાને એક લાકડીએ હાંકો. અત્યારે સાહિલ ના પિતા એક સારી કંપનીમાં માર્કેટિંગ હેડ છે. સાહિલ કહે તમે તમારી એટીટ્યુડ માં રહો ને? શિવશંકર કહે એ મને ના ફાવે. શિવ શંકરે સાહિલ ને ખુબ સરસ ભણાવ્યો. એને બીજા મિત્રો ની જેમ  વિદેશ જવું હતું ભણવા, તો મોકલ્યો.એ ત્યાં ભણી સારી નોકરી એ પણ લાગ્યો. ડોલરમાં કમાવા લાગ્યો.

દીકરી નમ્રતા પણ સારું  ભણી, એના માટે બીજા રાજ્યના શહેરના  એક સારા પરિવારમાંથી માગું  આવ્યું. એ પરિવારને શિવશંકર અને એમના પત્ની સીમા બહેન વિશે બહુ સારું સાંભળ્યું હતું. એ પરિવાર સંપૂર્ણ માનવીય અભિગમ વાળું હતું, એમને હતું કે દીકરીમાં પણ એ જ સંસ્કાર હશે. નમ્રતાના લગ્ન થઈ ગયા. એ પરિવારમાં સરસ રીતે ગોઠવાઈ ગઈ. એના પતિ વિનય  કુમાર પણ લાગણીશીલ સૌનું સન્માન કરે એવા. વડીલોનો આદર કરવા વાળા. એના લગ્ન સમયનો  એક સરસ કિસ્સો લગ્ન સમયે  કન્યા પધરાવે એ પહેલા કન્યાના માતા પિતા પૂજા માં બેઠા હોય જમાઈ સાથેની વિધિ માટે  એ સમયે એક વિધિ એવી હોય કે કન્યાના પિતા જમાઈના પગ ધોવે. આ વિધિ કરવા શિવશંકર જમાઈના પગ ધોવા હાથ માં કળશ લઇ એના પગ પર હાથ મુકવા ગયા અને વિનય  કુમાર કહે *અરે અરે આ શું કરો છો? મારા પગ તમે શુ કામ ધુવો? ગોર મહારાજ કહે કે આ વિધિ છે કન્યાના પિતા એ કરવાની , વિનય કુમાર  કહે કે * એ દીકરી આપે છે એ ગુનો કર્યો? આ નહિ થાય કહો તો હું એમના પગ ધોઈ આપું...' બધા ચમકી ગયા. સાથે બધા બોલ્યા કે જુવો આને સંસ્કાર કહેવાય. પછી જે થયું તે પણ વિનયકુમાર હ્ય્દયમાં અંકિત થઈ ગયા.

એ પછી સમય જવા માંડ્યો દીકરી એક બે વાર પિયર આવી પણ જાણે પારકે ઘેર આવી હોય એમ. દીકરી લગ્ન પહેલા કેવી આખા ઘરમાં હરતી ફરતી હોય પણ લગ્ન પછી  કોણ જાણે કેમ? અંદર જતા ખચકાય. પિતા કહે કે બેટા તારું જ ઘર છે ને? આટલું કહેતા શિવ શંકરની આંખો ભીંજાઈ જાય અને અંતરમાં બોલે કે દીકરી પારકી થઈ ગઈ. સમય જવા માંડ્યો અને હવે શિવશંકર અને એમના પત્ની સીમા બહેન એકલા, કારણ કે દીકરો વિદેશ  એણે  લગ્ન કરી લીધા એને ત્યાં રહેવાનું ઘેલું હતું. એટલે ત્યાં જન્મી મોટી થયેલી સીટીઝન  ધરાવતી કન્યા સાથે લગ્ન કરી લીધા. માં બાપને ખાલી જાણ કરી. આ ઘટનાનો આઘાત માતા પિતાને અસહૃા હોય, કેવા સપના જોયા હોય અને તૂટી જાય. એ પછી થોડા સમયમાં સીમા બહેનનું અવસાન થયું. શિવશંકર નિવૃત્ત થયા. ખાનગી કંપનીમાં નોકરી હોય એટલે પેંશન તો હોય નહિ, જે બચત હોય એમાં જીવવાનું.

સાહિલ ને કોઈ પણ કારણ હોય વિદેશથી પરત આવવું પડે એમ હતું. એની પત્ની બાળકો સાથે પાછો આવી ગયો. એણે અહીં આવી પોતાનો વ્યવસાય સ્થાપ્યો. પિતાને એ કાંઈ ગણતો જ નહિ. વાત વાત માં અપમાન કરતો. આ બધી બહુ લાંબી વાત છે. પિતા પુણ્ય પ્રતાપે સાહિલ નો  ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. એને આ ઘર હવે એના લેવલ થી નીચે નું લાગતું હતું. એણે પિતાને જબરદસ્તી કરી એ મકાન વેચાવડાવી  નાખ્યું અને એણે બંગલો બનાવ્યો. હવે વિશાળ બંગલો , કમ્પાઉન્ડ માં ત્રણ કાર પડી હોય. સાહિલ નો દીકરો એને આંટી જાય એવો હતો. આ ઘરમાં શિવશંકર અલગ રૂમ એમને ત્યાં જ રહેવાનું. ઘરમાં સોફા પર નહિ બેસવાનું, દરેકના રૂમમાં એસી, શિવ શંકર ના રૂમમાં નહિ. શિવ શંકર નું બધું એમના રૂમમાં જ. આઉટ હાઉસ નોકરો માટે હોય એવા  એટેચ બાથવાળા રૂમ ઘરમાં  શિવ શંકરની હાલત ગંભીર થઈ ગઈ હતી. દીકરી નમ્રતા એના સંસારમાં વ્યસ્ત હતી એને આની કંઈ ખબર નહિ.

ઘણો સમય થયો દીકરીને થયું કે હું પપ્પાને જોઈ આવું. હવે તો ભાઈ કરોડપતિ થઈ ગયો છે, પપ્પાની હાલત શું હશે? એ સ્ટેશને પહોંચી અને પ્લેટફોર્મ પર એક બાંકડા પાસે ભીડ જોઈ. એણે પોર્ટર ને પૂછ્યું શું થયું? પોર્ટર કહે કોઈ દાઢી  વાલા બુઢા  આદમી ટ્રેન સે ઉતરતે બેહોશ હો ગયા હૈ...* એ દોડી જોવા અને જોયું તો  ચીસ નીકળી ગઈ ...* પપ્પા .....* એક દીકરી એના બાપને આમ જુવે તો કેવું લાગે? ... એણે તરત ટેક્ષી બોલાવી અને પપ્પાને લઈ ઘરે પહોંચી.  એના  સસરા કહે શું થયું? કેમ પાછી આવી? કોણ છે આ ? * જોયું તો વેવાઈ !  , તરત એમને અંદર લીધા સુવડાવ્યા ડોક્ટર આવ્યા જોયું અને કહૃાું કે  ખાધું પીધું નહિ હોય એટલે અશક્તિ છે. થઇ જશે. દીકરીને થઇ ગયું કે મારા ભાઈએ જ પપ્પાની આ હાલત કરી હશે. જે માણસ જીવનમાં કોઈને દુઃખી નથી જોઈ શક્યો  , માનવતા જ દેખાડી છે એની આ હાલત?  બે દિવસે એ સ્વસ્થ થયા પછી જમાઈ એ ઘણું કહૃાું * આ હાલત તમારી સાહિલે કરી નાખી અમને ના કહેવાય? હું સબંધે તમારો જમાઈ પણ દીકરો જ છું. હવે તમારે ક્યાંય નથી જવાનું અહીં મારા મમ્મી પપ્પા છે  એમની સાથે રહો, તમે ત્રણેય વડીલો મોજ કરો. બસ હવે જીવન સરસ જાય છે, ઈશ્વર માનવતાવાદી માનવીને દુઃખી ના થવા દે. ન્યાય કરે જ.

ગાર્ડનમાં ત્રણેય વડીલો  અખબાર વાંચતા હતા અને વાંચ્યું કે એક દીકરાએ એના પિતા નો બધો ધંધો પોતાના નામે કરી પિતાને રસ્તા પર લાવી દીધા એ પીએ પુલ પરથી નદીમાં  ઝંપલાવી દીધું. એ હોસ્પિટલમાં  જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે કોઈ સગા સંબંધી આવ્યા નથી. એમનું નામ છે સાહિલ ભાઈ.

શિવશંકર ગમે તેમ તોય બાપ છે દિકરાએ જે કર્યું તે. આખું પરિવાર ફલાઇટમાં પહોંચ્યું એ શહેરની હોસ્પિટલમાં ડોક્ટરોએ કહૃાું કે બચવાના કોઈ ચાન્સ નથી જોઈ લો. એ લોકો ત્યાં ગયા સાહિલે પિતાને હાથ જોડ્યા અને એટલું બોલ્યો પિતાજી મને માફ કરી દ્યો.... શિવશંકરે એના માથે હાથ મુક્યો અને સાહિલે આંખ મીંચી દીધી.

 અહમ અભિમાનમાં કે એમ જ કોઈના મન હ્ય્દયને દુઃખી નહિ કરતા એમાંય માં બાપનું હ્ય્દય તો ના જ દુભાવતા ,ઈશ્વર અહીંનું આ જન્મ માં અહીં જ આપી દે છે , બાકી રાખતા જ નથી માનવ તરીકે જન્મ મળ્યો છે તો માનવતા સભર માનવ બનીને રહો. બધું અહીંનું અહીં જ ચૂકવવાનું છે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh