Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન વિજય, ઓપરેશન સફેદ સાગર અને ઓપરેશન તલવારના ત્રિવેણી સંગમસમા
'ઓપરેશન વિજય' સફળ થયું હોવાની ૧૪ જુલાઈ-૧૯૯૯ના દિવસે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ જ્યારે જાહેરાત કરી હતી ત્યારે દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી પરંતુ પાકિસ્તાનના જે બહુરૂપિયા સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા હતા, તેને સ્વીકારવા પાકિસ્તાન તૈયાર નહોતું, અને બીજી તરફ ભારતીય વાયુસેનાનું ઓપરેશન સફેદ સાગર પણ સફળ રહ્યું હતું. જે ભૂમિદળના સંકલનમાં ચાલ્યું હતું. આ બંને સફળતાઓની સાથે સાથે પાડોશી દેશ દ્વારા નહીં સ્વીકારાયેલા તેના જ સૈનિકોના પાર્થિવદેહોની આદરપૂર્વક દફનવિધિ વગેરે પ્રક્રિયાઓ ઉપરાંત સમગ્ર ઓપરેશન દરમિયાન પથરાયેલા લોજિસ્ટિક સપોર્ટ તથા કામચલાઉ સપોર્ટીંગ સુવિધાઓ વગેરેને સમેટવાની કાર્યવાહી પણ તે પછી ચાલી રહી હતી.એ સમયે એવા અહેવાલો પણ આવ્યા હતા કે તે સમયના અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પાસે કાકલૂદી કરી રહેલા નવાઝ શરીફને ત્યાંથી કોઈ સમર્થન તો મળ્યંુ નહીં, પરંતુ ભારતમાં ઘૂસાડેલા પાક.ના સૈનિકોને તાત્કાલિક પાછા બોલાવી લેવાની સલાહ અપાઈ હતી. બીજી તરફ ભારતીય સેનાના શૌર્ય, સમર્પણ અને સાહસ સામે ગોઠણીયે પડેલા પાકિસ્તાનના જીવિત રહી ગયેલા સૈનિકો મોટી સંખ્યામાં પીછેહઠ કરી રહ્યા હતા, જેથી પાકિસ્તાનની સેના અને આઈએસઆઈને આ ષડયંત્ર સમેટી લેવું પડે તેમ હતું. આ તમામ પરિબળોના પ્રભાવ હેઠળ અંતે ભારતીય સેનાનો જવલંત વિજય થયો હતો.
યે દિલ માંગે મોર
કારગીલ યુદ્ધ દરમિયાન ઘાયલ થવા છતાં છેલ્લા શ્વાસ સુધી પોતાની ટીમનું નેતૃત્વ કરીને પોઈન્ટ-૪૮૭૫નો કબજો મેળવ્યો હતો તે કેપ્ટન વિક્રમ બત્રાને મરણોપરાંત તેમનો નારો ખૂબજ પ્રચલિત થયો હતો. તેમનો નારો હતો 'યે દિલ માંગે મોર...'
કેપ્ટન વિક્રમ બત્રાની ચર્ચા એટલા માટે આલેખવામાં પણ પુનરાવર્તિંત થતી રહે છે કે તેમની દેશભક્તિ અને માતૃભૂમિ માટે મરી ફિટવાના ઝનૂને સમયે પ્રેરકબળ પૂરૃં પાડ્યું હતું. આમ તો આ યુદ્ધમાં શહીદ થનાર, ઘાયલ થનાર અને ભાગ લેનાર તમામ વીરોની દેશભાવના તથા યુદ્ધ જીતવાનો જુસ્સો પરાકાષ્ટાએ જ હતો અને વિક્રમ બત્રાની જેમ જ પ્રત્યેક ભારતીય સૈનિકોએ જીવ સટોસટનો જંગ ખેલ્યો હતો, પરંતુ વિક્રમ બત્રા જેવા મુશ્કેલ ટાસ્ક તથા વિપરીત સ્થિતિમાં પણ નેતૃત્વ કરીને છેલ્લા શ્વાસ સુધી દુશ્મનોને હંફાવનાર વીરબંકાઓની શૌર્યકથાઓ તે સમયે પ્રત્યેક દેશવાસીઓને ગૌરવ અપાવી રહી હતી. શહીદ વિક્રમ બત્રાને મરણોપરાંત પરમવીર ચક્રનું સર્વોચ્ચ સેના સન્માન અપાયંુ હતું. તેવી જ રીતે રાયફલમેન સંજયકુમારને પણ પરમવીર ચક્રનું ગૌરવવંતુ સન્માન અપાયું હતું. સૌથી નાની ૧૯ વર્ષની ઉંમરે સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવને પણ આ સન્માન મળ્યું હતું. આવતા અઠવાડિયે તમામ અન્ય વીરગાથાઓની સાથે સાથે હાલાર તથા ગુજરાતના શહીદો અને કારગીલ યુદ્ધ પછી વિશેષ સૈન્ય સન્માનો મેળવનાર તમામ શુરવીરોની વિગતવાર વાત કરીશું અને અનુભવીશું કે યે દિલ માંગે મોર...
ભારતમાં ટેલિવિઝન પર યુદ્ધનું
સૌપ્રથમ વખત જીવંત પ્રસારણ
એ સમયે દેશમાં દૂરદર્શન ઉપરાંત કેટલીક ખાનગી ન્યૂઝ ચેનલોએ પણ યુદ્ધના સૌપ્રથમ જીવંત પ્રસારણના દૃશ્યો દેખાડ્યા હતા અને તે સમયે કિશોર-યુવાવસ્થાએ પહોંચેલા વર્ગ માટે તે રોમાંચક, જુસ્સાપ્રેરક તથા કુતૂહલભરી અનુભૂતિ હતી. કારગીલ યુદ્ધ પહેલાના યુદ્ધો પર ફિલ્મો બની, કેટલીક દસ્તાવેજી ફિલ્મોમાં આઝાદી પછીના યુદ્ધોની તસ્વીરો જોવા મળી હતી, પરંતુ યુદ્ધના જીવંત પ્રસારણ પછી યુદ્ધમાં પ્રેસ-મીડિયાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નોંધપાત્ર બની હતી અને દેશભરમાં દેશપ્રેમનો જુવાળ તો ઊભો થયો જ હતો પરંતુ શહીદોની અંતિમયાત્રાઓમાં પણ લોકો ખૂબજ મોટી સંખ્યામાં ઉમટતા હતા અને ગરિમામય આંસુઓનો તો જાણે દરિયો ઉભરાતો હતો. કેટલાક શહીદોના પરિવારજનો પણ સેનામાં હોય, અથવા શહીદના સંતાનો પણ દેશ માટે કુરબાન થવાની ભાવના અંતિમયાત્રાના સમયે જ વ્યક્ત કરતા હોય, ત્યારે તે ટેલિવિઝનના માધ્યમથી નિહાળનાર પ્રત્યક દેશવાસીઓની છાતી ગૌરવથી ગજગજ ફૂલાઈ જતી હતી અને ઘણાં લોકોને મેં ટીવી સ્ક્રીનની સાથે ઊભા રહીને શહીદોના અંતિમ સંસ્કારના સમયે સલામી આપતા અને ગોરવભર્યા આંસુ વહાવી તે સમયે જોયા હતા. આ પ્રકારે શહીદોને સન્માન આપતા લોકોને શહીદ થનાર સાથે કોઈ પારિવારિક કે અન્ય સંબંધ પણ નહીં હોવા છતાં તે સમયે તેઓ પોતાનું જ સ્વજન ગૂમાવ્યું હોવાની ગમગીની સાથે ગૌરવ પણ અનુભવતા હતા. એ સમયે સેનાની સાથે આખો દેશ એકજૂથ થઈને અડીખમ રીતે ઊભો હતો.
વર્ષ ૧૯૯૨ના આર્થિક સુધારણાનું પરિણામ
વર્ષ ૧૯૯૨માં ભારત સરકારે વડાપ્રધાન નરસિંહરાવના નેતૃત્વમાં કેટલાક આર્થિક સુધારા કર્યા હતા અને તેના ભાગરૂપે જ બ્રોડકાસ્ટીંગ ઈન્સ્ટ્રીઝને પણ ઉદારીકરણની નીતિ હેઠળ કેબલ, ટીવી, પ્રસારણના દ્વાર ખૂલી ગયા હતા. વર્ષ ૧૯૯૫થી આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટ કંપનીઓ સાથે કરાર થયા અને આ સિલસિલો વાજપેયી સરકાર સુધી ચાલતો રહ્યો હતો અને તેના પરિણામે વર્ષ ૧૯૯૯માં દેશભરમાં કારગીલ યુદ્ધનું જીવંત પ્રસારણ થઈ શક્યું હતું. કારગીલ યુદ્ધમાં પહેલી વખત સરહદો પર મોટી સંખ્યામાં જર્નાલિસ્ટોને લડાઈના સ્થળની નજીક મોકલાયા હતા. તે સમયે જર્નાલિસ્ટો અને કેમેરામેનોએ પણ જોખમ ઉઠાવીને વ્યાપક કવરેજ કર્યું હતું. તેના કારણે દેશમાં પ્રચંડ જનમત જાગ્યો હતો તથા શહીદોના પરિવારોની પડખે સ્થાનિક જનસમાજ પણ બીજુ બધું ભૂલીને મદદરૂ થવાના પ્રયાસ કરી રહ્યો હતો અને તેની પ્રેરણાત્મક સ્ટોરીઓ પણ ટેલિવિઝનના માધ્યમથી ઘેર ઘેર પહોંચતી હતી. તે સમયે પણ પાકિસ્તાનની સરકાર ટેલિવિઝન ચેનલ પીટીવી તથા 'ડોન' અખબારના ઓનલાઈન સંસ્કરણો પર ભારત સરકારે પ્રતિબંધો મૂકી દીધા હતા. તે સમયે ભારતીય ચેનલોની ટીએએમ (ટેલિવિઝન ઓડિયન્સ મેજરમેન્ટ) પરથી એ પુરવાર થયું હતું કે લોકોએ કારગીલ યુદ્ધના પ્રત્યેક અહેવાલોને મન ભરીને સતત જોયા હતા.
યુદ્ધના સમયે પ્રેસ-મીડિયાની ભૂમિકા કેટલી હકારાત્મક અસરો ઊભી કરે છે, તે કારગીલ યુદ્ધ દરમિયાન પુરવાર થઈ ગયું હતું. પાકિસ્તાની સેનાની ગ્રીનબુકમાં કરાયેલા વિશ્લેષણમાં પણ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય પ્રેસ મીડિયાની ભૂમિકાનો ભારપૂર્વક ઉલ્લેખ કરાયો હોવાનું કહેવાય છે. જો કે, કારગીલ યુદ્ધ દરમિયાન કરાયેલા કેટલાક રિપોર્ટની ટીકા પણ થઈ હતી અને લોકતંત્રમાં ટીકા કરવાનો લોકોને અધિકાર હોવાની ચર્ચા તે સમયે પણ થઈ હતી.
રાજકીય એકજૂથતાના દર્શન
કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાજકીય પક્ષોએ એકજૂથતાના દ ર્શન કરાવ્યા હતા અને જ્યાં સુધી યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી સરકારને સમર્થન કરીને રાજકીય લાભાલાભ એક બાજુ મૂકીને દેશની એકતા અને અખંડિતાને પ્રાધાન્ય આપ્યું હતું.
પાકિસ્તાન/ભારતીય સેનાને
નુકસાન (અંદાજે)
કારગીલ યુદ્ધમાં ભારતના સવા પાંચસોથી વધુ જવાનો શહીદ થયા હતા અને ૧૩૫૦થી વધુ જવાનો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના લગભગ ચારેક હજાર સૈનિકો માર્યા ગયા હતા પરંતુ પાકિસ્તાન તેના માત્ર સાડા ત્રણસો સૈનિકો જ મર્યા હોવાનો દાવો કરે છે અને યુદ્ધ સમાપ્ત થયા પછી પોતાની જ સેનાના જવાનોના પાર્થિવ દેહ નહીં સ્વીકારતા ભારતે તેની અંતિમક્રિયા કરવી પડી હોવાનો ઈતિહાસ છે. ભારત અને પાકિસ્તાન બંનેને આર્થિક ક્ષેત્રે પણ સ્વાભાવિક રીતે જ નુકસાન વેઠવું પડ્યું હતું.
પાકિસ્તાનને તો આંતરરાષ્ટ્રીય બદનામી, ઘરઆંગણે વિરોધ, માળખાકીય સુવિધાઓની બલીહારી અને તખ્તાપલટ તરફ દોરી જતા આંતરવિગ્રહનો પણ સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે યુદ્ધ પછી થતાં નુકસાનની વાસ્તવિક જાણકારીઓ ઉભય પક્ષે બહુ જાહેર કરવામાં આવતી નથી, જે રાષ્ટ્રીય સુરક્ષાની વ્યૂહાત્મક રણનીતિનો ભાગ હોય છે પરંતુ પાક. આ યુદ્ધમાં બરબાદ થઈ ગયું હતું, તે હકીકત છે.
ઓપરેશન તલવાર
ભારતીય ભૂમિદળના ઓપરેશન વિજય, વાયુસેનાના ઓપરેશન સફેદ સાગરની પ્રત્યક્ષ ભૂમિકાની સાથે સાથે ભારતીય નૌસેનાએ ઓપરેશન તલવાર હેઠળ દરિયાઈ માર્ગે પાકિસ્તાની સેનાને કોઈપણ સપોર્ટ કે લોજિસ્ટિક સુવિધાઓ મળે નહીં, તે માટે અરબી સમુદ્રમાં ગુપ્ત અભિયાન ચલાવ્યું હોવાની ખમીરવંતી કહાનીઓ પણ ગૌરવપ્રદ હતી. પાકિસ્તાનના દરિયાઈ રસ્તે વ્યાપર અવરોધવાની ચેતવણી સાથે ભારતીય સૈનિકોએ દરિયાઈ પેટ્રોલિંગ આદરતા પાકિસ્તાનને મળતો પુરવઠો અટવાઈ પડતા ઈંધણ પણ ખુટવા લાગ્યું હતું. પાક.ના તે સમયના વડાપ્રધાને પાછળથી એ પણ સ્વીકાર્યું હતું કે જો પૂર્ણકક્ષાનું યુદ્ધ છેડાયું હોત તો પાક. પાસે અઠવાડિયુ ચાલે તેટલું ઈંધણ પણ નહોતું.
ક્લિન્ટનની આત્મકથાનો સંદર્ભ
અમેરિકાના તે સમયના રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટનની આત્મકથામાં કારગીલ યુદ્ધનો ઉલ્લેખ થયો છે, તેને ટાંકીને એવું કહેવાય છે કે કારગીલની ઘૂસણખોરીને લઈને પાકિસ્તાને જુઠાણાં ફેલાવ્યા, પરંતુ તે પછીના ઘટનાક્રમમાં પાકિસ્તાને પ્રત્યક્ષ યુદ્ધ કર્યું અને ભૂંડી રીતે હારી ગયું તે પછી અમેરિકાના શરણે ગયું પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિએ નવાઝ શરીફને તતડાવ્યા હતા. આ ઘટનાક્રમની પુષ્ટિ આપતો ઉલ્લેખ ક્લિન્ટનની આત્મકથામાં થયો હોવાનું કહેવાય છે.
ક્લિન્ટને તેની આત્મકથામાં કેટલા ઉલ્લેખ પરથી એ પણ પુરવાર થાય છે કે અમેરિકાની પોલિસી પહેલેથી જ પાકિસ્તાનને બચાવવાની રહી છે.
ક્લિન્ટને આત્મકથામાં લખ્યું કે 'શરીફના કદમ આશ્ચર્યજનક હતા. કારણ કે ભારતના વડાપ્રધાન (વાજપેયી) કાશ્મીર સમસ્યાના સમાધાનના ઉદેશ્યથી દ્વિપક્ષીય વાટાઘાટો કરવા (બસમાં બેસીને) લાહોર ગયા હતા અને બીજી તરફ એલઓસી પાર કરીને પાકિસ્તાને દ્વિપક્ષીય વાટાઘાટોને બરબાદ કરી નાખી હતી.
વાજપેયીનો ક્લિન્ટનને જવાબ
કારગીલ યુદ્ધ સમયે પણ પાકિસ્તાને પરમાણુ યુદ્ધના નામે બ્લેકમેઈલીંગનો પ્રયાસ કર્યાે હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિન્ટને વાજપેયીને ફોન કરીને કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમ પરમાણુ હુમલાની વાત કરે છે તેથી યુદ્ધ અટકાવો તો વાજપેયીએ કહી દીધું હતું કે, તમે તેને રોકતા નહીં, હું અડધું ભારત કૂરબાન કરવા તૈયાર છંુ પરંતુ આખું પાકિસ્તાન આવતીકાલનો સૂરજ પણ નહી જોઈ શકે.
પાકિસ્તાને નફ્ફટાઈપૂર્વક એકપણ સમજૂતિનો આદર કર્યાે નહીં!
ભારત-પાકિસ્તાન વચ્ચેની મહત્ત્વપૂર્ણ સમજૂતિઓ અને તેની વાસ્તવિકતા
ભારત-૫ાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૪૭ના આઝાદ થયા, તે પછી કેટલીક મહત્ત્વપૂર્ણ સમજૂતિઓ થઈ છે, જેનો ભારતે તો અત્યાર સુધી ઈમાનદારીથી અમલ કરવાનો પ્રયાસ કર્યાે છે. પરંતુ પાકિસ્તાને કોઈપણ સમજૂતિનો ઈમાનદારીથી અમલ જ કર્યાે નહી, તેથી જ કદાચ ભારતે ઓપરેશન સિંદૂર પછી વર્ષ ૧૯૬૦માં સિંધુ જળ સમજૂતિ રદ્દ કરી દીધી છે. આ સમજૂતિમાં ભારતે મોટું દિલ રાખીને બંને દેશો વચ્ચે શાંતિ જળવાઈ રહે, તે માટે આ સમજૂતિ કરી હતી, પરંતુ તેનો મૂળ ઉદ્દેશ્ય જ ન જળવાતો હોય તો તે સમજૂતિ શું કામની!
ઓપરેશન સિંદૂર પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળસંધિ તો રદ્દ કરી જ દીધી છે પરંતુ તે પછી થયેલી કેટલીક સમજૂતિઓ પર ટૂંકમાં દૃષ્ટિપાત કરીએ, પાકિસ્તાનની આડોડાઈના કારણે આ સમજૂતિઓ પણ કેટલી ટકશે, તે સવાલ છે.
તાશ્કંદ ઘોષણાપત્ર
વર્ષ ૧૯૬૬માં તાશ્કંદમાં ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાક.ના રાષ્ટ્રપતિ મહમ્મદ અયુબ ખાન વચ્ચે થયેલી સમજૂતિની રાત્રે જ શાસ્ત્રીજીનું નિધન થયું હતું.
શિમલા સમજૂતિ
વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી શિમલામાં ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાક.ના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકારઅલી ભુટ્ટો વચ્ચે થઈ હતી, જે અંતર્ગત વિવાદો દ્વિપક્ષીય વાટાઘાટોથી નિવારવાની સમજૂતિ થઈ હતી પરંતુ વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને આ સમજૂતિ નિભાવી નથી.
તે ઉપરાંત બિન પરમાણુ મથકો પર હુમલા નહીં કરવા (૧૯૮૮), પરમાણુ દુર્ઘટનાઓનું જોખમ ઘટાડવા (૨૦૦૭) અને તે પહેલા વર્ષ ૧૯૯૧માં સૈન્યાભ્યાસની પરસ્પર જાણ કરવાની સમજૂતિ પણ થઈ હતી.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial