તમે તમારા લાઈફ પાર્ટનર જોડે કઈ રમત રમો છો ?

રાહુલ અને પ્રિયા બૉલીવુડ ફિલ્મો જેવું કપલ છે એકદમ મેડ ફોર ઇચ અધર. શરૃઆતમાં તો કોઈ પણ નવવિવાહિત કપલની જેમ રાહુલ અને પ્રિયાનો હનીમૂન ફેઝ ચાલ્યો જેમાં સામે વાળું માણસ કશું જ ખોટું કરી ન શકે. પછી જેમ જેમ સમય જતો ગયો, બન્નેની પર્સનાલિટી સામે આવતી ગઈ. ધીરે ધીરે તાણા મારવાના પણ ચાલુ થયા. વર્ષો વીત્યા અને  સંબંધો બગડ્યા. પ્રિયા એક તાણો હંમેશાં મારતી કે તું ના હોત તો હું આજે ડાન્સ ક્ષેત્રમાં ઘણી આગળ હોત. બાળપણમાં પ્રિયા ભરતનાટ્યમ કરતી અને રાહુલ જોડે લગ્ન કર્યા પહેલા જ પ્રિયાને ખબર હતી કે રાહુલને આ બધું ન ગમે એટલે રાહુલે શરત રાખેલી કે તું ભરતનાટ્યમ મૂકી દઈશ. સંબંધો ધીરે ધીરે કરતા વધારે બગડ્યા  અને છૂટાછેડા થયા. પ્રિયા છૂટાછેડા પછી ડાન્સ ક્લાસ પણ ગઈ થોડો સમય, પરંતુ એને એ એહસાસ થયો કે એણે ક્યારેય લાંબા સમય માટે ભરતનાટ્યમ કરવું નહોતું. તું ન હોત તો.... નો તાણો દરેક ઘરમાં પ્રચંડ માત્રામાં ઉપયોગમાં આવે છે. એ એક એવી રમત છે જે આપણે પોતાની જોડે રમીએ છે જેમાં આપણે એવા વ્યક્તિને પસંદ કરીશું હંમેશાં જે આપણને એ કરવા મજબુર કરે જે આપણે પોતાને કરવા નથી કરી શકતા. એક રીતે આપણું મન મનાવી શકીએ. પ્રિયાના અંતર્મને હંમેશાં લાંબા સમય સુધી ડાન્સની હોબી જાળવી નહોતી રાખવી, પરંતુ પોતાને મનાવી ન શકતી. એટલે એના અંતર્મને એક એવો વ્યક્તિ પસંદ કર્યો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઇ શકે. આ થિયરી પ્રખ્યાત મનોચિકિત્સક એરિક બર્નીની છે. એમણે લખેલું વિશ્વવિખ્યાત પુસ્તક છે ધ ગેમ્સ પીપલ પ્લે.

ધ ગેમ્સ પીપલ પ્લે પુસ્તકની વિશ્વમાં પાંચ મિલિયનથી પણ વધુ કોપી વેંચાય ચુકી છે અને આજ પુસ્તકમાં વર્ણવાયેલ થિયરી ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ પર બર્નીએ લખેલી એની પહેલાની પુસ્તક દસ હજાર કોપી પણ માંડ વહેંચી. ધ ગેમ્સ પીપલ પ્લે માં આવી અનેક રમતો અને એ રમતો પાછળનું મનોવિજ્ઞાન વર્ણવામાં આવેલું છે.

બર્નીનું માનવું છે કે દરેક મનુષ્ય, પછી એ બાળક હોય કે એક મેચ્યોર વ્યક્તિ, શારીરિક હૂંફ ચાહે છે. જયારે સતત શરીરિક હૂંફ ન મળે તો એનો વિકાસ રૃંધાય છે અને આ ચાહ અલગ અલગ રીતે બહાર આવે છે. જેમકે એક સિલેબ્રીટી માટે એના ફેન્સ પ્રત્યેથી મળતો પ્રેમ એના માટે આ હૂંફનું સબસ્ટિટ્યુટ અથવા પૂરક બને છે. એ જ રીતે એક વૈજ્ઞાનિકને આ હૂંફ પોતાના સિનિયર જયારે એના વખાણ કરે છે ત્યારે મળે છે. હિમેશ રેશમિયાના શબ્દોમાં કહીએ તો તું નથી તો તારો ફોટો પણ ચાલશે.. તારો ફોટો નથી તો ફોટોકોપી પણ ચાલશે...

આપણે આપણા પ્રિયજનો અથવા દૂરના વ્યક્તિઓ જોડે એ જ રીતે વહેવાર કરીએ છે જેથી આપણને આપણી ચાહિતી હૂંફ મળે. અને આ નિર્ણયો મોટા ભાગે આપણને પોતાને પણ કોન્શિયસ લેવલે જ્ઞાત હોતા નથી. આવીજ અમુક બીજી ગેમ્સના ઉદાહરણ આપતા બર્ની કહે છે કે ગેમની શરૃઆત થાય છે જયારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાના જીવનનો એક એવો પ્રોબ્લેમ કહે છે જેનાથી એ જજુમી રહ્યા છે. જયારે સામે વાળું વ્યક્તિ એ પ્રોબ્લેમનું કોઈ પણ લોજીકલ સોલ્યુશન આપે તો સામે વ્યક્તિ કહે છે હા.. પણ અને એ સોલ્યુશનની તકલીફ કહે છે. વાસ્તવિકતામાં આ પ્રોબ્લેમ સામે વાળા માણસને કહેવાનું સબ-કોન્શ્યસ લેવલે હેતુ હોય કે આપણા પ્રિયજન આપણને કહે કે હા આ વસ્તુમાં તું સાચો /સાચી છે અને એ ના થાય તો એમાં તારો વાંક નથી એ હૂંફ આપણે ઇચ્છિએ છે.

હજી એક ગેમ કે જેને બર્ની વુડન લેગ* કહે છે. જયારે પણ કોઈની સામે આંગળી ચીંધવામાં આવે તો વ્યક્તિ પોતાની એક એવી કમી કહી દેશે જેના માટે એ ખુદ જવાબદાર નથી. જેમકે કોઈ કહે કે તમે બરોબર રસોઈ નથી બનાવતા તો સામે જવાબ મળે એક વુડન લેગ વાળા વ્યક્તિ પાસે તમે આના થી વધારે શું અપેક્ષા રાખી શકો?  ભલે આ વસ્તુનો કોઈ તર્ક નથી, પણ આની સામે કોઈ કશું જવાબ પણ ના  આપી શકે કારણકે કે એ માણસાઈ ગુમાવી કહેવાશે.

તો....... તમે કઈ રમતો રમો છો તમારા લાઈફ પાર્ટનર જોડે અથવા એ કઈ રમે છે ??

ડો. મનન ઠકરાર

close
Ank Bandh 29 March
close
PPE Kit