કેન્દ્રિય બજેટ અંગે શહેરના અગ્રણીઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિભાવઃ

કોપર સ્ક્રેપ પરની ડ્યુટીમાં પ૦ ટકા ઘટાડાથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ફાયદો થશેઃ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન

જામનગર તા. રઃ કેન્દ્રિય નાણામંત્રીએ રજૂ કરેલા વર્ષ ર૦ર૧-રર ના અંદાજપત્રમાં કોપર સ્ક્રેપ પરની ડ્યુટીમાં પ૦ ટકા ઘટાડો કરી પાંચ ટકામાંથી અઢી ટકા કરવાથી જામનગરના અતિ મહત્ત્વના બ્રાસ ઉદ્યોગને બ્રાસ તથા કોપરના તાજેતરમાં થયેલા તોતિંગ ભાવ વધારામાં મોટી રાહત મળશે. તેમ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને બજેટ અંગેના પ્રતિભાવમાં જણાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં મેટલ સ્ક્રેપના ભાવોમાં ખૂબ જ તોતિંગ વધારો થયેલ છે, ત્યારે નાણામંત્રીએ કોપર સ્ક્રેપ પરની ડ્યુટી પ ટકાથી ઘટાડીને ર.પ ટકાનો ઘટાડો કરીને દેશની રીસાઈકલ ઈન્ડસ્ટ્રીઝને ઘણી મોટી રાહત આપી છે અને પરિણામે જામનગરના બ્રાસઉદ્યોગને બ્રાસ તથા કોપરના તાજેતરમાં ભાવ વધારામાં મોટી રાહત મળશે. વિવિધ પ્રકારના ઓટો કોમ્પોનેન્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરીને સ્વદેશી મેન્યુફેક્ચરીંગને બુસ્ટ આપવાના પગલાંથી જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગમાં નવી ડિમાન્ડ ઊભી થશે. સ્ટીલ સ્ક્રેપ પરની ડ્યુટી નાબૂદી થકી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને વેગ આપવામાં ખૂબ જ મદદ મળશે. કોટન યાર્ન પર ઈમ્પોર્ટ ડ્યુટી જે હાલમાં ૦ ટકા હતી તેને ૧૦ ટકા કરતા સૌરાષ્ટ્રમાં કપાસની ખેતી કરતા ખેડૂતો તથા કોટન ઈન્ડસ્ટ્રીઝને ખૂબ જ ઉત્તેજન મળશે.

ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ

ઈન્કમ ટેક્સના કેઈસ રીઓપન કરવાની સમયમર્યાદા કે જે અગાઉ ૬ વર્ષની હતી તે ૩ વર્ષની કરતા સામાન્ય કરદાતાને લાંબા સમય સુધી કેઈસ રીઓપન થવાની લટકતી તલવારમાંથી મુક્તિ મળશે. કંપની એક્ટમાં સામાન્ય પ્રોસીઝર લેપ્સમાં ક્રીમીનલ કાર્યવાહીમાંથી મુક્તિ આપતું પગલું ખૂબ જ રાહતરૃપ છે અને જેનો લાભ એલ.એલ.પી.ને પણ એક્સટેન્ડ કરેલ છે. સરકારે રીસાઈકલ મેટલમાંથી બનેલ પ્રોડક્ટને સરકારી પ્રોજેક્ટોમાં વાપરવાની છૂટ આપેલ છે જેથી જામનગરના બ્રાસ ઉદ્યોગને તેનો લાભ મળશે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને સાર્થક કરવા માટે સરકારે જી.એસ.ટી. ઓડીટ નાબૂદ કરવાની ક્રાંતિકારી જાહેરાત કરી છે જે આ અંદાજપત્રનું સૌથી મોટું પગલું ગણી શકાય.

આ ઉપરાંત વોલન્ટરી વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીથી ઓટો ઈન્ડસ્ટ્રીઝને વેગ મળશે તથા દેશમાં ઈન્ડસ્ટ્રીઝ માટે રો-મટિરિયલ્સ ઉપલબ્ધ થશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા છેલ્લા ૪ વર્ષથી સતત રજૂઆત કરવામાં આવતી હતી તથા જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ આ પોલિસી અમલમાં લાવવા માટે ખૂબ જ સક્રીય હતાં.

ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે વીમા ક્ષેત્રમાં મર્યાદા ૪૯ ટકાથી ૭૪ ટકા કરવાની દેશમાં વિદેશી રોકાણમાં વધારો થશે તથા દેશના નાગરિકોને ખૂબ જ વ્યાજબી દરથી વિવિધ પ્રકારની શ્રેષ્ઠ વીમા કવચની સુવિધાઓને લાભ મળશે.

આ તકે પેટ્રોલ-ડીઝલ પર કુષિ શેષ લગાવવાથી હાલ ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારે વધારો થશે ત્યારે નાણામંત્રી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરની એક્સાઈઝ ઘટાડીને સામાન્ય પ્રજાજનોને રાહત આપી આમ આદમી પર વધારાનું આર્થિક ભારણ ટાળવાની પ્રામાણિક કોશિશ કરેલ છે. તેમ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું છે.

 

આત્મનિર્ભર-સ્વસ્થ ભારત બનવાની દિશામાં હરણફાળ સમાન પૂરવાર થશે કેન્દ્રિય અંદાજપત્રઃ જ્યોતિન્દ્ર મહેતા

જામનગર તા. રઃ કેન્દ્રિય અંદાજપત્ર અંગે ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના ચેરમેન અને સહકારી ક્ષેત્ર સાથે વરસોથી સંકળાયેલા જ્યોતિન્દ્રભાઈ મહેતાએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે આત્મનિર્ભર-સ્વસ્થ ભારત બનવાની દિશામાં હરણફાળ સમાન બજેટ પૂરવાર થશે.

કોરોના મહામારી પછીનું આ પહેલું બજેટ છે કે જેના માટે કહેવાતું કે સરકારને હેલ્થ કેર માટે જે મોટો ખર્ચ થયેલ છે તેને કારણે કોવિડ ટેક્સ કે વેલ્થ ટેક્સ કે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો થશે. અનેક ધારણાઓ કે અવધારણાઓ વચ્ચે કોઈપણ જાતનો નવો ટેક્સ ન નાખીને નાણામંત્રીએ વિરોધ પક્ષ અને અર્થશાસ્ત્રના મોટા પંડિતોને ખોટા પાડ્યા છે.

કવિડ મહામારી પ્રશ્ને આખી દુનિયાના અર્થતંત્રને હલાવી નાખે તેવા જડબેસલાક લોકડાઉનના કારણે ઠપ્પ થયેલ અર્થતંત્રને ફરી ફરી ધબકતું કરવાની મોટી ચેલેન્જ હતી તેની નાડ પારખીને નાણામંત્રીએ આત્મનિર્ભર ભારતના વિચારને બળવત્તર બનાવવાની દિશામાં મજબૂતાઈથી નક્કર કદમ ઊઠાવેલ છે. કોરોનાના સમયમાં જુદા જુદા તબક્કે ત્રણ પેકેજ જાહેર થયા પછી અર્થતંત્રને ગતિમાં લાવવાનો વિશ્વનો સૌથી મોટો પ્રયોગ કરેલ છે. આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને અર્થતંત્રમાં ગતિશીલતા લાવવા માટે અને એક મોટો જમ્પ લાવવા માટે નાણામંત્રીએ પ્રભાવશાળી પગલાં લીધા છે.

કિસાનોની આવક ડબલ કરવા અને લોકોના હાથમાં રૃપિયા આવે તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એમએસએમઈ-ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગો અને હેલ્થકેરમાં સૌથી વધુ ફાળવણી કરીને દેશના નાના અને મધ્યમ વર્ગના લોકોના હાથમાં વધુ રકમ આવે, ડિમાન્ડ વધે અને તેના પરિણામે ઉત્પાદન પણ વધે તે સિદ્ધાંત મુજબ જંગી સરકારી ખર્ચનું આયોજન કર્યું છે.

સહકારી ક્ષેત્ર કે જે નાના અને મધ્યમ વર્ગના લોકોનું આર્થિક પાવર હાઉસ છે, તેના દ્વારા ચાલતી આર્થિક દૃષ્ટિને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સહકારી ક્ષેત્રને સમાવવાની સહકારી ક્ષેત્રની માંગણી સ્વીકારાઈ છે.

બેંકોમાં રહેલી ડિપોઝિટનો રૃપિયા પાંચ લાખ સુધીનો વીમો બેંક ફડચામાં જાય તો જ ડીઆઈસીજીસી પાસેથી ડિપોઝિટરને વીમાની રકમ મળે તેવી જોગવાઈમાં ફેરફાર કરીને વીમાની રકમ તુરત જ મળી શકે અથવા બેંકને પુનર્જિવિત કરવાની પ્રક્રિયામાં જ ડીઆઈસીજીસી ભાગ લઈ શકે તેવા પ્રકારના કાનૂની સુધારા આવકારદાયક છે.

 

દેશના ખેડૂતો, યુવા વર્ગ, બેરોજગારો માટે સંપૂર્ણપણે નિરાશાજનકઃ જામનગર શહેર કોંગ્રેસ

જામનગર તા. રઃ જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભરતભાઈ વાળાએ કેન્દ્રિય અંદાજપત્ર ર૦ર૧-રર અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે આ બજેટ દેશના ખેડૂતો, યુવા વર્ગ, બેરોજગારો માટે સંપૂર્ણપણે નિરાશાજનક છે.

કેન્દ્રના નાણામંત્રીએ દેશના ખેડૂત વર્ગ માટે આંકડાકીય જાહેરાતો કરી છે. ગત્ વર્ષના બજેટમાં લક્ષ્યાંકો હજુ પરીપૂર્ણ કરી શક્યા નથી. ર૦ર૦ બજેટમાં ખેડૂતો માટે સોલાર પંપ ખરીદવા ૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, પણ માંડ રૃા. ૧૮૦ કરોડ જ તેમાં ફાળવવામાં આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલન પર કૃષિ શેષ વધાર્યો છે તેથી સામાન્ય નાગરિકને પેટ્રોલ-ડીઝલ પર પ્રતિલીટરે ર.પ૦ અને રૃા. ૪ વધારે ચૂકવવા પડશે. પગારદાર વર્ગને ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી. મોબાઈલ ફોન આજ જીવન જરૃરીરિયાત બની ગયો છે જેના પર (ર.પ ટકા) અઢી ટકા કસ્ટમ ડ્યુટી વધારવાથી સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. દેશની સરકારી વીમા કંપની એલઆઈસી અને બે બેંકોના ખાનગીકરણથી સરકારી નોકરીનો અવકાશ બેરોજગારો માટે ખતમ થઈ જશે. રેલવે, રોડ, પરિવહન સડક, રોડ પ્રોજેક્ટ વગેરે આગામી ત્રણ રાજ્યોની ચૂંટણી નજીક હોય, જે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આમ આ બજેટ બેરોજગારી, મંદી, મોંઘવારી વધારનાર આંકડાની માયાજાળ સમાન છે.

 

શેરબજારમાં ફૂલગુલાબી તેજી રોકાણકારોને આકર્ષશેઃ હાલાર ઈન્વેસ્ટર્સ એસોસિએશન

જામનગર તા. ૨ઃ કેન્દ્રિય અંદાજપત્ર અંગે હાલાર ઈન્વેસ્ટર્સ એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ આશરે તેમના પ્રતિભાવમાં જણાવ્યું છે કે આ બજેટ એક આત્મનિર્ભર બજેટ છે. કોરોના કાળમાં મોટાભાગની માર્કેટ મંદીની ઝપેટમાં આવી ગયા હતાં પણ ભારતીય શેરબજાર ઝળહળતું રહ્યું હતું. શેર બજારની તેજીએ અનેક લોકોને સાચવી લીધા હતાં તેમ કહી શકાય. બજેટની રજુઆત સાથે જ ગઈકાલે બજાર એકધારૃં ઉચંકાતું રહ્યું હતું અને બજારે અદ્દભુત તેજી કરી હતી. ૧૯૯૧માં ડો. મનમોહનસિંહે રજુ કરેલા બજેટની યાદ તાજી થઈ ગઈ.

આમ છતાં અંદાજપત્રમાં કેટલાક મુદ્દા એવા છે કે જેના કારણે બજારને આ ઉછાળો શાંત થઈ શકે છે. એગ્રી ઈન્ફ્રાસેસ લાદવાથી અસર થશે. આવકવેરામાં રાહતની આશા ઠગારી નીકળી છે.

શેરબજારમાં તેજીથી અનેક લોકો રોકાણ માટે આકર્ષાશે અને આડકતરી રીતે અનેક લોકોને રોજગારી પણ મળશે.

 

આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રા. નવા રોકાણો માટે બજેટ સારૃ છેઃ એડવોકેટ નિરવ વડોદરિયા

જામનગર તા. રઃ કેન્દ્રિય નાણામંત્રીએ વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. જે અંગે જામનગરના એડવોકેટ નિરવ વડોદરિયાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ૭પ વર્ષથી વધુ ઉંમરના પેન્સન મેળવનાર વ્યક્તિને રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ઈન્કમ ટેક્સ આકરણી રીઓપન કરવા માટેનો સમય ૬ વર્ષથી ઘટાડીને ૩ વર્ષ કરવામાં આવ્યો છે. ઈન્કમટેક્સ ટ્રિબ્યુનલ કેસ લેશ બનાવવામાં આવશે. (આમાં સારા-નરસા બન્ને પરિબળો જે નિવડે એ ખબર પડશે). એફોર્ડેબલ હાઉસ માટે ૧.પ લાખનું રિબેટ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. ટેક્સ રીફોર્મ લીટીગેશન ઘટાડવા તરફ ધ્યાન આપવામાં આવશે. સ્મોલ કંપનીની લિમિટ પ૦ લાખથી વધારી ર કરોડ કરવામાં આવી છે.

સોના-ચાંદી કોપર ઉપર ડ્યુટી ઘટાડવામાં આવી છે. આ વસ્તુની આયાત સસ્તી થશે. સ્ટીલ ઉપરની ડ્યુટી ૭.પ ટકા સમાન કરવામાં આવી છે. તો સ્ટીલ સ્ક્રેપ ઉપર ડ્યુટી ૩૧-૩-રર સુધી માફ કરવામાં આવી છે. નેપ્થાની ડ્યુટી ર.પ ટકા કરવામાં આવી. સ્ટાર્ટ ઉપર ર૦રર સુધી કોઈ ટેક્સ નહીં આથી સ્ટાર્ટઅપથી રોકાણ વધશે. એનઆરઆઈ ઉપરનો ટેક્સનો બોજો દૂર કરાશે. જેથી એનઆરઆઈનું ભારતમાં રોકાણ વધશે. શેરબજાર માટે સારા સમાચાર છે. અત્યારે સેબી એક્ટ ડિપોઝિટ્સ એક્ટ અને સિક્યોરીટી કોન્ટેક્ટ રેગ્યુલેશન એક્ટ એમ અલગ અલગ કાયદા છે. તેને કોન્સોલોડીટ કરીને એક કાયદો બનાવવાનું પ્રપોઝલ છે. એનઆરઆઈને વધુ છૂટછાટ આપીને સીંગલ વ્યક્તિ પણ કંપની સ્થાપના કરી શકશે. એમ્પ્લોઈઝ તરફથી પીએફમાં નો ફાળો થોડો જ્યાં આપે તો તેને બાદ નહીં મળે.

નિકાસકાર અમુક નોટીફાઈડ વસ્તુ જ આઈજીએસટી ચાર્જ કરીને નિકાસ કરી શકશે. એસઈ કોડ યુનિટને વેંચવામાં આવતી ફક્ત નોટીફાઈડ વસ્તુ જ શુન્ય ટેક્સથી કરી શકશે.

એફડીઆઈ રોકાણ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા સુધી કરવામાં આવ્યું છે. જેના કારણે બધારે સારી પોલિસી અને મારકેટમાં કોમ્પિટિશન વધશે. જે વધારે સસ્તી અને સારી પોલિસી આપવાની શક્યતા છે. ભારતમાં રોકાણ વધશે અને ખેડૂતની આવક બમણી કરવાનો આશય સારી નિશાની છે.

ઊર્જા ક્ષેત્રમાં હાઈડ્રોજન મીશન બનાવવામાં આવશે જે ઊર્જા ક્ષેત્રને વધુ વિસ્તારશે. મુંબઈથી કન્યા કુમારી કોરીડોરથી માલ હેરફેર ઝડપી બનશે. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો મોંઘવારી વધારવામાં ઈંધણ પૂરૃ પાડશે. જમ્મુ-કાશ્મીરમાં ગેસ લાઈન નાખવામાં આવશે. સાત પોર્ટને પીપીપીના ધોરણે વિક્સાવવામાં આવશે. આત્મનિર્ભર, સ્વચ્છ ભારત યોજના શરૃ થશે. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. આથી એમ લાગે છે કે ગત્ વરસના રોડમેપ ઉપર સરકાર આગળ વધવા માંગે છે. એકંદરે હેલ્થ એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા રોકાણ માટે બજેટ સારૃ છે.

 

કેન્દ્રિય બજેટ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી વધારનારૃઃ યશ ગોહેલ

જામનગર તા. રઃ કેન્દ્રિય અંદાજપત્ર અંગે યશ દિનેશભાઈ ગોહેલે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, આ બજેટ દેશની સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલી વધારનારૃ બની રહેશે. દેશના મોટાભાગના સેક્ટરમાં ખર્ચનો વધારો થવાથી સરકારી બોજ ઘટાડવા મોંઘવારી વધી શકે છે.

ર૦ર૧-રર ના કેન્દ્રિય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સૂચવેલા આયાતી ભાગો પરની કસ્ટમ ડ્યુટીમાં વધારાને કારણે રેફ્રિજરેટર, એરકન્ડિશનર, એલઈડી લાઈટ અને મોબાઈલ ફોન્સ સહિત સામાન્ય રીતે વપરાતી ચીજો વધુ ખર્ચાળ બનશે. જેથી મધ્યમ વર્ગના લોકોને આ વસ્તુની ખરીદી મુશ્કેલ થશે. સરકાર સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટીને તર્કસંગત બનાવશે. હાલમાં, સોનું ૧ર.પ ટકા આયાત ડ્યુટી આકર્ષે છે. સરકારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ૧ર.પ ટકાથી ઘટાડીને ૭.પ ટકા કરવાની જાહેરાત કરી છે. ભારતીય તેની મોગાભાગની સોના અને ચાંદીની આયાત કરે છે, જો કે આ કિંમતી ધાતુઓની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં તર્કસંગત બનાવવાના પરિણામ સ્વરૃપે સોના અને ચાંદી સસ્તી થશે જેથી આવનાર સમયમાં સોનું-ચાંદીની ખરીદી વધશે.

 

સરકારી કંપનીઓ વેચવાથી-નોટો છાપ્યે રાખવાથી ફુગાવો-મોંઘવારી વધશેઃ ઝફરૃલ્લાહખાન પઠાણ

જામનગર તા. ૨ઃ જામનગરના માજી કોર્પોરેટર ઝફરૃલ્લાહખાન પઠાણે કેન્દ્રિય અંદાજપત્ર અંગેના પ્રતિભાવમાં જણાવ્યું છે કે આ બજેટ સાવ સામાન્ય બજેટ છે. સરકારી કંપનીઓના ડિસ્ઈન્વેસ્ટમેન્ટ (વેચાણ)થી તથા ચલણી નોટો છાપ્યે રાખવાથી દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધશે. ઈલેકટ્રોનિક સાધનોની આયાત ઉપર ટેક્સ નાખવામાં આવતા મોબાઈલ, ચાર્જર તેમજ અન્ય સાધનો મોંઘા થશે. આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી. તેથી નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને નિરાશા મળી છે. ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતો છેતરામણી છે. ખાતર, જંતુનાશક દવા, ખેતીના સાધનો ઉપર ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી. અન્ય ક્ષેત્રોમાં ઘણી મોટી મોટી રાહતો જાહેર થઈ છે પણ નાણા ક્યાંથી આવશે તે દર્શાવ્યું નથી.

 

'નવભારત નિર્માણ' ના વિકાસને આકાર આપનારા બજેટને ઉમળકાભેર આવકારતા જામનગર જિલ્લા ભાજપના આગેવાનો

જામનગર તા. ૩ઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે દેશને પહેલું 'ડિઝિટલ બજેટ' અર્પણ કરેલ છે. આ બજેટમાં કોરોનાની અચાનક આવેલી પરિસ્થિતિમાં પણ સમય સૂચકતા વાપરી, દેશના કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ એક ક્રાંતિકારી પગલું છે. આરોગ્ય પર ફોક્સ વધવાથી વિકાસ અને રોજગારી સર્જનની અનેક શક્યતાઓ આ બજેટમાં કરવામાં આવેલી છે. કોરોના મહમારી વચ્ચે પણ આર્થિક સુધારા સાથેનું અને કઠીન પરિસ્થિતિઓમાં પણ કોઈપણ પ્રકારના નવા ટેક્સ નાખ્યા વગર ખેડૂતોની આવક બમણી કરવાની દિશા આપનારૃં આ બજેટ છે.

આ બજેટથી આગામી દિવસોમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમી બનશે તેમાં કોઈ શંકા નથી. વિશેષ કરીને સ્ક્રેપ ડ્યુટી પચાસ ટકા ઘટતા જામનગર જિલ્લાના બ્રાસ ઉદ્યોગને મસમોટી રાહત પણ થનાર છે. સ્વદેશી મેન્યુફેક્ચરીંગને બુસ્ટર ડોઝ મળવાથી બ્રાસપાર્ટ ઉદ્યોગમાં નવી માંગો ખુલશે. જિલ્લા ભાજપ દ્વારા આ બજેટને આવકારતા તેમાં લેવાયેલ અનેક લોકપ્રિય નિર્ણયો અંગે તેમજ જલજીવન મિશન માટે ૨.૮૭ લાખ કરોડ, યુવાનોને રોજગારી, સ્વાસ્થ્યક્ષેત્રે ૨.૩૨ લાખ કરોડ, જેમાં ૧૩૮ ટકાનો જંગી વધારો, સોના-ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો, કોરોના વેક્સીન માટે ૩૫ હજાર કરોડ, માર્ગ અને પરિવહન માટે ૧.૧૮ લાખ કરોડ, વિશેષ કરીને સિનિયર સિટીઝનોને આઈ.ટી.રીટર્ન ફાઈલ કરવામાંથી મુક્ત, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીકરણ મજબૂત કરવા માટે ૩ લાખ કરોડ. જ્યારે કૃષિક્ષેત્રે એમ.એસ.પી. પર ઉપજની ખરીદીનું કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહેલ છે અને ખેડૂતોને ચૂકવણામાં ગત વર્ષે ૭૫૦૬૦ કરોડની ખરીદી એમ.એસ.પી. દ્વારા કરવામાં આવેલ છે.

ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવી ઉજ્જવલા યોજનાનો વ્યાપ વધારી આગામી વર્ષે ૧ કરોડ વધુ પરિવારોને આ યોજના સથે જોડવામાં આવશે. 'સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ' ને સાર્થક કરતા દેશના તમામ વર્ગોને સમર્પિત અને અર્થવ્યવસ્થાને ઉત્કૃષ્ઠ બનાવવાના અભિગમ સાથેના કેન્દ્ર સરકારના વિકાસલક્ષી બજેટ રજુ કરવા બદલ આનંદની લાગણી સાથે જામનગર જિલ્લા ભાજપના આગેવાનોએ  આવકારી નાણામંત્રીને જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ અને સમગ્ર ટીમે અભિનંદન પાઠવ્યા છે.

 

આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરનારૃં કેન્દ્રીય અંદાજપત્રઃ સંસદસભ્ય પૂનમ માડમ

જામનગર તા. ૩ઃ કેન્દ્રીય અંદાજપત્ર અંગે સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યું છે કે, આ અંદાજપત્ર આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરનારૃં બની રહેશે.

તેમણે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે જીએસટી ઓડીટ નાબુદ થવાથી વેપાર-ધંધાને મુક્ત વ્યવહારથી ગતિશીલતા મળશે.

જામનગરની જીવાદોરી સમાન બ્રાસપાર્ટ ઉદ્યોગને આ અંદાજપત્રમાં નોંધપાત્ર રાહત મળી છે. સ્ક્રેપ ડ્યુટીમાં ઘટાડો થવાથી આ ઉદ્યોગને નવું જોમ મળશે અને ઉદ્યોગોને જરૃરી રો-મટિરિયલ્સ સરળતાથી મળશે.

પીએસયુમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન, જલ જીવન મિશન માટે રૃા. ર.૮૭ લાખ કરોડની ફાળવણી, સ્પેશ મિશનનું એલાન બજેટમાં કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારોમાં ૭પ૦ એકલાખ શાળાઓ શરૃ થશે. પંદર હજાર શાળાઓને આધુનિક બનાવાશે. મત્સ્ય ઉદ્યોગ માટે પાંચ નવા બંદરો બનશે. રેલવે યોજના માટે રૃા. ૧.૧૦ લાખ કરોડની ફાળવણી થઈ છે. દેશના ર૭ શહેરોને મેટ્રો ટ્રેન મળશે. શહેરી બસ સેવા માટે ૧૮ હજાર કરોડની ફાળવણી થઈ છે. આરોગ્ય ક્ષેત્રે ર.૩ર લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન માટે રૃા. ૩પ હજાર કરોડની ફાળવણી થઈ છે. પંદર વરસ પછી કોમર્શિયલ વ્હીકલનું ફીટનેસ જરૃરી કરવામાં આવ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે એમએસપીના ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. બેંકોમાં ડૂબેલી રકમ માટે મેનેજમેન્ટ કંપની બનશે. ગોલ્ડ એક્સચેંજ શરૃ થશે. નેશનલ હાઈવેના નિર્માણ માટે રૃા. ૩.૩ લાખ કરોડ ખર્ચાશે. વીમા કંપનીઓમાં એફડીઆઈ વધારીને ૭૦ ટકા કરવામાં આવી છે.

મહિલાઓ અને યુવાનોને દિશા સૂચન સાથે રોજગારના અગણિત વ્યાપ વધારવા, બાળકોની તંદુરસ્તી સુધારવી. શ્રમયોગીઓ, વેપારીઓ, ઉદ્યોગકારોને વધુ સુવિધાઓ આપવી. એસ.સી.એસ.ટી. તેમજ આદિવાસીઓ માટે મહત્ત્વની જોગવાઈઓ, કારોબારીઓને આર્થિક સલામતી પૂરી પાડવી, તેના સહિતની રાષ્ટ્રના આધાર સમાન બાબતોને તો આવરી લેવાઈ છે. સાથે-સાથે નવી શિક્ષણ જોગવાઈઓ જેના ઉપર રાષ્ટ્રનો પાયો વધુ મજબૂત થશે, તે ઉપરાંત, વીજળી, પાણી-રેલવે સહિત દરેક પરિવહન સુવિધાઓ-સંશોધનો - ઉત્પાદન - નિકાસકર માળખા - ડીજીટલાઈઝેશન, ટેકનોલોજી - વિજ્ઞાન સંશોધન, ટેકનોલોજી, રિસર્ચ - એનર્જી - આરોગ્ય - પર્યાવરણ - બેંકીંગ - વીમા સહિતના ક્ષેત્રમાં બારીકાઈથી અભ્યાસ કરી નાની-નાની અડચણો દૂર કરી સરળતા કેવી રીતે સ્થાપી શકાય તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે, તે બાબતો તમામ વર્ગ અને તમામ ક્ષેત્ર માટે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામલક્ષી અને અત્યંત ઉપયોગી બની રહેશે.

આમ આ બજેટ દરેક વર્ગને રાહત આપનારૃં અને દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રનો વિકાસ થાય તેવું બજેટ બની રહ્યું છે. સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટને આવકારી વડાપ્રધાન તથા નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા છે.

 

આર્થિક સંકળામણના સમયગાળામાં પણ કેન્દ્રિય નાણામંત્રીએ સમતોલ બજેટ રજૂ કર્યુંઃ શેતલ શેઠ

જામનગર તા. ૩ઃ જામનગર મહિલા સહકારી બેંકના ચેરપર્સન શેતલબેન શેઠે કેન્દ્રિય અંદાજપત્ર અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, કોરોના મહામારીના કારણે આર્થિક સંકળામણ હોવા છતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બોલ્ડ બજેટ રજૂ કરી તમામ ક્ષેત્રના વિકાસ માટે સમતોલ ફાળવણી કરી છે.

અંદાજપત્રમાં કોપર સ્ક્રેપની ડ્યુટી પાંચ ટકામાંથી ઘટાડી અઢી ટકા કરી પ૦ ટકાનો ઘટાડો થવાથી તેનો સીધો ફાયદો જામનગરના અતિ મહત્ત્વના બ્રાસપાર્ટ ઉદ્યોગને થશે.

દેશમાં કોઈ બેંક નબળી પડે કે રોકાણકારોની ચૂકવણી અટકે તેવા સંજોગોમાં થાપણદારોની રૃપિયા પાંચ લાખ સુધીની રકમને ઘી ડીપોઝિટ ઈન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ કોર્પોરેશન એક્ટ-૧૯૬૧ હેઠળ આવરી લઈને વીમા કવચ આપવામાં આવ્યું છે. જેના કારણે નાની બેંકો સહિત બેંકોમાં થાપણદારોનો વિશ્વાસ અકબંધ રહેશે.

ભારતના લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને બજેટમાં સૌથી વધુ અગ્રતા આપવામાં આવી છે અને ગત્ વર્ષના બજેટ કરતાં આ વરસે સ્વાસ્થ્ય મંત્રાલય માટે ૧૩૭ ટકાનો વધારો કરી રૃા. ર,ર૩,૮૪૬ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે અને તેમાંય રૃા. ૩પ૦૦૦ કરોડ કોરોના વેક્સિનેશન માટે ફાળવાયા છે.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય માટે પણ આ વરસે બજેટમાં ૧૬.૩૧ ટકાનો વધારો કરી રૃા. ર૪,૪૩પ કરોડની ફાળવણી કરવામાં આવી છે, અને સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, તેમાંથી રૃા. ર૦,૧૦પ કરોડ જેવો મહત્તમ હિસ્સો સક્ષમ આંગણવાડી તથા મિશન પોષણ યોજના માટે વાપરવામાં આવશે.

આ ઉપરાંત દેશમાં આ વરસે વધુ એક કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસના સીલીન્ડર આપવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્રે દેશમાં ૧૦૦ નવી સૈનિક સ્કૂલ તથા આદિવાસી વિસ્તારોમાં ૭પ૮ એકલવ્ય શાળા ખોલવાની જાહેરાત આવકાર્ય છે. ૧પ હજાર શાળાઓને આધુનિક બનાવી શિક્ષણની ગુણવત્તાને ઉત્તમ બનાવાશે.

દેશના ખેડૂતો માટે એમએસપી (ટેકાના ભાવ) પડતર કિંમતના દોઢ ગણા કરવામાં આવશે. ૭પ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પેન્શન તથા વ્યાજ પર કરમુક્તિની જાહેરાત કરવામાં આવી છે. તેવી જ રીતે નાના અને મધ્યમ વર્ગને રાહત થાય તે માટે એફોર્ડેબલ હાઉસીંગ લોનમાં કર કપાતની રૃપિયા દોઢ લાખ સુધીની મર્યાદાની મુદ્દત તા. ૩૧-૩-રર સુધી લંબાવવામાં આવી છે. જેનાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ વેગ મળશે.

આમ કેન્દ્રિય અંદાજપત્ર સ્વસ્થ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથેનું બોલ્ડ બજેટ છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit