Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કર્મ, ભક્તિ અને જ્ઞાનનું નિરૃપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની જયંતી

૨૩ ડિસેમ્બર, શનિવારના સર્વને મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી છે. તે દિવસે કુરૃક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણએ ગીતા જ્ઞાન આપ્યું હતું, આથી આ અગિયારસને 'ગીતા જયંતી' કહેવાય છે. જયંતી મહાપુરૃષોની, ધર્મગુરૃઓની અને અવતારોની ઉજવાતી હોય છે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ ગ્રંથની જયંતી ઉજવવામાં આવતી નથી પરંતુ સમગ્ર વિશ્વમાં ગીતાજી એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઉજવાય છે.

ગીતા જયંતી આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે કે જે શ્રીકૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતાના ઉપદેશ માત્ર ઉપદેશ જ નથી, પણ જીવન કેવી રીતે જીવવું તે આપણ ને શીખવે છે. કુરૃક્ષેત્રના મેદાનમાં અર્જુને જ્યારે કુટુંબીજનો, ગુરૃઓને જોઈને તેમની સામે યુદ્ધ કરવાની ના પાડી હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું, આત્મા-પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પોતાના વિરાટ સ્વરૃપના દર્શન કરાવીને જીવનની વાસ્તવિકતાથી સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની રહી છે.

ગીતામાં કુલ ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકની રચના થયેલી છે. મહર્ષિ વેદ વ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન, માયા, ઈશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવી રીતે થાય છે તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે પાંચ હજાર બસ્સો વર્ષ પહેલા ગીતાનું સર્જન થયેલું છે. દુનિયાભરમાં વસતા હિન્દુઓના ધર્મમાં આ ગ્રંથ રહેલો છે. લગભગ ૧૫૦થી વધુ ભાષાઓમાં રચાયેલા આ ગ્રંથમાં જ્ઞાન, ભક્તિ, કર્મને જરૃરી એવા તમામ વિષયો અંગે જણાવેલું છે. સાંપ્રત સમયમાં માણસ જયારે નિષ્ક્રિય બની જાય ત્યારે તેને ગીતાના વાચનથી આધાર મળી જાય છે.

ડિસેમ્બર માસને ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા ભગવદ્ ગીતા મેરેથોન તરીકે ઉજવવામાં આવે છે. આ અંગે માહિતી આપતા ઈસ્કોન મંદિરના પ્રમુખ મુરલીધરદાસ જણાવે છે કે, જામનગર અને દ્વારકા જિલ્લાના શહેર અને ગામોમાં ગીતાજીનું વિતરણ કરવામાં આવશે. ગયા વર્ષે ડિસે. માસમાં ગીતાના ૧૦૦૦૦ પુસ્તકોનું વિતરણ કરાયું હતું. આ વર્ષ તેનાથી વધુ પુસ્તકના વિતરણની આશા છે. લગભગ ૧૦૦થી વધુ ભક્તો આ વિતરણ યાત્રામાં જોડાયા છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, આજના માતા-પિતા પોતાના સંતાનોની બધી જરૃરિયાત પૂરી કરે છે. બધી જ સગવડતા આપે છે પરંતુ ગીતાજી આપવાનું ભૂલી જાય છે. બાળકોને શિક્ષણની સાથે સાથે ગીતાનું જ્ઞાન પણ આવશ્યક છે. ગીતાજી આધ્યાત્મિક જ્ઞાન છે. જીવનમાં ભણતરની જરૃર છે, સમાજને ભણેલા વ્યક્તિની જરૃર છે તેમજ જીવનમાં સાચા જ્ઞાનની પણ જરૃર છે. ઈસ્કોન મંદિરના યુવાનો આ જ્ઞાન ફેલાવે છે. ખરાબ આદતથી દૂર કરીને સાચા જીવન તરફ વાળવા પ્રયત્ન કરે છે. આજના શિક્ષકોએ પણ આધ્યાત્મિક જ્ઞાન તરફ વિદ્યાર્થીઓને વાળવા જોઈએ.

આજના યુવાનોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી ગયું છે ત્યારે પ્રભુજી કહે છે કે, ચિંતાનું કારણ અજ્ઞાનતા છે. આજના યુવાનો શરીરને, સુંદરતાને મહત્ત્વ આપે છે. વાસ્તવિકતા શરીર નહીં, આત્મા છે. આત્માને સાત કરશું ત્યારે જ ચિંતામુક્ત થઈ શકશું. એ માટે આધ્યાત્મિક જ્ઞાન, ગીતાજી ઉપયોગી છે. આજના યુવાનોને જીવન શું છે તે ખબર જ નથી, ભણતરને માત્ર આર્થિક સાધન માને છે, પણ ખરેખર ભણતર સાથે ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, ભણતર સાથે જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, ધર્મ ન હોય તો માનવી પશુ સમાન છે. જીવન તો દરેક જીવને મળે છે પણ માનવ જીવનનો ખાસ હેતુ છે અને તે છે આધ્યાત્મિક જ્ઞાન મેળવવું, સમજવું અને આચરણ કરવું.

જામનગર ઇસ્કોન મંદિરમાં સ્થાપિત ભગવાનની પ્રતિમા અંગે તેઓ જણાવે છે કે મૂર્તિ પાંચ રીતે હોય છે. ધાતુની, પથ્થરની, માટીની, ચિત્રની અને મનની... ભગવાનની મૂર્તિ ગમે તે પ્રકારની હોય પરંતુ ભગવાન તેમાં બિરાજમાન હોય જ છે. હાલમાં મંદિરમાં ચિત્રના કટઆઉટના વિગ્રહ છે.

ગીતાજી વિશે જણાવતા કહે છે કે, જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો જે મનુષ્યો ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેના માટે તો કહેવું જ શું? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે, જે સ્વયં ભગવાન કૃષ્ણના મુખેથી રચાયેલી છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી. સાથે સાથે મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. ગીતા મનુષ્ંયના મનનું વિશ્લેષણ કરીને મુંઝવણોને દૂર કરે છે, જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને કિનારે પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાના અંધકારમાંથી મનુષ્યને મંગલમય જીવનનો શુભારંભ કરવાની પ્રેરણા ગીતામાંથી મળે છે.

ગીતા આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે સાથે એક વ્યવહારુ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક મુંઝવણનો ઉકેલ ગીતામાંથી મળે છે. ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામ છે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીએ, ભગવદ્ ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. આવા મહાન ગ્રંથ ગીતાની જયંતીની ઉજવણી માટે ઈસ્કોન મંદિર તરફથી સર્વે ભક્તોને ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. હરે ક્રિષ્ણે...

દીપા સોની, જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial