મીંઢા, અબોલ, ઓછાબોલા, ગૂઢ કે નિંભર જણાતા ઘણાં લોકો ખૂબજ જ્ઞાની અને લાગણીશીલ પણ હોઈ શકે
આપણે ઘણી વખત વડીલોના મૂખેથી 'જડભરત' શબ્દ સાંભળ્યો હશે. મંદબુદ્ધિ કે વિચિત્ર હરકતો કરતા હોય કે ઘણું ઓછું બોલતા હોય તથા કોમન સેન્સનો અભાવ જણાતો હોય, તેના માટે મોટાભાગે તળપદી ભાષામાં 'જડભરત' જેવો હોવાના શબ્દપ્રયોગો થતાં હોય છે. હકીકતમાં જડભરત શબ્દ પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાંથી આવ્યો છે. વિષ્ણુપુરાણમાં જડભરતની કથા આવે છે. જેમાં આપણા દેશનું નામ 'ભારત' પડ્યું, તે પ્રતાપી ચક્રવર્તી રાજા ભારતના વંશજોનું વર્ણન આવે છે. પૂર્વજન્મમાં સમ્રાટ તરીકે રાજ કરનાર રાજા ભરતના પૂનરાવતારોની આ કથા ઘણી રસપ્રદ છે.
જડભરતની કથા
ભગવાન ઋષભદેવના ૧૦૦ પુત્રોમાં ભરત ઘણાં જ પ્રતાપી અને તેજસ્વી હતા. તેઓ પ્રાચીન ભારતના રાજા બન્યા હતા. શ્રીમદ્ ભાગવત કથાના પાંચમ સ્કંધમાં જડભરતના પૂર્વજન્મોનું જે વર્ણન આવે છે તેમાં જડભરતની ગૂઢતાનું રહસ્ય છૂપાયેલું છે. ગણપતદેવે સંન્યાસ લીધા પછી ભરત રાજા બન્યા અને પછી ચક્રવર્તી બન્યા. ભરતે લાંબા સમય સુધી રાજ કર્યું અને વાનપ્રસ્થાનશ્રમ ગ્રહણ કરીને પોતાનું રાજપાટ પુત્રોને સોંપ્યું. વનવાસ દરમિયાન એક મૃગ સાથે અનુરાગ થઈ જતા તેઓ બીજા જન્મમાં મૃગ બન્યા અને મૃગયોનિ પછી બ્રાહ્મણ પરિવારમાં મનુષ્ય તરીકે જન્મ લેવા છતાં પૂર્વજન્મોની સ્મૃતિ જળવાઈ રહી હોવાથી મનુષ્યયોનિમાં તેઓ ખૂબજ વિચારશીલ અને અનુરાગ અનુગ્રહોથી લિપ્ત તથા અંતર્મુખી રહેવા લાગ્યા અને સંસારથી અલિપ્ત રહેવા લાગ્યા. આ કારણે લોકો તેને મંદબુદ્ધિના અથવા પાગલ સમજવા લાગ્યા. આ કારણે તેમનું નામ 'જડભરત' પડી ગયું. જો કે, તેઓ ઈશ્વરભક્તિમાં મનોમન લીન રહેતા હતા અને મૃત્યુ પછી મોક્ષ મળ્યો, પરંતુ જીવ્યા ત્યાં સુધી લોકોના ઉપહાર અને અવગણનાનો ભોગ બનતા રહ્યા હતા. આ કારણે આજે પણ ગૂઢ, ઓછા બોલતા, કેટલાક અસાધારણ હરકતો કરતા રહેતા કે સંસારથી વિરકત રહેતા લોકોને 'જડભરત' કહેવામાં આવે છે અને તેની હાંસી ઉડાવવામાં આવે છે, પરંતુ આ જ જડભરત પૂર્વજન્મમાં સમ્રાટ રાજા ભરત હતા, તે ઘણાં ઓછાને ખબર હશે. આ કથાઓ પણ ગૂઢાર્થમાં લખાઈ હોય છે અને તેનો વાસ્તવિક સંદેશ હંમેશાં નહિતમાં જ હોય છે.
માનવીની અસલ ઓળખ
માનવીની અસલ ઓળખ તો આધ્યાત્મ, સાયન્સ અને હિન્દીમાં અલગ અલગ રીતે વર્ણવવામાં આવે છે અને જુદા જુદા ધર્મ-સંપ્રદાયોમાં તેના જુદા જુદા સંદર્ભાે, માન્યતાઓ અને કથાઓ પણ પ્રચલિત છે પરંતુ માનવીને બ્રાહ્ય દેખાવ, વાણી-વ્યવહાર કે હાવભાવથી નહીં પણ તેના સંસ્કારોના માધ્યમથી જ થઈ શકે છે.
આમ તો માનવીને ઓળખવો અઘરો જ હોય છે. ઘણાં લોકો બાહ્ય જીવનમાં જેવા હોય છે તેવા જ આંતરિક રીતે હોતા નથી. ઘણી પ્રચલિત વિખ્યાત અને આદર્શ ગણાતી વ્યક્તિઓની અંગત જિંદગી તેમના બાહ્ય સ્વરૃપથી તદ્દન અલગ જ નીકળતી હોય છે. જ્યારે ઘણાં લોકોની દરિયાદિલી અને સંસ્કારોની સુવાસ તેની કાયમી વિદાય પછી પણ પ્રગટ થતી હોય છે. માનવીને ઓળખવો અઘરો છે અને સ્વયં ઈશ્વરે પણ પોતાના જ આ સર્જન સામે યુદ્ધે ચડવું પડ્યું હતું, તે પૌરાણિક વાસ્તવિકતા છે.
ઘણાં લોકોને ટૂંકા સમયમાં ઓળખી જવાય અને તેમની ખૂબીઓ તથા ખામીઓથી પરિચિત થઈ જવાતું હોય છે તો ઘણાં લોકોની ઓળખવામાં આખી જિંદગી પણ ટૂંકી પડી જતી હોય છે, તેથી જ હિન્દી ફિલ્મના ગીતમાં ગવાયું હશે કે, 'એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હૈ લોગ...'
ટૂંકમાં એમ કહી શકાય કે માનવીને ઘડનાર ઈશ્વરે પણ પોતાના મનુષ્ય અવતારમાં પોતાના જ સર્જન સમા માનવીને ઓળખવામાં થાપ ખાધી હોય, તેવી કથાઓમાંથી ગૂઢાર્થમાં જે કહેવાયું હોય તેનું ઉંડાણ સમજવું જ પડે.
વર્તન-વ્યવહાર અને વાસ્તવિકતા
આપણે મોટાભાગે માનવીના વર્તન-વ્યવહાર, ભાષા, શબ્દપ્રયોગો, હાવભાવ અને વાતચીતના આધારે તેનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. જે ઘણી વખત મહદ્અંશે ખરૃ પડતું હોય છે, પરંતુ માત્ર આ જ રીતે માનવીને પૂરેપૂરો પારખી શકાય નહીં. માનવીનો સચોટ પરખ કે ઓળખ કરવી લગભગ અસંભવ છે, કારણ કે બહારથી જે દેખાતું હોય છે તે આંતરિક રીતે હોય પણ ખરૃં, અને ન પણ હોય. આપણી દૃષ્ટિ, વિચારધારા માન્યતાઓ અને માપદંડો મુજબ કોઈને માપી શકાતા નથી તેવી જ રીતે આપણને પણ કોઈ અન્ય વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણથી સમજી શકતી હોતી નથી. તેથી જ ઘણાં લોકો બીજાને સમજવામાં ભૂલ કરતા હોય છે, તો ઘણાં લોકો એવું કહેતા સંભળાતા હોય છે કે, 'મને કોઈ સમજતું કેમ નથી?'
માનવીનું વર્તન, વ્યવહાર અને સંસ્કાર તેનું ચરિત્ર પ્રગટ કરે છે તેથી જ એવું કહી શકાય કે મીંઢા, અબોલ, ઓછાબોલા, ગૂઢ જણાતા ઘણાં લોકોને ભલે જડભરત કહેવામાં આવે પરંતુ તે આંતરિક રીતે ખૂબજ જ્ઞાની, વિચારશીલ અને ડાયનેમિક પણ હોઈ શકે છે.
મોટાભાગના લોકોની બાહ્ય અને આંતરિક જિંદગી અલગ અલગ હોય છે. એવા લોકો ભાગ્યે જ નીકળે જે જેવા હોય તેવા જ દેખાતા હોય અથવા જેવું પોતે કહેતા હોય તેવું જ સ્વયં કરતા હોય. મોટાભાગે કથની અને કરણીમાં સંપૂર્ણપણે સમાનતા જોવા મળતી હોતી નથી. કારણ કે જિંદગીમાં તમામ પ્રકારના બેલેન્સ જાળવવા પડતા હોય છે અને તેના કારણે 'પ્રેક્ટિકલ' પણ થવું પડતું હોય છે.
શાંત પાણી ઉંડા હોય છે...
એવું કહેવાય છે કે, શાંત પાણી ઉંડા હોય છે અને ઉછાછળા તથા બોલકા લોકો સરળ હોય છે એનો અર્થ એવો નથી શાંત કે ઓછું બોલતા તમામ લોકોમાં કપટ હોય અને બોલકા તમામ લોકો નિષ્કપટ હોય છે. હકીકતે માનવીનો જન્મ, કુળ, બાળપણ, સંગત, માહોલ, સ્થિતિ અને સંસ્કાર તથા કેળવણીના સંયોજનમાંથી માનવીની અસલ ઓળખનું નિર્માણ થતંુ હોય છે અને શાંત, ઘીર, અધીર કે ઓછાબોલા કે બોલકાપણાં જેવા માપદંડોના આધારે તેને માપવાનો પ્રયાસ થતો હોય છે. આ માપદંડ કેટલા આધારભૂત અને સુસંગત છે તે પણ એક સંશોધનનો વિષય છે.
સંબંધના પુષ્પો સહોપસ્થિમાં વધુ ખીલે
સંબંધના પુષ્પો સહોપસ્થિતિમાં વધુ ખીલે છે. સહુ-ઉપસ્થિતિ, સહવાસ, નિકટતા અને પ્રગાઢતામાંથી જ સંબંધો ઉભરતા હોય છે, જેને આધ્યાત્મિક ભાષામાં 'માયા' કહે છે.
આપણા બધાના જીવનમાં એવા ઘણાં લોકો આવ્યા હશે, જે એક સમયે આપણી સાથે ખૂબજ નિકટતા ધરાવતા હશે, પરંતુ સમય જતા તેની સ્મૃતિઓ પણ ઝાંખી થઈ ગઈ હશે. આપણે પ્રાથમિક શિક્ષણ સમયે સાથે ભણ્યા, હર્યા-ફર્યા હોય અને ગાઢ દોસ્તી કરી હોય તેવા ગાઢ દોસ્તો સિવાયના અન્ય કલાસ ફેલોઝ (એક જ વર્ગમાં ભણતા) ઘણા, સહુપાઠીઓને ભૂલી ગયા હોઈએ છીએ.
એવી જ રીતે નોકરી-ધંધા, વ્યવસાય માટે અવારનવાર સ્થળાંતર કરવું પડ્યું હોય તેવા લોકોને એવા ઘણાં લોકોની સાથે ગાઢ સંબંધ બંધાયો હોય છે પરંતુ સ્થળાંતર પછી તે સંબંધો ધીમે ધીમે વિસરાઈ પણ જતા હોય છે. મોટાભાગે જે તે સમયે સરળતા, સાનુકૂળતા, સિદ્ધિ પ્રાપ્તિ કે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને સંબંધો બંધાતા હોય છે અને વિસરાતા પણ હોય છે.
સંબંધના પુષ્પો સહોપસ્થિતિમાં જ વધુ ખીલી ઉઠે છે પરંતુ ઘણાં બારમાસી પુષ્પોની જેમ કેટલાક સંબંધો દૂર રહેવા છતાંય જીવનભર જીવંત પણ રહેતા હોય છે અને માનવીની આ ખુબીઓને જ જિંદગીની ખૂબસરતી પણ ગણવામાં આવે છે.
ખેતીવિકાસ અંગે કેટલાક અવતરણો
એસ.એસ. સ્વામીનાથનના મંતવ્ય મુજબ જો ખેતી નિષ્ફળ જાય તો અન્ય કોઈપણ ચીજ (પ્રવૃત્તિ)ને અવસર નહીં મળે.
સૈમ ફર્ટના મંતવ્ય મુજબ કૃષિ-ઉત્પાદનો ખેડૂતો માટે લાભદાયક હશે તો જ કૃષિવિકાસના ઉદેશ્યો સિદ્ધ થશે.
બ્યોર્કના જણાવ્યા મુજબ તેઓ હંમેશાં સાચા અર્થમાં ખેડૂત બનવા ઈચ્છતા હતા.
જ્યોર્જ વોશિંગ્ટને કહ્યું હતું કે, ખેતી એ માત્ર રોજગાર જ નહીં પરંતુ મનુષ્ય માટે સ્વાસ્થ્યપ્રદ અને જીવન .પયોગી વ્યવસાય છે.
જયોર્જ એફ. કેનેડીએ કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થામાં ખેડૂત જ માત્ર એવી વ્યક્તિ છે, જે બીજ ખાતર વગેરેની છૂટક છૂટક ખરીદી કરે છે, મહેનત કરે છે અને પછી જથ્થાબંધ કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરે છે અને ખરીદી તથા વેચાણ બંનેમાં માલ-પરિવહનની મજૂરી ચૂકવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial