Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઝાડને બાથ ભરીને ઊભેલો માણસ કહે છે કે 'આ ઝાડ મને છોડતું નથી'...એવું જ વ્યસની કરે છે...ખરૃ ને...?

'આદત સે મજબૂર' એવો કટાક્ષ વ્યસનો ઉપરાંત જુગાર, સટ્ટો, અસુરક્ષિત ફોકસ માટે પણ થાય છેઃ

કોઈપણ પ્રકારનું વ્યસન બરબાદી જ નોતરે છે, તે સૌ કોઈ જાણે છે, તેમ છતાં વ્યસન છૂટી જ શકતું નથી, અને વ્યસનને છોડવાના પ્રયાસો કરવા છતાં કેટલાક સમયમાં ફરી ચાલુ થઈ જાય છે, અને તેનું કારણ એવું આપવામાં આવતું હોય છે કે વ્યસન બંધ કર્યા પછી તેની આડઅસરો થઈ હતી. કોઈ કહે છે કે વ્યસન છોડ્યા પછી મગજ બરાબર કામ કરતું નહોતું, તો કોઈ એવું પણ કહે છે કે વ્યસન બંધ કર્યા પછી રોજીંદી પ્રક્રિયાઓ ખોરવાઈ જતી હતી, અને કેટલીક શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હતી. કોઈ વળી વ્યસન છોડ્યા પછી શારીરિક અને માનસિક બન્ને પ્રકારની તકલીફો ઊભી થઈ હોવાનું જણાવે છે, તો કોઈ વ્યસનનો પ્રકાર બદલીને 'બકરૃ કાઢીને ઊંટને આમંત્રણ આપવા' જેવી 'વચલા' માર્ગ કાઢતા હોય છે. એક સર્વ સામાન્ય દલીલ એવી પણ થતી રહેતી હોય છે કે, લાંબા સમયનું વ્ય્સન ત્યજવું એ મુશ્કેલ જ નહીં, અસંભવ છે!

હકીકતમાં વ્યસન નહીં છૂટવું, એ માનસિક સમસ્યા જ છે. વ્યસન મનને નબળું બનાવે છે, તેથી જ વ્યસન છોડવા માટે દૃઢ મનોબળ અને અડગ નિર્ધાર કરવો જરૃરી હોય છે. 'મન હોય તો માળવે જવાય'ના હાર્દને સમજીને મનને અત્યંત મજબૂત બનાવવું પડે અને દૃઢ મનોબળની સાથે અફર પ્રણ લઈને વ્યસન છોડવાનો સતત પ્રયાસ કરવો જોઈએ. જ્યાં સુધી સફળતા ન મળે, ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ. વ્યસન છૂટી જ શકે છે, તે નિર્વિવાદ હકીકત છે. જુનું વ્યસન છોડવું અત્યંત અઘરૃ છે, પરંતુ અશક્ય તો નથી જ હો...

જે લોકો એવું કહેતા હોય કે વ્યસન છોડવું અશક્ય છે. ઘણાં પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી જ નહીં. વ્યસન છોડતા જ પેટની તકલીફ થવા લાગી. કુદરતી પ્રક્રિયાઓ ખરોવાઈ ગઈ, ખોરાક, નિદ્રા, કુદરતી હાજત સહિતના શેડ્યુલ જ વિખેરાઈ ગયા. ખાવાનું પચતું નથી, મગજ તો સુન્ન જ થઈ જાય છે અને શરીર પર જાણે નિયંત્રણ જ રહેતું નથી. નિરાસાજનક અને નકારાત્મક વિચારો આવે છે અને ક્યાંય ગમતું જ નથી. રાત્રે ઊંઘ આવતી નથી અને શરીરમાં જાણે કૌવત જ ન હોય તેવી નબળાઈ આવી જાય છે. ક્યારેક આંખે અંધારા આવે છે, તો ક્યારેક 'ધૂમ' એટલે કે ચક્કર જેવું આવે છે. કેટલાક લોકો અપચો, ગેસ્ટ્રોલાઝ, વોમિટીંગ અને હેડેક-બોડીયોકની ફરિયાદ પણ કરતા હોય છે.

વ્યસન છોડવાના પ્રયાસોના પ્રારંભે આ તમામ પ્રકારની અનુભૂતિઓ થતી જ હોય છે, તે તદ્ન સાચી વાત છે, પરંતુ આ અનુભૂતિઓ માત્ર ને માત્ર માનસિક જ હોય છે. એમ પણ કહી શકાય કે આ પ્રકારની અનુભૂતિઓ માનસિક ભ્રમનું જ પરિણામ હોય છે. આને અર્ધસત્ય પણ ગણાવી શકાય. આ પ્રકારની અનુભૂતિઓને ભ્રમણા કહો, અર્ધસત્ય કહો કે નક્કર હકીકત ગણો, તો પણ તેમાંથી છૂટવું તદ્ન અસંભવ જ છે, તેમ માનવું પણ ભૂલભરેલુ છે. આપણી વચ્ચે જ એવા ઘણાં દૃષ્ટાંતો પણ જોવા મળશે. જેઓએ દાયકાઓ જુનું બીડીનું બંધાણ છોડી દીધું હોય, વર્ષોથી તમાકુનું સેવન કરતા હોય અને દૃઢ માનસિક્તા સાથે તમાકુંને તિલાંજલિ આપી દીધી હોય, કે પછી શરાબનું કે ધૂમ્રપાનનું જુનું વ્યસન ત્યાગી દીધું હોય!

વ્યસનો છોડવાની બાબતમાં આપણાં મનને અનુકૂળ હોય તેવા દૃષ્ટાંતો સાંભળવા આપણને ગમે છે. વ્યસનોને જસ્ટીફાય કરવા માટે આપણે એમ પણ કહીએ છીએ કે તમાકુ ખાતા હોય કે દારૃ પીતા હોય કે પછી અન્ય કોઈપણ પ્રકારનો નશો કરતા હોય તેને કેન્સર થાય જ છે, તેવું ક્યાં છે? ઘણાં લોકો ૮૦-૯૦ વર્ષની ઉંમરે પણ બીડી પીતા હોય છે, ઘણાં લોકો મૃત્યુપર્યંત તમાકુનું સેવન કરવા છતાં તંદુરસ્ત રહ્યા છે, કે પછી ઘણાં લોકો આજીવન શરાબનુું સેવન કરવા છતાં તંદુરસ્ત રહ્યા હોવાના તર્કો આપણે રોજ-બ-રોજ સાંભળતા પણ હોઈએ છીએ અને આ પૈકીના કેટલાક અભિપ્રાયો સાથે આપણે સહમત પણ હોઈએ છીએ, ખરૃ કે નહીં?

'મન હોય તો માળવે જવાય... નાચનારીનું આંગણું વાંકુ' અથવા 'મન હોય તો માળવે જવાય... નાચવું નહીં તેનું આંગણું વાંકુ' જેવી કહેવતો આ પ્રકારની દલીલ-તર્કોનો છેદ ઊડાવે છે, રાઈટ?

ઘણાં લોકો એવું કહેતા સંભળાય છે કે એક વિખ્યાત સંત તો સાદગીભર્યું જીવન જીવ્યા હતાં અને જીવનપર્યંત કોઈપણ વ્યસન નહોતું, તેમ છતાં તેને પણ કેન્સર થયું હતું, તેથી કેન્સર તમાકુ ખાવાથી થઈ જ જાય, તેવી માન્યતા ખોટી છે. આ પ્રકારે તો આપણે આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ અને ખતરનાક વ્યસનોને જસ્ટીફાય કરવાના પ્રયાસો કરતા હોઈએ છીએ. તમાકુના સેવનથી દરેક વ્યક્તિને કેન્સર થઈ જ જાય, તેવું ન હોય, તો પણ તમાકુના કારણે કેન્સર થતા સંખ્યાબંધ લોકોના મૃત્યુ થાય છે અને ઘણાં ઘર બરબાદ થઈ જાય છે, તે નક્કર હકીકત છે, તે ભૂલવું ન જોઈએ.

આ વાસ્તવિક્તા જાણીને આપણે સૌએ એવો ભ્રમ મનમાંથી કાઢી નાંખવો જોઈએ કે વ્યસનો છોડી જ શકતા નથી. ઝાડને બાથ ભરીને ઊભેલો વ્યક્તિ એવું કહે કે ઝાડે તેને પકડી રાખ્યો છે, અને તે છૂટી શકતો નથી, પરંતુ હકીકતે તે પોતે જ ઝાડને પકડીને ઊભો હોય છે, અને ઝાડને ધરાર છોડતો હોતો નથી. કાંઈક એવી જ રીતે આપણે વ્યસનના ગુલામ બની જઈએ છીએ અને ઘણાં પ્રયાસો કરવા છતાં ન છૂટે ત્યારે હાર માની લઈને આ પ્રકારના તર્કોના શરણે જઈએ છીએ. હકીકતમાં આપણી વચ્ચે જ ઘણાં બધા એવા લોકો હોય જ છે, જેમણે વર્ષો જુની આદતો, વ્યસનો કે નશો કરવાની બીમારીને મક્કમતાપૂર્વક તિલાંજલિ આપી દીધી હોય. હવે તો એવા રિહેલિબિટેશન સેન્ટર્સ પણ ખુલ્યા છે, જ્યાં હાથમાં રગડીને તમાકુ મૂકવાથી લઈને ખતરનાક ડ્રગ્સના સેવન સુધીના વ્ય્સનોમાંથી છૂટકારો મેળવવાનો માર્ગ મળી શકે છે.

વ્યસનો માત્ર તમાકુ, શરાબ કે ડ્રગ્સના જ હોય તેવું નથી, કેટલાક એવા વ્યસનો પણ હોય છે, જે ખાવા-પીવાની ચીજોથી કે સુંઘવા અથવા ધૂમ્રપાનથી નહીં, પરંતુ કુટેવો, આદતો અને કુસંગતમાંથી ઉપજે છે અને આપણું જીવન બરબાદ કરી નાંખે છે.

એક કહેવત છે કે કાળિયા સાથે ધોળિયો બાંધીએ, તેથી વાન ન આવે, પણ શાન તો આવી જ જાય, તેવી જ રીતે ઘણી વખત બુરી આદતોનો ભોગ બનેલા લોકો વિચિત્ર પ્રકારના વ્યસનોમાં ફસાઈ જતા હોય છે. કહેવત મુજબ 'કાળિયા સાથે ધોળિયો બાંધીએ, તો વાન ન આવે એટલે કે બલેક કલરના બળદની સાથે વ્હાઈટ કલરનો બળદ બાંધીએ, તો કદાચ સફેદ બળદને કાળો રંગ ન લાગે, પરંતુ કાળા બળદ જેવી હરકતો તો કરવા જ લાગ્યો હોય', માનવજીવનમાં પણ એવું જ હોય છે અને સંગતની સારી-માઠી અસરો થતી જ હોય છે.

'આદત સે મજબૂર' એવો કટાક્ષ ઘણાં લોકો માટે થતો હોય છે. આ આદતો વ્યસનો સિવાયની પણ હોઈ શકે છે. દૃષ્ટાંત તરીકે જુગાર રમવાની આદત, સટ્ટો રમવાની આદત કે પછી અસુરક્ષિત સેક્સ માણવાની આદત...!

આ પ્રકારની બૂરી આદતો વ્યસનો જેટલી જ ખતરનાક હોય છે. જુગાર, શેર-શટ્ટો વગેરેના કારણે ઘણાં લોકોના ઘર બરબાદ થઈ જાય છે, કેટલાક નબળા મનોબળના લોકો આત્મહત્યા પણ આવા જ કારણે કરી લેતા હોય છે, અને ઘણી વખત આ કારણે જ વ્યાજખોરોની ચંગુલમાં ફસાઈને સપરિવાર પલાયન કે આત્મહત્યા કરવા મજબૂર બની જતા હોય છે. અસુરક્ષિત સેક્સની બૂરી આદત ધરાવતા લોકો એઈડ્ઝ જેવી જીવલેણ બીમારીનો ભોગ બનતા હોય છે અને ઘણી વખત પોતાના તથા પરિવારના આબરૃના ધજાગરા પણ ઊડતા હોય છે. આત્મહત્યાની સમસ્યાનું આ પણ એક કારણ છે.

વ્યસનો જીવનનો હિસ્સો પણ બની શકે છે, અને જીવનનો અંત પણ લાવી શકે છે. વ્યસનો મગજ (દિમાગ) ને તેજીથી ચલાવી પણ શકે છે, અને એટલી જ તેજીથી ડિપ્રેશનની ભેટ પણ આપી શકે છે. વ્યસનોથી ક્ષણિક ઉત્તેજના, શક્તિ કે જુસ્સો મળી શકે છે, પરંતુ તે પછી લાંબા ગાળાની બીમારીઓ કે સતત નબળાઈની ભેટ પણ આપી શકે છે. વ્યસનોથી થતા રોગ એટલા ભયંકર હોય છે કે તે ઘણી વખત જીવતા વ્યક્તિને નર્ક જેવી પીડા આપીને મરવા મજબૂર કરી દેતા હોય છે. વ્યસનથી ફાયદો શૂન્ય છે, પરંતુ નુક્સાન અગણિત છે. વ્યસનોની ફળશ્રૂતિથી થતાં રોગોના ઉપચાર પાછળ ઘણી વખત જિંદગીભરની બચત ખર્ચાઈ જાય છે, તો જમીન-મકાન-સ્થાવર-જંગમ મિલકતો પણ વેંચાઈ જાય છે, અને આ પ્રકારના દર્દથી પીડાતા પતિને બચાવવા અંતિમ ઉપાય તરીકે પોતાનું મંગલસૂત્ર વેંચવા પણ પત્નીઓ મજબૂર થતી હોવાના દૃષ્ટાંતો પણ બનેલા છે, તેથી ક્ષણિક મજા આપતા વ્યસનો હકીકતે તો આપત્તિ અને આપણા પરિવારની હસી-ખુશી, સુખ-શાંતિ અને સંપત્તિની કબર ખોદવાના સાધનો જ ગણાય, ખરૃ ને ?

તો ચાલો, સંકલ્પ કરીએ કે વર્ષ ર૦ર૪ માં મક્કમ બનીને વ્યસન, બુરી આદતોને તિલાંજલિ આપીને દેખાડી દઈશું કે અમે કમજોર નથી!

- વિનોદ કોટેચા

વ્યસનો દર વર્ષે લાખો જિંદગી ભરખી જાય છે

ભારતમાં દર વર્ષે ૯ થી ૧૦ લાખ લોકો તમાકુ અને તેનાથી મિશ્રિત પદાર્થોનું સવન કરવાથી મૃત્યુ પામે છે. તમાકુનું સેવન અલગ અલગ રીતે થાય છે. હાથની હથેળીમાં ચુના સાથે તમાકુની પાંદડીઓને મસળીને દાંત વચ્ચે મૂકવાનું વ્યસન, પાન-મસાલા-સોપારી સાથે મિશ્રણ કરીને, ગુટખાના સ્વરૃપમાં અને બજર (છીંકણી) દાંતમાં ઘસીને તમાકુનું સેવન થાય છે. ધૂમ્રપાનના પણ વિવિધ સ્વરૃપો છે. બીડી, સિગારેટ, ચલમ, હોકો, સિગાર વગેરે દ્વારા તમાકુનું ધૂમ્રપાનના સ્વરૃપમાં સેવન થતું હોય છે.

વીસમી સદીમાં તમાકુએ દુનિયામાં લગભગ દસ કરોડ લોકોના જીવ લીધા હતાં, અને હાલમાં વિશ્વમાં દર વર્ષે લગભગ ૮૪ લાખ લોકોના મૃત્યુ તમાકુના સેવનથી થતા રોગોના કારણે થતું હોવાનું કહેવાય છે. એક અભિપ્રાય મુજબ તમાકુ બંધ કરી દીધા પછી પણ તેના કારણે કેન્સર થવાની શક્યતાઓ લાંબા સમય સુધી રહેતી હોય છે, તેથી તમાકુ છોડી દીધાના કેટલાક વર્ષ પછી કેન્સર થાય, તો એવું કહી ન શકાય કે તમાકુનું સવન કરતા હતાં, ત્યાં સુધી કાંઈ ન થયું અને તમાકુ છોડ્યા પછી કેન્સર થઈ ગયું!

એક અન્ય આંકડા મુજબ વિશ્વમાં માત્ર તમાકુના વિવિધ પ્રકારના સેવનના કારણે દર વર્ષે ૮૦ લાખ લોકો મૃત્યુ પામે છે, અને ધૂમ્રપાનના કારણે થતા મૃત્યુ ઉપરાંત કેટલાક લોકો તો માત્ર ધૂમ્રપાન કરનારા લોકોના સતત સંપર્કમાં રહેતા હોવાથી પણ જવ ગુમાવતા હોય છે, કારણ કે ધૂમ્રપાન કરનાર વ્યક્તિ દ્વારા છોડવામાં આવતો ધૂમાડો સતત સાથે રહેતા વ્યક્તિના શ્વાસમાં પણ જાય છે.

હમણાંથી નિઃસંતાન દંપતીઓની સારવાર કે પરીક્ષણ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, તમાકુનું વ્યસન, ડ્રગ્સનું સેવન, શરાબની આદત કે અસુરક્ષિત માસાંહારના કારણે સેક્સની તકલીફ થતી હોય છે અને તેના કારણે સંતાન પ્રાપ્તિ થવામાં અવરોધ આવે છે, તેથી આ પ્રકારનું વ્યસન તત્કાળ છોડી દેવાની સલાહ આપવામાં આવતી હોય છે, અને સંતાન પ્રાપ્તિ માટે ઘણાં લોકો ર્યસનો છોડી દે, તેના થોડા વર્ષોમાં સંતાનપ્રાપ્તિ થતી પણ હોય છે.

એનસીઆરબીના રિપોર્ટ મુજબ વર્ષ ર૦૧પ થી વર્ષ ર૦૧૮ દરમિયાન દેશમાં ઝેરી શરાબ પીવાથી દર વર્ષે દોઢેક હજાર લોકોના જીવ જાય છે, જ્યારે શરાબનું વ્યસન પણ દર વર્ષે સંખ્યાબંધ લોકોના મૃત્યુનું કારણ બને છે. ડ્રગ્સનું સેવન પણ વિશ્વમાં લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે. આથી દરેક પ્રકારનું વ્યસન હાનિકર્તા, જીવલેણ અને આર્થિક, શારીરિક, માનસિક-સામાજિક અને પારિવારિક રીતે બરબાદ કરનારૃ હોવાથી તેને મક્કમ થઈને તિલાંજલિ આપવામાં જ આપણી ભલાઈ હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial