સંક્રાંતિનો કાળ ખરેખર ક્રાન્તિ કેરો કાળ છે...
એક દૂધવાળાની વાતો પ્રચલિત છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા એક પરિવારનો યુવાન તેમના પિતાના નિધન પછી દૂધનો ધંધો સંભાળી લ્યે છે. તે પહેલા તે યુવાન પશુઓ ચરાવવા અને સારસંભાળનું જ કામ કરતો હતો, અને જ્યારે ઢોર ચરાવવા ગયો હોય ત્યારે પશુઓ ચરિયાણમાં ઘાસ વિગેરે ચરતા હોય તેવા સમયે તે આકાશમાં મીટ માંડીને ઝાડના છાંયડે બેઠો બેઠો સ્વપ્નોમાં સરી જતો હતો અને પોતાના તથા પોતાના પરિવારના ઉત્કર્ષ માટે શું શું કરી શકાય તેના વિચારો પણ કરતો રહેતો હતો. આ સ્થિતિમાં ઘણી વખત તેમના પશુઓ ગૌચર કે ચરિયાણની નિશ્ચિત સીમા ઓળંગીને કોઈ ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય, અને ઊભા પાકને નુક્સાન કરે, ત્યારે તે યુવાનને ઠપકો સાંભળવો પડતો અને પિતાની નારાજગી પણ વહોરી લેવી પડતી હતી, પરંતુ બીજી તરફ તે આળસ કર્યા વિના ઢોર ચરાવી, પાણી પીવડાવીને ઘરે આવ્યા પછી પણ નિષ્ઠાપૂર્વક પરિવારને મદદરૂપ થતો હોવાથી સૌ કોઈનો લાડલો પણ હતો. એટલું જ નહીં, તેના કેટલાક વિચારો અને સૂચનો તેમના અર્ધશિક્ષિત ભાઈ-ભાંડુઓને ગમતા પણ ખરા, પરંતુ વડીલો દ્વારા પરંપરાગત વ્યવસાય પ્રત્યેની લાગણી અને ધગશ જોઈને આ યુવાન પોતાનું મન વાળી લેતો હતો.
પરિવારની પરિસ્થિતિ સાધારણ હોવાથી અને પરંપરાગત વ્યવસાયમાંથી ગુજરાન સારૂ ચાલી શકતું હોવાથી તે પરિવારના વડીલો તે જમાનામાં બાળકોને ભણાવતા જ નહીં, અથવા તો સરકારી પ્રાથમિક શાળામાં મોકલીને અનિયમિત અને પાર્ટટાઈમ એજ્યુકેશન અપાવતા અને કિશોરવયના થતા જ પ્રાથમિક કક્ષાએથી જ અભ્યાસ છોડાવીને પરંપરાગત વ્યવસાયમાં જોતરી દેતા હતાં. આ કારણે તેઓ બહું ભણી શકતા નહીં. આ યુવાન પણ એ જ કારણે બહુ ભણી શક્યો નહોતો, પરંતુ તેના અરમાન ઊંચા હતાં. તેવામાં પિતાની અનંત વિદાય પછી શહેરમાં દૂધ વેંચવા જવાનું તે યુવાનની માથે આવ્યું હતું.
તે પછીની વાર્તા ઘણી જ પ્રચલિત છે અને વિવિધ સ્વરૂપે કથા-કહાનીઓમાં તેનો ઉલ્લેખ થતો રહે છે. આ યુવાન શહેરમાં દૂધ વેંચવા તો નીકળ્યો, પરંતુ માથા પર દૂધનો ઘડો લઈને ચાલતી વખતે પોતાની રોજીંદી આદત મુજબ સ્વપ્નોમાં ખોવાઈ ગયો અને ઊઘાડી આંખે સપના જોવા લાગ્યો. ચાલતાં ચાલતાં તેમણે વિચાર કર્યો કે આજથી દૂધ વેંચીને જે નાણા આવશે, તેમાંથી થોડી થોડી બચત કરીને એકાદ વર્ષ પછી હું કોઈ નાનો-મોટો વ્યવસાય કરીશ અને પશુપાલનનો વ્યવસાય ભાઈઓને સોંપીને દૂધના બાય-પ્રોડક્ટ્સ બનાવવાનું શીખી લઈશ. આ રીતે મૂલ્યવર્ધન કરીને ધીમે ધીમે કમાતો જઈશ, અને પછી આપણી આર્થિક સ્થિતિ સુધરે પછી નાના ભાઈ-બહેનોને ભણાવવા પણ મોકલીશ. તે પછી વધુ કમાઈશ, અને આપણે નળિયાવાળું મકાન પાડીને ત્યાં મેડી (બે માળનું મકાન) બનાવીશ, અને સુંદર મજાના મકાનની મેડીની અગાસી પરથી અમે બધા મકરસંક્રાંતિમાં પતંગ ઊડાવીશું, અને એ 'કાપ્યો છે...'નો આનંદ લેશું. ઉઘાડી આંખે આ સ્વપ્નો જોતા જોતા તે યુવાન આકાશમાં ઊડતા કાલ્પનિક પતંગને જોવા જતાં તેના માથા પરથી દૂધનો ઘડો નીચે પડી જાય છે, અને દૂધ ઢોળાઈ જાય છે... અને એ સાથે જ યુવાનના સ્વપ્ના પણ દૂધમાં રોળાઈ જાય છે!
આ કહાની એક માર્ગદર્શક વાર્તા છે,અને તેના નેગેટીવ અને પોઝિટિવ અર્થઘટનો થઈ શકે છે. આ કહાનીનો કાલ્પનિક વિસ્તાર પણ બન્ને રીતે થઈ શકે છે, પરંતુ અહીં આપણે પ્રાથમિક રીતે એવું તારણ કાઢી શકીએ કે ઉઘાડી આંખે સપના જોતી વખતે એટલું જાગૃત પણ રહેવું જોઈએ કે દૂધનો ઘડો માથા પરથી નીચે પડી ન જાય.. મતલબ કે આપણી અત્યારની વાસ્તવિક્તા અને તેની નક્કરતા વિસરાય ન જાય...
આ કહાની જેવી કલ્પનાઓ હજુ પણ સ્વીકૃત ગણાય અને થોડા જાગૃત રહીને ઊઘાડી આંખે સપના જોયા પછી તેમાંથી જ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પણ કદાચ મળી જાય, પરંતુ ઘણી વખત આપણે કપોળ કલ્પનાઓ કરતા હોઈએ છીએ, અને તેમાંથી શંકા-કુશંકાઓ અને આશંકાઓ જન્મ લેતી હોય છે. આ પ્રકારની કપોળ કલ્પિત આશંકાઓ, શંકા-કુશંકાઓ ઘણી વખત ખતરનાક પરિણામો લાવતી હોય છે, અને આવી જ કપોળ કલ્પનાઓના કારણે ઘણી વખત હત્યાકાંડો, હિંસક ઘટનાઓ અને જિંદગીભરના વેરઝેર પણ સર્જાઈ જતા હોય છે. કપોળ કલ્પનાઓ તથા કુદરતી હકારાત્મક કલ્પનાઓમાં પણ આસમાન-જમીનનો ફર્ક હોય છે. કપોળ સ્વપનાઓની અસર હેઠળ કોઈપણ પ્રકારની તપાસ, પુરાવા કે આધારો વગર કોઈપણ વ્યક્તિની પ્રામાણિક્તા, નિષ્ઠા, ચારિત્ર્ય, વફાદારી કે કૌશલ્ય વિષે આશંકાઓ રાખીને મનોમન અણગમો, નફરત કે નારાજગીને પનપવા દેવી ઘણી જ ખતરનાક નિવડતી હોય છે, અને ધીમે ધીમે વિસ્ફોટકો જેવી ભયાનક બની જતી હોય છે. આ જ પ્રકારે કપોળ કલ્પનાઓ હેઠળ જો શંકાઓ-કુશંકાઓ-આશંકાઓ આપણા દિલો-દિમાગ પર કબજો કરી લ્યે, તો તેમાંથી સર્જાયેલા પૂર્વગ્રહો અને ધૃણાના કારણે મોટા-મોટા સંઘર્ષો, દંગલો કે અનિચ્છિન્ય ઘટનાક્રમોની બુનિયાદ પણ રચાઈ જતી હોય છે. રોજીંદા જીવનમાં આપણે એ પ્રકારના ઘણાં ઘટનાક્રમો સર્જાતા જોતા પણ હોઈએ છીએ. પોઝિટિવ, હકારાત્મક, સર્જનાત્મક, પ્રેરણાત્મક અને પોસીબલ (શક્ય હોય તેવી) કલ્પનાઓ આપણા જીવનને ઉન્નતિ તરફ જ લઈ જતી હોય છે, પરંતુ કપોળ કલ્પનાઓ એટલે કે તદ્ન વાહિયાત, શંકા-કુશંકાઓ, આશંકાઓથી ગ્રસિત નેગેટીવ, સંદેહાત્મક, ખંડનાત્મક અને વિના કારણ ઉત્તેજક મનોભાવના સાથેની અયોગ્ય કલ્પનાઓ બરબાદી તરફ જ ઢસડી જતી હોય છે.
શંકા, કુશંકાઓ, આશંકાઓમાંથી રાયનો પર્વત કેવી રીતે થતો હોય છે, તે અખા અને ખૂબજ સરળ શબ્દોમાં, લોકભોગ્ય ભાષાઓ અને સચોટ પરિભાષામાં અદ્ભુત રીતે સમજાવ્યું છે... કે...
વા વાયા ને નળિયું ખસ્યું,
તે દેખી ને કૂતરૃં ભસ્યું,
કોઈ કહે મેં દીઠો ચોર,
ત્યાં થયો બહુ શોરબકોર.
ટૂંકમાં વાતનું વતેસર કેવી રીતે થઈ જાય, અને પવન આવતા નળિયું ખસે અને અવાજ આવતા કૂતરૃં ભસવા લાગે, ત્યારે કોઈ વ્યક્તિ ચોર દીઠો હોવાની કપોળ કલ્પના કરી બેસે, તો તેમાંથી શોર-બકોર ઉત્પન્ન થતો હોય છે, મતલબ કે ઘણી વખત આ પ્રકારની જુઠ્ઠી કલ્પનામાંથી અનિચ્છિનિય ઘટનાઓ તથા માઠા પરિણામોની પણ પૂરેપૂરી સંભાવનાઓ રહેતી હોય છે.
'મન હોય તો માળવે જવાય'... એટલે કે મનોબળ મજબૂત હોય તો આપણું મગજ પણ વાસ્તવિક્તાને જ સ્વીકારવા લાગતું હોવાથી કપોળ કલ્પનાઓ ઓછી આવે, અને કોઈ અનહોની બનતી પણ અટકી જતી હોય છે, ખરૃં કે નહીં?
મકસંક્રાંતિમાં આપણે ભલે મનોરંજન માણીએ અને એકબીજાની દોર પર પ્રહાર કરીને એકબીજાના પતંગ કાપવાની મજા માણીએ... પરંતુ એ દિલચશ્પ અને ખેલદિલી સાથે રમાતી સ્પર્ધામાંથી વાસ્તવિક જીવનમાં કોઈની પ્રગતિનો માર્ગ અવરોધીને કે બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરવાના બદલે આપણી લીટી જ મોટી કરીએ, તે અત્યંત જરૂરી છે. મકરસંક્રાંતિનું પર્વ ક્રાંતિકારી ગણાય છે, અને આ પર્વથી મંગલ પ્રસંગોની પુનઃ શરૂઆત થઈ જાય છે. સંક્રાંતિનું ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્ત્વ તો હતું જ, અને હવે માર્કેટીંગ યુગમાં આર્થિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ઉમેરાયું છે.
મકરસંક્રાંતિને વિવિધ પ્રદેશોમાં જુદા-જુદા નામે ઓળખવામાં આવે છે, અને તેનું મહાત્મય પણ જુદા જુદા સંદર્ભો, પૌરાણિક-ઐતિહાસિક ઘટનાઓ અને કેટલાક વિશેષ પ્રસંગોને સાંકળીને વર્ણવવામાં આવે છે. ઋતુચક્ર અને સૂર્યની ગતિની દૃષ્ટિએ પણ મકરસંક્રાંતિનું અલગ જ મહત્ત્વ વર્ણવાય છે, પરંતુ આ પર્વને ક્રાંતિનું પર્વ પણ ગણવામાં આવે છે, અને તેની પાછળના તાર્કિક કારણો પણ છે. સૌ કોઈને મકરસંક્રાંતિ પર્વની વિશેષ શુભકામનાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial