આઁસમા કો ફતેહ કરના હૈ, અબ હમે અપને દમ પે ઉડના હૈ
ભારત હવે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનાં સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે રાફેલ જેવા યુદ્ધ વિમાનો આયાત કરવાની સાથે જ ભારત સ્વદેશી ફાઇટર પ્લેન બનાવવા પ્રતિબદ્ધ છે ત્યારે આ વિષય સંલગ્ન સંશોધનોમાં જેમનું નોંધપાત્ર પ્રદાન છે અને વિશ્વનાં ટોચનાં સંશોધક - વૈજ્ઞાનિકમાં જેમની ગણના થાય છે એવા ડો. જે. આર. રાઓલ તાજેતરમાં 'નોબત' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં આ તકે તેમની સાથે તેમનાં સ્નેહીજન પ્રદિપભાઇ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (એન.એ.એલ) માં દિર્ધકાલીન સેવા પછી નિવૃત્ત થયેલા જે. આર. રાઓલે 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા 'નોબત' પરિવારના દર્શકભાઇ માધવાણી અને પત્રકાર આદિત્ય સાથે એર ડિફેન્સ ક્ષેત્રે ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને ભવિષ્યની સંભાવનાઓ વિશે સંવાદ કર્યો હતો.
માણસાનાં વતની ડો. જીતેન્દ્ર આર. રાઓલ હાલ બેંગ્લોરમાં વસવાટ કરે છે. કેનેડામાં પીએચ.ડી. થયા પછી તેઓ નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝમાં સેવારત રહ્યા હતાં. વિમાન સંલગ્ન સમસ્યાઓનાં નિરાકરણ અને શોધખોળ માટે તેમણે વૈશ્વિક સ્તરે સંશોધનો કર્યા છે. તેમની ૮ બુક પ્રકાશિત થઇ છે તથા તેઓનાં માર્ગદર્શન હેઠળ ૧૧ સંશોધકો પી.એચ.ડી. થયા છે.
વિશ્વની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વિશ્વનાં ટોચનાં ૨% રીસર્ચરની યાદીમાં તેમનું નામ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧ માં એમ કુલ બે વખત સામેલ થયું છે જે સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. તેઓ જણાવે છે કે પ્લેનની ટેકનોલોજી ખૂબ જટીલ છે અને તેનાં સંશોધનો ખૂબ લાંબાગાળાનાં હોય છે. એટલે જ આજે પણ ભારત પાસે એક પણ 'મેડ ઇન ઇન્ડિયા' પેસેન્જર વિમાન નથી. ખૂબ સંશોધનો અને પ્રયોગો પછી સ્વદેશી યુદ્ધ વિમાન તેજસ બનાવવામાં ભારતને સફળતા મળી છે. જે સિલસિલો આગળ પણ ચાલે એ માટે એર ડિફેન્સ ક્ષેત્રે બજેટમાં પણ વધારો થાય અને સંશોધનલક્ષી કામગીરીને વેગ મળે એ જરૂરી છે. સરકારે આવા સંશોધનો માટે ફંડની જોગવાઇઓ હવે બદલી નાંખી છે. પહેલ ા સંશોધન માટે નિશ્વિત બજેટ સરકાર ફાળવતી હતી હવે સંશોધકને માત્ર વેતન ચૂકવાય છે બાકીનો ફંડ સંશોધકે જાતે વિવિધ પ્રયાસો વડે એકત્ર કરવાનો રહે છે.
દોઢસોથી વધુ રિસર્ચ પેપર રજૂ કરી ચૂકેલ ડો.જે.આર.રાઓલે 'ઇમ્પ્રિન્ટ' નામનાં ડાયાબિટીસને લગતા સંશોધનમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જેમાં એક એવું ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે જે દર્દીનાં સુગરનું મોનિટરીંગ કરે અને જરૂર જણાય ત્યારે નાની પિન વડે ઓટોમેટીક ઇન્સ્યુલીન બોડીમાં ઇન્જેક્ટ કરી દે છે.
તેમણે ભારતમાં એરોસ્પેસ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાનાં સંશોધન થતા હોવાનું જણાવી ડી.આર.ડી.ઓ. નાં ઘણાં પ્રોજેક્ટમાં પણ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતમાં ફિલ્મી કલાકારો, ધર્મગુરૂઓ તથા રાજકારણીઓને જ મહદ્અંશે યુવા વર્ગ રોલ મોડલ માનતો હોવાથી વિજ્ઞાન કે રિસર્ચ ક્ષેત્રે ખૂબ ઓછી પ્રતિભાઓ આપણને મળે છે. ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરવા પહેલા એ માટેનું વાતાવરણ નિર્માણ કરવું પડશે. ઘણી વખત વૈજ્ઞાનિકો અને ઇજનેરો લોપ્રોફાઇલ રહેતા હોવાથી તેમની સિદ્ધિઓ સામાન્ય જન સમુદાયથી અજાણી રહી જાય છે ત્યારે આ મુદ્દે બંને પક્ષે જાગૃતિ વધે તો યુવા વર્ગ માટે નવા આદર્શો સ્થાપિત કરી શકાય. આ કાર્યમાં તેમણે મીડિયાની ભૂમિકાને મહત્ત્વની ગણાવી હતી.
સંવાદનાં અતિમ તબક્કામાં તેમણે ભારતમાં એન.એ.એલ. તથા ડી.આર.ડી.ઓ., ઇસરો સહિતની વૈજ્ઞાનિક સંસ્થાઓ સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી હોવાનું જણાવી ભારત નજીકનાં ભવિષ્યમાં જ સ્વદેશી વિમાનોનાં નિર્માણમાં સફળતા મેળવી આત્મનિર્ભરતાની ઉડાન ભરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial