'વર્લ્ડ વેટલેન્ડ ડે' નિમિત્તે ખીજડીયામાં પક્ષી ગણતરી અંગે આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયા સાથે વાર્તાલાપઃ
જામનગર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય રામસર સાઇટનો દરજ્જો ધરાવે છે. દર વર્ષે અહીં શિયાળામાં પક્ષી ગણતરી કરવામાં આવે છે. ગત ૨૭ અને ૨૮ જાન્યુઆરી દરમ્યાન વાર્ષિક પક્ષી ગણતરી યોજાઇ હતી આ તકે 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્યએ ખીજડીયા પક્ષી અભ્યારણ્યની મુલાકાત લઇ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આર.એફ.ઓ.)દક્ષાબેન વઘાસીયા સાથે વાર્તાલાપ કરી સમગ્ર પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી.
આર.એફ.ઓ.નાં જણાવ્યાનુસાર છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે વાર્ષિક પક્ષી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં આ કામગીરી કરવામાં આવે છે. જેમાં અભ્યારણ્યનાં કર્મચારીઓ, મરીન નેશનલ પાર્ક, વન વિભાગ સહિત ત્રણેય પાંખનાં લોકો અને પક્ષીવિદો સામેલ થતા હોય છે. વર્ષ ૨૦૨૪ માં પ્રથમ વખત રાજ્યકક્ષાએ પક્ષી ગણતરી થઇ રહી છે અર્થાત રાજ્યભરની અગત્યની વેટલેન્ડ સાઇટ પર આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખીજડીયા અભ્યારણ્યમાં ૬.૫ ચો.કિ.મી. વિસ્તારમાં આ વખતે ૧૧ ઝોન બનાવી ઝોન વાઇઝ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પ્રત્યેક ટીમમાં સરેરાશ ૫-૬ સભ્ય હતાં. ટીમો દ્વારા ૩ કલાકમાં મહત્તમ વિસ્તાર આવરી લઇ પક્ષીઓની નોંધણી કરવામાં આવે છે. બે વખત ગણતરી કરી સરેરાશનાં આધારે અડધા પક્ષીઓ ગણનાપાત્ર ઠરે છે એ પદ્ધતિ મુજબ કાર્ય થાય છે.
જે પક્ષી બેઠા હોય એ જ કાઉન્ટ કરવામાં આવે છે. ઉડતા દેખાય એ પક્ષીઓ ફક્ત રીમાર્ક તરીકે નોંધવામાં આવે છે. કોઇ લુપ્ત થતી પ્રજાતિનું પક્ષી જોવા મળે તો તેની અલગ નોંધ કરવામાં આવે છે જેમ કે આ વખતે ઓસ્ટ્રોકેચર નામનું પક્ષી નજરે ચડ્યું હતું જે સામાન્ય રીતે અહી જોવા મળતું નથી.
ડિજીટલ ઇન્ડિયાનાં યુગમાં પક્ષી ગણતરીનાં આંકડાઓ ઇ-બર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવાનાં હોય છે. ગીર ફાઉન્ડેશન- વેટલેન્ડ ઓથોરીટી દ્વારા તેને અધિકૃત કરી અભ્યાસ કરવામાં આવે છે. ઉપલબ્ધ આંકડાઓને આધારે રિસર્ચ પેપર બહાર પાડવામાં આવે છે.
આર.એફ.ઓ. દક્ષાબેનનાં જણાવ્યાનુસાર અભ્યારણ્યમાં પક્ષીઓનાં ચરક વગેરેનાં સેમ્પલ પણ એકત્ર કરવાની કામગીરી પણ થાય છે. ખાસ કરીને વિદેશથી આવેલા યાયાવર પક્ષીઓનાં ચરકનાં સેમ્પવ ખાસ લેવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ કામગીરીથી બર્ડ ફ્લૂ જેવી ભયાનક ચેપી બીમારી ફેલાતી અટકાવી શકાય છે. જો કોઇ સેમ્પલ પોઝિટીવ આવે તો દેશભરનાં પક્ષી અભ્યારણ્ય તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ માં રાજસ્થાનમાં બર્ડ ફ્લૂ ડિટેક્ટ થતા પક્ષી અભ્યારણ્યો બંધ કરી દેવામાં આવ્યા હતાં.
ખીજડીયામાં વિવિધ ૬-૭ પ્રકારની ઇકો સિસ્ટમ હોવાથી દરેક પ્રકારનાં પક્ષીઓ અહી આવે છે.કાળી ડોક ઢોંક નામનાં પક્ષીને 'કિંગ ઓફ ખીજડીયા' કહેવામાં આવે છે કારણકે તેને કારણે જ ખીજડીયાને અભ્યારણ્ય તરીકેની માન્યતા મળી છે. ગ્રાસલેન્ડ, વેટલેન્ડ, ફોરેસ્ટ વગેરેમાં રહેતા પક્ષીઓ, શિકારી પક્ષીઓ વગેરે સેંકડો પ્રજાતિનાં પક્ષીઓ અહી જોવા મળે છે. ગત વર્ષની પક્ષી ગણતરીનાં આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે અહી પોણા ત્રણસો થી ત્રણસો જેટલી પ્રજાતિનાં કુલ ૧,૩૦,૦૦૦ જેટલા પક્ષીઓ જોવા મળ્યા હતાં. આ વર્ષે પક્ષી ગણતરીનાં આંકડાઓ વધુ સમૃદ્ધ બને એવી આશા છે.
શિયાળામાં અભ્યારણ્યમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું પણ આયોજન થતું રહે છે. જેમાં બે દિવસ અને એક રાતનાં કેમ્પ હોય છે અને શિબિરાર્થીઓ માટે રહેવા - જમવાની તથા ચા-કોફીની નિઃશૂલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે આવા કેમ્પ ખૂબજ રસપ્રદ, જ્ઞાનવર્ધક બની રહે છે. દિવાળી વેકેશન પછી ખૂલતા શૈક્ષણિક સત્ર પછી ફેબ્રુઆરી મહિના સુધી લગભગ અઢી મહિના આવા કેમ્પ યોજાતા રહે છે. જે માટે શૈક્ષણિક સંસ્થાઓ ઓફલાઇન એપ્લિકેશન કરી શકે છે. કેમ્પમાં કેમ્પ ફાયર, ટ્રેકીંગ, આકાશ દર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ૩૧ જાન્યુઆરીએ આ મોસમનો છેલ્લો કેમ્પ સંપન્ન થયો હતો.
જાગૃતિ વધે અને પ્રવાસનને વેગ મળે એ માટેના પ્રયાસ
આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયા જેતપુર પાસેનાં ખારચીયા ગામનાં વતની છે. તેઓ વર્ષ ૨૦૧૫ થી ખીજડીયામાં સેવારત છે. વર્ષ ૨૦૦૭ માં વન વિભાગમાં પ્રથમ વખત આવેલ મહિલાઓની ભરતી વખતે જ તેઓ જોડાયા હતા અને ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર સહિતનાં પદો પર સેવાઓ આપી, વિભાગીય પરીક્ષાઓમાં ઉતિર્ણ થઇ તથા બઢતી મેળવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પદે પહોંચ્યા છે. દક્ષાબેન અભ્યારણ્યને અનુલક્ષીને ટુરીઝમક્ષેત્રે વધુ વિકાસ થાય એ માટે આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસીઓ માટે રોકાણની સુવિધાઓ સહિતનાં નવા આયામો ઉમેરાય એ માટે સંબંધિત વિભાગને દરખાસ્ત કરી હોવાનું જણાવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખીજડીયા ગામનાં વિકાસ માટે પણ કાર્યરત હોવા નું તેઓ જણાવે છે તથા નાના - મોટા વિકાસકાર્યો કરી તથા સ્થાનિકોને તાલીમઆપી ગાઇડ તરીકે રોજગારી મેળવવાની તક પૂરી પાડવામાં આવે છે. જામનગર ભાગ્યશાળી છે કે અહી આટલી પ્રાકૃતિક વૈવિધ્યતાને લીધે દરેક પ્રકારનાં પક્ષીઓ આવે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય પ્રત્યે વધુમાં વધુ લોકજાગૃતિ આવે અને જિજ્ઞાસા થાય અને વધુમાં વધુ પ્રવાસીઓ અહીં આવે એ માટે ડિપાર્ટમેન્ટ પ્રતિબદ્ધ હોવાનાં દાવા સાથે નાગરિકોને પણ દર વર્ષે એક વખત તો અચૂક અહી મુલાકાત લેવા અનુરોધ કરે છે.