તાજેતરમાં રિલિઝ થયેલી પોતાની ફિલ્મ અંગે 'નોબત'ની મુલાકાત દરમિયાન ખુલ્લા મને વાર્તાલાપઃ વિશેષતાઓ વર્ણવીઃ
અભિનય કલાએ પરકાયા પ્રવેશ કરી એવી અભિવ્યક્તિ કરવાનું કાર્ય છે જે દર્શકોનાં માનસપટ પર ઉપસી આવે. જેમ મહાભારતમાં સંજય દિવ્ય દ્રષ્ટિથી ધૃતરાષ્ટ્ર સમક્ષ યુદ્ધનાં બનાવો રજૂ કરતા હતા એમજે-તે પાત્રનાં મનમાં ચાલતા યુદ્ધને દર્શકો સમક્ષ જીવંત કરવાની કળા જેને હસ્તગત હોય એ જ 'સંજય'.
નાટ્ય જગતમાં સંજય ગોરડીયાનું નામ સૌથી લોકપ્રિય કલાકારોની શ્રેણીનાં અગ્રણીઓમાં લેવું પડે. ગુજરાતી હિન્દી ફિલ્મોમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમણે કુલ ૧૦૨ નાટકો નિર્માણ કર્યા છે અને ૪૦ નાટકમાં અભિનય પણ કર્યો છે. જ્યારે કુલ ૧૭ ફિલ્મોમાં કામ કર્યુ છે. તાજેતરમાં જ તેમની નવી ગુજરાતી ફિલ્મ'કમઠાણ' રિલીઝ થઇ છે. જેને પગલે 'નોબત' કાર્યાલયની મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે ફિલ્મ વિશે વાર્તાલાપ કર્યો હતો.આ તકે તેમની સાથે નગરનાં જાણીતા રંગકર્મી તથા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર લલિતભાઇ જોશી અને ઉદ્યોગકાર ભાવેશભાઇ શેઠ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
'કમઠાણ' એ ગુજરાતી ભાષાનાં સિદ્ધહસ્ત વાર્તાકાર અશ્વિની ભટ્ટની હાસ્ય નવલ ઉપરથી બનાવેલ ફિલ્મ છે. ફિલ્મમાં સંજય ગોરડીયા સાથે મુખ્ય કલાકારોમાં હિતુ કનોડીયા, દર્શન જરીવાલા અને અરવિંદ વૈદ્ય સહિતનાં કલાકારો ઉપરાંત જામનગરનાં રંગકર્મી જયભાઇ વિઠ્ઠલાણીએ પણ ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથર્યા છે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ'હેલ્લારો' નાં સર્જકોએ જ આ ફિલ્મ બનાવી છે. દિગ્દર્શક ધ્રુનાદ તથા નિર્માતાઓ આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, નૃપાલ પટેલ, પિનલ પટેલ, અભિષેક વગેરેએ સાહિત્ય કૃતિને ફિલ્મ તરીકે પ્રસ્તુત કરવાનો પડકાર સુપેરે પાર પાડ્યો છે એમ કહી શકાય.
ફિલ્મમાં એક એવા સમુદાયની વાત છે જે પરંપરાગત રીતે ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જેમાં સંજયભાઇ 'રઘલા' નામનાં ચોરનું પાત્ર ભજવે છે જે સંજોગોવશાત પોલીસ ઇન્સ્પેક્ટર (હિતુ કનોડીયા) નાં ઘરમાં જ ખાતર પાડે છે અને પછી જે સર્જાય છે એ જ 'કમઠાણ'
આ ફિલ્મમાં અન્ય ફિલ્મોની જેમ પરંપરાગત હિરો - હિરોઇન નથી પરંતુ ફિલ્મની વાર્તા અને ડાયલોગ જ હિરો - હિરોઇન હોવાનું જણાવી ફિલ્મ દર્શકોને છેલ્લા સિન સુધી સિટ સાથે જકડી રાખશે એવી ઉત્કંઠાપ્રેરક હોવાનો દાવો સંજયભાઇએ કર્યો હતો.
સંજયભાઇએ નવા ફિલ્મ સર્જકોનાં વિઝનની પ્રશંસા કરી ગુજરાતીમાં પણ સાહિત્ય કૃતિઓ પરથી ફિલ્મોનાં સર્જનને આવકારદાયક અને પ્રેરક ગણાવ્યું હતું. ફિલ્મો અને નાટકો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાટકોથી તેમને આત્મસંતોષ મળે છે.નાટકમાં તમામ કમાન તેમનાં હાથમાં હોવાથી તેમનો કૃતિ પર પૂરતો કંટ્રોલ હોવાથી જેવી કલ્પના કરી હોય એવું જ નિર્માણ શક્ય બને છે. તેમની પ્રતિભા પર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પૂરતી નજર પડી નથી એમકહી શકાય પરંતુ નાટકોને કારણે તેઓ દર્શકોનાં દિલમાં વસેલા છે એમાં બેમત નથી. ઓટીટીનાં યુગમાં તેમની 'ગોટી સોડા' નામની વેબસિરીઝ પણ ખૂબ લોકપ્રિય થઇ છે જેની ૪ સફળ સિઝન પછી ૫ મી સિઝન આવી રહી છે.અત્યારે તેમનું નાટક ' એક - બે અઢી, ખીચડી કઢી' ધૂમ મચાવી રહ્યું છે. તથા આગામી ફિલ્મમાં 'જમકુડી' માં માનસી પારેખ ગોહિલ સાથે વિરાજ ઘેલાણી નામનાં નવા કલાકારને લોન્ચ કરવા જઇ રહ્યા છે. જેમાં નિર્માતા તરીકે ખ્યાતનામ ગાયક પાર્થિવ ગોહિલ પણ સંકળાયેલા છે.
અભિનય કે નાટ્ય ક્ષેત્રે અથવા ફિલ્મક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાઓને તેઓ કલા ક્ષેત્રે કારકિર્દી બનાવવાને સામા પૂરે તરવાની પ્રવૃત્તિ સમાન ગણાવી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા કે એફ.ટી.આઇ.આઇ. જેવી સંસ્થાઓમાંથી પૂરતી તાલીમ મેળવવાનો અનુરોધ કરે છે. બે ત્રણ મહિનાનાં ડિપ્લોમા કોર્ષને બદલે ઉપરોક્ત સંસ્થાઓમાંથી પૂરો અભ્યાસક્રમ કરવાને તેઓ પ્રાધાન્ય આપી તેને વધુ લાભકારક ગણાવે છે. આ મુદ્દે તેઓ 'અમે તો જંગલમાં લડી લડીને મોટા થયા છીએ' વાક્ય પ્રયોગ કરી પોતાનાં સંઘર્ષને અભિવ્યક્ત કરે છે.
વાર્તાલાપનાં અંતિમ ચરણમાં તેઓ જામનગરનાં નાટ્ય જગતને બિરદાવી વિરલભાઇ રાચ્છ, હેમાંગભાઇ વ્યાસ સહિતનાં રંગકર્મીઓની પ્રતિભાની પ્રશંસા કરી દરેક નગરજનને 'કમઠાણ' અચૂક જોવા અનુરોધ કરે છે. ચોર-પોલીસની આ રસપ્રદ કથા પૈસા વસૂલ મનોરંજન હોવાની તેઓ ગેરેંટી આપે છે.
અંતમાં તેઓ દરેક ક્ષેત્રમાં અમલમાં આવે એવી વાત કરે છે કે 'આપણી શર્તો ઉપર જીવન જીવવાનો સંતોષ જ સૌથી મોટી સફળતા છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial