સટ્ટાબાજી, ગેમ્બલીંગ, ગેરકાનૂની કે અસુરક્ષિત જોખમી મૂડીરોકાણો એટલે બરબાદી જ બરબાદી...
આપણે જ્યારે નાનું-મોટું ઈન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, ત્યારે એવી સાવચેતી રાખીએ છીએ કે, મૂડી સલામત રહે અને વધુમાં વધુ વળતર મળે. શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં મૂડી ઝડપથી છૂટી થઈ જાય છે, પરંતુ વળતર ઓછું મળે છે, જ્યારે લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં મૂડીરોકાણ લાંબા સમય સુધી કરવું પડે છે, પરંતુ વળતર પણ વધુ મળે છે, તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. કેટલાક જોખમી પરંતુ સાહસિક ટૂંકી મુદ્તના રોકાણોમાં પણ વધુ વળતર મળતું હોય છે, પરંતુ તેમાં મૂળ મૂડીની સલામતી જોખમાતી હોય છે, જ્યારે ઘણાં લાંબા સમયગાળાના રોકાણોમાં ભારે વળતર અપેક્ષિત રીતે વધુ ન મળે, તો પણ ખૂબ મૂડીની સલામતી વધુ રહેતી હોય છે અને નુક્સાન થવાનો ચાન્સ જ રહેતો નથી. આ પ્રકારના ગણિત આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ અને તેના આધારે સંપૂર્ણ આયોજન પણ કરતા હોઈએ છીએ. તે પછી આપણા પોતાના અનુભવે તેમાં ફેરફારો પણ કરતા રહેતા હોઈએ છીએ.
મૂડીરોકાણના પણ ઘણાં પ્રકાર છે. ઉદ્યોગ-ધંધા કે સોના-ચાંદી જેવી ધાતુઓમાં મૂડી રોકાણ, કૃષિ-પશુપાલન અથવા સેવાકીય વ્યવસાયોમાં મૂડી રોકાણ, જમીન-મિલકતો કે રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ વગેરે પરંપરાગત મૂડીરોકાણો ઉપરાંત હવે બેન્કીંગ સિસ્ટમ, પોસ્ટ વિભાગની યોજનાઓ તથા સરકારી યોજનાઓમાં પણ નાની બચતના સ્વરૃપમાં નાનું નાનું ઈન્વેસ્ટમેન્ટ પણ કરતા હોઈએ છીએ. તે ઉપરાંત બોગસ સ્કીમો તથા કેટલાક જોખમી પોર્ટફોલિયો મુજબ ટૂંકા સમયગાળામાં વધુ વળતર મેળવવા પ્રયાસો પણ થતા હોય છે, અને કેટલાક લોકો આ જ માર્ગે ચાલીને વ્યાજંકયાદી પણ બની જતા હોય છે.
જો કે, લલચામણી, ભ્રામક અને અત્યંત આકર્ષક જાહેરાતોથી ભરમાઈને થતા રોકડ મૂડીરોકાણમાં ઘણી વખત માથે ઓઢીને રોવાનો વારો આવતો હોય છે, તો સટ્ટાબાજી, ગેમ્બલીંગ કે અન્ય ગેરકાનૂની અથવા અસુરક્ષિત મૂડી રોકાણોમાં પ્રારંભિક અને ઝડપી ફાયદો કરાવ્યા પછી અંતે તો બરબાદી જ મળતી હોય છે, તેમ છતાં આદત છૂટતી નથી. એટલે જ તો કહેવત પડી હશે ને કે 'હાર્યો જુગારી બમણું રમે'...
કેટલાક લાંબા સમયની બચતો પર વધુ વ્યાજ મળે છે, અને ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે કેટલાક વર્ષો પછી મૂળ મૂડી ડબલ થઈ જતી હોય છે, જ્યારે ટૂંકા મૂડીરોકાણો પર સાદુ વ્યાજ મળે છે કે પછી વળતર ઓછું મળે છે, એવું જ કાંઈક સત્ય, પ્રામાણિક્તા અને નિષ્ઠાના ક્ષેત્રે પણ થતું જ હોય છે.
સત્યના પ્રયોગો લાંબા અને સલામત મૂડી રોકાણો જેવા હોય છે, અને તેનું વળતર મોડું પણ મોટું મળતું હોય છે, જ્યારે જુઠાણા, ફરેબ અને જાલસાજીનું વળતર ત્વરીત મળતું હોય છે, અને ઘણી વખત મોટું વળતર પણ મળી જતું હોય છે, પરંતુ તેના અંતિમ પરિણામો સારા હોતા નથી અને અંતે પાઘડીનો વળ છેડે ઉતરે, તેમ બરબાદી, બદનામી અને બદમાશીના સ્વરૃપમાં માઠા ફળ ભોગવવા જ પડતા હોય છે.
સોનું કસોટીએ ચડે છે, પરખાય છે અને શુદ્ધ તથા અસલી સોનાની કિંમત વધુ અંકાય છે, પરંતુ નકલી સોનું, નકલી જ્વેલરી કે નકલી હીરાઓની ઉંમર લાંબી હોતી નથી, અને તેની સરખામણી અસલ હીરા-જવેરાત કે સોના સાથે થઈ શકતી નથી. પીત્તળ ભલે ચમકદાર અને પીળું હોય, પરંતુ તેની કિંમત ક્યારેક સુવર્ણ જેટલી થવાની નથી, અને સોનું ભલે ઝાંખુ પડે પડે, પડે તો પણ તેની કિંમત એટલી બધી ઘટવાની નથી. સત્યની કસોટી થાય છે, પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ તેનું મૂલ્ય વધતું જાય છે, જ્યારે જુઠ્ઠાણા, ફરેબ અને ગેમ્બલીંગમાં બરબાદ થઈ જવાનું જોખમ રહે છે અને ઘણાં લોકોને આખી ઉંમર જેલમાં પણ વિતાવવી પડતી હોય છે, તો ઘણાં લોકોના જીવ પર પણ જોખમ ઊભું થઈ જતું હોય છે, ખરૃને?
કરો તેવું ભરો, કરણી તેવી ભરણી, વાવો તેવું લણો, અન્ન તેવો ઓડકાર, કર્યા તો ભોગવવા જ પડે વિગેરે કહેવતો ઘણી જ પ્રચલિત છે, અને તેનો ગુઢાર્થ પણ બધા સમજે છે, છતાં લોભ, લાલચ, ડર, શોર્ટકટ અને દેખાદેખીમાં માનવી એવા કૃત્યો કરી બેસે છે, કે ક્ષણિક કે તત્કાળ લાભ, સુખ, ફાયદો કે ભોગ-વિલાસ-જાહોજલાલીની પ્રાપ્તિ થાય, તો પણ અંતે તો લાંબા સમયથી કે મૃત્યુપર્યંતની બરબાદી જ મળતી હોય છે. ઘણી વખત આ પ્રકારના કૃત્યો પછી કેટલાક લોકોનો જીવ પણ જતો હોય છે અને લોકોને આત્મહત્યા માટે મજબૂર પણ થવું પડતું હોય છે. આથી જ એવું કહેવાય છે કે, ધીરજના ફળ મીઠાં હોય છે, અને ચેતતા નર સદા સુખી, સંતોષી જન સદૈવ સુખી, લાલચ બૂરી બલા છે...
એવું કહેવાય છે કે, મોટા મોટા મૂડીપતિઓ સંપૂર્ણપણે સુખી હોય છે અને દુનિયા તેની પાછળ તેના પૈસાના કારણે જ દોડતી હોય છે. પૈસો જ સર્વેસર્વા છે અને 'નાણા વગરનો નાથિયો... નાણે નાથાલાલ' જેવી કહેવતો મુજબ માત્ર પૈસાદારોને જ માન-સન્માન, પ્રતિષ્ઠા અને વાહવાહી મળતી હોય છે. જો તેવું જ હોત તો આજે ફ્લોરેન્સ નાઈટીંગેલ, મધર ટેરેસા કે પોતડીધારી ગાંધીજીના ગુણગાન ગવાઈ રહ્યા ન હોત. ઘણાં લબ્ધ-પ્રતિષ્ઠિત મહાનુભાવોની સાદગીભરી જિંદગી અથવા ગરીબાઈ-આર્થિક રીતે નબળી સ્થિતિની આજે પણ ચર્ચા થાય છે, અને દૃષ્ટાંતો અપાય છે, તે શું સૂચવે છે?
ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના નિધન પછી તેના પરિવારની સ્થિતિ કેવી હતી, તે સર્વવિદ્તિ છે. સૌરાષ્ટ્રના સાદગીપૂર્વક જીવન ગુજારનાર એક ધારાસભ્યના ઘરનું ગુજરાન તેના ધર્મપત્ની એક ગામડામાં ફ્લોરમીલ ચલાવીને કરતા હતાં, પરંતુ તે ધારાસભ્યનું વર્ચસ્વ જે-તે સમયે છેક દિલ્હી સુધી હતું. તાજેતરમાં જ જેને ભારતરત્નનો ખિતાબ મળ્યો છે તે કર્પુરી ઠાકુરની આર્થિક સ્થિતિ અને સાદગીની કથાઓ આપણે વિસ્તારપૂર્વક આજે પણ સાંભળી રહ્યા છીએ. આ પ્રકારના અનેક દૃષ્ટાંતો આપણી આજુબાજુ આજે પણ જોવા મળતા હોય છે.
સત્ય, નિષ્ઠા, પ્રામાણિક્તા, કલા, ઉદારતા જેવા સદ્ગુણો અને આદર્શો માટે કોઈ તાલીમવર્ગો નથી હોતા, કે તેને માર્કેટમાંથી ખરીદી કે હાયર કરી શકાતા નથી. આ પ્રકારના સદ્ગુણો અને આદર્શો વ્યક્તિની અંદરથી જ સ્ફૂરતા હોય છે અને પનપતા હોય છે, જો કે આ તમામ આદર્શો, સદ્ગુણો અને મૂલ્યોને જાળવી રાખવા ઘણાં જ મુશ્કેલ હોય છે, અને તેના કારણે જ ઘણાં લોકો આ અમૂલ્ય મૂડી ગુમાવી પણ દેતા હોય છે, પરંતુ જે લોકો સોના કે રત્નની જેમ કસોટીની એરણે ચડીને અંતે ખરા ઉતરે છે, ત્યારે તેની સામે દુનિયા ઝુકતી હોય છે અથવા સિદ્ધિઓની સીડી તથા કામિયાબીની પરાકાષ્ટાએ પહોંચીને તેઓ વાસ્તવમાં લબ્ધ-પ્રતિષ્ઠિત બની જતા હોય છે. એટલું જ નહીં, ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ પણ જતા હોય છે. આ પ્રકારના લોકોએ જે સિદ્ધિ મેળવી હોય છે, તેને પ્રસિદ્ધિ ભલે ઓછી મળે, મળે કે ન મળે, પરંતુ તેના અંતરાત્માને તો આનંદ થતો જ હોય છે, કારણ કે 'જોબ સેટિસ્ફેક્શન' એટલે કે 'કાર્યસંતોષ'થી વધુ મૂલ્યવાન કોઈ ચીજ આ દુનિયામાં મોજુદ નથી... રાઈટ?
સંબંધોમાં સફળતા,સુવિધા, સ્વાર્થ અને સગવડિયા આદર્શોનું મિશ્રણ થતું જોવા મળતું હોય છે, અને મોટાભાગે 'ગીવ એન્ડ ટેઈક'ના બદલે 'ટેઈક એન્ડ ધેન ગીવ'નું વલણ જોવા મળતું હોય છે. એટલું જ નહીં, હવે તો 'ફર્સ્ટ ટેઈક એન્ડ ગીવ ઈફ યુ વોન્ટ'ની માનસિક્તા વધી રહી છે.
ઓળખાણ મોટી ખાણ પણ હોય છે અને સોનાની ખાણ પણ હોય છે, તેવી જ રીતે સંબંધો પણ ક્યારેક સ્થાયી મૂડીની જેમ ફળદાયી બનતા હોય છે, જ્યારે ઘણી વખત કેટલાક સંબંધ ગળાની ફાંસ જેવા બની જતા હોય છે. સંબંધો હવે માર્કેટવેલ્યુ, ઈન્વેસ્ટમેન્ટ અને પોન્ઝી સ્કીમોની જેમ વળતરિયા ગણિતો પર નિર્ભર રહેવા લાગ્યા છે અને પરિવારભાવનાઓ પણ દમ તોડવા લાગી છે. અયોધ્યામાં રામમંદિરના ભવ્ય નિર્માણના કારણે રામાયણના પાત્રો પુનઃ લોકચેતનામાં પ્રવેશવા લાગે અને ભગવાન શ્રીરામની જેમ સંતાનો આજ્ઞાકારી બની રહે, ભરતની જેમ પોતે રાજા હોવા છતાં કૂટિરમાં રહીને અયોધ્યાનું શાસન ચલાવવા જેવી ભાવના દરેક ભાઈઓમાં પનપવા લાગે અને કોઈને પણ 'વચન' આપી દેતા પહેલા જરા વિચારી લેવાની જાગૃતિ પણ સૌમાં આવે તેવું ઈચ્છીએ!
ઘણાં લોકોને 'સ્મશાન વૈરાગ્ય'ની અનુભૂતિ થઈ હશે, સ્મશાને ચિત્તા પર ચડેલા સ્વજનના પાર્થિવ દેહને જોઈને થોડા સમય પૂરતો વૈરાગ્ય આવી જાય, કે આ રસ્તે જ બધાને જવાનું છે, આ માણસ શું સાથે લઈ ગયો? અમીર હોય કે ગરીબ હોય, દરેકને અંતે તો પંચમહાભૂતમાં વિલિન જ થઈ જવાનું છે, તો પછી આટલી દોડધામ શા માટે?
માનવી જ્યારે પૃથ્વી પર અવતરે, ત્યારથી સંબંધોની શરૃઆત થાય છે, અને પહેલા માતા-પિતા અને પરિવાર માટે તેઓ 'જવાબદારી' બની જાય છે. મોટા થયા પછી ધીમે ધીમે એ જવાબદારીઓનું સિફ્ટીંગ થતું જાય છે, અને તેમાં પોતાના પરિવારો પણ વિસ્તરતા જાય છે, જેમાંથી સંયુક્ત અને વિભક્ત પરિવારો જેવા ભાગલા પડે છે, અને તેની સાથે સાથે જવાબદારીઓના પણ ભાગલા પડે છે. જીવનની કરૃણતા ત્યારે સર્જાય છે, જ્યારે 'જવાબદારી' બની ગયેલા માતા-પિતાનું જીવન પણ 'ભાગલાઓ'માં વહેંચાય છે અને ત્રણ-ચાર દીકરાઓના ઘરે વારાફરતી રહેવું પડે છે. માતા-પિતાની જવાબદારીઓના આ ભાગલાનું પ્રતિબિંબ 'બાગબાં' જેવી મૂવીમાં પડે છે, અને આ પ્રકારની ફિલ્મો માતા-પિતાને નાણા, માર્કેટવેલ્યુ, સ્વાર્થ અને સગવડિયા વિચારોના ત્રાજવે તોલવાનું પાપ કરતા સંતાનો માટે બોધપાઠરૃપ છે, ખરૃ કે નહીં?
'ઓલ્ડ ઈઝ ગોલ્ડ' જેવા શબ્દપ્રયોગો કેટલીક ચીજવસ્તુઓ-પદાર્થો માટે થતા હશે, પરંતુ વર્તમાન યુગમાં માનવી જેમ જેમ વૃદ્ધ થતો જાય તેમ તેમ બોજરૃપ થતો જતો હોય છે. હવે એક નવી વ્યાખ્યા રચાવી જોઈએ... 'ઓલ્ડ ઈઝ બર્ડન'...!
સંબંધોમાં સ્નેહ અને સમયાંતરનું સિંચન થાય તો એ ગાઢ-પ્રગાઢ સંબંધો જ જીવનભરનો સથવારો બની જતા હોય છે, પરંતુ તેમાં જો સ્વાર્થ અને 'ટેઈક બટ નોટ ગીવ' જેવી ઉધઈ લાગી જાય તો તેમાંથી ઘણી વખત ઘાતકીપણું અને સર્વનાશ નોતરતી હરકતો પણ જન્મ લેતી હોય છે. આપણે ત્યાં સારૃ છે કે હજુ પણ સ્વાર્થવિહોણાં સંબંધોનું અસ્તિત્વ છે અને તે પ્રવર્તમાન ખોખલા કારણોનો સામનો પણ કરી રહ્યું છે... જેને ટકાવવું અઘરૃ છે, પરંતુ અસંભવ તો નથી જ, ખરૃ ને?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial