આજે વસંત પંચમી, વેલેન્ટાઈન ડે અને વિવાહ પ્રસંગોનો અદ્દભુત, આહ્લાદક અને અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો છે. કાચબાની પીઠ પર જે શહેરની રચના થઈ હોવાનું મનાય છે, તે ભરૂચ શહેરનો આજે સ્થાપના દિન પણ છે અને દેશમાં કાશી પછી સૌથી પ્રાચીન શહેર મનાતા આ શહેર ભૃગુપુર તરીકે પણ ઓળખાતું હતું. આપણા દેશની વૈવિધ્યસભર વિશેષતાઓ તથા પ્રાચીન અને પશ્ચિમી સંસ્કૃતિઓના સમાગમ સમો આ સુભગસંયોગ લોકો ભરીને માણી રહ્યા છે.
બીજી તરફ રાજકોટમાં આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ક્રિકેટ ટેસ્ટમેચની પૂર્વ સંધ્યાએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું 'નિરંજન શાહ સ્ટેડિયમ' નામકરણ પણ થવા જઈ રહ્યું છે, તેથી આજનો દિવસ ગુજરાતમાં પંચરંગી પ્રસંગોનો સાક્ષી પણ બન્યો છે. આજે ઘણાં બધા યુગલો પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે, તેઓને પણ આ ઐતિહાસિક પ્રસંગ જીવનભર યાદ રહેવાનો છે.
વસંત પંચમીને માતા સરસ્વતીજીના પ્રાગટ્યદિન તરીકે ઉજવવામાં આવે છે, અને વેલેન્ટાઈન ડે પણ સંત વેલેન્ટાઈન સાથે સંકળાયેલો છે, તેથી આ બન્ને દિવસોનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ છે. તે ઉપરાંત વસંતપંચમીની ઉજવણીમાં નૈસર્ગિક સાંૈદર્ય અને રોમાંચનું સંયોજન થતું હોવાથી આ બન્ને પ્રસંગો યુવા હૈયાઓ માટે પણ ઘણાં જ રોમાંચક બનતા હોય છે.
વસંતઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, જે ઋતુચક્રની શ્રેષ્ઠ ઋતુ મનાય છે, જેનો પ્રારંભ મહાસુદ પાંચમથી થતો હોવાથી તેને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે જ દેશમાં સુફી બસંત તથા બસંત પતંગોત્સવ જેવી ઉજવણીઓ પણ થતી હોય છે.
માતા સરસ્વતીને વિદ્યા અને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે વસંત ઋતુના પ્રારંભે મહાસુદ-પાંચમના દિવસે સરસ્વતી પૂજન કર્યું હતું, ત્યારથી વસંતપંચમીની ઉજવણી અને સરસ્વતી પૂજન તથા નૈસર્ગિક આનંદની પરંપરા ચાલી આવે છે. મહર્ષિ વાલ્મિકીનો રચનાઓમાં કુંભકર્ણની કથામાં માતા સરસ્વતીની મહત્ત્વની ભૂમિકાનો ઉલ્લેખ થયો છે. ઋષિ યાજ્ઞ વલ્કપની નષ્ટ થયેલી વિદ્યા પણ માતા સરસ્વતીની કૃપાથી પરત મળી હોવાની કથા પ્રચલીત છે. ઋગ્વેદમાં પણ માતા સરસ્વતીનો ઉલ્લેખ છે.
વેલેન્ટાઈન ડે દર વર્ષે ૧૪ મી ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. રોમના સમ્રાટ કલાઉડીયસના શાસનકાળમાં થઈ ગયેલા સંત વેલેન્ટાઈન સાથે આ ઉજવણી સંકળાયેલી છે. રોમના સમ્રાટે સેનામાં યુવાનોની પૂરતા પ્રમાણમાં ભરતી કવરાના હેતુથી લગ્ન પર પ્રતિબંધો મૂકયા અને સંત વેલેન્ટાઈને તેનો વિરોધ કરતા સમ્રાટે તેને ૧૪ ફેબ્રુઆરીના દિવસે ફાંસીએ ચડાવ્યા હોવાની પ્રચલીત કથા મુજબ પ્રેમી યુગલો માટે બલિદાન આપનાર સંત વેલેન્ટાઈનની સ્મૃતિમાં થતી આ ઉજવણી હવે સાર્વજનિક બની ગઈ છે અને હવે તો માર્કેટીંગ કૌશલ્યની પણ પૂરક ભૂમિકા વધી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
અત્યારે શુભપ્રસંગોની મોસમ પણ ખીલી ઉઠી છે અને વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ના સંયોજન સાથે શુભલગ્નોનો ત્રિવેણીસંગમ સર્જાતા સમગ્ર માહોલ ઘણો જ આનંદમય, આહ્લાદક, અવિસ્મરણીય બનીને અનોખી અનુભૂતિ કરાવી રહ્યો છે.
ફેબ્રુઆરી અને મહા મહિનાની સાથે આ વર્ષે થનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પણ સંગમ રચાઈ રહેલો જણાય છે, તેથી વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ની ઉજવણી ઉપરાંત લગ્નપ્રસંગોમાં પણ ઘણાં સ્થળે ચૂંટણીલક્ષી પરોક્ષ પ્રવૃત્તિઓની છાંટ જોવા મળી રહી છે.
દાયકાઓથી જેની રાહ જોવાતી હતી તે બેટ દ્વારકાથી ઓખાને જોડતા સિગ્નેચર-બ્રિજનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ર૪ અને રપ ના દિવસે દ્વારકા આવી રહ્યા હોવાના અહેવાલો પછી યાત્રાધામ દ્વારકામાં સ્વાભાવિક રીતે જ ચહલ-પહલ વધી ગઈ છે અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. યોગાનુયોગ તા.ર૪-રપ ફેબ્રુ.ના સમાન સમયે જ પૂર્ણિમા હોવાથી નિયમિત રીતે પૂનમ ભરવા આવતા ભકતોની મોટી સંખ્યા હોવાથી અને તે જ દિવસે દ્વારકામાં ધ્વજારોહણો, મંગલ પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો વધુ હોવાથી લોકોને, ભકતોને તથા પ્રસંગો ઉજવતા લોકોને તકલીફ ન પડે, તેવી રીતે વિવિધ વ્યવસ્થાઓ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ તંત્રો માટે પડકારરૂપ બનવાની છે. આ જ દિવસે દ્વારકામાં સંખ્યાબંધ લગ્ન પ્રસંગો પણ યોજાનાર છે, તેથી સુરક્ષા વ્યવસ્થા જાળવતા તંત્રોએ પણ વ્યવહારૂ અભિગમ સાથે વ્યવસ્થાઓ જાળવવી પડે તેમ છે. તેથી આ તમામ બાબતોને લક્ષ્યમાં લઈને જ તંત્રો સિક્યોરિટી પ્લાન ઘડી રહ્યા હશે, તે નક્કી છે.
ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા અને નિવાસ સ્થાન મનાતા બેટદ્વારકા વચ્ચે નિર્માણ થયેલો સિગ્નેચર બ્રિજ બહુહેતુક પુરવાર થવાનો છે, તેની સાથે સાથે બેટ દ્વારકામાં પણ આંતરિક તમામ વ્યવસ્થાઓના વિસ્તૃતિકરણ અને નવીનીકરણ-આધુનિકરણની જરૂર પડવાની જ છે, તેથી તદ્વિષયક પ્રિ-પ્લાનીંગ પણ સંબંધિત તંત્રો તથા સરકારે વિચાર્યું જ હશે, તે ઉપરાંત પાકિસ્તાનની દરિયાઈ સીમા નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ હવે વ્યૂહાત્મક પ્રબંધો કરવા પડવાના છે, ત્યારે આ તમામ મુદ્દે સરકારી તંત્રો સજાગ હશે તેમ માનીએ.
આજના ત્રિવેણી સંગમ સમા દિવસની તમામ વાચકો તથા નોબત સાથે સંકળાયેલા તમામ લોકો સહિત સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial