આજથી રાજકોટમાં શરૃ થયેલી ક્રિકેટ ટેસ્ટ મેચ તથા જય શાહે ટી-ર૦ વર્લ્ડકપ માટે કેપ્ટનના નામનો આપેલો સંકેત ચર્ચામાં છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. રરમી ફેબ્રુઆરીનો સૂચિત કાર્યક્રમ પણ તેઓના હાલાર સહિતના અન્ય વિસ્તારોના સંભવિત પ્રવાસને સાંકળીને ચર્ચાઈ રહ્યો છે. ગઈકાલે અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણની સાથે જ આ તમામ કાર્યક્રમોની આગામી લોકસભાની ચૂંટણી પર કેવી અને કેટલી અસરો થશે, તેના વિશ્લેષણો થવા લાગ્યા છે, એટલું જ નહીં મોદી સરકાર સામે પૂરેપૂરી તૈયારી સાથે અને વિવિધ માંગણીઓને લઈને શરૃ થયેલું કિસાન આંદોલન પણ અગ્રતાક્રમે ચર્ચાય રહ્યું છે. હવે આજે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ખેડૂતોના આંદોલનને દેશવ્યાપી અને વિપક્ષોનું સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ તેમાં એમએસપીના મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યાં છે.
ગઈકાલે આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજયસભાની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ ગઈ હતી અને વિવિધ પક્ષોએ પોતાના ઉમદવારોની જાહેરાત કરી દીધા પછી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. સોનિયા ગાંધીએ આ વખતે લોકસભાના બદલે રાજસ્થાનમાંથી રાજયસભા માટે ઉમેદવારી નોંધાવતા રાયબરેલીની બેઠક પરથી હવે પ્રિયંકા ગાંધી - વડેરા લોકસભાની ચૂંટણી લડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે. આ પ્રકારની સંભાવનાઓ રાષ્ટ્રીય ચર્ચાનો મુદો બની રહી છે.
કેટલાક મીડિયાના અહેવાલો મુજબ કોંગ્રેસે ઉત્તરપ્રદેશના બદલે હવે દક્ષિણ-પશ્ચિમના રાજ્યો તરફ નજર દોડાવી છે અને વાયનાડમાંથી વિજય થયેલા રાહુલ ગાંધી ફરીથી ત્યાંથી જ લોકસભા માટે ઉમેદવારી નોંધાવે છે કે, કર્ણાટકની કોઈ બેઠક પસંદ કરવા અંગેની અટકળો થઈ રહી છે. આ તમામ પ્રકારની અટકળો વચ્ચે આજે ગુજરાતમાંથી રાજયસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉમેદવારીએ બધાને ચોંકાવી દીધા છે, કારણ કે, પરસોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયાનું કેન્દ્રીય મંત્રીઓ તરીકે પરફોર્મન્સ જોતા તેઓને ગુજરાતની ટિકિટ મળશે, તેવું મનાતું હતું, પરંતુ તેવું થયું નથી. જો કે, આ બન્નેને હવે લોકસભા લડાવાશે તેમ જણાય છે.
જો કે, ગઈકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયામાં છવાયેલા છે, અને અબુધાબી મંદિરના લોકાર્પણને અયોધ્યાના રામ મંદિર સાથે સાંકળતો ઉલ્લેખ કરીને સનાતનના સદ્ગુણો દર્શાવાઈ રહ્યાં છે, તથા ભારતની વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાને ઉજાગર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલારની સૂચિત યાત્રા દરમિયાન યાત્રાધામ દ્વારકા અને રાજકોટમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોને લઈને થઈ રહેલી તૈયારીઓના અહેવાલો પણ સાર્વત્રિક રીતે છવાયેલા છે, તે ઉપરાંત રાજયસભા, લોકસભાની ચૂંટણી સંદર્ભે પણ પી.એમ.ને સાંકળીને વિવિધ વિવેચનાઓ પ્રસારિત અને પ્રકાશિત થઈ રહી છે.
આ જ શ્રેણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગીનેતા, જેઓ હવે ભાજપમાં આવી ગયા છે, અને ભાજપની ટિકિટ પર જ રાજયસભાની ચૂંટણી લડવાના છે, તેના વિષે ભૂતકાળમાં કેવા શબ્દપ્રયોગો કર્યા હતા અને કોંગ્રેસ પર કેવા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં તેના જુના વીડિયો પ્રસારિત થઈ રહ્યાં છે. આ તમામ રેકોર્ડીંગ અને તેને સંલગ્ન ટીકા-ટિપ્પણીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ થઈ રહી હોવાથી આ મુદ્દો હવે "ટોક ઓફ ધી નેશન" બની ગયો છે, કારણ કે, ભૂતકાળમાં અશોક ચૌહાણ પર આદર્શ ગોટાળાથી જાહેર થયેલા કૌભાંડ હેઠળ શહીદોના આવાસો છીનવવાના સંદર્ભે ગંભીર આક્ષેેપો થયા હતાં.
રાજકોટની મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે જેવી રીતે બેટીંગ પસંદ કર્યુ છે, તેવી જ રીતે રાજકીય ક્ષેત્રે સર્જાયેલા ઘટનાક્રમો દરમિયાન લોકસભાની ચૂંટણી માટેના પ્રચારની પીચ પર જોરદાર બોલીંગ બેટીંગ થશે, તે નક્કી છે. જો કે, ક્રિકેટ ખેલદિલીથી રમાતો આંતરરાષ્ટ્રીય ખેલ છે, જ્યારે રાજનીતિમાં પણ ખેલદિલી હોવી જ જોઈએ, પરંતુ ચૂંટણી જીતવા કોઈપણ હદ્દે જતા પરિબળો આ સિદ્ધાંત વિસરી જતા હોય છે, તેમ નથી લાગતું...?
એવા અહેવાલો આવ્યા છે કે, આજે સાંજે સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે વાટાઘાટો થવાની છે અને સકારાત્મક વાટાઘાટો થાય તો કિસાન સંગઠનો આંદોલન થંભાવે કે થોડા સમય માટે સ્થગિત કરે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી હતી, તેવામાં આ મુદ્દે કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિતના નેતાઓએ આ મુદ્દે ખેડૂતોની તરફેણ (સમર્થન) માં જે નિવેદનો આપ્યા છે, તેથી આ આંદોલન હવે રાજકીય બની જશે, તો શું થશે...? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. જો પી.એમ. મોદી સ્વયં ખેડૂતો સાથે વાતચીત કરશે, તો નક્કર ઉપાય નીકળી શકે તેવા મંતવ્યો પણ આવી રહ્યાં છે. જોઈએ... હવે શું થાય છે તે, આ મુદ્દો પણ હવે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.
સૌથી વધુ રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી રહેલા ખેડૂતો અને પોલીસતંત્ર વચ્ચેના ઘર્ષણની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, અને જો સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાન નહીં થાય તો ખેડૂતો દિલ્હી કૂચ ચાલુ રાખશે તેવી ચીમકી મળતા જ કેન્દ્રીય મંત્રીઓ હવે સિરિયસલી ચર્ચા કરશે તેમ જણાય છે. આ મુદ્દો પણ "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial