ગઈકાલે સુપ્રિમ કોર્ટે રાજકીય પક્ષોને મોટો ઝટકો આપ્યો છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારે લાગુ કરેલી આ યોજનાને લઈને આવી રહેલા પ્રત્યાઘાતો જોતા આ મુદ્દો હવે એનડીએ સરકાર માટે તો ફટકા સમાન છે જ, સાથે સાથે ચૂંટણી પ્રચારમાં પણ આ મુદ્દો ગૂંજતો રહેવાનો છે. તેનો અણસાર કેટલાક વિપક્ષી નેતાઓના નિવેદનોના માધ્યમથી મળી રહ્યો છે.
એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનની વધી રહેલી ચિંતાઓથી ઘેરાયેલી છે અને ખેડૂત સંગઠનોએ આજે જે ભારત બંધનું એલાન આપ્યું છે, અને તેને હરિયાણામાં જે પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે, તેથી સરકાર સામે પડકાર વધ્યો છે, તો બીજી તરફ ગઈકાલે મોડી રાત્રિ સુધી ખેડૂત અગ્રણીઓ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે થયેલી વાટાઘાટો એક વખત ફરીથી નિષ્ફળ ગઈ હોવાના અહેવાલો છે, જેથી આ ખેડૂત આંદોલનની આક્રમક્તા વધી રહી છે અને ખેડૂતોની દિલ્હી કૂચની ઘોષણા પછી આજે શંભુ બોર્ડર પર તથા અન્ય ધોરીમાર્ગો પર જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આજે સવારથી જ પોલીસ પર પથ્થરમારામાં સંખ્યાબંધ પોલીસવાળા ઘાયલ થયા હોવાના અહેવાલો પછી હવે આ પથ્થરમારો કરનારા કોણ છે, તે અંગેના સવાલો પણ ઊઠી રહ્યા છે, કારણ કે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ તો શાંતિપૂર્ણ આંદોલનની વારંવાર જાહેરાત કરી ચૂક્યા છે.
ખેડૂત આંદોલન અને લોકસભાની ચૂંટણીને સીધો કોઈ સંબંધ તો નથી, પરંતુ આ પ્રકારની બાબતોનો પ્રભાવ ચૂંટણી પર જરૃર પડતો જ હોય છે. તેથી આ આંદોલન પાછળ રાજનીતિ હોય કે ન હોય, તો પણ આ માહોલ નિશ્ચિતપણે ભારતીય જનતા પક્ષ અને એનડીએ માટે રાજકીય રીતે નુક્સાનકર્તા તો નિવડી જ રહ્યો છે. ઘણાં લોકો એવું માને છે કે, ત્રણ કૃષિકાનૂન પાછા ખેંચવામાં વિલંબ કરીને સરકારે જે હિસ્ટોરિકલ બ્લન્ડર (રાજકીય ભૂલ) કરી હતી, તે દોહરાવવી ન જોઈએ, અને એમએસપીની ગેરંટી આપી દેવી જોઈએ.
જો કે, હજુ ચોથા રાઉન્ડની વાતચીત થશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ ગયા વખતે જે ખેડૂત આંદોલન થયું હતું, તે સમયે પણ ઘણાં રાઉન્ડની વાતચિત થઈ હતી, પરંતુ ખેડૂતો ત્રણ કૃષિ કાનૂન રદ્ કરવાની માંગણી પર અડગ રહ્યા હતાં, અને અંતે સરકારે પીછેહઠ કરવી પડી હતી, અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા હતાં. આ વખતે પણ લગભગ તેવો જ માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે સવાલ ઊઠી રહ્યો છે કે, 'હવે શું?'
આગામી ચૂંટણીઓમાં ખેડૂત આંદોલન જેટલો જ મહત્ત્વપૂર્ણ મુદ્દો ઈલેક્ટોરલ બોન્ડનો છે, જેને વિપક્ષોએ અત્યારથી જ ઝડપી લીધો છે. ગઈકાલે સુપ્રિમ કોર્ટે જે ચૂકાદો આપ્યો છે, તે દૂરગામી અસરો તો કરશે જ, પરંતુ અત્યારે તો ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે, અને વિપક્ષોના હાથમાં મોદી સરકાર પર પ્રહાર કરવાનું એક મજબૂત ઓજાર હાથ લાગ્યું હોય, તેવા નિવેદનો આવી રહ્યા છે.
કોંગેસ નેતા રાહુલ ગાંધીએ તત્કાળ એવું નિવેદન આપ્યું કે, તે પછી આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો ચાલુ થઈ ગયો. રાહુલ ગાંધીએ 'એક્સ' પર જે લખ્યું તે મોદી સરકાર પર મોટો પ્રહાર છે. તેણે લખ્યું કે, 'નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિઓનો એક વધુ પુરાવો તમારી સામે છે. ભાજપાએ ઈલેક્ટોરલ બોન્ડને રિશ્વત અને કમિશન લેવાનું માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મહોર લાગી ગઈ છે.'
'એક્સ' પ્લેટફોર્મ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે લખ્યું કે, 'સુપ્રિમ કોર્ટે મોદી સરકારની બહુપ્રચારિત ચૂંટણી બોન્ડ સ્કીમને સંસદ દ્વારા પસાર કરેલા કાયદાની સાથે સાથે ભારતના બંધારણનું પણ ઉલ્લંઘન ગણાવ્યું છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તેવા મુદ્દે આ જજમેન્ટ આવકારદાયક છે. આ ચૂકાદો નોટ સામે વોટની તાકાતને મજબૂત કરશે. મોદી સરકાર ડોનેશન આપનારાઓને વિશેષાધિકાર આપી રહી છે, અને અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે.'
કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, વીવીપેટના મુદ્દે પણ સુપ્રિમ કોર્ટ હવે ઉચિત ચૂકાદો આપશે. જયરામ રમેશે કહ્યું કે, 'અમને આશા છે કે સુપ્રિમ કોર્ટ એ બાબત પર લક્ષ્ય આપશે કે ચૂંટણી આયોગ સતત વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) ના મુદ્દે રાજકીય પક્ષો સાથે મુલાકાતનો ઈનકાર કરી રહ્યું છે. જો મતદાન પ્રક્રિયા પારદર્શક જ હોય તો આટલી જીદ્ શા માટે?'
રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે, કોંગ્રેસ પહેલેથી જ ચૂંટણી બોન્ડની વિરોધી હતી. પવન ખેડાએ કહ્યું કે, ભાજપને મળેલા પર૦૦ કરોડના દાનના બદલામાં સરકારે કંપનીઓને શું આપ્યું? કિષ્ના અલ્લાવરૃએ એવો દાવો કર્યો કે, જે-તે સમયે ચૂંટણીપંચ, કાયદા મંત્રાલય અને નાણા મંત્રાલયના અધિકારીઓ આ વ્યવસ્થા સાથે સહમત ન હોય છતાં આ સ્કીમ દેશ પર લાદવામાં આવી હતી. આ મુદ્દામાં સીધા પ્રધાનમંત્રી સંકળાયેલા છે, વિગેરે...
આ તમામ મંતવ્યો વચ્ચે સરકાર તરફી પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે અને બન્ને મુદ્દે તાર્કિક દલીલો થઈ રહી છે, ત્યારે જોવાનું એ રહે છે કે ઈલેક્ટોરલ બોન્ડમાં શાસક અને વિપક્ષોને જંગી દાન આપનારાઓની પૂરેપૂરી વિગતો બહાર આવે, ત્યારે શું થશે? કાગડા બધે ય કાળા?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial