આળસથી ભરપૂર અને આદતથી મજબૂર હોય, તેની ઉન્નતિ અઘરી...
કબીરજીનો આ દૂહો ઘણો જ પ્રચલિત બન્યો છે અને આળસુ પ્રકૃતિ ધરાવતા લોકો માટે ઘણો જ પથદર્શક અને ઉપયોગી છે. કબીરજીના ઘણાં દૂહા માનવજીવનમાં રહેલી બુરાઈનો અને ત્રુટિઓ પ્રત્યે લોકોને જાગૃત કરે છે. કબીરજીના ઘણાં દૂહાઓ અને અખાના છપ્પા ભલે વ્યંગાત્મક લાગે કે શબ્દપ્રયોગો આકરા હોય, પરંતુ તેમાંથી જ મુંઝાયેલા કે દુભાયેલા લોકોને પોતાની આંતરિક સમસ્યાઓનો ઉકેલ પણ મળી જતો હોય છે.
કલ કરે સો આજ કર
'કલ કરે સો આજ કર' એટલે કે કોઈ કામ આવતીકાલ પર છોડવું ન જોઈએ અને જે કામ આજે થઈ શકતું હોય, તે આજે જ સંપન્ન કરી લેવું જોઈએ. તેવી જ રીતે અત્યારે જ થઈ શકે તે કામ અત્યારે જ સંપન્ન કરી લેવું જોઈએ અને થોડીવાર પછી કરવાની માનસિક્તા ટાળવી જોઈએ. કવિ કહે છે કે ક્ષણમાં પ્રલય થઈ શકે છે, મતલબ કે મૃત્યુ આવી શકે કે બ્રેઈનસ્ટ્રોક, એટેક કે કોઈ દુર્ઘટનાનો ભોગ બનીને અપંગતા કે નિર્બળતા પણ આવી શકે છે, અને એવું પણ થશે, તો તું તારા અધુરા કામો કેવી રીતે પૂરા કરીશ?
આજ કરે સો અબ...
આપણે ઘણી વખત કેટલાક કામો આજે કરવા જેવા હોય, છતાં આળસ કે અન્ય કારણે આવતીકાલ પર ધકેલી દેતા હોઈએ છીએ અથવા સવારના કામો બપોરે કે બપોરના કામો સાંજે કરશું, તેવું વિચારીને પાછળ ધકેલતા હોઈએ છીએ, જેથી કેટલાક કામો તો દિવસોના દિવસો સુધી ખેંચાયા કરતા હોય છે, અને ઘણી વખત તો એમાંથી જ વિકરાળ સમસ્યાઓ પણ ઊભી થઈ જતી હોય છે, ખરૂ કે નહીં?
'ચલાવી' લેવાની માનસિક્તા
ઘણાં લોકો કૌશલ્યથી ભરપૂર હોય છે. ઉચ્ચ અભ્યાસ કરીને કોઈને કોઈ વિષય પર નિપુણતા ધરાવતા હોય છે કે પછી વેપાર-ઉદ્યોગ કે કૃષિના ક્ષેત્રે મહારત ધરાવતા હોય છે, પરંતુ તેનામાં રહેલું આળસ તેને આગળ વધવા દેતું હોતું નથી. કેટલીક તળપદી કહેવતો અહીં લખી શકાય તેવી નથી, પરંતુ ટૂંકમાં ઘણાં લોકો 'ચલાવી' લેવાની માનસિક્તા ધરાવતા હોય છે અને જો સંકેલો કરવાથી કામ ચાલી જતું હોય તો બોલવાની તસ્દી પણ લેતા હોતા નથી!
સ્વાસ્થ્યને કોરી ખાતું આળસ
આળસને ઉધઈ સાથે સરખાવી શકાય. ઉધઈ જેવી રીતે લાકડાને કોતરીને ખોખલુ કરી નાંખે છે, તેવી જ રીતે આળસ પણ આપણા સ્વાસ્થ્યને કોરી ખાય છે અને શરીરને ખોખલુ કરી નાંખે છે. ઉધઈ જેવા આળસને ઝડપથી હટાવી શકાતું નથી અને ઉધઈ જેવું જ જીદ્દી આળસ ખૂબ જ અસરકારક ઉપાયો કરવાથી જ હટી શકે છે, તેથી આળસને પહેલેથી જ પનપવા ન દેવું જોઈએ અને આળસને આપણો સૌથી મોટો દુશ્મન ગણીને તેમાંથી દૂર રહેવું જોઈએ.
એકાદ-બે દુર્ગુણો હજારો સદ્ગુણો પર ભારી
ઘણાં ગુણવાન લોકો આગળ વધી શકતા નથી, તેની પાછળ પણ આળસનો અસૂર જ કારણભૂત હોય છે. માનવીમાં જો આસળ અને બૂરી આદત જેવા એકાદ-બે દુર્ગુણો હોય, તો તે હજારો સદ્ગુણો પર ભારે પડી જતા હોય છે. માનવીમાં હજારો ગુણ હોય, પણ જો તેનામાં બૂરી આદત કે આળસ હોય તો તેના જેવો કમનસીબ કોઈ ન ગણાય. તેની દશા ભરપૂર પાણી ધરાવતા 'તરસ્યા' કૂવા જેવી થઈ જતી હોય છે!
'આળસ' અભિશાપ કે આશીર્વાદ
'આળસ' માનવી માટે તો અભિશાપ જ છે, પરંતુ ઈશ્વરે આ અવગુણનો અંકુશ તરીકે પણ ઉપયોગ કર્યો હોય તેમ સિંહનું આળસ અન્ય વન્ય જીવો માટે તથા માનવી માટે આશીર્વાદરૂપ છે. એવું કહેવાય છે કે, સિંહ નેચરલી આળસુ પ્રાણી છે અને એક વખત મારણ કરીને પેટ ભરાઈ જાય, પછી ઘણાં દિવસો સુધી આરામમાં જ રહે છે. અહીં આળસ 'અંકુશ'નું કામ કરે છે. જો સિંહ આળસુ ન હોત તો શું થાત? તેની કલ્પના કરવી પણ અઘરી છે.
'આળસ'નો ઓજાર તરીકે ઉપયોગ
એવી જ રીતે આપણે પણ 'આળસ'નો અમુક પ્રકારની પ્રવૃત્તિઓ માટે ઓજાર તરીકે ઉપયોગ કરી શકીએ. અયોગ્ય, અનૈતિક અને અવળા કામો કરવામાં 'આળસ' જ કરવું જોઈએ. ગેરકાનૂની, માનવતાવિરોધી, શિષ્ટતાનું હનન કરતું, સૌજન્યતાનું છેદન કરતું કે કોઈને પણ કોઈપણ પ્રકારની હાનિકર્તા હોય તેવું કોઈપણ કૃત્ય કરવામાં તો કાયમી ધોરણે 'આળસ' જ કરવું હિતાવહ છે... ગળે ઉતરે છે આ વાત?
આળસથી ભરપૂર જીવન મડદાં જેવું
આળસથી ભરપૂર હોય, તે જીવન હકીકતે મડદાં જેવું જ ગણાય. મૃતદેહમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા થતી હોતી નથી અને શરીર ઠંડુ પડી ગયું હોય છે, તે સિવાયની તમામ સમાનતાઓ આળસુ વ્યક્તિ અને મડદાં વચ્ચે હોય છે. મડદુ નિષ્પ્રાણ હોય છે, અને આળસુ વ્યક્તિ ચેતના વિહીન હોય છે. તેના શ્વાસ ચાલે છે, નાડી ધબકે છે, મગજ બરબાર કામ કરે છે, શરીર ગરમ છે, પરંતુ ચૈતન્ય ધબકતું હોતું નથી. આળસુ વ્યક્તિ ગઈકાલમાંથી કાંઈ શિખતો હોતો નથી, વર્તમાનમાં જીવતો નથી અને આવતીકાલની ચિંતા કરતો હોતો નથી, તે કાયમી કમજોરી અને મેદસ્વિતાનો પણ ભોગ બની જાય છે. તેનામાં સ્ફૂર્તિ રહેતી નથી. એટલું જ નહીં, તે જીવનમાં મનોવાંચ્છિત સફળતાઓ મેળવવાની ઘણી બધી તકો પણ માત્ર આળસના કારણે જ ગુમાવી દેતો હોય છે.
આદત સે મજબૂર
કેટલાક લોકોમાં આળસ નથી હોતી, પણ કેટલીક મોટી આદતો તેના પ્રગતિપથમાં સ્પીડબ્રેકર બની જતી હોય છે. ભરપૂર કૌશલ્ય, ઉચ્ચ આવડત, અઢળક જ્ઞાન અને સારૂ સ્વાસ્થ્ય હોવા છતાં 'આદત સે મજબૂર' ઘણાં લોકો ગંતવ્ય સિદ્ધિઓ હાંસલ કરી શકતા નથી, ધાર્યા ધ્યેયો સિદ્ધ કરી શકતા નથી અથવા મનોવાંચ્છિત જિંદગી જીવી શકતા હોતા નથી. કોઈને દારૂ પીવાની આદત હોય છે, તો ઘણાંને ડ્રગ્સ, ગાંજો, અફિણ જેવા નશાવર્ધક પદાર્થોનું નિયમિત સેવન કરવાની આદત હોય છે. તમાકુની બનાવટોના વધારે પડતા સેવન અને ધૂમ્રપાનને પણ આ જ શ્રેણીમાં ગણવા જોઈએ. આ પ્રકારની બૂરી આદતો ઘણી વખત સિદ્ધિઓના શિખર આંબવાની તકો ગુમાવવાનું મૂળભૂત કારણ પણ બનતી હોય છે. આદતોની આંધીમાં અટવાઈને ઘણાં લોકો ઉન્નતિના ઊંચા શિખરો પરથી નિષ્ફળતા અને બરબાદીની ઊંડી ખાઈમાં પણ ધકેલાઈ જતા હોય છે.
બૂરી આદતો
વ્યસનો અને નશાકારક દ્રવ્યોના સેવનને ગંભીર પ્રકારની બૂરી આદતો ગણી શકાય, પરંતુ ઘણી બધી એવી આદતો પણ છે, જેની અસરો ઘણી જ ખતરનાક હોય છે. જાતિય વિકૃતિઓ, અસભ્ય ભાષા, અશોભનિય ચેનચાળા, સૃષ્ટિના નિયમોથી વિરૂદ્ધની જીવનશૈલી, અનિયમિતતા, વિનાકારણ ઉજાગરા, દિવસે નિદ્રા રાત્રે કામના સંજોગોમાં સંતુલનનો અભાવ, ખાન-પાનની અયોગ્ય આદતો તથા કુદરતે ગોઠવેલી જીવનશૈલીથી વિપરીત જીવન જીવવાની વૃત્તિ વગેરેને પણ બૂરી આદતો ગણી શકાય. ઘણી વખત ધંધો-વ્યવસાય, રોજગારી અને પારિવારિક કારણોસર જીવનશૈલી બદલવી પડતી હોય છે, પરંતુ તેવા સંજોગોમાં પણ શરીરને જરૂરી આરામ, પોષણ અને નિદ્રાનું પ્રમાણ જળવાઈ રહે, તેવું સમતુલન (બેલેન્સ) ગોઠવવું જ પડે. ઘણાં ખૂબ જ નિપુણ, ચતૂર, જ્ઞાની અને હાયર એજ્યુકેટેડ લોકોને જીવનશૈલીની અયોગ્ય આદતોના કારણે જ જિંદગી સાથે ઝઝુમતા આપણે જોયા હશે, તેઓએ પોતાની જીવનશૈલીને સૃષ્ટિને સુસંગત બનાવવી જોઈએ અને/અથવા સ્વયં સંઘર્ષ કરીને સંતુલન અને સમતુલન જાળવવું જોઈએ, તેમ નથી લાગતું?
આદતો સુધરી શકે ખરી?
જેવી રીતે વ્યસનો છૂટી શકે નહીં, તે એક ભ્રમ છે, તેવી જ રીતે આદતો સુધરી જ ન શકે, તે પણ એક ભ્રમ જ છે, અને આ પ્રકારનો ભ્રમ તોડવાની ઈચ્છાશક્તિ તથા તાલાવેલી ખુદમાં જ હોવી જરૂરી છે. કોઈપણ મોટીવેટર કે કાઉન્સિલર ત્યાં સુધી સફળ થતો નથી, જ્યાં સુધી જે-તે વ્યક્તિ ખુદ જ આદતો છોડવા કે સુધારવા તત્પર ન હોય!
પોથીના રીંગણાની જેમ પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે પ્રેક્ટિકલ પણ થવું જ પડે. આ સબજેક્ટ માત્ર થિયરીકલ નથી કે વર્બલ કે હર્બળ નથી, પરંતુ ઘણો જ ગહન અને અટપટ્ટો છે. માત્ર કોઈપણ વ્યક્તિ સ્વયં દૃઢ નિર્ધાર કરે, તો આ જ વિષય અને તેના વિશલેષણો ઘણાં જ સરળ બની જાય, પણ...?!
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial