ભારતીય ક્રિકેટ ટીમે બીજી ટેસ્ટ મેચમાં ૪૩૪ રને ઈન્ગ્લેન્ડને હરાવીને ઝળહળતો વિજય મેળવ્યો અને બેડમિન્ટનમાં પણ ફાઈનલ જીતી એવા ખેલ જગતના અહેવલો સાથે ખેડૂત આંદોલનના ક્ષેત્રે પણ સરકાર અને આંદોલનકારી સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચીત પછી કોઈ સમાધાન નીકળશે તેવી આશા જાગી છે. રાજકીય ક્ષેત્રે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને કમલનાથને લઈને થઈ રહેલી અટકળોની ચર્ચા થઈ રહી હતી, તો ચંદીગઢના મેયર પદને લઈને સુપ્રિમકોર્ટની સુનાવણી શરૃ થાય, તે પહેલાં જ ત્યાંના ભાજપના મેયરે રાજીનામું આપી દેતા નવી જ સ્થિતી ઉભી થઈ ગઈ છે, અને ભાજપમાં કેટલાક વિપક્ષી કોર્પાેરેટરો જોડાયા હોવાના અહેવાલો પછી જોઈએ, હવે આગે આગે હોતા હૈ ક્યા...?
મધ્યપ્રદેશના દિગ્ગજ કોંગી નેતા દિલ્હી ગયા પછી અટકળોનું બજાર ગરમ રહ્યું હતું પરંતુ ગઈકાલે બપોર થી લઈને આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. બીજી તરફ કિસાન આંદોલન સ્થગિત કરવા અંગે આંદોલનકારી સંગઠન તરફથી આવેલા નિવેદનો ઘણાં જ સુચક છે.
સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે થયેલી ચોથા રાઉન્ડની વાટાઘાટો પછી પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વનસિંહ પંઢેરે કહ્યું હતું કે સરકારી એમએલટી અંગે પ્રસ્તાવ આપ્યો છે તે ઉપરાંત મનરેગા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની બાકી છે. અમે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા-પરામર્શ કર્યા વગર જવાબ આપવા માંગતા નથી, તેથી સરકારે રજૂ કરેલા નવા પ્રસ્તાવ પર અમારા બન્ને ફોરમમાં પૂરેપૂરી ચર્ચા-વિચારણા કરીને તેના પછી સરકારને જવાબ આપીશું. અમે હાલ તુરંત દિલ્હી કૂચ અટકાવી દીધી છે. અમે આગામી બે દિવસ સુધી સરકારના પ્રસ્તાવ પર વિચાર-વિમર્સ કરીશું, તે પછી આગળની રણનીતિ જાહેર થશે, હવે જોઈએ, આ મુદ્દે આગે આગે હોતા હૈ ક્યાં...?
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચિત થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખડૂતોની ચિન્તા છે અને દાળ સહિત પાંચ ખેતી પેદાશો માટે સરકાર પાંચ વર્ષ સુધી એમએસવીની ગેરંટી આપવા તૈયાર છે. હવે ખેડૂત સંગઠનોના જવાબની રાહ જોવાઈ રહી છે. એવું કહેવાય છે કે ચર્ચા-વિચારણા કરીને ખેડૂતો આજે કે આવતીકાલ સુધીમાં ખેડૂતોની આગામી રણનીતિ અંગે જવાબ આપી દેશે, તે પછી શું થાય છે તે જોવાનું રહેશે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...
એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને રિઝવવાના ભરપૂર પ્રયાસો પણ કરી રહી છે. અત્યારે આ આંદોલન ભલે માત્ર પંજાબ પુરતુ મર્યાદિત જણાતું હોય, પરંતુ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે ખેડૂતોએ કરેલા આંદોલનની તર્જ પર જો આ આંદોલન લાંબુ ચાલે, તો લોકસભાની ચૂંટણીમાં શાસક એનડીએ ગઠબંધનને નુકશાન થાય, અને કેટલાક સાથીદાર પક્ષો પણ ભાજપથી વિમુખ થઈ જાય, તેવી શક્યતા હોવાથી કેન્દ્ર સરકારે પણ આ વખતે ખેડૂતો સાથે ગંભીરતાથી વાટાઘાટો શરૃ કરી હોય તેમ જણાય છે, અને ચોથા તબક્કાની વાતચીત પછી આશાવાદી સંકેતો સાંપડયા છે.
આંદોલન સિવાય પણ અન્ય ક્ષેત્રે કેન્દ્ર સરકાર ખેડૂતોને લાભકારી તથા રાહત થાય તેવા નિર્ણયો લઈ રહી છે, જેમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનું કદમ મહત્વપૂર્ણ ગણાય છે. દેશભરમાં આ મુદ્દે ભારે આક્રોશ હતો અને સ્થાનિક કક્ષાએ ડુંગળીના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે મુકેલા પ્રતિબંધનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો હતો, હવે ખેડૂત આંદોલનના દબાણમાં આવીને ખેડૂતોને રાહત આપવાના હેતુથી સરકારે મોડા મોડા પણ આ નિર્ણય લીધો છે, તેથી ઘણાં લોકો કહે છે કે, દેર આયે દુરસ્ત આયે, તો ઘણા લોકો કહે છે કે, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા એટલે કે આ નિર્ણય વહેલો લેવાની જરૃર હતી, જોઈએ હવે આગે આગે હોતા હે ક્યા...
જો કે, કેટલાક ખેડૂતોના વર્ગાે દ્વારા સરકારના નિર્ણયને આવકારીને ખડૂતોને સમયસર ઉચિત ભાવો મળશે, તેવી આશા વ્યક્ત થઈ છે અને ગુજરાત સહિતના રાજયોમાં ડુંગળીનો પર્યાપ્ત જથ્થો હોવાથી સ્થાનિક સ્તરે ડુંગળીના ભાવોમાં જબરો ઉછાળો નહીં આવે, તેવા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂત વર્ગમાંથી એવા પ્રતિભાવો પણ આવી રહ્યા છે કે મોટાભાગના ખેડૂતોએ ડુંગળી વેંચી દીધા પછી આ નિર્ણય લેવાયો હોવાથી હવે તો વચેટિયાઓને જ સર્વાધિક ફાયદો શથે. આ બધા પ્રત્યાઘાતો વચ્ચે ખેડૂતોને થયેલી આ રાહતની અસરો પંજાબના ખેડૂત આંદોલનને કેટલીક અસર કરશે, તે અંગે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...
પંજાબનું ખેડૂત આંદોલન, ચંદીગઢના મેયરનું રાજીનામું, કમલનાથના પક્ષાંતરની અટકળો, ડુંગળીની નિકાસબંધી હટાવવાનો નિર્ણય અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પરસ્પર કોઈ સંબંધ નથી, અને તદ્દત અલગ-અલગ ઘટનાક્રમો છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી આ તમામ ઘટનાક્રમોની પરસ્પર સાંકળ રચાઈ રહી હોય કે એકબીજા પર અસરો પડી રહી હોય તેમ રાજકીય પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે.
આ દરમિયાન એવા અહેવાલો આવી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ કમલનાથને ચોખ્ખુ કહી દીધું છે કે, દિકરો ભાજપમાં જાય અને પિતા કોંગ્રેસમાં રહે તે નહીં ચાલે, જોઈએ, આગે આગે હોયતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial