રવિવારે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયેલી સકારાત્મક વાટાઘાટો પછી એવી આશા જાગી હતી કે કાંઈક વચલો રસ્તો નીકળશે અને ખેડૂતોની માંગણીઓ મહ્દઅંશ. સંતોષાઈ જશે. સરકારે દાળ, કપાસ, તુવેર, અડદ અને મકાઈના પાકો ટેકાના ભાવે ખરીદવાની ગેરંટી આપવનો પ્રસ્તાવ મૂકયો હતો.
આગામી પાંચ વર્ષ માટે નેશનલ કો.આપરેટીવ કન્ઝયુમર ફેડરેશન અથવા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટીંગ ફેડરેશન જેવી સહકારી ક્ષેત્રની કેન્દ્રીય સોસાયટીઓ, આ પાંચ પાકો માટે કરાર કરે, અને તે મુજબ સરકારી એજન્સીઓ, ટેકાના ભાવે ખરીદી કરે, તેવી વ્યાવસ્થા ગોઠવાય, અને તેમાં ખરીદીની કોઈ મર્યાદા રાખવામાં ન આવે, તે પ્રકારના આ પ્રસ્તાવમાં આ હેતુથી એક પોર્ટલ બનાવવાની પણ વાત હતી.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકારના આ પ્રસ્તાવથી પંજાબની ખેતીની વૃદ્ધિની સાથે સાથે ભૂગર્ભ જળ સુધરશે, તથા વેરાન જમીન પણ નવસાધ્ય થશે. બેઠક દરમિયાન અપાયેલા પ્રસ્તાવમાં કયા પાક કઈ એજન્સી ખરીદશે, તે પણ સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો.
જો કે, ખેડૂત નેતાઓએ સરકારનો આ પ્રસ્તાવ ફગાવી દીધો છે, તે પહેલા ખેડૂતોએ બે દિવસ માટે કૂચ સ્થગિત કરીને સરકારના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે, તેમ જાહેર કરાયુ હતું અને રવિવારની વાટાઘાટો સકારાત્મક માહોલમાં થઈ હોવાનું પણ જાહેર કરાયું હતું. જેથી આ અંદોલનને લઈને કોઈ નક્કર પરિણામ આવી જશે, તેવી આશા જાગી હતી., પરંતુ ખેડૂતોએ પરામર્શ કર્યા પછી સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપીની ગેરંટીના બદલે ર૩ જેટલા પાકો માટે એમએસપીની કાયમી ગેરંટી આપતો કાયદો ઘડવાની વાત કરી હતી.
હવે ખેડૂતોએ એમએસપી પર કાયદો ઘડીને ગેરંટી આપવા અને સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગણી સાથે ફરીથી આંદોલન આગળ વધારવાના નિર્ધાર સાથે આવતીકાલથી દિલ્હીકૂચની જાહેરાત કરી દીધા પછી આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. કેન્દ્ર સરકાર માટે આ સ્થિતિ કદાચ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે.
હકીકતે કેન્દ્ર સરકારે જે સુત્રના આધારે એમએસપીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ખેડૂતોએ ના મંજુર કરીને સી-ટૂ પ્લસ ફિફટીની ફોર્મ્યુલા મુજબની ટકાવારીથી એમએસપી નક્કી કરવાનો આગ્રહ રાખ્યો હતો, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેવું પણ કહેવાય છે કે સરકારે જે પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપી આપવાનું નક્કી કર્યું હોવાનો પ્રસ્તાવ મૂક્યો, તેમાં કઈ ફોર્મ્યુલા અપનાવાશે, તેની સ્પષ્ટતા કરી નહોતી, અને કેન્દ્ર સરકારે એ-ટુ પ્લસ એફએલ પ્લસ ફિફટીની ટકાવારી મુજબની ફોર્મ્યુલાના આધારે અધ્યાદેશ (વટહૂકમ અથવા ઓર્ડિનેન્શ) ની તૈયારી કરી હતી, જે ખેડૂતોને મંજુર નથી.
ખેડૂતોએ એમએસપી ઉપરાંત બીજી કેટલીક માંગણીઓ પણ કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી, જેમાં દેવાઓ માફ કરવાનો મુદ્દો પણ હતો, તે ઉપરાંત વિદ્યુત કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવા અને જાહેર ક્ષેત્રની પાક વીમા યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂતોને સમાન ધોરણે પેન્શન, આંદોલનકારી ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા અને લખમીપુર ખેરીના પીડિતોને ઝડપી ન્યાય આપીને કેન્દ્રીય મંત્રી ટેનીને ડીસમીસ કરવા સહિતની માંગણીઓ ખેડૂતોએ રજૂ કરી હતી., જેનો સરકાર તત્કાળ અમલ કરી શકે તેમ નથી, અને તેના માટે જરૃરી પ્રક્રિયા, વાટાઘાટો અને કાર્યવાહી કરવી પડે તેમ છે. આ નીતિવિષયક બાબતો અંગે તબક્કાવાર વિચારણા થઈ શકે છે, તેવો સરકારનો અભિગમ રહ્યા પછી હવે ખેડૂતોએ ફરીથી આંદોલન ચાલુ રાખીને જો હજુ પણ સરકાર યોગ્ય નિર્ણય નહીં લ્યે, તો આવતીકાલથી 'દિલ્હી કૂચ'નું એલાન કરી દેવામાં આવ્યું છે.
બીજી તરફ ખેડૂત આંદોલનના કારણે પંજાબ-હરિયાણા-દિલ્હીના માર્ગો એક પછી એેક સીલ કરવામાં આવી રહ્યા હોવાથી સામાન્ય જનતાને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, અને બાળકોના શિક્ષણ અને નોકરી-ધંધાથી માંડીને વ્યાપાર-ઉદ્યોગ અને ખેતીવાડીને પણ ભારે નુકસાન વેઠવું પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે, અને આમ આદમી પાર્ટી તો પહેલેથી જ આ આંદોલનની પેરવી કરી રહી છે, અન્ય વિપક્ષી પાર્ટીઓનું પણ આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ આંદોલનકારી ખેડૂત નેતાઓએ આ આંદોલન તદ્દન બિન-રાજકીય હોવાનો દાવો કર્યો છે. મીડિયામાં ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારાય તો સત્તાપરિવર્તનની જરૃર, મોદીનો ગ્રાફ ઘટાડવા અને કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવાના મુદ્દા આ આંદોલન સાથે સાંકળતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તે જોતાં હવે 'દિલ્હી કૂચ'પછી આ આંદોલન કેવું સ્વરૃપ પકડશે, તે અંગે અટકળો થઈ રહી છે. એવા વિશ્લેષણો પણ, થઈ રહ્યા છે કે આ આંદોલન જો રાજકીય સ્વરૃપ ધારણ કરે તો તેથી સત્તાધારી એનડીએને કેટલો ફટકો પડે, અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને કેટલો ફાયદો થાય.
આ ખેડૂત આંદોલનની અસર હેઠળ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લેતાં જ ડુંગળીના ભાવોમાં મણદીઠ ચાલીસથી પચાસ રૃપિયાનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલો પણ આવ્યા છે. એકંદરે, આ કિસાન આંદોલન હવે ટૂંક સમયમાં સમેટાઈ જાય, તેમ જણાતું નથી, જે મોદી સરકાર માટે પડકારરૃપ હશે, એટલું જ નહીં પંજાબ અને હરિયાણાની સરહદેથી હવે આ આંદોલન દેશની રાજધાની તરફ આગળ વધશે. જોઈએ, હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial