ભારતમાં ન્યાયતંત્ર તટસ્થ છે અને જ્યારે બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન થાય, ત્યારે અદાલતો ગમે તેટલી મોટી શક્તિઓ કે સત્તા હોય, તેની શાન ઠેકાણે લાવીને બંધારણીય માર્ગે લોકતાંત્રિક વ્યવસ્થાઓનું પુનઃ સ્થાપન કરી શકે છે, તેના ઘણાં દૃષ્ટાંતો દેશની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટે તથા અન્ય અદાલતોએ આપેલા દૂરગામી ચુકાદાઓના સ્વરૃપે મળે છે, અને કેટલાક અદાલતી ચુકાદાઓ તો ઐતિહાસિક બની જાય છે, અને શાસકોના તાનાશાહી, મનસ્વી કે ગેર-બંધારણીય નિર્ણયોને પલટાવ્યા પછી કાયમી ધોરણે સ્થાપિત થઈ જતાં હોય છેે.
સામાન્ય રીતે અદાલતો કેન્દ્રીય ચૂંટણીપંચ, રાજ્યના ચૂંટણીપંચો કે સથાનિક સ્વરાજ્યની તથા સહકારી સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયામાં આક્ષેપ કરતી હોતી નથી કે રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં દખલ દેતી હોતી નથી, પરંતુ જ્યારે બંધારણીય, કાનૂની કે નીતિનિયમોનો ભંગ થાય, ત્યારે તે અદાલતો સમક્ષ રજૂ થતાં આ અદાલતો તત્કાળ હસ્તક્ષેપ કરીને યોગ્ય નિર્ણયો આપતી હોય છે, અને ન્યાયસંગત ચૂકાદા આપતી હોય છે, ઘણી વખત તો માત્ર જાહેર હિતની અરજીઓ જ નહીં પરંતુ સ્વયં અનુસંધાન (સુઓમોટો) લઈને પણ તાકીદની સુનાવણીઓ કરીને બંધારણ, કાનૂન અને નીતિનિયમોનું રક્ષણ કરતી હોય છે અને લોકતાંત્રિક નિર્ણયોનું પુનઃ સ્થાપન કરતી હોય છે. ભારત આઝાદ થયા પછી આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળે છે.
તાજેતરમાં જ ભાજપને ભોંઠપ અનુભવવી પડે, તેવો ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતે આપ્યો અને અસાધારણ રીતે અદાલત દ્વારા જ મતગણતરી પણ કરાવી, તે પછી ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કેટલી ભારે પડી શકે છે. તે ઘણાંને સમજાઈ જ ગયું હશે.
ચંદીગઢના મેયરની થોડા દિવસો પહેલા ચૂંટણી થઈ હતી અને તેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ગઠબંધનના મેયરની જીત પાકી હતી, પરંતુ તે ચૂંટણીમાં પરંપરા મુજબ બેલેટ પેપરથી મતદાન થયા પછી રિટર્નીંગ ઓફિસરે જે રીતે આઠ મત પર ચોકડી મારીને રદ કર્યા, અને તે હરકત સીસીટીવી સામે જોતા જોતા કરી, તે નિહાળીને જે-તે સમયે જ સાર્વત્રિક ભારે નારાજગી વ્યકત થઈ હતી અને તેને લોકતંત્રની હત્યા ગણાવાઈ હતી.
તે પછી આખો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને ત્યાં રિટર્નીંગ ઓફિસર સામે કાનૂની કાર્યવાહી કરવાની સાથે સાથે મતગણરીની પ્રક્રિયા જ અદાલતે પોતાના તાબામાં લઈ લીધી, અને ફેર-મતગણતરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા, જો કે, તે પહેલાં જ ભાજપના મેયરે બે-ત્રણ દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ ઘટના પછી આબરુંના કાંકરા થઈ ગયા, અને અન્ય ચૂંટણીઓમાં પણ કેટલી ગરબડ થતી હશે, તેના અંદાજો પણ નીકળવા લાગ્યા !
આવું જ બીજુ દૃષ્ટાંત પં. બંગાળનું છે, જ્યાં એક નામચીન શખ્સ સામે સંદેશખાલીની મહિલાઓએ ગંભીર ફરિયાદો કરી હતી. પં. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નેતાને છાવરવાની ઉઘાડે છોગ કોશિશ કરી, સંદેશખાલી વિસ્તારમાં કોઈને જવા નહીં દેવાનું વલણ અપનાવાયું, અને આ પ્રકારનો પ્રયત્ન કરનાર પત્રકારની ધરપકડ કરીને હાંકી કઢાયો. રાજકીય પક્ષો કોલકાતાની હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પં.બંગાળ સરકારની ઝાટકણી કાઢી નાંખી, તે પછી રાજકીય પક્ષોને સંદેશખાલી જવાની છૂટ મળી, અને ભાજપ તથા લેફટના નેતાઓ ત્યાંની મહિલાઓની વેદના સાંભળવા પહોંચ્યા. આ ઘટના પણ કોઈપણ શાસક મનમાની કરીને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કરે કે નાગરિકોના હક્કોનું ઉલ્લંઘન કરે તો અદાલતો ત્વરીત હસ્તક્ષેપ કરીને બંધારણીય અધિકારોનું રક્ષણ કરે છે, તે પુરવાર કરે છે.
જો કે, પં.બંગાળના કોઈ પોલીસ ઓફિસરે પોતાને ખાલીસ્તાની તરીકે વર્ણવવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે, તે વિવાદ અલગ છે, પરંતુ આ ઘટનાક્રમો એ પુરવાર કરે છે કે, દેશના નાગરિકોને અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે દેશનું ન્યાયતંત્ર સુદૃઢ સુરક્ષા કવચ છે, જે કયારેય ભેદી શકાય તેમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial