ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન તરીકે સરપંચની પ્રથા અને પરંપરા પ્રાચીન કાળથી આપણાં દેશમાં ચાલતી રહી છે અને દેશ આઝાદ થયા પછી ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ ત્રિસ્તરિય પંચાયતી રાજની પદ્ધતિ અપનાવી છે. આ ત્રિસ્તરિય શાસન વ્યવસ્થા લોકો દ્વારા જ તેના ગામોને વિકાસ અને સુખ-સુવિધાઓના અધિકારો આપે છે. આ વ્યવસ્થાને પણ ભ્રષ્ટાચારનો ભયંકર ભોરીંગે ભરડો લીધો હોવાના દૃષ્ટાંતો વધવા લાગતા ચર્ચા જાગી છે કે શું ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલો પ્રભાવશાળી બની ગયો છે કે, પૈસા વિના લોકોના કોઈ કામ જ થતાં નથી ? શું ગ્રામપંચાયતોમાં મંજુરી લેવા માટેના લાંચ-રૃશ્વતના ચોક્કસ ભાવો નિર્ધારિત થયેલા હોય છે ? શું પંચાયત ક્ષેત્રે પણ ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ કરપ્ટ બ્યુરોક્રેટ્સ જેવા જ થઈ ગયા છે ?
રાજ્યના કોઈ ગામના સરપંચ કે ઉપસરપંચ કોઈ કામે લાંચ લેતા ઝડપાય કે એસીબી કેસ કરે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોને દુઃખ થાય, કારણ કે પોતાના જ ગામના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા જ્યારે લાંચ-રૃશ્વત માંગવામાં આવે, ત્યારે એવો પ્રશ્ન ઉઠે કે શું આ દિવસો જોવા માટે જ આપણાં વડવાઓએ સ્વાતંત્ર્ય ચળવળ ચલાવી હતી ? શું આ સ્થિતિ જોઈને હયાત અને દિવંગત થઈ ગયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને અફસોસ થતો હશે ? તેઓ દુઃખથી એવું વિચારતા હશે કે આપણે લોકતંત્રને લાયક જ નથી, અને ગુલામીને જ લાયક હતા ?
એન્ટી કરપ્શન બ્યુરો, વિજિલન્સ, સીબીઆઈ જેવી સંસ્થાઓ તંત્રોમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત છે, અને ઉચ્ચકક્ષાના ભ્રષ્ટાચારને ડામવા કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઉપરાંત લોકપાલ જેવી વ્યવસ્થાઓ છે. રમત-ગમતના ક્ષેત્રે ભ્રષ્ટાચારની તપાસ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ છે, પરંતુ તે પરિણામલક્ષી કેમ બની શકતી નથી,તે મોટો પ્રશ્ન છે.
તાજેતરમાં મોરબી જિલ્લાના એક ગામના સરપંચે એક ગેરકાયદે કામ માટે લાંચ માંગી હોવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેના સંદર્ભે મીડિયામાં ડિબેટીંગ પણ શરૃ થયું હતું, એ પછી આ કિસ્સામાં ત્યાંથી પોલીસે પણ ફરિયાદ નોંધી હોવાની વાતો વહેતી થઈ હતી અને આ મુદ્દે તથ્યો તપાસીને જરૃર પડ્યે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ પછી રાજ્ય સરકારનો પંચાયત વિભાગ પણ અનુસંધાન લેશે, તેવી આશા વ્યકત કરાઈ હતી, એ ઓડિયોની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમાં ગેરકાયદે એક બાંધકામ દીઠ ચાલીસ હજાર રૃપિયાનો ભાવ ચાલતો હોવાની વાત સાંભળીને કોઈપણ પ્રામાણિક નાગરિકને આંચકો લાગી જાય. આ પછી એવો સવાલ પણ ઉઠે કે આ રીતે ગેરકાયદે બાંધકામો થવા દેવા, તેને નહીં હટાવવા અને અંતે પાડતોડ કરવા, વ્યવસ્થિત કૌભાંડ છેક છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું હશે ?
ગુજરાતમાં પંચાયતીરાજની શરૃઆત ગુજરાત પંચાયતસ એકટ-૧૯૬૧ થી થઈ અને તેમાં ૧૯૬૩માં સુધારા-વધારા થયા. તે પહેલાં રાજ્યમાં ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન જેવી વ્યવસ્થાઓ પણ હતી, પરંતુ બંધારણીય દિશાનિર્દેશો મુજબ આઝાદ ભારતમાં પંચાયતરાજનો અમલ થયા પછી ગુજરાત રાજ્ય નવું બન્યા પછી તેમાં ગુજરાત રાજ્ય માટે નવો પંચાયતી એકટ બન્યો, અને તેમાં વખતો વખત સુધારા વધારા થયા. વર્ષ-૧૯૯૩માં ધ ગુજરાત પંચાયતસ એકટ અમલમાં આવ્યો. તે પછી વર્ષ- ૧૯૯૭ માં પંચાયતી રાજના નિયમો બન્યા અને વર્ષ ૧૯૯૮ માં પંચાયત સેવા નિયમો ઘડાયા.
ગુજરાતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એમ ત્રિસ્તરિય પંચાયતી શાસન વ્યવસ્થા અમલમાં છે. ગ્રામપંચાયતોને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે અને તેમાંથી ગ્રામવિકાસ અને લોકકલ્યાણના કામો સરપંચ અને સભ્યો દ્વારા કરવામાં આવે છે આ માટે ગ્રામસભાનો કોન્સેપ્ટ પણ હવે અમલી બન્યો છે.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને પણ કેટલીક ગ્રાન્ટ સરકાર ફાળવે છે. તે ઉપરાંત ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને સાંકળીને જિલ્લા આયોજન મંડળો દ્વારા પણ વિકાસ અને લોકસુખાકારીના સુવિધાઓ માટે આયોજનો થાય, તેવી વ્યવસ્થા અમલમાં છે.
ગ્રામ વિસ્તારો વિકાસથી વંચિત રહી ન જાય અને ગામડાઓના લોકો પોતાના ગામના વિકાસ અને ગ્રામજનોના કલ્યાણાર્થે પોતે જ આયોજન અને અમલ કરી શકે તેવા ઉમદા આશયથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી ગ્રાન્ટ, ફંડ ઉપરાંત કેટલીક સત્તાઓ પણ આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના મંતવ્ય મુજબ આ વિકાસના કામોમાં જો ગ્રામ્યકક્ષાએથી જ ૪૦ ટકા જેટલો એકંદરે કમિશનિયો ભ્રષ્ટાચાર થતો હોય, અને તેમાં તંત્ર સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ સાંઠગાંઠ રહેતી હોય તો ફરિયાદ કયાં કરવી ? વાડ જ ચીમડાં ગળી જાય તો કોને ફરિયાદ કરવી ?
એવું પણ નથી કે બધા જ સરપંચો અને પંચાયતી રાજના ક્ષેત્રે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભ્રષ્ટ હોય કે આ માટે જ જાહેર ક્ષેત્રમાં હોય, ઘણાં એવા સરપંચો અને જનપ્રતિનિધિઓ છે કે જેઓ પોતાના ખિસ્સાના ખર્ચે ગામની સેવા કરતા હોય, લોકફાળો સ્વયં ભરીને કેટલીક યોજનાઓને અમલી બનાવતા હોય, અને પોતે ઘસારો વેઠીને પણ ગામ અને ગ્રામજનોનું ભલું કરતા હોય, માત્ર કેટલાક ભ્રષ્ટ પદાધિકારીઓના કારણે જાહેર જીવનમાં રહેલા અને પંચાયતી કે સહકારી ક્ષેત્રે સેવારત હોય તેવા ઘણાં લોકો બદનામ થતા હોય છે.
હકીકતે ગ્રામ પંચાયત કક્ષાની ચૂંટણીમાં જ્યારે લાખ્ખો રૃપિયાનો ખર્ચો થતો હોય, ત્યારે સત્તામાં આવ્યા પછી તેને વસુલવાની મજબુરી રહેતી હશે તેવી પણ એક માન્યતા છે, જે હોય તે ખરું, પણ થાય છે ખોટું... બરાબરને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial