દ્વારકામંડળનો પશ્ચિમી દરિયાઈ સરહદે દબદબો વધી રહ્યો છે, અને દ્વારકાનો દાયકો જ નહીં પણ પુનઃ સુવર્ણ યુગ શરૃ થયો છે.
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિની સુવર્ણાક્ષરે નવી તવારીખ ઝળહળી રહી હોય, તેમ ભગવાન દ્વારકાધીશની રાજધાની અને નિવાસસ્થાન-રાણીવાસીને જોડતા સુદર્શન સેતુના લોકાપંર્ણની સાથે જ બેટદ્વારકા વૈશ્વિક રિલિજ્યસ ટૂરિઝમ ઉપરાંત બહુલક્ષી આયામો સાથેનું ગ્લોબલ ડેસ્ટિનેશન બની ગયુ છે. આ ઉપરાંત દ્વારકા અને બેટદ્વારકાના દરિયાના પેટાળમાં પ્રાચીન સુવર્ણનગરી દ્વારકાના દર્શનની ભવ્યતા નિહાળવાની દિશાઓ પણ ખુલી ગઈ છે. આ સાથે વૈવિધ્યપૂર્ણ પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને પૌરાણિક ભવ્યતા સાથે પશ્ચિમ ભારતની સરહદે આવેલું હાલાર હવે ગ્લોબલ મેપની અગ્રીમ હરોળમાં પ્રસ્થાપિત થઈ ચુકયું છે તેથી હાલારીઓને ગૌરવ સાથે આત્મસંતોષની અનુભૂતિ થાય, તે સ્વાભાવિક જ છે ને ?
હવે દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વૈશ્વિક પ્રવાસીઓ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટશે ત્યારે આપણા સૌરાષ્ટ્રની પ્રાચીન ગરિમા કાઠીયાવાડી દરિયાદિલી, પરાણાગત 'અતિથિદેવો ભવઃ' ની આપણી ભવ્ય પરંપરા ચૂસ્તપણે જાળવી રાખવાની છે. આપણાં યાત્રા-પ્રવાસ-પર્યટન સ્થળોમાં દર્શન કરવા, હરવા-ફરવા કે અભ્યાસ-સંશોધન અર્થે આવતા કોઈપણ મુલાકાતીઓને જરાયે તકલીફ પડે નહીં, મહિલાઓ-બાળકો, વયોવૃદ્ધ અને દિવ્યાંગ, અશકત યાત્રિકો પ્રત્યે સહાનુભૂતિ સાથે મદદ કરીને તેઓની ગરિમા જળવાઈ રહે અને ખાસ કરીને નફાખોરી કે અસુરક્ષાની અનુભૂતિ કોઈપણ મુલાકાતીને કોઈપણ સમયે ન થાય, તેની કાળજી પણ આપણે સૌએ સાથે મળીને રાખવાની છે, એટલું જ નહીં, મુખ્ય મંદિરોમાં શકય તેટલું વીઆઈપી કલ્ચર ઘટાડીને તમામ યાત્રિકો-પ્રવાસીઓને સમાન ધોરણે દર્શન-પૂજનની તકો પ્રાપ્ત થાય, તેવી વ્યવસ્થાઓ પણ વિકસાવવી પડશે અને આ માટે તંત્રો અને સ્થાનિક નેતાઓએ પણ વધુ ધ્યાન આપવું પડશે, ખરું કે નહીં ?
પીએમ મોદીએ આજે ભારત મંડપમ્માંથી ટેકસ્ટાઈલ ક્ષેત્રે જે કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો છે અને પીએલઆઈના માધ્યમથી અઢીલાખ નવી નોકરીઓની સંભાવનાઓ જાહેર થઈ છે, તેના સંદર્ભે ગુજરાતના નાના શહેરોમાં પણ ટેકસ્ટાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને જામનગર-પોરબંદર પંથકની ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાપડમીલો ધમધમતી હતી, તે પુનઃ ગરિમામય સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા રાખીએ. એ પહેલાના ત્રણ-ચાર દિવસ સુધી વડાપ્રધાને ગુજરાતમાં જે લોકાર્પણો -શિલાન્યાસ ખાતમુહૂર્તો કર્યા અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજયા, તેને લોકસભાની ચૂંટણી સાથે સાંકળીને કેટલો રાજકીય ફાયદો થશે તેની ચર્ચાઓ ભલે શરૃ થઈ ગઈ હોય, પરંતુ સામાન્ય લોકોમાં વડાપ્રધાન મોદીના આ પ્રવાસની આડઅસરોની ચર્ચા પણ એટલી જ થઈ રહી છે, અને જ્યારે જ્યારે વીઆઈપી કે વીવીઆઈપીનો કાર્યક્રમ હોય, ત્યારે ત્યારે જે-તે વિસ્તારના માર્ગોની મરામત, સાફસફાઈ અને રંગરોગાન-સુશોભન રાતોરાત થઈ જતા હોવાથી ઘણાં લોકો એવું કહેતા પણ સંભળાયા છે કે ખૂબ મહત્ત્વપૂર્ણ મહાનુભાવો (વીવીઆઈપી) વારંવાર મુલાકાત લેતા રહેતા હોય તો કેવું સારું !?
જો કે, ચૂસ્ત વ્યવસ્થાઓ છતાં કયાંક થોડી ઘણી ગંદકી દેખાઈ જાય, કયાંક આવારા આખલાથી બચવા કોઈ વીઆઈપીને પણ મથામણ કરવી પડે કે કયાંક વ્યવસ્થાઓ કે સુરક્ષામાં ચૂક રહી જાય, ત્યારે ઘણાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે હુસુલોસે, ખૂશ્બૂ આ નહીં શકતી, કભી કાગઝ કે ફૂલો સે...!!!
સત્ય ભલે કડવું લાગે, પરંતુ તે આત્મીય સ્વાસ્થ્યને લાભદાયક હોય છે, એ સત્ય છે કે વીઆઈપી મૂવમેન્ટથી લોકોને થોડી તકલીફ પડે, પરંતુ એ પણ હકીકત હોય છે કે આ પ્રકારના પ્રવાસો પછી જો જનસામાન્યની સુવિધાઓ ભવિષ્યમાં વાસ્તવમાં વધતી હોય, જનકલ્યાણની દિશાઓ ખુલતી હોય કે દેશાપ્રદેશ કે સ્થાનિક સ્થળોનો વિકાસ વેગ પડકતો હોય તો શું વાંધો ? કુછ પાને કે લીયે કુછ ખોના ભી પડતા હૈ...?!
હવે ફેબ્રુઆરી પૂરો થવા આવ્યો છે અને લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા જાહેર થઈ જાય, તેને બહુ જાજા મહિના બચ્યા નથી, ત્યારે ફટાફટ લોકાર્પણો અને ખાતમુહૂર્તો થાય, રાજ્ય-કેન્દ્ર સરકારો નવી યોજનાઓ જાહેર કરે અને જુના વાયદાઓ પૂરા કર્યા હોવાના દાવાઓ થાય, કે નવી મુદ્દત અપાય, એ તો સ્વાભાવિક છે, પરંતુ રાજનેતાઓમાં ઉત્કંઠા, ઉત્તેજના અને ઉચાટ પણ વધી જાય, ખાસ કરીને વિવિધ પક્ષોના વર્તમાન લોકસભાના સાંસદો પોતાને ફરીથી ચાન્સ મળશે કેમ ? તેની મથામણ અનુભવતા હોય અને ખાસ કરીને શાસક પક્ષમાં 'નો રિપિટ' થિયરીની વાતો વિશ્વસનિય ઢબે વહેતી થવા લાગે, ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાય, તે પણ સ્વાભાવિક જ છે ને ?
વિધાનસભાઓની છેલ્લી ચૂંટણીઓ પછી નવા ચહેરાઓને સ્થાન મળવા લાગ્યુ અને વર્તમાન ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જે રીતે 'જૂના જોગીઓ' ને મુકત મને મળ્યા, તે જોતાં 'નો રિપિટ' થીયરી પછી કાર્યદક્ષ નેતાઓ નારાજ ન થાય, તે માટે પાણી પહેલા પાળ બાંધી હશે, તેવા અભિપ્રાયો પણ ચર્ચાવા લાગ્યા છે. આ પ્રકારની રાજકીય પરામર્શોમાં ઘણી વખત ઉંડા તથ્યો પણ છુપાયેલા હોય છે, જોઈએ... શું થાય છે તે.....
એકંદરે પીએમનો છેલ્લો ગુજરાત પ્રવાસ રાજ્ય માટે વાસ્તવમાં ફળદાયી નિવડે અને વિકાસયાત્રા વેગ પકડે... વધુ વેગીલી બને તેવું ઈચ્છીએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial