ગઈકાલે રાજ્યસભાની ચૂંટણી થઈ, જેમાં જબરદસ્ત 'ખેલા' હો ગયા, અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવાર હિમાચલની એકમાત્ર રાજયસભાની બેઠકની ચૂંટણીમાં હારી ગયા. જો કે, સૌજન્યતાથી અને સભ્યતાથી કોંગી ઉમેદવાર અભિષેક મનુ સિંઘલએ હાર સ્વીકારી, અને વીજયી પ્રતિસ્પર્ધીને અભિનંદન આપ્યા, સાથે સાથે ભાજપની રાજનીતિની ટીકા કરી, તેથી સૌ કોઈ પ્રભાવિત થયા હશે.
હિમાચલમાં ભારતીય જનતા પક્ષના રપ અને કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોના મતો હોવા છતાં ક્રોસ વોટીંગ થતાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને સરખા ૩૪-૩૪ મતો મળ્યા, પરંતુ લક્કી ડ્રોમાં ભાગ્યે ભાજપનો સાથ આપ્યો અને કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા. હવે હિમાચલ પ્રદેશની કોંગી સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે.
ઉત્તરપ્રદેશમાં પણ ભાજપના ૭ જ ઉમેદવારો જીતે તેમ હોવા છતાં ભાજપે આઠમો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો અને સમાજવાદી પાર્ટીના ૬ તથા કોંગી સમર્થિત ૩ અપક્ષ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપનો આઠમો ઉમેદવાર જીતી ગયો અને સમાજવાદી પાર્ટીને બે જ બેઠકો પર વિજય મળ્યો. આમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત ઉલટફેર થયો અને રાજકરણની દુનિયાની વ્યંગ્યવણીમાં અવાજ ઉઠ્યો છે, 'ખેલા હો ગયા...' ખેલા હો ગયા...'
ઉત્તર ભારતમાં ગઈકાલે ભાજપની બલ્લે બલ્લે થઈ રહી હતી ત્યારે દક્ષિણ ભારતની કર્ણાટક વિધાનસભા દ્વારા કોંગ્રેસના ૩ અને ભાજપના ૧ ઉમેદવારનો વિજય થયો, અને ત્યાં પણ ભાજપના એક ઉમેદવારે કોંગ્રેસ તરફી ક્રોસ વોટીંગ કર્યું.
ઉત્તરથી દક્ષિણ ભારત તરફ રાજકીય માહોલ ગતિશીલ બન્યો છે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે પંદરમાંથી દસ બેઠકો મેળવ્યા પછી હવે તમામ ગતિવિધિઓ લોકસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને જ થવાની છે. કોંગ્રેસની દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણામાં સરકારો છે, અને રાહુલ ગાંધી વયડનના સંસદસભ્ય છે. ડી.એમ.કે સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, તેથી કોંગ્રેસે દક્ષિણ ભારત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ છે.
બીજી તરફ ભારતીય જનતા પક્ષે પણ દક્ષિણ ભારતમાં પગપેસારો કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન દક્ષિણ ભારતમાંથી પણ શકય તેટલી વધુ બેઠકો જીતવાની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજોએ છેલ્લા કેટલાક મહિનાઓથી દક્ષિણ ભારતનો પ્રવાસ વધારી દીધો છે અને સંખ્યાબંધ સરકારી કાર્યક્રમો પણ યોજ્યા છે. ભાજપનો ઉત્તર ભારતમાં મજબૂત જનાધાર જણાય છે અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પછી પશ્ચિમ ભારતમાં પણ ભાજપ વધુ મજબૂત બન્યો છે, અને એક મંત્રીએ રાજીનામું આપી દીધું ત્યારે જો હિમાચલ પ્રદેશની સરકાર ગબડે, તો ઉત્તર ભારતમાં પંજાબ અને દિલ્હી, ઉપરાંત ઝારખંડ (ગઠબંધન સરકાર) અને પ.બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સિવાયના રાજ્યોમાં ભાજપ મજબૂતીથી ચૂંટણી લડી શકે તેમ છે. ઓડિસામાં ભાજપ અને બીજેડી વચ્ચે પણ ફ્રેન્ડલી ફાઈટ થવાની છે, આમ, ભાજપ ઉત્તરથી માંડીને દક્ષિણ ભારત સુધી પાર્ટીનો પ્રભાવ, મોદી મેજીક અને ભાવનાત્મક મુદ્દાઓ સાથે આક્રમક પ્રચાર કરીને છવાઈ જવાની રણનીતિ અપનાવી રહ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણીપુરથી આદરેલી ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, અને તેમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોને આવરી લીધા છે, અને માર્ચ મહિના સુધીમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત રાજ્યોને પણ આવરી લેશે. કોંગ્રેસે પણ વ્યાપક અને પ્રભાવી ચૂંટણી પ્રચારની રણનીતિ અપનાવી છે, તથા કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે સીટ શેરીંગ સુનિશ્ચિત થઈ ગયું છે, તેથી એમ કહી શકાય કે કોંગ્રેસે રાહુલ ગાંધીના માધ્યમથી પૂરબ સે પશ્ચિમ અને મલ્લિકાર્જુન ખડગેના માધ્યમથી દક્ષિણ ભારતમાં પણ વ્યૂહાત્મક ઢબે ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. ઉત્તરભારતમાં પણ બે-ત્રણ રાજ્યોમાં 'આપ' નો પ્રભાવ હોવાથી તેના માટે કોંગ્રેસ ઉદારનીતિ અપનાવશે, તેમ જણાય છે, જો કે, ગુજરાતમાં ભરૂચની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ઘૂંઘવાટ શરૂ થયાના અહેવાલો પછી એમ કહેવાય છે કે ચૈતર વસાવા કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડવા તૈયાર છે.
હિમાચલ પછી હજુ પણ ઝારખંડ, કર્ણાટક અને વિપક્ષી ગઠબંધનની અન્ય રાજ્ય સરકારોમાં પણ ભાંગફોડ થાય અને 'ખેલા હો જાય' તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
ભાજપે ભરતી મેળો શરૂ કર્યા પછી ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાંથી કદાવર વિપક્ષી નેતાઓ પણ ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે વિપક્ષો કહે છે કે ભાજપે નીતિમત્તાને નેવે મૂકી દીધી છે,અને સામ, દામ, દંડ, ભેદ, કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ તથા મનીપાવર દ્વારા ગમે તેમ કરીને વિપક્ષોને નબળા પાડવાનો જે પ્રયત્ન કર્યો છે, તે લોકતંત્રના આત્મા પર હૂમલા સમાન છે, અને આ બધું ગુપચૂપ નિહાળી રહેલી જનતા વખત આવ્યે જવાબ પણ આપી દેશે. આ પ્રકારના નિવેદનોના જવાબમાં એનડીએના પ્રવકતાઓ કહે છે કે પહેલાં આત્મ નિરીક્ષણ કરો...
આ ખેલ હવે લોકસભાની ચૂંટણી સુધી ચાલ્યા જ કરવાનો છે.... એન્જોય....!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial