ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શને જશે, તેની ચર્ચા ગઈકાલથી જ થઈ રહી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગઈકાલના જામનગરના કાર્યક્રમો દરમિયાન પણ આ પ્રકારના સંકેતો મળી રહ્યા હતાં.
હમણાંથી હાલાર ગ્લોબલ લેવલે ઝળકી રહ્યું છે અને 'છોટીકાશી' તરીકે ઓળખાતું રજવાડી નગર જામનગર, વિશ્વકક્ષાનું હિન્દુઓનું યાત્રાધામ દ્વારકા, વિવિધ ધર્મસ્થળો, ટુરીઝમ ડેસ્ટિનેશન સમુ બેટ દ્વારકા અને બન્ને જિલ્લાઓના પ્રવાસ-પર્યટન સ્થળોને સાંકળીને હાલાર વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જામનગરના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ કરવામાં આવી રહી છે.
બીજી તરફ બન્ને જિલ્લાઓનું વહીવટીતંત્ર અત્યારે કસોટીની એરણે ચડયું હોય તેમ વિવિધ પ્રકારની તૈયારીઓ તથા ફરજોમાં વ્યસ્ત છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત શાળા-કોલેજોની અન્ય પરીક્ષાઓને લઈને તમામ પ્રકારની કાળજી સાથે તૈયારીઓ થઈ રહી છે અને ઉત્તરપ્રદેશની જેમ 'પેપરલીક' થઈ ન જાય, તે માટેની કાળજી સાથે ચૂસ્ત બંદોબસ્ત અને પર્યટન વ્યવસ્થાઓ ઊભી કરવાની કવાયત કરવામાં આવી રહી છે. કેટલીક શાળાઓ તથા સંસ્થાઓ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાનો 'હાઉ' નહીં રાખવા અને પરીક્ષાઓ દરમિયાન કેવી રીતે તૈયારી કરી શકાય તેનું માર્ગદર્શન આપવાની સાથે સાથે પ્રયોગાત્મક પરીક્ષાઓ યોજીને વિદ્યાર્થીઓને પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ પણ કરાવી રહી છે.
બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓને લઈને પણ જિલ્લાતંત્રોને વિવિધ સૂચનાઓ મળી રહી છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પણ ચૂંટણીપ્રચાર દરમિયાન કઈ કઈ કાળજી રાખવી અને કઈ કઈ મર્યાદાઓ રાખવી તેની એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જાય, તેને ગણત્રીના દિવસો જ બાકી રહ્યા હોવાથી દેશભરમાં ફટાફટ વિકાસકામોના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, અને ગુજરાતમાં પણ રાજ્યભરમાં મંત્રી મહોદયો (ચૂંટણીલક્ષી) સરકારી પ્રવાસો કરી રહ્યા હોય, તેમ ઉદ્ઘાટનો, શિલાન્યાસો સાથે નવા નવા વાયદાઓ કરી રહેલા સંભળાય છે. આ કારણે હાલારના બન્ને જિલ્લાઓમાં પણ વીઆઈપી અને વીવીઆઈપીની અવર-જવર વધી રહી છે, જેના બંદોબસ્ત, વ્યવસ્થાઓ અને આગતા-સ્વાગતા-સરભરાની સાથે સાથે વિશેષ ઢબે સફાઈ-દવા છંટકાવ અને ક્ષતિઓ ઢાંકવાની ગતિવિધિઓ-પ્રવૃત્તિઓ વધી જતાં તમામ તંત્રોને હડિયાપટ્ટી કરવી પડી રહી છે, લોકો સાફ-સુથરા માર્ગો અને રોડના કાંઠે પાથરેલી ડીડીટી પાવડર દવાઓ જોઈને સમજી જાય છે કે કોઈક મોટંુ માથું આવવાનું લાગે છે !
હાલારમાં યાત્રાધામ દ્વારકામાં પણ વડાપ્રધાન સુદર્શન બ્રીજનું ઉદ્ઘાટન અને સ્કૂબા ડાઈવીંગ કરી ગયા પછી ત્યાં એક તરફ યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે, તો બીજી તરફ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે પેસેન્જર બોટ ચલાવીને ગુજરાન ચલાવતા હજાર-બારસો શ્રમિકો-સંચાલકોની રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જો કે, બેટદ્વારકા જમીન માર્ગે જોડાઈ ગયા પછી હવે ત્યાં પૂરક વ્યવસાયો, ધંધા-રોજગારની વિપુલ તકો હોવાથી આ લોકોને ત્યાં ડાઈવર્ટ કરી શકાશે, પરંતુ તે માટે સરકારી તંત્રોએ હસ્તક્ષેપ કરવો પડે તેમ જણાય છે, ખરું કે નહીં ?
આમ તો, જામનગર ભારતીય સેનાની ત્રણેય પાંખો છે, જામસાહેબના વારસા સમુ રજવાડી નગર લાખોટાતળાવ, ભુજીયો કોઠો, મ્યુઝીયમ અને વિશ્વકક્ષાના ધાર્મિક સ્થળો-મંદિરો ધરાવે છે, તેમ જ બાંધણી, કંકુ-સુરમો-કાજલ, સુડી જેવી ચીજવસ્તુઓ તથા બ્રાસ ઉદ્યોગ જેવી વિશેષતાઓના કારણે વૈશ્વિક કક્ષાએ પહેલેથી જ ઝળકી રહ્યું છે, અને યાત્રાધામ દ્વારકા પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને બેટદ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે ગ્લોબલ મેપમાં જ હતું, અને હવે તેમાં સુદર્શન બ્રીજ, શિવરાજપુર, ઓખામઢી, ડન્ની પોઈન્ટ અને હર્ષદ જેવા વિવિધ બીચ તથા રિલિજિયસ અને ઈકો ટુરિઝમના સંયોજનના કારણે હવે આખું હાલાર ગ્લોબલ ઈમ્પોરટન્ટ ડેસ્ટિનેશન્સની અગ્રીમ હરોળમાં આવી ગયું છે.
બીજી તરફ અંબાણી પરિવારના આંગણે અનંતના લગ્નોત્સવના કારણે લગભગ આખી દુનિયા જાણે જામનગર તરફ આવી રહી હોય તેમ જણાય છે, અને બોલીવુડ, હોલીવુડ, ખેલજગતના સેલિબ્રિટીઝ જ નહીં પરંતુ વિવિધ રાષ્ટ્રોના વડાઓ, પૂર્વવડાઓ, રાજ્ય કેન્દ્ર-સરકારના પ્રતિનિધિઓ-મહાનુભાવો, સંતો-મહંતો, ઉદ્યોગ-વ્યાપાર, સાયન્સ, ટેકનોલોજી-કોર્પોરેટ સહિત વિવિધ ક્ષેત્રોના ગ્લોબલ લીડર્સ, દિગ્ગજો અને વૈશ્વિક ખ્યાતનામ હસ્તીઓ પણ અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સેરેમનીમાં પહોંચી રહ્યા છે, આ જ નેશનલ હાઈવે પર ડબ્લ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ મેડિસિન સેન્ટર પણ આકાર લઈ રહ્યું છે, આ બધાના કારણે કહી શકાય કે હાલાર 'ગ્લોબલ' બની રહ્યું છે. ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે... ભારતની ગરિમા વધી રહી છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial