Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વ્યસન મુક્તિ ઝુંબેશ કેટલી સફળ...? કેફી દ્રવ્યોની બદી કેમ નિરંકુશ છે...? કોઈની પાસે છે કોઈ જવાબ...?

પટણામાં જનવિશ્વાસ સંમેલનમાં વિરાટ જનમેદની જોઈને અને વિપક્ષી દિગ્ગજોના જુસ્સેદાર ભાષણો પછી દેશમાં લોકસભાની ચૂંટણી એક તરફી બની રહી હોવાનો ભ્રમ તૂટી ગયો હોવાના દાવાઓ થવા લાગ્યા છે, તો બીજી તરફ ભાજપની પ્રથમ યાદી બહાર પડ્યા પછી અને બીજી યાદી બહાર પડે તે પહેલાં ભાજપના કેટલાક દિગ્ગજો તથા વર્તમાન સાંસદોએ રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ગુજરાતમાં નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી, તેને ટાંકીને અટકળો ઉપરાંત કટાક્ષો પણ થવા લાગ્યા છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજનીતિથી અલગ ગણી શકાય તેવું કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું એક નિવેદન પણ ધ્યાનાકાર્ષક બન્યું છે.

અમિતભાઈએ ગઈકાલે એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે નાર્કોના નેટવર્ક અને શરાબના માર્કેટને ભેદવા અસરકારક કદમ ઉઠાવ્યા છે. જેથી સંખ્યાબંધ પેડલર્સ ઝડપાયા છે, અને ડ્રગ્સ, માદક દ્રવ્યો અને નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ માટે ઝુંબેશ ચાલી રહી છે.

અમિતભાઈના આ દાવાની ચર્ચા ભલે રાજકીય રીતે મુલવાઈ રહી હોય, પણ કેન્દ્રના સ્ટેટેસ્ટિક્સ અને યોજનાકીય ઈમ્પ્લીમેશન વિભાગ (એનએસએસઓ) દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ મુજબ પાન, તમાકુ, નશીલા દ્રવ્યો અને નશાકારક ચીજવસ્તુઓ પર લોકોનો એવેરજ ખર્ચ શિક્ષણ પર થતા ખર્ચ કરતા પણ વધી ગયો છે. આ આંકડા ઘણાં જ ચોંકાવનારા અને ચિંતાજનક છે, અને એટલે જ આ વિષયને માત્ર રાજકીય રીતે મુલવી શકાય તેમ નથી.

વર્ષ-ર૦રર થી વર્ષ-ર૦ર૩ દરમિયાન ઓગસ્ટથી એક વર્ષના સમયગાળા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અને તેમાં ઘરવપરાશ માટે થતો ખર્ચ (એચસીઈએસ) અને પરિવાર દીઠ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (એમપીઈસી) વિષે ઝીણવટપૂર્વક વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ સર્વે હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો, રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશો તથા દેશના વિવિધ આર્થિક અને સામાજિક જૂથોના જીવનધોરણનો કયાસ કાઢવા અને વલણો નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

આ સર્વે મુજબ દેશમાં પાન, તમાકુ, ધુમ્રપાન અને માદક દ્રવ્યો તથા નશાકારક પદાર્થો (ડ્રગ્સ વિગેરે) પર લોકોનો ખર્ચ ઉત્તરોતર વધી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં માત્ર શેહરી વિસ્તારો જ નહીં, પરંતુ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનો ખર્ચ વધ્યો છે.

આ સર્વે મુજબ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ-ર૦૧૧-૧ર માં આ પ્રકારનો ખર્ચ એવરેજ ૩.ર૧ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૭૯ ટકા થયો હતો. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં આ ખર્ચ-ર૦૧૧-૧ર માં ૧.૬૧ ટકા હતો જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ર.૪૩ ટકા થયો હતો.

બીજી તરફ શહેરી વિસ્તારોમાં શિક્ષણ પર થતા ખર્ચનું સરેરાશ પ્રમાણ આ સમયગાળામાં વર્ષ-ર૦૧૧-૧ર માં ૬.૯૦ ટકા હતુ, જે વર્ષ-ર૦રર-ર૩ માં ઘટીને પ.૭૮ ટકા થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આ ખર્ચનું પ્રમાણ વર્ષ-ર૦૧૧-૧ર માં ૩.૪૭ ટકા હતું. જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૩૦ ટકા થઈ ગયું હતું.

એક અન્ય ઉપયોગી વિગતો પણ આ સર્વે દરમિયાન સપાટી પર આવી છે. આ ડીપ સર્વે મુજબ શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ-ર૦૧૧-૧ર માં ૮.૯૮ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૧૦.૬૪ ટકા થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિગર્સ મુજબ વર્ષ-ર૦૧૧-૧ર માં ૭.૯૦ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૯.૬ર ટકા થઈ ગયો હતો. આ તમામ આંકડાઓ ચિંતાજનક છે.

જો વ્યસનો અને બીનજરૃરી પીણાંઓ તથા ફાસ્ટફૂડનો ખર્ચ અંકુશમાં આવી જાય તો લોકોની માથાદીઠ આવકનો સારો એવો હિસ્સો બચી જાય, જેથી લોકોની આર્થિક સ્થિતિ તો પહેલાની સરખામણીમાં મજબૂત બને જ, પરંતુ સાથોસાથ સામાજિક સ્થિતિ, પ્રતિષ્ઠા અને જીવનધોરણમાં પણ મોટો હકારાત્મક તફાવત આવી જાય તેમ છે. આ દૃષ્ટિએ માત્ર સરકારે જ નહીં, પરંતુ સમાજે પણ વિચારવું પડે તેમ છે, અને બિનજરૃરી ખર્ચાઓ તથા વ્યસનો સાથે જનજાગૃતિ ઝુંબેશ ચાલતી રહેવી જોઈએ, તેમ નથી લાગતું...?

આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરેલી વ્યસનમુક્તિની વાત સુસંગત છે, અને અનેક જિંદગીઓને બરબાદ કરતા તથા સ્વાસ્થ્યનું નિકંદન કાઢીને દર્દભર્યુ મોત આપતા વ્યસનોથી સમાજ મુક્ત થાય, તે દિશામાં સાર્વત્રિક પ્રયાસો જરૃરી પણ છે, પરંતુ ડ્રગ્સ અને અન્ય નશાકારક દ્રવ્યો કરતાં પણ વધુ ખતરનાક કટ્ટરતા, નફરત અને સત્તા કે સંપત્તિનો નશો પણ જનજીવનને બરબાદ કરનારો હોય છે, અને તેનો ભોગ બની ન જવાય, તે માટે પણ સૌ કોઈએ જાગૃત રહેવું જોઈએ, ખરૃં કે નહીં...?

અત્યારે લોકસભાની ચૂંટણીઓના પ્રચારની આંધી વચ્ચે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ઉડી જાય તેમ છે. હકીકતે સરકારી વ્યસનમુક્તિ ઝુંબેશ અને અનેક સંગઠનો, સંસ્થાઓ, સમાજો અને જાગૃત નાગરિકોના તદ્દવિષયક અભિયાનો કેટલા સફળ થાય છે...? આટલા બધા પ્રયાસો છતાં વ્યસનો નાબુદ કેમ થતા નથી...? કેફી દ્રવ્યોનો વેપલો કેમ વધી રહ્યો છે...? ગુજરાત જેવા રાજ્યોમાં પણ દારૃબંધી તદ્દન નિષ્ફળ કેમ થઈ રહી છે...? તેવા સવાલોના જવાબ પણ મેળવવા જ પડે તેમ છે... પણ તેમાં કોઈની પ્રબળ ઈચ્છાશક્તિ કેમ જોવા મળતી નથી...? છે કોઈ જવાબ...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial