સુપ્રિમ કોર્ટે વર્ષ-૧૯૯૮ નો પોતાનો જ એક ફેંસલો પલટાવીને ગઈકાલે એ પ્રતિપાદિત કર્યુ છે કે લોકતંત્રમાં હંમેશાં જનહિત અને સમાનતા ને પ્રાધાન્ય અપાતું હોય છે અને પરિવર્તનો થતા રહેતા હોય છે. ભૂતકાળમાં કોઈ અલગ પરિપ્રેક્ષ્ય કે સંજોગોમાં અપાયેલા ચુકાદા વર્તમાન સમયને સુંસંગત ન હોય કે પછી ભૂતકાળમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તે જાહેર હિત, જનહિત અને લોકતંત્રની સુરક્ષા માટે સુધારી શકાતી હોય જ છે, પછી ભલે સરકાર હોય, અદાલત હોય કે સંસદ હોય.... પરિવર્તન તો કુદરતનો પણ નિયમ છે, ખરું ને ?
ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોને કેટલાક વિશેષાધિકારો મળેલા છે, જ્યારે કેટલીક બાબતોમાં પ્રજાના ચૂંટાયેલા જનસેવકોને કાયદાની દૃષ્ટિએ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ગણવામાં આવ્યા છે. બંધારણની જુદી જુદી કલમો હેઠળ આ તમામ વિશેષાધિકારો અને તેની મર્યાદાઓ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી જ છે, અને તેનું અર્થઘટન દેશના ન્યાયતંત્ર દ્વારા થતું રહેતું હોય છે. આ માટે સુપ્રિમ કોર્ટમાં બંધારણીય બેન્ચની વ્યવસ્થા છે, અને એક લાર્જર બેન્ચનો ગઈકાલે આવેલો એક નિર્ણય આજે દેશભરમાં વ્યાપક સ્વરૃપમાં ચર્ચાઈ રહ્યો છે. લગભગ અઢી-ત્રણ વર્ષ પહેલા દેશની અને અદાલતોમાં સંસદમાં જે કાંઈ થયેલંુ અને તે પછી જે પ્રક્રિયા થઈ અને કાનૂની જંગ ખેલાયો, તેની સ્મૃતિઓ પણ તાજી થઈ ગઈ, એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો જ ભૂતકાળનો એક ફેંસલો પલટાવીને એક ઉમદા દૃષ્ટાંત પણ બેસાડ્યું છે. હવે આ ફેંસલાની દેશના રાજકરણ પર પણ દીર્ધકાલિન અસરો થવાની છે.
આ ચુકાદો આપતા દેશના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ભ્રષ્ટાચાર અને લાંચ-રૃશ્વત ભારતીય સંસદીય લોકશાહીની પ્રક્રિયા અને મૂળ ભાવનાને નષ્ટ કરે છે, સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે આ ઐતિહાસિક અને દૂરગામી ચુકાદો આપતા કહ્યું છે કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને બચી શકે નહીં, તેઓને કાનૂની કે બંધારણીય રક્ષણ મળી શકે નહીં, લાંચ-રૃશ્વત-ભ્રષ્ટાચારના કેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ વિશેષ છૂટ આપી શકાય નહીં, તેવા અર્થઘટનો આ ચુકાદાના નીકળી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડની સાત સભ્યોની બેન્ચે સર્વાનુમતે નિર્ણય આપતા કહ્યું કે ધારાસભ્ય કે સંસદસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર થાય કે લાંચ-રૃશ્વત સ્વીકારાય તો તેથી ઈમાનદારી (ઓનેસ્ટી)નો છેદ ઉડી જાય છે. લાંચ, રૃશ્વત કે ભ્રષ્ટાચારને સંસદીય વિશેષધિકાર હેઠળ સુરક્ષા આપી શકાય નહીં.
વર્ષ-૧૯૯૮ માં ઝારખંડ મૂક્તિ મોરયા લાંચ કેસમાં સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી એવો નિર્ણય લીધો હતો કે 'નોટ ફોર વોટ'ના કિસ્સામાં ધારાસભ્ય કે સંસદસભ્ય સામે કેસ દાખલ થઈ શકે નહીં, કારણ કે તેઓને વિશેષાધિકારો મળેલા છે. ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી આપેલો ચુકાદો સર્વાનુમતિથી પલટાવી દીધો હતો. હવે જો કોઈ સંસદસભ્ય કે ધારાસભ્ય 'વોટ ફોર નોટ' જેવું કોઈપણ કૃત્યુ કરે અને તે પુરવાર થાય, તો તેને કોઈ કાનૂની રક્ષણ કે વિશેષાધિકાર મળશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને આવકાર્યો અને સોશ્યલ-મીડિયાના માધ્યમથી સુપ્રિમ કોર્ટની બેન્ચના ચુકાદાને 'મહાન' ગણાવીને કહ્યું કે આથી સ્વચ્છ રાજનીતિ સુનિશ્ચિત થશે અને લોકોને સિસ્ટમમાં વધુ ઉંડો વિશ્વાસ મળશે. તે પછી વિપક્ષી વર્તુળોમાંથી કેટલાંક દૃષ્ટાંતો સાથે કટાક્ષો પણ થઈ રહ્યા છે.
આ ચુકાદાને આમ તો સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે, પરંતુ દેશભરમાં મોટાપાયે થઈ રહેલા પક્ષાંતરોને સાંકળીને લોકો એવો કટાક્ષ કરી રહ્યા છે કે જ્યાં સુધી 'આયારામ....ગયારામ'ની રાજનીતિને છુપું પ્રોત્સાહન મળતું બંધ નહીં થાય, ત્યાં સુધી 'સ્વચ્છ રાજનીતિ'ની આશા રાખવી નકામી છે અને લોકોને 'સિસ્ટમ'માં કેટલો વિશ્વાસ બચ્યો છે, તે તો હવે 'ઓપન સિક્રેટ' જ છે ને ?
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશે, તે પહેલાં જ એકાદ-બે કોંગીનેતાઓએ રાજીનામા આપ્યા, તેને કેન્દ્રમાં રાખીને જે માહોલ ઊભો કરાઈ રહ્યો છે, તે આપણી સામે જ છે... એક તરફ વિપક્ષી નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે, તો બીજી તરફ દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા કેટલાક સિનિયર નેતાઓ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા છે અથવા તો ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે જોતાં એમ જણાય છે કે, આ તમામ ઘટનાક્રમો પાછળ કોઈ ચોક્કસ રણનીતિ કામ કરી રહી હોવી જોઈએ.... જોઈએ... ચૂંટણી આવતા સુધીમાં કેવા કેવા નવા નવા ખેલ રચાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial