Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ચૂંટણી ટાણે જ 'અંતરાત્મા' જાગે ? નેતાઓના તીખા-તમતમતા નિવેદનો

માવઠાની આગાહીઓ, હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા અને બદલાતા ઋતુચક્ર વચ્ચે એક તરફ તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ માર્ચના અંતિમ સપ્તાહ સુધીમાં કદાચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય, તેવી સંભાવનાઓના કારણે ટોપ ટુ બોટમ રાજનેતાઓ અને કાર્યકરો પણ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે.

દેશમાં રાજકીય ચહલ-પહલ પણ વધી ગઈ છે, અને કેટલાક નેતાઓનો ચૂંટણી ટાણે જ અચાનક જ આશ્ચર્યજનક રીતે 'અંતરાત્મા' જાગૃત થતા પક્ષપલટો કરી રહ્યા છે, તમે બીજી તરફ રાજકીય પક્ષોની વિવિધ રાજકીય ગતિ વિધિઓની સાથે સાથે ઉભય પક્ષે નેતાઓના તીખાતમતમતા નિવેદનો તથા આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો પણ વધી રહ્યો છે.

થોડા મહિનાઓ પહેલાના સમયગાળા સુધી ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસ તરફથી સરકારને અણીયાળા સવાલો પુછતા અને દાયકાઓથી કોંગ્રેસને વફાદાર રહેલા પોરબંદરના ધારાસભ્ય ભાજપમાં જોડાતા જ બદલાયેલા સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસે રામમંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યુ, ત્યારપછી મેં તેના સંદર્ભે મારો સંદેશ (હાઈકમાન્ડ સુધી) પહોંચાડવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતા પક્ષાંતર કરવું પડી રહ્યું છે.

આ મુદ્દે મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. મીડિયા અહેવાલો મુજબ મોઢવાડિયાએ છેક આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધીએ જે સામાજિક અને આર્થિક આઝાદી મળવાની બાકી હોવાની વાત કરી હતી, તેને ટાંકીને કહ્યું કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગાંધીજી અને સરદાર પટેલની જેમ દિવસ રાત જોયા વગર દેશ માટે કામ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સપનું લઈને નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભગવાન શ્રીરામની ખિસકોલોની જેમ કામ કરવા ભાજપમાં જોડાયા છે !

આમ તો અર્જુનભાઈએ ઘણી બધી વાતો કરી, અને કોંગ્રેસ છોડવાના કારણો પણ વર્ણવ્યા, પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દેશ માટે મહેનત કરી રહ્યા છે, તે સમજતા અર્જુનભાઈને આટલા બધા વર્ષો કેમ લાગી ગયા? પક્ષાંતર ના અસલ કારણો શું છે ? વગેરે સવાલો પણ લોકોમાં ઉઠવા લાગ્યા છે. આ મીડિયા-સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાયા, તે તો અપેક્ષિત જ હતું અને ઘણાં સમયથી તે પ્રકારની અટકળો પણ થઈ રહી હતી, પરંતુ ગત ચૂંટણીમાં લોકસભાની જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમની સામે ચૂંટણી લડીને પરાજીત થયેલા કોંગ્રેસના હાલારના દિગ્ગજ નેતા અને કલ્યાણપુર તાલુકાના આહિર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાએ પણ કેસરિયા કર્યા હોવાથી હવે હાલારમાં કોંગ્રેસના તમામ સમીકરણો પણ બદલી ગયા છે, અને કોંગ્રેસ સામે લોકસભાની જામનગરની બેઠક માટે મજબૂત ઉમેદવાર ઊભો કરવાનો પડકાર ઊભો થઈ ગયો છે. હજુ તો ચૂંટણી જાહેર પણ થઈ નથી, ત્યાં કોંગ્રેસના કાંગરાઓ ખરવા લાગ્યા છે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસની હાઈકમાન્ડ પણ કોઈ નક્કર પગલાં લેશે, તેવો આશાવાદ કોંગ્રેસના વર્તુળોમાં વર્તાઈ રહ્યો છે, જ્યારે ઘણાં લોકો પાંચ લાખની લીડ ભાજપનો લક્ષ્યાંક હવે સરળ થઈ જશે, તેવા અનુમાનો પણ કરવા લાગ્યા છે.

રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન પેપરલીકનો મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે પેપરલીક માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અભિશાપરૂપ છે. છેલ્લા ૭ વર્ષમાં ૭૦ થી વધુ પેપરલીકની ઘટનાઓએ બે કરોડથી વધુ વિદ્યાર્થીઓના સપના તોડી નાંખ્યા છે અને તેઓના પરિવારો માનસિક અને આર્થિક બોજ અનુભવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ આ મુદ્દે એવું સૂચન પણ કર્યું હતું કે ભ્રષ્ટ, બેદરકાર અધિકારીઓ, નકલ કરનારા માફિયાઓ તથા પ્રિન્ટીગ પ્રેસ વચ્ચેની સાઠગાંઠ ખતમ કરીને દરેક કક્ષાએ (ટોપ ટુ બોટમ) જવાબદારી નક્કી કરવાની જરૂર છે. તેમણે ગૌણ પસંદગી સેવા મંડળ તથા સરકાર પણ આ માટે જવાબદાર હોવાનો અભિપ્રાય વ્યકત કરીને કહ્યું કે કોંગ્રેસ લોકોના સૂચનો, તરફથી નિષ્ણાતોના અભિપ્રાયો તથા બનેલી ઘટનાઓના અભ્યાસના આધારે એક ફુલપ્રૂફ પ્લાન તૈયાર કરી રહી છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય તથા મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવાનું વિઝન ટૂંક સમયમાં રજુ કરવાની તેમણે પ્રતિબદ્ધતા દર્શાવી, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલાં જ જે રીતે કોંગ્રેસના દિગ્ગજોના રાજીનામા પડી રહ્યા છે, અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તે પ્રિ-પ્લાનેડ હોય અને વિપક્ષને નામશેષ કરવાની દિશામાં શાસક ગઠબંધન આગળ વધી રહ્યું હોય તેવી આશંકાઓ પણ વ્યકત થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અત્યારે પક્ષાંતર કરી રહેલા નેતાઓને સ્વાર્થી ગણાવ્યા અને કહ્યું હતું કે પોતાના ધંધા-રોજગાર સાચવવા, કોઈ ડર થી કે પ્રલોભનથી અત્યારે કોંગ્રેસ છોડી રહેલા આ જ નેતાઓ જ્યારે કોંગ્રેસનું પલડું ભવિષ્યમાં ભારે હશે ત્યારે તેઓ પણ આ તરફ ફરીથી આવશે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ પાસે શક્તિશાળી નેતાઓ કે કાર્યકરો નહીં હોવાથી તે વિપક્ષને તોડી રહી છે, પરંતુ કોંગ્રેસ પાસે વફાદાર કાર્યકરો અને નેતાઓની ફોજ છે !

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial