Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જનતાની આશા... યાત્રિકોની આકાંક્ષા.... બસ, આટલી 'ગેરંટી' આપો....

બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દ્વારકાના યાત્રાધામો તરફ યાત્રાળુઓનો પ્રવાહ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દ્વારકાના જગત મંદિર પર દરરોજના ૬ ધ્વજારોહણ, બેટ દ્વારકામાં ધ્વજારોહણ, મહાશિવરાત્રિને લઈને નાગેશ્વર તરફ વધનારો ભાવિકોનો પ્રવાહ અને નાતાલના મીની વેકેશનમાં પર્યટકોની સંખ્યામાં થનારા સંભવિત વધારાને લક્ષ્યમાં લઈને આજથી જ જામનગર, રાજકોટ, પોરબંદરથી દ્વારકા તથા બેટ દ્વારકા માટે ખાસ વધારાની એસ.ટી. બસો તો દોડાવવી જ જોઈએ, પરંતુ સાથે સાથે રાજ્યભરમાંથી લાંબી અંતરની બસ સેવા વધારવાની પણ તાતિ જરૃર જણાય છે. આ માટે કોર્પોરેશનો રાજકોટ ડિવિઝનને પણ ૧૦૦ થી વધુ નવી બસો ફાળવવી જોઈએ, તેમ નથી લાગતું ?

અત્યારે દ્વારકા તરફ જતા તમામ પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પણ મોટાભાગે હાઉસફૂલ જાય છે, તે ઉપરાંત સૌરાષ્ટ્રના યાત્રાધામો અને હરવા-ફરવાના સ્થળોને પરસ્પર જોડતી વાહન-વ્યવસ્થાની ખાનગી ટ્રાવેલ્સની બસો તથા ટેકસીઓ પણ ભરપૂર હોય છે, ત્યારે યાત્રિકો-પ્રવાસીઓને સુખ-સગવડ-સુવિધા સાથે રાજ્ય સરકારના એસ.ટી. કોર્પોરેશનની વધુમાં વધુ બસો મળે, તેવી અપેક્ષા પણ ૧પ૬ બેઠકો આપનારા ગુજરાતીઓ જ નહીં, પરંતુ દ્વારકાની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ રાખી રહ્યા છે. ઘણાં લોકો યાત્રાધામોમાં સ્થાનિક પરિવહનમાં થતી નફાખોરીને નિયંત્રિત કરવાની જરૃર પણ જણાવતા હોય છે, આ દિશામાં રાજ્ય સરકાર તથા એસ.ટી. કોર્પોરેશન જ નહીં, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રો અને દ્વારકા-બેટ દ્વારકાના સંચાલક મંડળો, દેવસ્થાન સમિતિઓએ પણ સક્રિય રહેવું જોઈએ તેમ નથી લાગતું ?

એસ.ટી. બસોની જેમ જ રેલવે તંત્રે પણ રાજકોટથી દ્વારકા અને પોરબંદર વચ્ચે વધુમાં વધુ ટ્રેનો દોડે, જરૃરિયાત મુજબ અવાર-નવાર સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવાય અને લાંબા અંતરની વધુમાં વધુ ટ્રેનો શરૃ થાય તે માટે ફૂલપ્રૂફ અને સમયબદ્ધ આયોજન કરીને અમલી બનાવવું જરૃરી છે, કારણ કે વડાપ્રધાને સુદર્શન સેતુ ખુલ્લો મુક્યો, સ્કૂબા ડાઈવીંગ કર્યુ અને હવે જે રીતે આ યાત્રાસ્થળોની કાયાપલટ થઈ રહી છે, તે જોઈને દેશભરમાંથી વધુમાં વધુ યાત્રિકો, પ્રવાસીઓ, અભ્યાસુઓ ઉમટી પડવાના છે, જેને પહોંચી વળવા રેલવે-બસ સેવા જ નહીં, પણ તમામ સંબંધિત તંત્રોએ પણ અત્યારથી જ તૈયારી રાખવી પડશે તેમ નથી લાગતું ?

દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, હર્ષદ, પોરબંદર અને સોમનાથની રિલિજિયસ ટુરિઝમની શ્રૃંખલા હવે ગ્લોબલ મેપ પર અગ્રીમ હરોળમાં મુકાઈ ગઈ હોવાથી હવે વિશ્વભરમાંથી માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિદેશી પર્યટકો, દર્શનાર્થીઓ, ભાવિકો અને અભ્યાસુઓ પણ દિન-પ્રતિદિન વધવાના જ છે, આ સંભવિત વૈશ્વિક ધસારાને ધ્યાને રાખીને હવે દ્વારકાને આંતરરાષ્ટ્રીય અને ડોબેશિયલ વિમાનોની સુવિધાઓ સાથે તત્કાળ સાંકળીને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ ઝડપથી મળે, તે પણ સમયની માંગ છે, હવે હવાઈ યાત્રા સુગમ, સરળ બની છે, અને થોડી વધુ સસ્તી થઈ જાય, તો સામાન્ય નાગરિકો પણ હવાઈ યાત્રા કરી શકે તેમ છે, ત્યારે તે દિશામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત તંત્રો તત્કાળ કોઈ આયોજન સુનિશ્ચિત કરે તે જરૃરી છે.

અત્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, અને એનડીએ વિરૃદ્ધ ઈન્ડિયાનો સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા  તથા ભાજપ તરફથી 'મોદી કી ગેરંટી'ની જોરદાર ચર્ચા થઈ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારોના નામો જાહેર કરવા લાગ્યા છે, અને જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમ રિપિટ થયા છે, તે આપણે સૌ જાણીએ જ છીએ, અને હવે તેની સામે વિપક્ષના કયા નેતા મેદાનમાં ઉતરશે તેની અટકળો થઈ રહી છે.

આ બધા ઘટનાક્રમો વચ્ચે દ્વારકા-બેટદ્વારકાને સડક, રેલવે અને હવાઈ માર્ગે વધુને વધુ સુખ-સુવિધા સાથે પરિવહનની સેવાઓ મળે, બસો અને ટ્રેનોમાં કોઈ પણ યાત્રિકને ઊભા ઊભા મુસાફરી કરવી ન પડે, સિટી બસો સહિતની સ્થાનિક દર્શન બસ સેવાઓ વધે તથા રિક્ષા-ટેકસી જેવા સ્થાનિક પરિવહનમાં બેફામ નફાખોરી ન થાય, તેવા પ્રબંધો કરવાની 'ગેરંટી' પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન મળશે, તેવી આશા રાજકીય પક્ષો અને નેતાઓ પાસેથી લોકો રાખી રહ્યા હશે, રાઈટ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial