Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

તહેવારોનો ત્રિવેણી સંગમ... હર હર મહાદેવ હર.... કેન્દ્ર-રાજ્યના મહત્ત્વપૂર્ણ નિર્ણયો 'ડોડા'ની મંજુરીના પ્રતિભાવો...

ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધેલા કેટલાક નિર્ણયોની ચર્ચા વચ્ચે આજે ધાર્મિક રાષ્ટ્રીય અને સામાજિક ક્ષેત્રોને સાંકળતો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આજે મહાશિવરાત્રિ છે, જેથી સવારથી જ હરહર મહાદેવની ગુંજથી શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આજે ૮ મી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. તે ઉપરાંત ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળની સ્મૃતિઓને સાંકળતો રાષ્ટ્રીય ભાવના અને દેશભક્તિના સંયોજન સાથે દેશમાં ત્રિવિધ વિશેષતાઓ સાથે ઉજવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્ય સરકારે દ્વારકા-ઓખા પંથકને સાંકળીને 'ડોડા' વિકાસ મંડળની રચના માટે નિર્ણય લીધો છે, તથા કેન્દ્ર સરકારે કર્મચારીઓનું ચાર ટકા મોંઘવારી ભથ્થુ મંજુર કરવા સહિતના કેટલાક નિર્ણયો લીધા છે, તેના પ્રતિભાવો પણ આવી રહ્યા છે, અત્યારે જૂનાગઢના ગીરનારમાં ભક્તિમેળો જામ્યો છે અને સોમનાથ દ્વારકાના નાગેશ્વર, ભડકેશ્વર સહિતના યાત્રાધામોમાં પણ મહાશિવરાત્રિનો ભક્તિમેળો જામ્યો છે.

આજે મહાશિવરાત્રિની ઉજવણીનો રંગ દેશભરમાં જામ્યો છે આજે મહાશિવરાત્રિનું મહાત્મય સમજાવાઈ રહ્યુ છે અને દ્વારકા જયોતિર્લીંગ સહિત દેશભરના શિવાલયોમાં શિવપૂજન થઈ રહ્યું છે. મહાશિવરાત્રિને સાંકળતી ઘણી કથાઓ પ્રચલીત છે. આમ તો દર મહિને વદ ચૌદશના દિવસે શિવરાત્રિ હોય છે, પરંતુ મહાવદ ચૌદશને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને કહેવાય છે કે જે દિવસે સૃષ્ટિનું સર્જન થયું છે, આ દિવસે શિવ-પાર્વતીના વિવાહ થયા હતા, તેવી માન્યતામાં મતમતાંતરો છે. તે ઉપરાંત સમુદ્ર મંથન પછી ભગવાન શિવશંકરે હળાહળ વિષ કંઠમાં ધારણ કર્યું અને નિલકંઠ કહેવાયા તે કથા સાથે પણ મહાશિવરાત્રિને સાંકળવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રભાનુ નામના શિકારી સાથે પણ મહાશિવત્રિને સાંકળવામાં આવે છે. મહાશિવરાત્રી ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ સહિતના વિવિધ દેશોમાં પણ ઉજવાય છે.

આજે આઠમી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવાઈ રહ્યો છે. વર્ષ-ર૦ર૪ ની આ ઉજવણીની થીમ છે. 'મહિલાઓ માટે નિવેશઃ પ્રગતિ વેગીલી બનાવીએ' એ પ્રકારની રાખવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વર્ષ ૧૯૧૦ માં કોપનહેગનમાં એક મહિલા સંમેલન દરમિયાન શરૃ થઈ હોવાનું મનાય છે, પરંતુ આ ઉજવણીની બુનિયાદ વર્ષ ૧૯૦૮ માં ન્યૂયોર્કમાં મહિલાઓની કૂચ દરમિયાન પડી હતી અને વર્ષ ૧૯૦૯ મા સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા દ્વારા ર૮ ફેબ્રુઆરીના મનાવ્યા પછી જુદા જુદા દિવસે થતી ઉજવણીને એકરૃપતા આપવા આ ઉજવણી વર્ષ-૧૯૧૦ માં ચર્ચાઓ થઈ, અને વર્ષ ૧૯૧૧ માં ૧૯ મી માર્ચે આ ઉજવણી થઈ, તે પછી જુદા જુદા દિવસોએ થતી આ વૈશ્વિક ઉજવણી ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આઠમી માર્ચે ઉજવવાનું નક્કી થયું, જેને વર્ષ ૧૯૭પ માં સંયુકત રાષ્ટ્રસંઘે માન્યતા આપી હતી, અને વર્ષ ૧૯૯૬ થી મહિલા કલ્યાણ, મહિલા જાગૃતિ અને મહિલાઓના અધિકારોના વિષયોને સાંકળતી વિવિધ થીમ આધારિત ઉજવણીઓને વેગ મળ્યો. અત્યારે આપણા દેશમાં જ્યારે મહિલા કલ્યાણ, મહિલા સુરક્ષા અને મહિલા જાગૃતિના ક્ષેત્રે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે અને ઘણું કામ પણ થઈ રહ્યું છે. આખો માર્ચ મહિનો વિશ્વમાં મહિલા ઈતિહાસ મહિનો અથવા મહિલા ઉત્કર્ષ માસ તરીકે પણ ઉજવાય છે.

આઠમી માર્ચ-૧૯૩૦ થી જ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે સવિનય કાનૂની ભંગની ઘોષણા કરી હતી, અને ૧ર મી માર્ચથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી દાંડીયાત્રા કાઢી હતી અને મીઠા સત્યાગ્રહ તરીકે ઓળખાતી આ અહિંસક ચળવળે બ્રિટિશ સલતનતના પાયા હચમચાવી નાખ્યા હતા, તેથી આજના દિવસે એક રાષ્ટ્રય તવારીખ પણ નોંધાયેલી છે. આમ આજે તહેવારોનો ત્રિવેણી સંગમ પણ કહી શકાય ખરો....

યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ જાહેર થઈ છે અને કેટલીક ધમધમી રહી છે, તેમાં હવે દ્વારકા-ઓખા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ (ડોડા)ને રાજ્ય સરકારે મંજુરી આપતા સુદર્શન બ્રીજથી જોડાયેલા બેટ દ્વારકા, ઓખા, સુરજકરાડી, શિવરાજપુર, વરવાળાના દસ હજાર હેકટરથી વધુ વિસ્તારનો વિકાસ વેગીલો બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પ્રારંભિક આવકાર મળી રહ્યો છે, અને આ જાહેરાતના વિગતવાર અહેવાલનો અભ્યાસ કર્યા પછી કેટલીક બાબતો વધુ સ્પષ્ટ થઈ જશે, તેવી આશા સેવાઈ રહી છે. અત્યારે પ્રારંભિક તબક્કે આ મુદ્દે મિશ્ર પ્રતિભાવો વ્યકત થઈ રહ્યા છે. આ સાથે સુદર્શન બ્રીજના નિર્માણ પછી ફેરી બોટ સર્વિસ દ્વારા બેટ-દ્વારકા-વચ્ચે મુસાફરોને લાવવા-મૂકવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વૈકલ્પિક રોજગારીની ઉઠી રહેલી માંગ સંદર્ભે પણ કોઈ ચોક્કસ યોજના અંગે વિચારણા થશે, તેવી આશા સેવાઈ રહી છે.

ગઈકાલે મોદી સરકારની વર્તમાન ટર્મની કદાચ છેલ્લી કેબિનેટ હતી, કારણ કે હવે ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જવાની છે, ત્યારે છેલ્લે કેબિનેટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેને ચૂંટણીલક્ષી ગણાવાઈ રહ્યા છે.

આજે જ વડાપ્રધાને એલપીજીમા સિલિન્ડર દીઠ મહિલા દિવસને સાંકળીને રૃા. ૧૦૦ ના ઘટાડાની જાહેર કરી છે. તે પહેલા કેબિનેટમાં પણ સબસિડી ચાલુ રાખવાનું નક્કી કરાયું છે, અને આ સબસિડી વધુ એક વર્ષ સુધી મળતી રહેશે તેમ પણ જાહેર થયું છે.

તે ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૪૬ ટકાથી વધારીને પ૦ ટકા કરાયુ, ઈન્ડિયા, એ.આઈ. મિશન માટે ૧૦ હજાર કરોડથી વધુના ફંડની ફાળવણી, શણના  ટેકાના ભાવોમાં વધારો, કોસ્ટગાર્ડ માટે ૩૪ નવા ધ્રુવ હેલિકોપ્ટર તથા ઉત્તર-પૂર્વના ક્ષેત્રોમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટો માટે પણ રૃા. ૧૦ હજાર કરોડથી વધુના પ્રોજેકટોને મંજુરીના નિર્ણયો પણ કેન્દ્રીય કેબિનેટે લીધા છે. બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને પણ ગુજરાતમાં ભારે ઉત્કંઠા છે, ત્યારે જોઈએ, શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial